મારી કુસુમ !
મારી કુસુમ !
કમ્પ્યુટર ઉપર પોતાની નવલિકા ‘સ્ત્રીદાક્ષિણ્ય’ને આખરી ઓપ આપ્યા પછી એ લેખક મહાશય ભૂતકાળમાં સરી પડ્યા અને માધ્યમિક શિક્ષણકાળના દસમા ધોરણના સંસ્કૃતના પિરિયડની પાટલી પર ગોઠવાઈ ગયા. ગુરુવર્ય પંડિતજી પ્રદ્યુમ્ન ઝા સર ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શબ્દને વિશદ રીતે સમજાવી રહ્યા હતા. સ્ત્રીઓ પરત્વેનું સન્માનીય વર્તન એ ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શબ્દનો મૂળભૂત અર્થભાવ હતો. આમ તો સંસ્કૃતના પિરિયડમાં હંમેશાં ઝોકાં ખાનારા એવણને ‘સ્ત્રી’ને લગતી આ વાતમાં એ વખતે તો રસ પડ્યો હતો. સરકારમાન્ય સંસ્કૃત પાઠશાળાની ઉચ્ચતમ ઉપાધિ ધરાવતા પ્રખર જ્ઞાની એવા એ સરે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” અર્થાત્ ‘જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે.’ એ શ્લોકને પણ પોતાના અધ્યાપનમાં સાંકળી લીધો હતો. આપણા આ મહાશય એટલે કે શ્રીમાન નવીનચંદ્રે માની લીધું હતું કે એ સતયુગ હશે અને તેથી લોકોને એવી નારીપૂજા થતી ભૂમિમાં દેવો વાસો કરતા પ્રત્યક્ષ દેખાતા હશે!
ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી જતાં નવીનચંદ્રે વિચારવા માંડ્યું કે આધુનિક યુગમાં સ્ત્રીદાક્ષિણ્ય અત્ર-તત્ર-સર્વત્ર એટલું વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે કે આપણા એ સ્વર્ગ-વાસી દેવો પૃથ્વી ઉપર કામચલાઉ માત્ર વાસ કરવાના બદલે કદાચ આવાસ બાંધીને નિવાસ કરતા હશે! આપણે કળિયુગી જીવો હોઈ એ તેત્રીસ કરોડ મહાલયો ભલે આપણને દેખાય કે ન દેખાય, પણ આપણને સ્ત્રીદાક્ષિણ્યનો પ્રભાવ તો જ્યાં જ્યાં નજર આપણી ઠરે ત્યાં ત્યાં દેખાય જ છે. શાળા-મહાશાળાઓની અલગ બેઠકવ્યવસ્થાઓમાં, મતદાનમથકો-બસ-રેલવેસ્ટેશન કે થિયેટરોની અલગ લાઈનોમાં, જમણવારોની પંગતોમાં કે સમારંભોમાં, લોકશાહી શાસનમાં સ્ત્રીઅનામત બેઠકોનાં આંદોલનોમાં, પરીક્ષાઓનાં પરિણામોમાં ઝળકતા તેજસ્વી તારલાઓની યાદીઓમાં, કાર્યાલયોમાં, રમતનાં મેદાનોમાં, સાહિત્યજગતમાં – યાદી ઘણી લાંબી થઈ શકે – વગેરે ક્ષેત્રોમાં નારીઓનું પ્રભુત્વ વર્તાઈ રહ્યું છે અને વધી પણ રહ્યું છે. એ દિવસો દૂર નથી કે હાલનો પિતૃમૂલક સમાજ ધરમૂળથી બદલાઈને કદાચ માતૃમૂલક સમાજ પણ બની રહે!
નવીનચંદ્ર વિચારતંદ્રામાંથી સફાળા જાગી ઊઠ્યા અને કોમ્પ્યુટરના માઉસને સહેજ હલાવીને સ્ક્રીન ઉપર તેમની નવલિકા ‘સ્ત્રીદાક્ષિણ્ય’ને દૃશ્યમાન કરીને સ્ક્રોલીંગ દ્વારા પ્રારંભમાં જઈને તેમણે પુન: વાંચવી શરૂ કરી. નવલિકાના વાંચન દરમિયાન વચ્ચે વચ્ચે નવીનચંદ્ર ગ્લાનિમાં ઘેરાઈ જતા હતા. કઠોર સાસરિયાં શારીરિક અને માનસિક ત્રાસ આપીને કોઈ કન્યાને પિયર તરફ હડસેલી દે તેમ તેમની ‘સ્ત્રીદાક્ષિણ્ય’ વાર્તાને સામયિકોનાં કાર્યાલયોમાંથી અગાઉની વાર્તાઓની જેમ તાગેડી મૂકવામાં આવશે કે શું? શું તેઓ ‘સ્ત્રીદાક્ષિણ્ય’ તરફ સ્ત્રીદાક્ષિણ્યનો અહોભાવ નહિ દર્શાવે? એમને એ જ સમજાતું ન હતું કે આખરે એ વાર્તાસામયિકોના તંત્રીઓ કે સંપાદકો વાર્તાકાર પાસે કેવી અપેક્ષાઓ રાખતા હોય છે? શું એ લોકો નામાંકિત સર્જકોને જ પોંખશે અને નવોદિતોને નહિ જ અપનાવે? શું એ સાસુઓ એક કાળે વહુઓ ન હતી? એ સામયિકોવાળા સ્ત્રીલેખકો તરફ આટલા બધા કેમ ઢળી જતા હશે? શું તેઓ સ્ત્રીદાક્ષિણ્યનો અતિરેક તો નથી કરી રહ્યાને? સ્ત્રીઓની સાવ નકામી વાર્તાઓ પસંદ કરતી વખતે એ તંત્રીઓને તેમનાં સામયિકોની પ્રતિષ્ઠાનો પ્રાણપ્રશ્ન નહિ સતાવતો હોય? શું પુરુષલેખકોએ તેમનાં સર્જનોનો સાહિત્યજગતમાં પગપેસારો કરાવવા જાતિપરિવર્તન કરાવીને પુરુષ મટીને સ્ત્રી બની જવાનું? કે પછી શું તેઓ સ્ત્રીનામ ધારણ કરે તો જ તેમની રચનાઓને સ્વીકારવામાં આવે? એ લોકોની આંખો ઉપર સ્ત્રીદાક્ષિણ્યનો એવો તે કેવો પડદો બાઝી ગયો હશે કે તેમને પુરુષલેખકો દેખાતા જ નહિ હોય!
નવીનચંદ્ર અડધી રાતે પુરુષવાદી આંદોલનના નેતાની અદાએ જાણે કે સભા સંબોધતા હોય તેમ સ્વગત પ્રશ્નોની ઝડી ઝીંકતા રહ્યા અને જાત સાથે ઝઘડતા રહ્યા. છેવટે આક્રોશનું શમન થતાં થોડાક વાસ્તવવાદી બનીને આત્મમંથન કરવા માંડ્યા. તેમણે વિચારવા માંડ્યું કે બધાં જ સામયિકો, તેમના સંપાદકો કે તંત્રીઓને એક હરોળમાં બેસાડી દેવાં અને તેમના ઉપર સ્ત્રીઓની તરફેણમાં પક્ષપાતી હોવાનું લેબલ લગાડી દેવું તે વ્યાજબી ન કહેવાય. જો તેઓ પક્ષપાતી હોત તો મોટા ભાગનાં સામયિકોમાં સ્ત્રીલેખકોનું જ પ્રાધાન્ય હોત, પણ સાવ એવું જોવામાં આવતું નથી. વળી જે સામયિકો કે સમાચારપત્રોની પૂર્તિઓમાં સ્ત્રીઓ સંપાદક હોય, ત્યાં પુરુષલેખકોની કૃતિઓ પણ પસંદગી પામતી હોય છે ને!
પરંતુ નવીનચંદ્રના દુ:ખનું સમાધાન ન થયું અને આમ તેમની સંવાદમય મૂક સ્વગતોક્તિ આગળ વધવા માંડી!
‘પણ તેથી તારું શું વળ્યું, નવીન્યા? એ પુરુષલેખકોમાં તારો કોઈ ભાવ પુછાયો, છેલ્લાં કેટલાંય વર્ષોથી અને થોકબંધ વાર્તાઓ લખ્યા પછી પણ?’ નવીનચં
દ્ર છંછેડાઈ જઈને જાતને અપમાનજનક સંબોધને ‘તું’કારથી પૂછી બેઠા!
પરંતુ નવીનચંદ્રની જાત તો સજ્જન હતી ને! તેણે તો સૌજન્યતાપૂર્વક પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘નવીનચંદ્રજી, હું આપની વ્યથાને અને આક્રોશને સમજી શકું છું. આપની પ્રયોગશીલ વાર્તાઓને અને વિષયનાવીન્યને એ લોકો નહિ સમજી શકે. આપની જ અગાઉની વાર્તાનું પાત્ર પછીની વાર્તામાં પાત્ર બનીને તંદ્રાવસ્થામાં પડેલા લેખકને ફરિયાદ કરે કે તેનું અવસાન નિપજાવીને તેનાં આપ્તજનોને કેટલું બધું દુ:ખ પહોંચાડ્યું, એવી પ્રયોગશીલ વાર્તા આપના સિવાય કયો માઈનો લાલ લખી શકે? વળી યાદ કરો કે પેલી માનવ અને માનવેતર પાત્રોના સંયોજનવાળી વાર્તા અને તેમાં વળી કંઠોપકંઠ ચાલી આવતી શિયાળ અને કાગડાવાળી બોધકથાની તેમાં થયેલી બેનમૂન ગૂંથણી! આ બધું આપને યાદ અપાવવાનું તાત્પર્ય માત્ર એટલું જ કે અજગરના ભરડામાં ફસાયેલા અને તેમાંથી છૂટવા આખરી દમ સુધી મથામણ કરતા એ માનવીને દર્શાવતા વિશ્વવિખ્યાત પેઇન્ટીંગને મદ્દે નજર રાખીને; બસ લગે રહો, નવીનભાઈ! સાહિત્યજગત સાથે સંકળાયેલાં સર્વજનની કૃતિના મૂલ્યાંકન માટેની એક જ મોડસ ઓપરેન્ડી હોય છે કે પહેલાં લખનાર કોણ છે તે જોઈ લેવું અને પછી જ નક્કી કરવું કે કૃતિ વાંચવી કે ન વાંચવી. આમ લેખક તરીકેનું આપનું ‘નવીનચંદ્ર’ નામ લોકોને નવીન લાગતું હોઈ આપની વાર્તાઓ વંચાતી જ નહિ હોય! આમ ચયનકારો તરફથી થતા રહેતા આપના પરત્વેના ઘોર અન્યાયનો હું ચશ્મદીદ ગવાહ છું અને છતાંય મારો જીવ બાળવા સિવાય વિશેષ તો હું આપના માટે શું કરી શકું ?’
‘અલ્યા નવલા, પણ સાચું કહું તો હવે હું હતાશ થઈ ગયો છું. આ બાજુમાં પડી પડી સુખનિંદર માણતી મારી ઘરવાળી કુસુમનાં મેણાંટોણાંથી તો હું વાજ આવી ગયો છું. મારી વાલી કહે છે કે આ રાતોના ઉજાગરા કરીને લેખક થવાના ધખારા પડતા મૂકો અને કમ્પ્યુટર ઉપર કોઈ વેપારીઓનાં એકાઉન્ટ લખો તો બે પૈસા ભાળશો. વળી એની બીજી ફરિયાદ એ છે કે સોસાયટીમાં રહેતા ગુજરાતીના પ્રૉફેસરની બાયડી તેના મગજની નસો ખેંચે છે. એ જ્યારે મળે ત્યારે એ જ પૂછતી હોય છે કે નવીનભાઈની વાર્તાઓ શામાં છપાય છે અને અમને વાંચવા તો આપો. એ બાપડીને મારી આબરૂ સાચવવા કહેવું પડે છે કે એમની ઉત્તમોત્તમ વાર્તાઓને સામયિકોમાં કે સમાચારપત્રોમાં છપાવીને પસ્તીમાં જવા દેવા નથી માગતા. એ તો સીધેસીધું પુસ્તક જ છપાવવાના છે. આમ કહેવા છતાંય એ પીછો છોડતી નથી અને કહ્યે જ રાખે છે કે અમારા પ્રૉફેસર સાહેબને તો વાંચવા આપો. એ બિચારા કંઈક સલાહસૂચન આપશે અને જરૂર પડશે તો વાર્તાને મઠારી પણ આપશે!’
‘હંઅ, તો મને લાગે છે કે આપને હતાશામાંથી બહાર કાઢવા પડશે અને તે માટેનો એક જ માર્ગ બચે છે અને તે એ કે આપની આ જ વાર્તા ‘સ્ત્રીદાક્ષિણ્ય’ને યેનકેનપ્રકારેણ કોઈક સામયિક કે સમાચારપત્રમાં અથવા તો પછી કોઈ ઈ-સામયિકમાં છપાવવી જ રહી. વળી અહીં એક ટેકનિકલ બાબતને સાચવવી પડે. આપનાં શ્રીમતીજીના શબ્દો ખોટા પડવા જોઈએ નહિ અને એ માટે આ વાર્તા આપના નામજોગ ન છપાવતાં કોઈ તખલ્લુસ (ઉપનામ)થી છપાવવી પડે. વળી આપણે તખલ્લુસ પણ એવું રાખીએ કે જે સ્ત્રીસૂચક હોય! આનાથી આપનો સાહિત્યજગતમાં સ્ત્રીદાક્ષિણ્યનો મહિમા હોવાનો જે વહેમ છે તેનો ખુલાસો પણ થઈ જશે.’
માંહ્યલા નવીન્યાની શાણી સલાહથી નવીનચંદ્રના ચહેરા ઉપર ચમક આવી ગઈ! હવે તો તેમની જાતને માનપૂર્વક સંબોધતાં તેમણે કહ્યું, ‘નવીનકુમાર, તો તો તખલ્લુસ આપે જ સૂચવવું પડશે. વળી આપણે ખ્યાતનામ કોઈ વિનામૂલ્યે પ્રસિદ્ધ થતા ઈ-સામયિકને જ આ વાર્તા મોકલીએ કે જેઓ લેખકોને કોઈ પુરસ્કાર આપતા નથી હોતા અને આમ આપણે આપણું કોઈ પોસ્ટલ એડ્રેસ પણ આપવું નહિ પડે. સંપર્કસૂત્રમાં આપણું માત્ર ઈ-મેઈલ એડ્રેસ જ આપીશું અને તે પણ નવીન જ બનાવેલું કે જેથી આપણી ઓળખ જાહેર ન થઈ જાય. નવીનકુમાર, હવે જલ્દી બોલી નાખો; આપણું તખલ્લુસ.’
“કહી દઉં? તો બસ આપી જ દો, ‘કુસુમરજ’.”
‘અરે, અરે ! કુસુમ તો ઘરવાળીનું નામ છે!’
‘તે ભલે ને રહ્યું! આપણે તો ‘કુસુમરજ’ રાખીએ છીએ ને! અર્ધસત્ય ગણાશે તો ખરું!’
અને નવીનચંદ્રે ‘સ્ત્રીદાક્ષિણ્ય’ વાર્તાના અંતે કર્તા તરીકે ‘કુસુમરજ’ છાપી દઈને આ મુજબનું અવેજી(Dummy) ઈ-મેઈલ એડ્રેસ પણ આપી દીધું, Kusum-raj <myflower@zmail.kom>! જો કે Usename તો ‘mayflower’ આપવાની ગણતરી હતી, પણ તે અપ્રાપ્ય હતું.
નવીનચંદ્રના માંહ્યલાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, “Username….’myflower!"
“હાસ્તો વળી, ‘યે અંદરકી બાત હૈ !‘ મુજબ ‘મારી કુસુમ!’ હાહાહા…હાહા..હા.”