અવિસ્મરણીય મુલાકાત : ખાટીસિતરા
બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢ તાલુકાના ઘોડા ગામ થી ઉપરના ભાગે અરવલ્લી ગિરિમાળામાં કુદરતનાં ખોળે રમતું એક ગામ એટલે ખાટીસીતરા. 23 ડિસેમ્બર 2019 ને વિદ્યાર્થીઓ દ્વારા ખાટીસીતારાની અવિસ્મરણીય મુલાકાત લીધી હતી.
સૌ પ્રથમ અમે બધા ઘોડા ગામ પોહોંચ્યાં, ત્યાંથી ખાટીસીતરા સુધી 4 કિલોમીટર ચાલી ને રસ્તો પસાર કરવાનો હતો. રસ્તામાં ચારેકોર અભિનવ વનરાઈ જે બાજુ મીંટ માંડીએ તે બાજુંએ વાતાવરણ થી હરખાઈ ઉઠેલા ખાખરાનાં ઝાડ જ દેખાતા હતા. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત જાણે કે માગશરની ઠંડીથી ઘેલી જ બની ગઈ હતી. માનો કે કુદરત ક્ષણે-ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી હતી. અને તેમાંથી કયું શ્રેષ્ઠ સ્વરૂપ તે નક્કી કરવામાં અમે અસમર્થ બની જતા હતાં. કુદરતનાં સૌદર્ય ને માણવા અને જાણવાનો યુવાનોનો આ ઉત્સાહ અનેરો હતો. તેમના ચાલતા પગનો જુસ્સો નો ઉમંગ દેખતા. ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિ યાદ અપાવે છે.
“ ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોંમ પર યૌવન માંડે આંખ “
રસ્તે ચાલતાં ઝાડ, ફૂલ અને વન પંખીના નામ જાણવાની તક મળતી ન હતી પણ, ખરું પૂછો તો તે નામ જાણવાથી અમારી તૃપ્તિ માં પણ ઉણપ આવતી ન હતી. તેમાં રસ્તે ચાલતા નાનકડી નદી જેવું વાળું અમને ભેટી ને ચાલ્યું ગયું. ને અમે બધા આગળ વધ્યા.
અમે જ્યારે ખાટીસીતરા માં લોકસારથી ફાઉન્ડેશનના પ્રાંગણમાં પહોંચ્યા. ત્યાં નાના-નાના બાળકો દ્વારા અમારું સ્વાગત માટીના તિલક તેમજ ચોખાથી કરવામાં આવ્યું. માનવજીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિ ના જન્મ થી મરણની સુધીની યાત્રામાં માટી સાથે જોડાયેલ રહે છે. આ શુભ સંદેશ સાથે અમે પ્રાંગણમાં પ્રવેશ કરી ત્યાં આવેલ બગીચામાં થોડાંક સમય આરામ કર્યો.
આરામ કર્યા બાદ વિદ્યાર્થીઓમાંથી ચાર ટુકડી પાડવામાં આવી. દરેક ટીમ ને અલગ-અલગ જગ્યા નું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું. અમે સૌ પ્રથમ ત્યાં ની પાઠશાળાની મુલાકાત લીધી. અહીંયા ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળા છે. જેમાં 170 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યાં થી અમે આજુબાજુ આવેલા ઢોળાવ પરનાં ખેતરો તથા ત્યાં રહેતી આદિવાસી જાતિ ડુંગરી ગરાસિયા નાં લોકો થી મળ્યા. આ ગામ કુલ 123 ઘર તથા 745 વસ્તી ધરાવે છે. પોતાની આગવી વિશેષતા કારણે આગવી ઓળખ ધરાવે છે. ત્યાં ના લોકો પાસે થી એક લોકગીત પણ સાંભળવા મળ્યું. જેના શબ્દો આ પ્રમાણે હતા..
“કુણ તમારી મા તલાડી ભાલુરામાં દિવડા ભરે ...!”
તેમાંના ઘરો માટી તથા લીપણ કરી બનાવેલા હતા. ઘર ની અંદર ઘડા, કુલડી, કોડીયા, હાંડલા, માટી નાં ચૂલા તથા અનાજ સંગ્રહ કરવા માટે વિવિધ ભાત કરેલ કોઠીયો હતી. ત્યાં વસતાં લોકો તેમના મતે નિર્જીવ ઝાડ-પાંન બધુ જ સજીવ છે, પહાડો ને પિતા થતા અને નદીઓને માતા તરીકે પૂજે છે. યુગ પરિવર્તન થઈ રહ્યું છે. પણ આદિવાસી જાતિ પોતાની સંસ્કૃતિ, કલા અને પ્રકૃતિ ને હજુ પણ સાચવી રાખી છે. વન, પર્વત, નદી,વનસ્પતિ, પશુ,પંખી પોતાનો શ્વાસ ગણી પોતાના અંગ જ ગણે છે.
ત્યાર બાદ અમે ત્યાંની હોસ્ટેલની મુલાકાત લીધી. હોસ્ટેલમાં આશરે 40 વિદ્યાર્થીઓ રહેતા હતા. તેઓ દૂર ના વિસ્તાર અને આજુબાજુ ગામડાંનાં પછાત વિસ્તારમાંથી આવતાં હોય તેવા બાળકો ત્યાં રહેતા હતા. ત્યાં નું રસોઈ ગૃહ પ્રાંગણ ની જેમ જ સ્વચ્છ અને સુંદર ગોઠવણી કરેલ હતું. તે બધા નું નિરીક્ષણ કર્યા બાદ સાથે મળી સમૂહ ભોજન કર્યું.
ખાટીસીતરા કોઈ જગ્યા નું નામ માત્ર ન હતુ. તે એક તપસ્યા નું સ્થળ હતું. ત્યાં ના તપસ્વી તથા લોકસારથી ફાઉન્ડેશન પ્રમુખ મુસ્તુ ભાઈ.મૂળ ભાવનગર અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ માં માસ્ટર ઓફ સોશ્યિલ વર્ક (MSW) કરી. સેવાની શોધમાં નીકળી પડેલા મુસ્તુભાઈ આવી પોહોંચ્યા ખાટીસીતરા ગામ. એક બાવળનાં નીચેથી સેવાની શરૂઆત કરેલી. થોડા દિવસો બાદ ત્યાં ના લોકો એ એક છાપરું બાંધી આપ્યું. 20મી સપ્ટેમ્બર, 2012 ના રોજ પ્રેમ રૂપી આ પરિવાર બનાવાની શરૂઆત થઈ હતી. તે દિવસ થી તેમના ખાટીસીતરા માં સેવાયજ્ઞ ની શરૂવાત કરેલી અને તેમના અથાગ પ્રયત્નોથી આજે ગામમાં સોલાર-પેનલ હોય કે, પાણી ના પ્રશ્નો, પ્રાથમિક શાળા ની શરૂવાત તેનું સફળ સંચાલન, ત્યાં ના બાળકો માટે હોસ્ટેલ, ગામ ના પ્રશ્નો નિવારણ માટે તેઓ સદાય ખડે – પગે રહે છે. પોતાનું સમગ્ર જીવન ગામ લોકોની સેવા અર્પણ કરી દીધું છે. આ હતો મુસ્તુ ભાઈ નો ટૂંકો પરિચય પણ આ ઉમદું વ્યક્તિત્વ ધરાવતા મસ્તુ ભાઈ ને રૂબરૂ મળીયે અને ખાટીસીતરા ની મુલાકાત લઈએ ત્યારે જ વધુ ખ્યાલ આવે.
ત્યાં ના બાળકો સાથે વિવિધ પ્રવત્તિઓ કરી, તેમને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવાડ્યું, તેમના સાથે કેક કાપી ને જન્મ દિવસ ની ઉજવણી કરી, અમારાવિદ્યાર્થીઓ માંથી જ “પ્રોજેક્ટ નિષ્ઠા” હેઠળ હોસ્ટેલ માં રહેતા બાળકો ને સ્ટડી કીટ થતા ગણવેશ આપવામાં આવ્યા. અમે બધા એ ત્યાંથી વિદાય લીધી. પરંતુ ત્યાં નું વાતાવરણ, ત્યાંના લોકો અને એ બાળકો ની અવિસ્મરણીય યાદો અમારા દિલ હંમેશા સચવાઈ ને રહશે. કોઈપણ સુવિધા કે સવલત વગર નું જીવન જીવતાં છતાં પણ ચહેરા પર એક અદભૂત હાસ્ય એ અમને ઘણું બઘું શીખવી ગયું. આ મુલાકાત અમારા માટે એક પ્રેરણારૂપ બની ગઈ.
આ ગામ ની મુલાકાતથી મને એક મહાન કવિની કવિતા યાદ આવી ગઈ.
જ્યાં ધૂળ, ઢેફા ને પાણાં હોય,
ભીંતે-ભીંતે છાણાં હોય,
ટાંણાં એવા ગાણાં હોય ને,
મળવા જેવા માણહ હોય,
જ્યાં ઉકરડાંને ઓટા હોય,
બળદીયાના જોટા હોય,
પડકારોના હાકોટા હોય,
પણ ઈ માણસ મનનાં મોટા હોય,
માથે દેશી નળીયા હોય,
વિઘા એકનાં ફળીયા હોય,
બધા હૈયાબળીયા હોય ને,
કાયમ મોજે દરીયા હોય,
ત્યાં સામૈયા ફુલેકા હોય,
તાલ એવા ઠેકા હોય,
મોભને ભલે ટેકા હોય,
પણ એ દિલના ડેકા-ડેકા હોય,
જ્યાં ગાય,ગોબર ને ગારો હોય,
આંગણ તુલસી ક્યારો હોય,
ધરમનાં કાટે ધારો હોય પણ,
સૌનો વહેવાર સારો હોય,
ભમરડા ભણકારા હોય,
ડણકું ને ડચકારા હોય,
ખોંખારા- ખમકારા હોય પણ,
ઇ ગામડાં શહેર કરતા સારા હોય,
ઇ ગામડાં શહેર કરતા સારા હોય.
ગામ માં માત્ર લોકો નથી વસતાં, પરંતુ વસે છે, આપણા દેશ ની મહાન સંસ્કૃતિ, આપણી લોકબોલી, આપણી કલા, રીત-રસમો,ને ઘણું બધું આ બધું લખ્યા બાદ ફરી વાર હું આ વાંચન નાં સહારે વારંવાર ત્યાં મુલાકાત લેતાં રહો છું.
- મહાવીર સોઢા