મા વિનાનો દીકરો
મા વિનાનો દીકરો


એક બાળક નાનપણમાં પોતાની માતાને ખોઈ બેસે છે. તેને માતાનો પ્રેમ મળ્યો નહિ. પિતાએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ માતાની તોલે તો ન જ આવે. ધીરે ધીરે એ દીકરો ઉજાસ મોટો થતો જાય છે. તેને શાળાએ અભ્યાસ માટે જવાનું થાય છે. પોતે શાળાએ જયારે જાય છે અને જુએ છે કે બીજા છોકરાઓ શાળાએ ન આવવાના બહાના બતાવે છે, રડે છે, કાકલુદી કરે છે પણ એ છતાંય તેમને શાળાએ મૂકીને જાય છે. આ જોઈ ઉજાસ મનમાં મુંજાય છે કે મારે કોની પાસે આવા લાડ કરવા ?
ધીરે ધીરે ઉજાસ મોટો થવા લાગે છે. શાળાકીય અભ્યાસ પૂર્ણ કરી ઉજાસ કોલેજે જતો થઈ ગયો. કોલેજકાળ એટલે યુવાનીનો આકર્ષણનો સમય. આ સમય જો યુવાન સાચવી લે તો ખુબ જ પ્રગતિ કરી શકે તેમ છે. પણ આ તો ઉજાસ. સતત માતાના પ્રેમને શોધતો. તેને પ્રેમ એટલે શું તેની ખબર જ નથી. સમય જતા તેને સારી એવી કંપનીમાં નોકરી મળી. લગ્ન થયા. એક દિવસ તે અને તેની પત્ની બહાર જતા હતા. એવામાં રસ્તાની બાજુએ ફૂટપાથ પર એક વૃદ્ધ અશક્ત મહિલાને ભીખ માંગતી જોઈ. તેનો અવાજ ઉજાસને સ્પર્શી ગયો. એ વૃદ્ધ મહિલા ગીત ગાઈને ભીખ માંગી રહી હતી. સતત માતાના પ્રેમને શોધતો ફરતો ઉજાસ આ મહિલાને જોઈ રહ્યો. તેના મનમાં અચાનક વિચાર આવ્યો અને તેની ગાડી એક સંગીતના સાધનો વેચાતી દુકાને જઈને ઉભી રહી.
તેની પત્ની આ બધું જોઈ રહી હતી. તેને કઈ સમજાતું નહોતું. એ માત્ર આ બધું આશ્ચર્યના ભાવથી જોઈ રહી હતી. ઉજાસે એક હાર્મોનિયમ લીધું. ગાડીમાં મુક્યું અને પેલી વૃદ્ધ મહિલા પાસે પાછો આવ્યો. તેની પાસે જઈ હાર્મોનિયમ આપ્યું અને કહ્યું, 'માજી, આ વગાડો અને ગીત ગાશો તો તમને લોકો વધારે સન્માન સાથે જોશે અને પૈસા આપી મદદ પણ કરશે.' એ વૃદ્ધ મહિલા ખુબ જ રાજી થઇ ગઈ અને તેને ઉજાસના ઓવારણાં લીધા. ખુબ પેટ ભરીને આશીર્વાદ આપ્યાં.
ઉજાસ ગાડીમાં આવી પરત બેઠો. હવે તેની પત્નીથી રહેવાતું નહોતું. એ ઉજાસને કહેવા લાગી કે તમે આ બધું શું કરો છો મને તો કઈ સમજાતું નથી. ત્યારે ઉજાસે હસીને કહ્યું કે મારી પ્રિયતમા એ મહિલા કોણ છે તે હું જાણતો નથી. પણ તેનામાં મને મારી માતાના અવાજની તીવ્રતાની લાગણી ખેંચી લઇ ગઈ. મને માતા પિતાએ એવું કહેલ કે તારી માતાનો અવાજ ખુબ જ મીઠો હતો, ત્યારથી લઇ આજ સુધી હું મારી માતાના અવાજ જેવા અવાજવાળી સ્ત્રીની શોધમાં હતો જે આજે પૂરી થઇ. આજથી દર રવિવારે બહાર ફરવા જતા પહેલા અહિયાં અચૂક આવીશું.
ત્યાંથી ગાડી નીકળી જાય છે. ઉજાસની પત્ની ઉજાસના ચહેરા સામે જોતી રહે છે. આજે ઉજાસના ચહેરા પર જે ચમક હતી એવી ચમક તેની અત્યાર સુધીમાં ક્યારેય જોઈ નહોતી.