STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

મારી માવડીને

મારી માવડીને

3 mins
14.4K


“સોનબાઈ તું આવી.” આ શબ્દો હવે કાને નથી પડવાના.

“લાવ તારી સોયમાં દોરો પરોવી દઉં.”

“હા, ઠાકોરજીની માળા કરવા મોગરો અને ગુલાબ લાવવાનું ભૂલી નથી!”

“અરે, આજે ભૂલેશ્વરથી આવતાં સરસ મજાનાં કંટોળા જોયા. મોંઘા હતાં પણ ઠાકોરજીને માટે લાવી.”

“મમ્મી તું શું ફાકે છે, મને થોડું આપ!”

આ બધા વાક્યો કાનમાં ગુંજે છે. સામે તરવરી ઊઠે મારી વહાલી મમ્મીનો પ્રેમાળ ચહેરો. આજે તો તે હયાત નથી. અમે પાંચ ભાઈ બહેનો. બધાના ઉછેર એક સરખા પ્યાર દ્વારા થયા. તે જમાનામાં પણ અમે મમ્મી કહેતાં હતાં. હવે મમ્મી, મારા પિતાજીના ઘરમાં સહુથી મોટી હતી. સહુથી નાના કાકા તો જાણે મારી મમ્મીને જ મા સમજતા.

મમ્મીએ પણ કોઈ દિવસ તેમને ઓછું આવવા દીધું ન હતું. મારા બીજા નંબરના પૂ.કાકા તેમના લગ્ન પછી જ્યારે પિતા થયા તો કાકી નાનું બાળક મૂકી વિદાય થયા. હું અને મારા કાકાનો દીકરો લગભગ સરખી ઉંમરનાં. કાકાએ તેમનો દીકરો મારી મમ્મીને સોંપી દીધો. હા, તેણે મારા દૂધમાં ભાગ પડાવ્યો. બદલામાં મને નાનો ભાઈલો મળ્યો. મારા બન્ને ભાઈ ઉંમરમાં મારાથી મોટા છે. આ ભાઈ ચાર મહિના નાનો હતો. મારી મમ્મીને આખી જિંદગી મમ્મી કહીને બોલાવતો.

આવી પ્રેમાળ મા પામવા માટે હું ભાગ્યશાળી બની હતી. કાકાએ ફરીથી લગ્ન કર્યા. નવી કાકી એ ઓરમાન દીકરાને પોતાના બાળકો કરતાં અદકેરો ગણ્યો. જેનું મોત એ દીકરાએ જ સુધાર્યું. જીવનની અંતિમ ક્ષણ સુધી.

હજુ તો કાકાનો દીકરો પોતાને ત્યાં ગયો નથી ત્યાં મારા મોટામામાનો સહુથી મોટો દીકરો અમારે ત્યાં આવ્યો. અમારી સાથે જ શાળામાં પણ ગયો. કેટલાય વર્ષો સુધી એ મામાનો દીકરો છે એવી મને ખબર ન હતી. વર્ષો પછી જાણવા પામી.

આવી મારી માવડી સહુને પોતાના પ્યારથી ભિંજવતી. કુટુંબમાં સહુના કામ કરી કાયા ઘસતી. જમાડવા બેઠી હોય ત્યારે અન્નપૂર્ણા ભાસે. તેની શિખામણ ડગલેને પગલે યાદ આવે. તમે માનશો અમેરિકાથી જેઓ ભારત ફરવા જાય છે તેમના મોટાભાગના પગ મચકોડીને પાછાં આવે છે. કારણ સ્વાભાવિક છે. આપણા દેશમાં ફુટપાથમાં ખાડા હોય. કોઈ ઠેકાણે ઈંટ ટૂટેલી હોય.

સાચું કહું છું ૩૮ વર્ષમાં હજુ સુધી પગ ભાંગ્યો નથી. તેનો યશ મારી વહાલી મમ્મીને જાય છે. નાનપણથી એક શિલાલેખ મગજમાં કોતર્યો હતો. “હંમેશા વિચાર ઉંચા રાખો નજર નીચી રાખો”. આ વાત મમ્મીએ જણાવી હતી. જેનું સ્મરણ આજ સુધી છે ! આ ખૂબ સામાન્ય વાત છે. એવાં તો કેટલા મીઠા સ્મરણો યાદ કરું.

૬૪ વર્ષની ઉંમરે જ્યારે એક વર્ષ માટે ભારત યોગનું શિક્ષણ લેવા ગઈ ત્યારે એ જ મા છાતી ઠોકીને કહી શકી; “આ કામ મારી દીકરી જ કરી શકે!” કેટલો આત્મ વિશ્વાસ. શ્રીનાથજી પર લખેલાં ભજન સહુ પ્રથમ તેને સંભળાવવાના. તેની શ્રીજી પરની અપાર શ્રદ્ધા આજે રગ રગમાં સમાઈ છે.

“બસ મમ્મી. આમ તો તું રોજ યાદ આવે છે. આજે તને પ્યાર સહિત ચરણોમાં પ્રણામ.

આજના ‘મધર્સ ડે’ના શુભ દિવસે તારી યાદનો દીપક જલાવું છું.

તારી વચલી દીકરી.”

આવી જ પ્રેમાળ એક બીજી માને યાદ ન કરું તો મને છટ છે ! એ છે મારા પતિની પ્રેમાળ માતા, મારા પૂ સાસુજી. ખબર નહીં તેમને પહેલીવાર જોયા ત્યારથી હૈયે વસ્યા હતા. સુંદર મુખડું, આંખમાં અમી અને સ્મિત રેલાવતા હોઠ. મારા પતિને ખૂબ પ્યારા તેથી પણ કદાચ મને ખૂબ વહાલા હતા. ‘પવિના’ કહે એટલે મારા દાદીમાની યાદ અપાવે.

ઘણીવાર મનમાં થતું જો બધી ‘વહુ’ઓ સાસુને પતિની મા ગણી આદર આપે તો આ ‘સાસુ વહુની’ ટી.વી.માં આવતી સિરિયલોનો ધંધો બંધ થઈ જાય ! દરેક વહુએ શિલાલેખ કોતરવો જોઈએ “સાસુએ આપણા પ્યારા પતિની મા છે.” બા કહું એટલે એમને પણ ખૂબ મારા પર પ્યાર આવતો. બાને શું ગમે એ પતિ તેમ જ ભાભી પાસેથી જાણ્યું હતું. અરે એક પ્રસંગતો આજે યાદ આવે ત્યારે તેમને પ્રત્યે આદરથી શિર ઝૂકી જાય.

જ્યારે પણ લગ્નમાં જવાનું હોય ત્યારે અમે બાને લેવા જઈએ. તે દિવસે મેં વાળ બહાર સેટ કરાવ્યા હતા. આ એ સમયની વાત છે જ્યારે હું બાવીસ વર્ષની હતી.

બાને લાડથી પૂછ્યું, “બા, આજે હું માથે નહીં ઓઢું તો ચાલશે?”

બા સમજી ગયા કે ભણેલી વહુ છે છતાં મારી રજા માગે છે. બાએ હસીને મારા માથા પર છેડો ન રાખવાની મંજૂરી આપી. ત્યારથી મનોમન નક્કી કર્યું કાંઈ પણ જુદું કરવું હોય તો બાની મંજૂરી મેળવવાની. તેમને ગમે છે. નાની હતી એટલે પ્યાર ખૂબ પામી હતી. “બા” આજે તમને ભાવ, પ્રેમ અને આદર પૂર્વક પ્રણામ કરું છું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational