માણસજાત નગુણી
માણસજાત નગુણી
એક ગામની બહાર નાનું તળાવ હતું. તેમાં એક મગર રહેતો હતો. એ મગરને લીધે કોઈ એ તળાવના પાણીનો ઉપયોગ કરતું નહિ.
એક વાર ચોમાસામાં વરસાદ પડ્યો નહિ. અને પછી આવ્યો શિયાળો. શિયાળા પછી આવ્યો ઉનાળો. તાપ તો તાપ. તળાવનું પાણી તદ્દન જ સુકાઈ ગયું. મગર ગભરાયો. પાણી વગર કઈ રીતે રહેવાય !
મગરને કંઈ સૂઝે નહિ. એને થયું, આપણા તો રામ રમી જવાના. જાડા રગડા જેવા કાદવમાં એ રહેવા લાગ્યો.
એક દિવસ એ તળાવ પાસેથી એક ખેડૂત પસાર થતો હતો. મગરે એને જોયો. એને થયું, જો આ માણસ મને ઊંચકીને બીજા કોઈ પાણીવાળા તળાવમાં નાખે તો હું બચી જાઉં. એણે તરત જ તેને બૂમ મારી : 'એ ભાઈ ! મારી વાત સાંભળ !'
ખેડૂતે જોયું તો તળાવમાં રહેલો મગર એને બોલાવતો હતો. એ ગભરાતો ગભરાતો જરા નજીક ગયો.
મગર સમજી ગયો કે, માણસ મારાથી બીએ છે. એટલે નજીક નથી આવતો. એણે કહ્યું, 'ભાઈ ! તું ગભરા નહિ. હું તને શું કરી શકવાનો હતો ? પાણી વગર હું મરવા પડ્યો છું. તું મારો ભગવાન ! મારું એક કામ ન કરે ?
ખેડૂતને મગર પર દયા આવી. બિચારો પાણીનો જીવ. પાણી વગર કઈ રીતે જીવવાનો હતો ! એ વધુ નજીક આવ્યો અને બોલ્યો : 'કહે, તને મારું શું કામ પડ્યું ?'
'તું જુએ છે કે પાણી વગર હું જીવી શકું તેમ નથી. અને હવે આ તળાવ આ બળબળતા તાપમાં થોડા દિવસમાં જ સૂકુંભઠ્ઠ થઈ જશે. પછી હું કેવી રીતે જીવીશ ? એક ઉપાય છે કે, તું મને ઊંચકીને કોઈ વધારે પાણી હોય તેવા તળાવમાં મૂકે તો મારો જીવ બચે.'
'બાપ રે ! તને ઊંચકીને બીજા તળાવમાં મૂકું ? બીજા તળાવ સુધી જવાનું તો બાજુએ રહ્યું... તને ઊંચકવા આવું એટલે જ તું મને ચાઉં કરી જાય. તારા જેવા યમદૂત પાસે આવે કોઈ ? તું જીવે ન જીવે, મારાં બાયડી-છોકરાં તો રખડી જ જાય.' ખેડૂતે તો જવા માટે પગ ઉપાડ્યા.
'ના, બાપ ના ! જે મારો જીવ બચાવવા આવે એને હું ખાઉં ? તો તો હું બચું જ કેવી રીતે ? તને ખાઉં પછી ? એથી આ તળાવમાં પાણી થોડું આવશે ? એ તો સુકાવાનું જ ! પછી તો મારે મરવાનું જ ને ! તારી જેમ મને મરવાની બહુ બીક લાગે છે. મારો ભરોસો કર. હું તને સહેજે દાંત નહિ લગાડું તો ખાવાની વાત ક્યાં આવી ? તું મારા પર આટલો ઉપકાર કર. જીવતદાન તો સૌથી મોટું દાન છે. હું તને નહિ ખાઉં. ભગવાનના સોગંદ !' મગર તો પુષ્કળ કાલાવાલા કરવા લાગ્યો.
ખેડૂતને થયું, મગરને જીવવાની ગરજ છે એટલે એ મને ખાશે તો નહિ જ. લઈ જવા દે બિચારાને ! નહિ તો આ સૂકાભઠ્ઠ તળાવમાં પાણી વગર રોટલાની જેમ શેકાઈને મરી જશે.
ખેડૂત સાહસિક હતો. એણે વિચાર્યું, આ જંગલની ધાર પર મોટું તળાવ છે. ત્યાં આને મૂકી દઉં. વળી એ નજીક છે. એટલે મારે પણ મગરને બહુ નહિ ઊંચકવો પડે. આમ વિચારી ખેડૂત મગરની નજીક ગયો. તોય એણે કંઈ ન કર્યું. એટલે સાહસ કરીને મગરને ઊંચક્યો અને એણે તો મગરને લઈને ચાલવા માંડ્યું. અને પહોંચ્યો પેલા તળાવમાં. ત્યાં પુષ્કળ પાણી હતું. અને તળાવમાં સહેજ ઊતરીને ખેડૂતે મગરને નાખ્યો પાણીમાં. તે સાથે જ મગર ઊછળ્યો અને પાણીમાં ડૂબેલા ખેડૂતના પગને ત્વરાથી પકડી લીધો.
ખેડૂત તો ગભરાયો અને પગ ખેંચવા લાગ્યો પણ મગર કંઈ પગ છોડે ! ખેડૂતથી તો પગ ચસક્યોયે નહિ. હવે ખેડૂત કરગરવા લાગ્યો :
'ભાઈ ! મગર ! મેં ઉપકાર કર્યો અને તને અહીં લઈ આવ્યો તેનો આ બદલો તું આપે છે ! મેં તને જીવનદાન આપ્યું અને તું મારો જીવ માગે છે ! તું મારો પગ છોડ. તેં ભગવાનના સોગંદ તોડી નાખ્યા ! સહેજ તો ભગવાન
નો ડર રાખ !'
ત્યાં ખેડૂતની નજર એક લંગડા ઘોડા પર ગઈ. તેના મનમાં આશા જાગી કે, આ ઘોડાને મારા દુઃખની વાત કરું. એ મગરને સમજાવે તો કદાચ મગર માની જાય. આમ વિચારીને એણે ઘોડાને બૂમ મારી : 'ઓ ઘોડાભાઈ ! જરા અહીં આવો અને આ મગરને સમજાવો.'
લંગડાતો લંગડાતો ઘોડો ખેડૂત પાસે આવ્યો અને બોલ્યો : 'શું છે ?'
ખેડૂતે બધી વાત ઘોડાને કરી અને કહ્યું, 'ઘોડાભાઈ, તમે મગરને સમજાવો કે, ઉપકાર પર અપકાર ન કરે અને મારો પગ છોડી દે.'
ઘોડો કહે, 'મગરભાઈ ! આ માણસનો પગ છોડતાં જ નહિ. એને ખાઈ જ જાઓ. માણસની જાત એ જ લાગની છે. જુઓને હું આજ સુધી માલિક માટે કેટલું દોડ્યો ! માલિકને કેટલા બધા પૈસા કમાવી આપ્યા ! પણ મારો પગ તૂટ્યો અને હું કામ કરી શકવા માટે નકામો બની ગયો. એટલે તરત જ મને કાઢી મૂક્યો. આટલાં વરસની શરમ ન રાખી ! માણસની જાત તો તદ્દન નગુણી ! માટે તમે આ માણસને નહિ છોડતા.'
ખેડૂત તો ચૂપ જ થઈ ગયો. એને થયું, ઘોડાને બોલાવીને ભૂલ કરી ! એ તો ઊલટો મગરને ચઢાવવા બેસી ગયો.
ત્યાં ખેડુતની નજર એક ગાય પર પડી. એણે ગાયને બોલાવી : 'ઓ ગાયમા ! ગાયમા ! જરા અહીં આવો.'
ગાય તો ધીરે ધીરે ખેડૂતની નજીક ગઈ. એણે જોયું તો મગરે ખેડૂતનો પગ મોંમાં પકડી રાખેલો. ખેડૂતે પોતાની રામકહાણી ગાયને કહી સંભળાવી અને મગરને સમજાવવા વિનંતી કરી.
ગાયે કહ્યું, 'મગરભાઈ ! આ માણસની જાત તો તદ્દન નગુણી. એને ખેંચી જ જાઓ, તળાવમાં. મેં આખી જિંદગી દૂધ દીધું... રૂપાળાં વાછરડાં દીધાં.. પણ હું વસુકી ગઈ એટલે મારો માલિક મને કતલખાને મોકલતો હતો. માંડ માંડ ભાગીને હું અહીં આવી છું. આવી માણસની જાત પર કેવી દયા કરવાની ? મારી જ નાખો આ ખેડૂતને !'
ખેડૂત તો આભો જ બની ગયો. ગાય પણ મગરના પક્ષમાં ગઈ ! મગર તો ખુશ ખુશ થઈ ગયો હતો. એને થયું, માણસજાત સાથે દગો કરવામાં કંઈ પણ પાપ નથી. આ તો પુણ્યનું કામ છે.
ત્યાં જ માણસને શિયાળ દેખાયો. ખેડૂતને થયું, ઘોડો અને ગાય તો માણસ સાથે રહેનારા પ્રાણી, છતાં મારો બચાવ ન કર્યો તો આ તો માણસથી દૂર રહેનારું પ્રાણી ! એ શું કામ મારો બચાવ કરે ? છતાં નસીબ અજમાવવા તો દે ! આમે મરવાનું જ છે ને ! એણે તો શિયાળને બૂમ મારી : 'ઓ શિયાળભાઈ ! જરા આમ આવો ને !'
શિયાળ તો ખેડૂત પાસે ગયું. એટલે ખેડૂતે પોતાની આખી વાત શિયાળને કહી સંભળાવી અને કહ્યું, 'શિયાળભાઈ ! આ મગરને સમજાવો અને મને બચાવો !'
શિયાળને થયું, આ ગરીબ ખેડૂતને બચાવવો જોઈએ. મગરે આ ખોટું કર્યું છે, પણ એ એમ કહે કે... 'મગર... મગર ! આ ખેડૂતનો પગ છોડી દે... એથી એ થોડો ખેડૂતનો પગ છોડી દેવાનો હતો ! કંઈક યુક્તિ કરવી જોઈએ એટલે એણે કંઈક વિચારીને મોટેથી કહ્યું, 'અરે ભાઈ ! તારી વાતમાં મને કંઈ સમજણ પડતી નથી. મગરભાઈ ! મને કહો કે વાત શું છે ! આ ખેડુત શું કહે છે !'
મગર તો ઘોડા અને ગાયની વાતથી બહુ ફુલાઈ ગયેલો એટલે એને થયું, શિયાળ પણ મારા કામને જ વખાણશે. એટલે કહેવા દે... મારા પરાક્રમની વાત...!
અને મગરે કહેવા માટે મોં ખોલ્યું... તે સાથે જ... માણસનો પગ છૂટ્યો... અને શિયાળે ઇશારો કરતાં જ ખેડૂત અને શિયાળ ભાગ્યાં... બન્ને સીમ સુધી ભાગ્યાં. પાછું વળીને જોવાય ન ઊભાં રહ્યાં...
ખેડૂતે શિયાળનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ગામમાં ચાલ્યો ગયો.
'હે કુમારો ! દુષ્ટ પર ઉપકાર કરો તો તે તેનો બદલો અપકારથી જ વાળશે. માટે દુષ્ટથી દૂર જ રહેવું.'