Mahatma Gandhi ji

Classics

0  

Mahatma Gandhi ji

Classics

મારી મૂંઝવણ

મારી મૂંઝવણ

4 mins
600


બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અધરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો. કાયદામાં મેં કેટલાક ધર્મસિદ્ધાંતો વાંચ્યા તે ગમ્યા. પણ તેમનો ધંધામાં કેમ ઉપયોગ કરી શકાશે એ સમજ ન પડી. 'તમારું જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.' આ તો ધર્મવચન છે. પણ તેનો, વકિલાતનો ધંધો કરતાં અસીલના કેસમાં કેમ ઉપયોગ કરી શકાતો હશે એની ગમ ન પડી. જેમાં એ સિદ્ધાંતનો ઉપયોગ થયો હતો એવા કેસ વાંચી ગયો હતો, પણ તેમાંથી એ સિદ્ધાંત લાગુ પાડવાની યુક્તિ મને ન જડી.

વળી હિંદુસ્તાનના કાયદાનું તો વાંચેલા કાયદામાં નામ સરખુંયે નહોતું. હિંદુ શાસ્ત્ર, ઇસ્લામી કાનૂન કેવા હશે એયે ન જ જાણ્યું. દાવાઅરજી ઘડતાં ન શીખ્યો. હું તો ખૂબ મૂંઝાયો. ફિરોજશા મહેતાનું નામ સાંભળ્યું હતું. એ અદાલતોમાં સિંહની જેમ ગર્જના કરે છે તે વિલાયતમાં કઈ રીતે શીખ્યા હશે ? તેમના જેટલી હોશિયારી તો આ જન્મે આવવાની નથી જ, પણ વકીલ તરીકે આજીવિકા મેળવવાની શક્તિ આવવા વિષે પણ મને મહા શંકા પેદા થઇ.

આ ગડમથલ કાયદાનો મારો અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ ચાલતી હતી. મારી મુશ્કેલીઓ એક બે મિત્રોને જણાવી. તેમણે દાદાભાઈની સલાહ લેવા સૂચવ્યું. દાદાભાઈ ઉપર મારી પાસે કાગળ હતો એ તો હું અગાઉ લખી ચૂકયો છું. એ કાગળનો ઉપયોગ મેં મોડો કર્યો.એવા મહાન પુરુષને મળવા જવાનો મને શો અધિકાર હોય? તેમનું કયાંક ભાષણ હોય તો હું સાંભળવા જાઉં ને એક ખૂણે બેસી આંખ ને કાનને તૃપ્ત કરી ચાલ્યો આવું. તેમણે વિધાર્થીઓના સમાગમમાં આવવા સારુ એક મંડળ પણ સ્થાપ્યું હતું. તેમાં હું હાજરી ભરતો. દાદાભાઈની વિદ્યાર્થીઓ પ્રત્યેની કાળજી જોઈ તેમ જ વિદ્યાર્થીઓનો તેમના પ્રત્યેનો આદર જોઈ હું આનંદ પામતો. છેવટે તેમને પેલો ભલામણપત્ર આપવાની હિંમત તો મેં કરી. તેમને મળ્યો. તેમણે મને કહેલું: 'તારે મને મળવું હોય ને કંઈ સલાહ જોઇતી હોય તો જરૂર મળજે.' પણ મે તેમને કદી તસ્દી ન આપી. બહુ ભીડ વિના તેમનો વખત રોકવો મને પાપ લાગ્યું. એટલે મજકૂર મિત્રની સલાહને વશ થઇ દાદાભાઈની પાસે મારી મુશ્કેલીઓ રજૂ કરવાની મારી હિંમત ન ચાલી.

તે જ મિત્ર કે કોઈ બીજાએ મિ. ફ્રેડરિક પિકટને મળવાની મને સૂચના કરી. મિ. પિકટ કૉન્ઝરવેટિવ પક્ષના હતા. પણ તેમનો હિંદીઓ પ્રત્યેનો પ્રેમ નિર્મળ ને નિ:સ્વાર્થ હતો. ઘણા વિદ્યાર્થીઓ તેમની સલાહ લેતા. તેથી તેમને ચિઠ્ઠી લખી મેં મળવાનો વખત માગ્યો તેમણે વખત આપ્યો. તેમને મળ્યો. આ મુલાકાત હું કદી ભૂલી નથી શકયો. મિત્રની જેમ તેઓ મને મળ્યા. મારી નિરાશાને તો તેમણે હસી જ કાઢી. 'તું એમ માને છે કે બધાને ફિરોજશા મહેતા થવાની જરૂર છે ? ફિરોજશા કે બદરુદ્દીન એક બે જ હોય. તું ખચીત માનજે કે સામાન્ય વકીલ થવામાં ભારે હોશિયારીની જરૂર નથી હોતી. સામાન્ય પ્રામાણિકતાથી ને ખંતથી મનુષ્ય વકીલાતનો ધંધો સુખેથી ચલાવી શકે. બધા કેસોમાં કંઈ આંટીધૂંટીઓ નથી હોતી. વારુ, તારું સામાન્ય વાચન શું છે ?'

મેં જ્યારે મારા વાચનની વાત કરી ત્યારે તેઓ જરા નિરાશ થયા એમ મેં જોયું. પણ તે નિરાશા ક્ષણિક હતી. તુંરત પાછું તેમના ચહેરા ઉપર હાસ્ય છવાયું ને તેઓ બોલ્યા:

'તારું દર્દ હવે સમજયો. તારું સામાન્ય વાચન બહુ થોડું છે. તને દુનિયાનું જ્ઞાન નથી. વકીલને તે વિના ન ચાલે. તેં તો હિંદુસ્તાનનો ઈતિહાસ પણ નથી વાંચ્યો. વકીલને મનુષ્યસ્વભાવની ખબર હોવી જોઈએ. તેને ચહેરા ઉપરથી માણસને ઓળખતાં આવડવું જોઈએ. વળી, દરેક હિંદુસ્તાનીને હિંદુસ્તાનના ઈતિહાસનું પણ ભાન હોવું જોઈએ. આને વકીલાત સાથે સંબંધ નથી, પણ તે જ્ઞાન તને હોવું જોઇએ. હું જોઉં છું કે તેં કે અને મૅલેસનનું ૧૮૫૭ના બળવાનું પુસ્તક પણ નથી વાંચ્યું. એ તો તુરત વાંચી જ જજે.' આમ કહી લૅવેટર અને શેમલપેનિકનાં મુખસામુદ્રિક વિદ્યા (ફિઝિયૉગ્નૉમિ) ઉપરનાં પુસ્તકનાં નામ લખી આપ્યાં.

મેં આ બુજરગ મિત્રનો ખૂબ આભાર માન્યો. તેમની હાજરીમાં તો મારી ભીતિ ક્ષણભર જતી રહી, પણ બહાર નીકળ્યો કે તુરત મારો ગભરાટ પાછો શરૂ થયો. ચહેરા ઉપરથી માણસને ઓળખી કાઢવો એ વાકય ગોખતો અને પેલાં બે પુસ્તકોનો વિચાર કરતો ઘેર પહોંચ્યો. બીજે દિવસે લૅવેટરનું પુસ્તક ખરીદ્યું. શેમલપેનિકનું તે દુકાને ન મળ્યું. લૅવેટરનું પુસ્તક વાંચ્યું. પણ તે તો સ્નેલના કરતાં અઘરું લાગ્યું. રસ પણ નહીં જેવો લાગ્યો. શેકસપિયરના ચહેરાનો અભ્યાસ કર્યો. પણ લંડનના રસ્તાઓ પર ચાલતા શેકસપિયરોને ઓળખવાની શક્તિ તો ન જ આવી.

લૅવેટરમાંથી મને જ્ઞાન ન મળ્યું. મિ. પિંકટની સલાહનો સીધો ઉપયોગ મને થોડો જ થયો, પણ તેમના સ્નેહનો ઉપયોગ બહુ થયો. તેમના હસમુખો ઉદાર ચહેરો યાદ રહી ગયો. તેમનાં વચન ઉપર શ્રદ્ધા રાખી કે, વકીલાત કરવા સારુ ફિરોજશા મહેતાની હોશિયારી, યાદશક્તિ, વગેરેની આવશ્યકતા ન હોય; પ્રામાણિકપણાથી ને ખંતથી કામ ચલાવાશે. એ બેની મૂડી તો મારી પાસે ઠીક પ્રમાણમાં હતી એટલે ઊંડે કંઇક આશા આવી.

કે અને મૅલેસન અનું પુસ્તક તો હું વિલાયતમાં ન જ વાંચી શકયો. પણ તે પહેલી તકે વાંચી લેવા ધાર્યુ હતું. તે મુરાદ દક્ષિણ આફ્રિકામાં બર આવી.

આમ નિરાશામાં જરાક જેટલું આશાનું મેળવણ લઈ ધ્રુજતે પગે હું મુંબઈને બંદરે 'આસામ' સ્ટીમરમાંથી ઊતર્યો. બંદર પર દરિયો ગરમ હતો. લૉન્ચમાં ઊતરવાનું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Classics