મારા પાડોશી
મારા પાડોશી
મારી બાજુમાં જ મારા દૂરનાં સગા રહે. અમારા ઘરની વચ્ચે માત્ર એકજ દીવાલ હતી. પણ અમારા હૃદય વચ્ચે કોઈ દીવાલ નહોતી. આમ તો મારા દૂરનાં જેઠ થાય પણ સગા કરતા પણ વિશેષ. મારા ત્રણેય બાળકો એમના પાસે જ મોટા થયા. ત્યાં ખાય પીવે ત્યાં જ સૂઈ જાય. અને પોતાના સંતાનની જેમ મારા બાળકો ઉછેર્યા. કઈ કામ હોય,મહેમાન આવ્યા હોય તો, નીલું એટલે મારા જેઠની દીકરી જે ૧૯ વર્ષની હતી. મારા દરેક કામમાં મદદરૂપ થાય. રસોઈમાં કામમાં બધી રીતે મદદરૂપ થાય. મારા બાળકોને નવરાવી પણ દેતી. એને કંઈ જમવાની ઈચ્છા થાય તો એના માટે હું પણ જમવાનું બનાવી એના ઘરે દઈ આવતી અથવા એ મારા ઘરે જમી લેતી.
શાકભાજી લાવવું હોય, કઈ કામ હોય તો એ હંમેશા મારી સાથે આવતી. બપોરના ક્યારેક કોઈ વ્યક્તિ શાક ના ભાવતું હોય તો એ મારે ત્યાંથી લઈ જાય,હું એને ત્યાંથી લઈ આવું. બંનેના દરવાજા રાતદિવસ એકબીજા માટે ખુલ્લા રહેતા. હું બહાર જાવ તો મારા બાળકોને સાચવી લેતા.
મારા બાળક ને પણ એના વગર ચાલતું નહિ. હું ઘીનો શીરો બનાવીને આપુ તો એ ના ખાય. પણ ત્યાં જઈને ઓળો રોટલો પણ ખાઈ લે. મારા બાળકને એની એવી ટેવ પડી કે નીલું ખવરાવે તો જ ખાય. એ નવરાવે તો જ ન્હાય. એને એકબીજા વગર ચાલે નહિ. એની નાની પુત્રી તો મારી બંને પુત્રી સાથે જ મોટી થઈ. મારા ઘરે સૂવે, નાસ્તો પણ મારા ઘરે, કઈ જમવું હોય તો મને જ બનાવવાનું કહે. હવે તો એ બંને બહેનોના મેરેજ થઈ ગયા પણ જ્યારે મધર્સ ડે હોય ત્યારે મારો ફોટો જ રાખે. એ આફ્રિકા છે, આવે ત્યારે મારી પસંદગીની તમામ વસ્તુ એ લાવશે.
પણ એ લોકો બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા ત્યારે મારો પુત્ર ખૂબ બીમાર પડી ગયો. અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને એ મારા જેઠના નામનું રટણ કરતો હતો. મે એને ફોન કર્યો અને એ બીજે દિવસે આવી ગયા અને એની ખુશીમાં મારો પુત્ર સાજો થવા લાગ્યો.
અત્યારે તો એ મારી બાજુમાં નથી પણ હું એની બહુ કમી મહેસૂસ કરું છું. બટેટાની વેફર પણ બંનેની સાથે જ બનાવીએ. મસાલા પણ સાથે જ કરાવીએ. બધું કામ ખૂબ સરળ રહેતું.
કેવો એ સોનેરી સમય હતો. બધાનો સુંદર મજાનો સાથ હતો, દિવસો ગયા પણ યાદ સાથે રહી ગઈ. ઈશ્વરના લાખો શુકરાના અદા કરું છું કે, આવા સુંદર વ્હાલથી ભરપૂર લોકોનો સાથ મને મળ્યો. અને જિંદગીની એ ઉત્તમ પળો સુખ દુઃખમાં એકબીજાનાં સહભાગી બન્યા. જ્યારે હું બીમાર પડતી ત્યારે ઘરનું બધું કામ કરીને બધાને જમાડી પણ દેતા. એવા સુંદર સંબંધ માટે ઈશ્વરનો હું આભાર માનું છું. અને એક સારા પાડોશી બની રહેવા ઈશ્વરને પ્રાર્થના કરું છું.
