Valibhai Musa

Drama Inspirational


4  

Valibhai Musa

Drama Inspirational


મારી કાન્તા!

મારી કાન્તા!

6 mins 9.1K 6 mins 9.1K

સંસ્કૃત વિદ્વાન મમ્મટે કવિતાનાં પ્રયોજનો વર્ણવતાં દર્શાવ્યું છે કે કવિતા એ કાન્તાની જેમ ઉપદેશ આપનારી હોય. માટે અહીં આદર્શ કાન્તાને લક્ષમાં લીધી લાગે છે, અને તેથી જ તેના મતે કડવા ઉપદેશને મિષ્ટ વાણીમાં ઘોળીને પાઈ દેનારી ‘કાન્તા‘ સમી કવિતા હોય. નરી ઉપદેશની વાતો કવિતાની કલાની વિષકન્યા સમી બની રહે.

હું કવિતાનાં પ્રયોજનોની ચર્ચા કરવા નથી માગતો, કારણ કે ખુદ મમ્મટે અને કેટલાય કાવ્યમીમાંસકોએ એ કાર્ય બજાવ્યું છે. હું તો કાન્તાનાં પ્રયોજનો વિષે જ ચિંતન કરી રહ્યો છું. વળી આ ચિંતન કાલ્પનિક નથી, પણ સાચે જ આદર્શ લક્ષણોનો યોગ મારી કાન્તામાં થયેલો છે. મારી કાન્તાને લગ્નથી માંડીને આજ સુધી અવલોકી છે. અહીં કરવામાં આવતું તેના ગુણોનું નિરૂપણ એ કંઈ મારી કાન્તાનો પ્રચાર નથી કે મારા સુખી દાંપત્યજીવન વડે દુખિયાઓ સામેનો કોઈ ઉપહાસ પણ નથી! હું મારી કાન્તાના ગુણોનું આલેખન એટલા માટે કરી રહ્યો છું કે જેથી પરિણીત કે અપરિણીત સ્ત્રીઓ મારી કાન્તાના ગુણોમાંથી એકાદનું ગ્રહણ કરે, તો પણ તેમના સંસારને મધુર બનાવી શકે.

તો આ રહી એ મારી કાન્તા!

મારી કાન્તા પ્રત્યેક ક્ષણે મિષ્ટ વાણીમાં મને ઉપદેશ આપે છે. મારી એક જ પ્રકારની ભૂલોની હજારો પુનરાવૃત્તિઓ ટાણે એના એ જ સ્મિત વડે મને સન્માર્ગે દોરે છે. તપસ્વીઓ જ પ્રાપ્ત કરી શકે તેવી આ સિદ્ધિ મારી કાન્તાએ હસ્તગત કરી છે. રોજિંદા જીવનવ્યવહારની નાનીમોટી મારી ક્ષતિઓ ટાણે મારી કાન્તા હકારાત્મક પ્રશ્નાર્થસૂચક ટકોર એવી કમનીયતાથી કરે છે કે એ મને અતિ મિષ્ટ લાગે છે. વળી એવી ટકોર સાંભળવા ખાતર જ એવી ભૂલો અસંખ્યવાર કરવા હું લલચાઉં છું. મારી કાન્તા મારી કપડાં પહેરવાની ઢબ, ભોજનરીતિ, રહનસહન, ઊંઘવાજાગવા, હરવાફરવા કે વાક્-વિનિમય એવા પ્રત્યેક પ્રસંગે મિષ્ટ ઉપાલંભ આપતી સ્મિતને પોતાના ચહેરાથી જરાય અળગું કરતી નથી.

કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના જમા પાસામાં હોય છે, તેનો સ્વર; મારી કાન્તાનો સ્વર રૂપાની ઘંટડી સમો છે તેમ કહેવું ચીલાચાલુ લાગશે, પરંતુ તેથીયે વિશેષ કહું તો તેના મુખમાંથી નીકળતો પ્રત્યેક શબ્દ મારા કર્ણખંડની દિવાલોમાં કેટલાય સમય સુધી ગુંજ્યા કરે છે. આ ગુંજન મારા હૃદયતલને હચમચાવી દે છે અને પ્રત્યેક ક્ષણને મધુરજનીની એ દિવ્ય ક્ષણો સમા રસથી રસી દે છે. વળી ઉચ્ચારણ વખતે થતો તેના ઓષ્ઠનો આરોહઅવરોહ, દંતપંક્તિની સંતાકૂકડી અને તેની જિહ્વાનું હલનચલન એવાં નમણાં અને મનમોહક બની રહે છે કે મારાં નેત્રો એ સૌંદર્યને પામવા જતાં મારી કર્ણેન્દ્રિયને નિષ્ક્રિય બનાવી દે છે, પરિણામે તેણે અવાજનો શો રણકાર કર્યો તેનો ખ્યાલ સુધ્ધાં પણ રહેતો નથી.

મારી કાન્તાનું સૌંદર્ય પરાકાષ્ઠાને પામે તેવું તો નથી, પણ જે કંઈ છે તે મારા મનને અવશ્ય ભાવે છે. મારે મન સૌંદર્ય એ ગૌણ બાબત છે. સંસ્કાર, શીલ અને ચારિત્ર્ય એ જ મારી કાન્તાનું સાચું સૌંદર્ય છે. તેનો વાન ગૌર નહિ, પણ સાધારણ શ્યામ છે. પ્રમાણસરના અવયવો તેના ચહેરા ઉપર એવા સ્થિત છે કે બધા પોતપોતાના સ્થાને શોભી ઊઠે છે. મારે આવા કે તેવા પ્રકારનાં નાક, કાન કે ચક્ષુઓની કોઈ અપેક્ષા સેવવી નથી પડી. વળી આ અપેક્ષાનો કોઈ માપદંડ પણ હજુ સુધી મને લાધ્યો નથી. મારો માપદંડ માત્ર એ જ કે પ્રથમ નજરે હૃદયમાં ઊતરી જાય તેવું ચહેરાનું સૌંદર્ય હોય. કોઈ પણ કલા કે સૌંદર્યને આખરે તો અખંડ જ નીરખી શકાય. કાન્તાના ચહેરા વિષેનો કોઈ સ્પષ્ટ ખ્યાલ મારી પાસે નથી અને કદાચ કોઈની પાસે નહિ હોય. માની લો કે ખુદ વિધાતા કોઈને માટીનો પિંડ આપીને એમ કહી દે કે બનાવી લે તારી કાન્તા આ પિંડમાંથી, તો હું નથી માનતો કે કોઈ તેમ કરી શકે! પોતે ચહેરો કંડારવા બેસે તો મને લાગે છે કે મસ્તકનો ગોળ ભાગ તૈયાર કરીને બેસી જ રહેવાનો સમય આવે! ચહેરાના સ્પષ્ટ ખ્યાલ વિના કામ કેવી રીતે આગળ વધી શકે! આમ મારી કાન્તાના ચહેરા વિષે હું માત્ર એટલું જ કહી શકું તેમ છું કે, 'શી ખબર! કોણ જાણે, પણ મને તેનો ચહેરો જોવો ખૂબ ગમે છે! જોયા કરું, બસ જોયા જ કરું!'

મારું હૃદય અને મારી કાન્તાનું હૃદય અમારાં બંનેનાં શરીરોમાં અલગઅલગ હોવા છતાં અમારી સુખશય્યામાં અમે ધબકાર તો એકસરખો જ અનુભવીએ છીએ, જાણે કે એક જ હૃદયધબકતું ન હોય! મારાં પ્રત્યેક સંવેદનોની અસર એનું હૃદય પણ ઝીલે છે. મારા હર્ષ ટાણે એને હર્ષ થાય છે, મારી વ્યથા ટાણે એ વ્યથા અનુભવે છે. અમારાં મનોમંથનો, અમારાં સ્પંદનો, અમારા આઘાતો અને પ્રત્યાઘાતો, અમારી વેદનાઓ, અમારા ઉલ્લાસો, અમારી આશાઓ, અમારી નિરાશાઓ સર્વ સહિયારાં બની રહે છે.

મારી કાન્તા એ માત્ર સૌંદર્યની પૂતળી બની રહીને મારા શયનખંડની શોભા માત્ર જ બની નથી રહેતી, તે રાંધણકલામાં પણ પાવરધી છે. અમારું રસોડું એ પણ સ્વર્ગીય વાનગીઓ સર્જે છે. મને ઈષ્ટ વાનગીઓ એને ઈષ્ટ હોય છે. મારે કદીય કહેવું નથી પડતું કે ભોજનની થાળીમાં અમુક વાનગીઓ હોય કે પછી વાનગીઓમાં અમુક સ્વાદ હોય. તેની બનાવેલી રસોઈ એટલી આદર્શ હોય છે કે મારે કદીય કોઈ ફરિયાદ નથી હોતી. રસોઈનું સમયપત્રક મારા મનમાં હોય છે અને તેને વાંચવા માટે તેની પાસે દિવ્ય ચક્ષુ છે.

વસ્ત્રપરિધાનકલામાં મારી કાન્તા એવી પારંગત છે કે મારે એ નથી કહેવું પડતું કે અમુક સાડી સાથે અમુક બ્લાઉઝ મેચ થશે. અરે! એના વસ્ત્રપરિધાન માટે તો ઠીક, પણ મારા વસ્ત્રપરિધાન માટે પણ તેની પાસે સૌંદર્યસૂઝ છે. મારાં કપડાં માટેના કાપડની ખરીદી, કપડાંની સિલાઈ, ધોલાઈ સર્વ બાબતો પરત્વે એટલી બધી જાગૃત છે કે રહી રહીને મને એક શંકા થયા કરે છે કે તે સંભવિત પૂર્વજન્મમાં કોઈ વરણાગિયો પુરુષ તો નહિ હોય! તેની કેશગૂંફનની કલા વિષે તો કહેવાનું જ શું હોય! એની એ કલા મારી દૃષ્ટિથી એટલી તો પરિચિત છે કે ગમે તે પ્રકારે તેની કેશગૂંથણી થએલી હોય, પણ મારી દૃષ્ટિને માટે તો તે ફાઈનલ જ હોય છે! ઘરની સજાવટ માટે મારી સમજાવટની તેને જરૂર પડતી નથી. સર્વ ચીજો યથાસ્થાને યથોચિત જ હોય છે.

મારા શોખ અને મારી અભિરુચિઓની એ હંમેશા સહભાગી રહી છે. સાહિત્યકલામાંનો એનો મને મળતો સથવારો ખરેખર અનન્ય છે. જગત આખાયને મારાં સર્જનોથી આંજી દેવાની દિવ્ય પ્રેરણા મને તેના સાન્નિધ્યમાંથી સાંપડી રહે છે. મારી પ્રત્યેક કવિતા, પ્રત્યેક વાર્તા કે નવલકથામાં બસ એ જ હોય છે, એ જ હોય છે.‘ આ કાવ્યમાં આમ હોત તો, આ વાર્તાની નાયિકાને આમ ઉપસાવી હોત તો, આ નવલકથાનો અંત તે રીતે હોત તો‘ વગેરે જેવાં સૂચનો કરતી, મારાં સર્જનોની મુદ્રણ માટેની નકલો કરી આપવા ઉપરાંત જોડણીમાં ખૂબ કાચા એવા મારા માટે તે સાચી જોડણીઓ પણ કરી આપે છે. મોતીના દાણા જેવા અક્ષરો વડે મારાં સર્વ સર્જનોના ઉતારા કરી આપતી મારી કાન્તા મારા સાહિત્યક્ષેત્રે મારી છાયા સમી બની રહે છે.

આમ મારી કાન્તા એ મારી આસપાસ ભિન્નભિન્ન પરિસ્થિતિએ સરખા અંતરે રહેતા વર્તુળના પરિઘ સમી બની રહે છે. હું કેન્દ્રસ્થાને સ્થિત હોઉં છું અને તે નાનાંમોટાં વર્તુળો રૂપે મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી હોય છે. મારી કાન્તાને મારા ઉપરાંત બીજાં ગૌણ બિંદુઓને પણ પોતાના પરિઘમાં સમાવવાં પડતાં હોય છે. આ બધાં બિંદુઓ છે, મારાં માતાપિતા, અમારાં સંતાનો. આ સૌની તે સાથે સૌજન્યપૂર્ણ વ્યવહારથી વર્તે છે. મારાં માતાપિતા પ્રત્યે મારા જેટલી જ તેના દિલમાં ભક્તિ છે. મારા મિત્રો, મારાં સ્નેહીઓ પણ મારી પાસેથી જેટલો પામી શકે તેટલો જ આદરસત્કાર તેની પાસેથી પામે છે. અમારાં બાળકોનો ઉછેર પણ આદર્શ ઢબે થાય છે. બાળમનોવિજ્ઞાનને તો જાણે ઘોળીને પી ગઈ હોય તેમ તેમના ચારિત્ર્યઘડતરમાં મારે કંઈ કહેવું તો નથી પડતું, પણ ઊલટાનું બાળકો પ્રત્યેના મારા કઠોર વર્તાવ ટાણે મને માર્ગદર્શક બની રહે છે. આમ મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી એવી મારી કાન્તા અને હું બેમાંથી એક અને એકમાંથી બે એમ થતાં રહીએ છીએ.

હું નથી ઈચ્છતો કે તે સદાકાળ મારા ઉપર જ છવાયેલી રહે. મારે પણ કેટલાંય સામાજિક અને આર્થિક કારણોસર બહારના જગતમાં આથડવાનું હોય છે. આવા ટાણે તે મને કદીય અવરોધરૂપ નથી બનતી. તેણે મને કદીય પત્નીઘેલો કે મોહાંધ બનવા નથી દીધો કે જેથી હું મારી જવાબદારીઓ પ્રત્યે દુર્લક્ષ સેવું. આવી કોઈક ક્ષણોમાં તેણે એક યા બીજી યુક્તિ કે પ્રયુક્તિ વડે મને સજાગ અને સભાન રાખ્યો છે.

હજુ તો મારી કાન્તા વિષે ઘણું બધું કહી શકું એમ છું! કેમ ન કહી શકું? એ મારી વાસ્તવિક કાન્તા થોડી છે! અતિશયોક્તિની પણ કોઈક હદ હોય તો ખરી ને!


‘તો પછી!‘, તમે પૂછી બેસશો.


તો મારો જવાબ છે, ‘એ તો છે મારી સ્વપ્નકાન્તા!‘


Rate this content
Log in

More gujarati story from Valibhai Musa

Similar gujarati story from Drama