માંદગી કે પાપ?
માંદગી કે પાપ?
૨
સારે નંબરે મેટ્રિકયુલેશનમાં પાસ થઈ રસિક કૉલેજમાં ગયો. કૉલેજમાં પણ તેનું ચિત્ત અભ્યાસમાં જ સંપૂર્ણપણે રોકાયું હતું, છતાં અભ્યાસમાં થોડો ભાગ પડાવનાર એક પ્રસંગ ઊભો થયો. માનવીને રસિકતા વરી હોય કે ન વરી હોય, માનવીને ઉદ્દેશો અને આદર્શોની ધૂન લાગી હોય કે ન લાગી હોય તો પણ જાતીય આકર્ષણનો સંચાર માનવીના હૃદયમાં થયા સિવાય રહેતો નથી; પછી તે માનવી સ્ત્રી હોય કે પુરુષ હોય, અભ્યાસ પ્રત્યે જ ધ્યાન રાખી રહેલા રસિકને લાગ્યું કે અભ્યાસ જેટલી જ આકર્ષક યુવતીઓ હોઈ શકે છે ! કોલેજમાં પણ રસિક ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી તરીકે જાણતો થઈ ચૂક્યો હતો, અને હવે તો તે કૉલેજિયન બની ગયો હતો; એટલે માબાપ, ભાઈભાંડુ અને પડોશીઓમાં તેનું મહત્ત્વ વધી જાય એમાં
નવાઈ નહિ. તેના પોતાના મનથી પણ તેનું મહત્ત્વ વધી ગયું હતું જ. પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થી સામે આખી દુનિયાએ હાથ જોડી ઊભા રહેવું જોઈએ એ ખ્યાલ તેના મનમાં વધારે અને વધારે સ્પષ્ટ થતો જતો હતો.
સાથે સાથે તેને એ ખ્યાલ પણ આવવા માંડ્યો કે તેના સરખો તેજસ્વી વિદ્યાર્થી જે યુવતી તરફ નજર નાખશે તે યુવતી તેની સાથે કાંઈ પણ પૂછ્યાગાછ્યા વગર એકદમ પ્રેમમાં પડી જશે. રસિક જાતે તોફાની ન હતો, અને તોફાની છોકરીઓ તેને બિલકુલ પસંદ ન હતી, પરંતુ તેને પોતાને પોતાના વર્ગમાં ભણતીએક તોફાની યુવતી ગમી ગઈ. એનું નામ રંજન.
પ્રેમપ્રકાશનને, એટલે પ્રેમ-publicity–જાહેરાતને સમયાનુંકૂળ માર્ગ મળે છે. કૉલેજો ન હતી ત્યારે પણ કૂવા, તળાવ, નદીનાં એકાંત, બાગબગીચા કે મંદિરધર્મશાળાઓ પ્રેમપ્રકાશનનાં ઠીક ઠીક સાધન આપી રહેતાં હતાં. કૉલેજમાં પ્રેમપ્રકાશનનાં વધારે સાધનો મળી આવે. અભ્યાસની પૂછપરછ ચોપડીઓ તથા ‘નોટ્સ’ની આપ-લે. યુનિયનમાં મત મેળવવા માટેનું પ્રાથમિક શિક્ષણ, ભેગાં મળતાં 'જયહિંદ' અને પાછા વળતાં ‘વંદેમાતરમ્': એ બધાં સાધનો ભણતાં યુવકયુવતીઓમાં પ્રેમપ્રદર્શનની ડોકા બારીઓ બની જાય એ સહજ છે.
આવી એક ડોકાબારીમાંથી તેણે તેની યુવતી રંજન પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો. ઊંચી કક્ષાના વિદ્યાર્થી પ્રત્યે સહુને માન હોય એ સ્વાભાવિક ગણાય; પરંતુ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીને કૉલેજની પ્રત્યેક છોકરીએ પ્રેમ કરવો જ જોઈએ એવો નિયમ હજી ઘડાયો દેખાતો નથી. પરીક્ષકને મન પહેલો આવે એવો માનીતો રસિક રંજનને પ્રેમાર્પણ માટે પહેલો લાગે એવો દેખાયો નહિ; એટલે શરૂઆતમાં વિનયવિવેકથી અને આગ્રહ થતાં મશ્કરીતોફાનથી રંજને રસિકને જણાવી દીધું કે તે રંજનની પરીક્ષામાં પ્રથમ નંબરે તો નહિ જ; પરંતુ એકેય નંબરે પસાર થાય તેમ ન હતું.
પ્રેમમાં નિષ્ફળ નીવડનારને આઘાત થવો જ જોઈએ. તોફાનીની નિષ્ફળતા તેને બીજા પ્રેમપ્રયોગમાં દોરે છે; એથી ઓછા તોફાનીની નિષ્ફળતા તેની પાસે કવિતાઓ લખાવે છે કે શ્વાસનિ:શ્વાસ લેવરાવે છે, અને નિર્માલ્યોની નિષ્ફળતા તેમને પથારીવશબનાવે છે. પરીક્ષામાં પ્રથમ આવનાર રસિક પ્રેમપરીક્ષામાં નિષ્ફળ નીવડતાં બે-ત્રણ-ચાર માસની વિરહ વેદના ભોગવી અંતે પથારીવશ બની ગયો. માબાપના મોંઘેરા પુત્રને અને પરીક્ષકોના મહામાનીતા પરીક્ષ્યને કોઈ પણ રીતિથી પ્રેમની ના પાડી શકાય જ કેમ ? એ પ્રશ્ન જેના હૃદયમાં ઊભો થાય છે તેને પછીથી દુનિયા બધી યે બાબતમાં સતત ના જ પાડ્યા કરે છે.
સુકાતો જતો રસિક માબાપની ચિંતાનો પણ વિષય બની ગયો. ભણવામાં ઓછું લક્ષ આપવા, તબિયતની વધારે કાળજી રાખવા આવા પુત્રને કહી શકાય તેટલું માબાપે કહ્યું, અને અંતે તે જ્યારે પથારીવશ થયો ત્યારે એકદમ ગભરાઈને માબાપે મોટામાં મોટા ડૉક્ટરોની સારવાર આપી. મોટા ડૉક્ટરોની સારવાર એટલે ભારેમાં ભારે ફી, તેમની મોટરકારની મુસાફરી, ગભરાવી નાખે એવી અને નાનામાં નાના કાગળ ઉપર મોંઘામાં મોંઘી દવાઓની યાદી ! મહા ડૉક્ટરની સારવાર આટલેથી બસ થતી નથી. ખોરાકમાં પણ તેઓ એવી નવી નવતેરી વસ્તુઓ બતાવે કે જે મોંઘી હોય, એટલું જ નહિ પણ મહા મુશ્કેલીએ મળે એવી હોય. માખણ અને મોસંબીનો રસ તો તેમની દવા જેટલાં જ મહત્ત્વનાં ગણાય; અને આવા મોંઘા આશાસ્પદ પુત્ર માટે માતાપિતાએ આ દવાઓ અને આ ખોરાક તેને આપવો જ રહે. રસિકને પણ લાગ્યું કે તેના પોતાના મહત્ત્વ પ્રમાણે જ મોટા ડૉક્ટરને બોલાવવા જોઈતા હતા. અને તેને માટે આવી મોંઘી દવાઓ, અને મોંઘા ખોરાક નિર્ણીત કરવાં જ જોઈતાં હતાં.
એક માસ થયો, બે માસ થયા, ત્રણ માસ થયા, છતાં લાડીલો રસિક હજી પૂરો સાજો થતો ન હતો. ડૉક્ટરને ત્યાં દવાઓની ખોટ હોતી નથી. પીવાની દવાથી ન પતે તો તેઓ ગળવાની દવા આપે, અને ગળવાની દવા પૂરી અસર ન કરે તે પહેલાં તેઓ ઇન્જેક્શન આપવાની સૂચના કરે. જૂનાં દર્દો એકબે ઈન્જેક્શને મટતાં; પણ નવાં દર્દો છ, બાર, વીશ કે અડતાળીશ ઇન્જેક્શનોનો ક્રમ માગી જ લે છે. અને રસિક જેવા મહાન પુત્ર માટે તે અડતાળીશ સોયોવાળી દવાની જ જરૂર હોય ને ?
ગરીબ માબાપે રસિકની બહુ જ કાળજીપૂર્વક દવા કરી. તેમણે પોતાનો ખોરાક ઘટાડ્યો; તેમણે પોતાનાં બીજા બાળકને ખોરાક ઘટાડ્યો : કપડાં પહેરવા-ઓઢવામાં પણ કરકસર કરી–ગરીબ ઘરમાં કાંઈ કર કસર થઈ શકતી હોય તો ! રસિકની તબિયત જેમ જેમ આછી સુધરતી ચાલી તેમ તેમ ડૉક્ટરે માબાપને વધારે કાળજી રાખવા તેની દેખતાં જ સૂચના આપી. રોગ ન થાય એના કરતાં પણ મટતો રોગ ફરી ઊથલો ન ખાય એ વાત વધારે મહત્ત્વની ગણાય; એટલે હજી પણ રસિકને મોંઘી પૌષ્ટિક દવા અને એથી યે મોંઘો પૌષ્ટિક ખોરાક ચાલુ રાખવાના હતા. ધીમે ધીમે રસિકની તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો; પરંતુ તેના પિતાનો દેહ વધારે અને વધારે ઘસાતો ચાલ્યા. જે તરફ લક્ષ દોરવાની ઘરમાં કોઈને પણ જરૂર લાગી નહિ. મોંઘો કૉલેજિયન પુત્ર માંદો હોય ત્યાં બીજા સહુએ ભોગ આપ જ રહ્યો !
