હજાર હાથવાળી મા
હજાર હાથવાળી મા
મા મને ૧૦૦ રૂપિયા આપ ને, મારે ફટાકડા લેવા જવું છે.
(૧૦ વર્ષનો દીકરો બોલતો બોલતો રસોડા સુધી પહોંચી જાય છે. દિવાળીનો તહેવાર હોવાથી રંજનબહેન નાસ્તા બનાવે છે. વધુ તો નહીં પરંતુ પુરી, ફાફડા જ કરવાના હતા. ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પતિના મજૂરીના પૈસે ટકેટકનું થાતું. પણ દીકરાને તેની અણસાર સુધ્ધા ન આવવા દેતા.)
રંજનબહેન : અરે દીકરા હજુ દિવાળીને ૨ દિવસની રાહ છે. તારા પપ્પા તને લઇ જશે.
મનન : મમ્મી, પપ્પા તો ક્યારના આવી ને ફળિયામાં બેઠા છે.
રંજનબહેન : અરે ! ક્યારે આવ્યા? (ઉભા થઈ પાણી ભરતા બહાર જાય છે.) તમે ક્યારે આવી ગયા ?
મનસુખભાઈ : હમણાં આવ્યો. દેવચંદ શેઠ પાસે ગ્યો તો. કાઈ મેળ નો આવ્યો.
રંજનબહેન : ચિંતા ન કરો. પૈસા હોય તો જ તહેવાર થાય એવું જરૂરી નથી. હું તમારી પાસે એક રૂપિયોય નય માંગુ.
મનન, બેટા બહાર આવ તો.
(મનન બહાર આવે છે.)
જા કબાટમાં પૈસા પડ્યા છે તે લઈને તારા પપ્પા સાથે જા ફટાકડા લેવા.
મનન અંદર જાય છે.
મનસુખભાઈ : અરે, તું ક્યાંથી લાવી આ પૈસા?
રંજનબહેન : હું એક સ્ત્રી છું. ઘર કેમ ચાલે એ મને સારી રીતે આવડે છે. તમારી કમાઈનો એક એક પૈસો પરસેવાનો છે. તેને વેડફી ન નંખાય. મેં પાઇ પાઇ ભેગી કરીને આજે ૭૦૦રૂપિયા બચાવ્યા છે. એમ દિવાળી આરામથી નીકળી જશે. ચિંતા ન કરો.
મનસુખભાઈ : આજ સુધી મંદિરમાં પૂજા પાઠ કરતો અને એને હજાર હાથવાળી માનતો. પણ ખરેખર તો તું છે હજાર હાથવાળી. ઘરની તમામ જવાબદારી સાથે વ્યવહાર અને બચત પણ તારી સમજદારીપૂર્વકની છે.
ધન્ય હો હજાર હાથવાળીનો...!!!