Tushar Jethava

Children Stories Inspirational

3.1  

Tushar Jethava

Children Stories Inspirational

વન ડે

વન ડે

4 mins
1.3K


એક ઐરાવત નામનું ખુબ જ નાનું નગર હતું. આ નગરમાં થોડાંક જ ઘર હતાં. બધાં મજૂરીકામ કરી પોતાનાં ઘરનું ગુજરાન ચલાવતા. આ નગરમાં પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ હતો એટલે નગરનાં બાળકો પ્રાથમિક સુધી ભણી પછી મજૂરીકામ કરવાં લાગી જતા. વધુ ભણવું હોય તો બાજુનાં શહેરમાં જવું પડતું પણ એટલાં કોઈ પાસે પૈસા નહોતા. નગરમાં એક પરિવારમાં ત્રણ વ્યક્તિ રહેતાં. અનંતભાઈ, રમીલાબહેન અને તેમનો પુત્ર અંકિત. અંકિત શરૂઆતથી જ ભણવામાં ખુબ હોંશિયાર. તેણે આજ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી પરિણામ લઈ ઘરે આવ્યો. ચહેરો ઉદાસ હતો એટલે અનંતભાઈ અને રમીલાબહેને પરિણામ જોયું. ખુબ જ સરસ ગુણ આવ્યાં હતાં. રમીલાબહેને અંકિતને પૂછ્યું.

રમીલાબહેન : કેમ બેટા ઉદાસ છો ? પરિણામ તો ખુબ જ સરસ આવ્યું છે.

અંકિત : પરિણામ તો સારું જ આવ્યું છે પણ હવે તો મજૂરી જ કરવાની ને ?

અનંતભાઈ : અરે હોય કાંઈ બેટા ! તારે તો શહેરમાં આગળનું ભણવા જવાનું છે.

આ સાંભળી અંકિતને આશ્ચર્ય થયું.

અંકિત : ખરેખર ?

અનંતભાઈ : હા બેટા, અમે તારા ભણવા માટે પહેલેથી જ આયોજન કરી નાંખ્યું હતું. તું ચિંતા ન કર, તૈયારી કર.

થોડાં દિવસ પછી અંકિત જયારે શહેર ભણવા જવા રવાના થયો ત્યારે આખું નગર તેને વિદાય કરવા આવ્યું. અંકિતે શહેર તરફ પ્રયાણ કર્યું.

નજીકનાં શહેરમાં આવી હોસ્ટેલમાં રહીને અંકિત અભ્યાસ કરવા લાગ્યો. ભણવામાં હોંશિયાર અંકિત શહેરમાં પણ ઝળક્યો. સારાં મિત્રો મળ્યાં, શિક્ષકોનો પ્રેમ મળ્યો. એક પછી એક ધોરણ આગળ વધવા લાગ્યો. વેકેશનમાં પોતાનાં ઘરે આવે. ગામનાં મિત્રોને ભેગાં કરી શહેરની અને ત્યાની શાળાની અવનવી વાતો કરે. તેનાં મિત્રોને પણ મજા આવે. વળી, વેકેશન પૂરું થાય એટલે જરૂરી નાસ્તો વગેરે વસ્તુ લઈ હોસ્ટેલ જતો રહે.

આમ ને આમ દિવસો વિતતા ગયા. અંકિત આજે શાળામાંથી કોલેજમાં આવી ગયો. તેનાં શાળાનાં મિત્રો પણ તેની સાથે જ કોલેજમાં હતાં એટલે સોનામાં સુગંધ ભળી. ઘણાં ખરાબ મિત્રોનાં સંપર્કમાં આવ્યો પણ આ તો સો ટચનું સોનું. તેને કોઈની સંગત લાગી નહી. ઘણાં મિત્રોએ તેનું ભણવામાંથી ધ્યાન હટાવવા પ્રયત્નો કર્યા પણ સફળ થતાં નહી.

ક્યારેક ક્યારેક મિત્રો તેને હોસ્ટેલ પર વાંચવાને બદલે બહાર ફરવા જવાનું કહેતા. ખુબ જ આગ્રહ કરતાં. પણ અંકિત કોઈને કોઈ બહાનું આપી તેનું આમંત્રણ ટાળતો. તેને મનમાં એક જ વિચાર આવતો કે મારાં માતા-પિતાએ મારાં માટે અગાઉથી જે આયોજન કર્યું હતું તેને હું એળે નહી જવા દઉં.

સમાજ જતાં જેમ વાર નથી લગતી તેમ અંકિતની કોલેજ પણ પૂરી થવા આવી. પરીક્ષાઓ લેવાઈ ગઈ. હવે પરિણામની જ વાટ હતી. અહીં પોતાનાં નગર જેવું નહોતું કે પરીક્ષામાં બે-ચાર સવાલો મોઢે જ પૂછી લઈ તરત જ પરિણામ આપી દેવાનું. અહીં તો પરીક્ષામાં કાગળ પર લખવાનું અને થોડાં દિવસો પછી નોટીસ બોર્ડ પર પરિણામ મૂકવામાં આવે.

થોડાં દિવસ પછી પરિણામ નોટીસ બોર્ડ પર મૂકાયું. અંકિતનું પરિણામ આ વખતે પણ હરહંમેશની જેમ અવ્વલ આવ્યું. આ વખતે તો અંકિતનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. તેને અવળે રસ્તે ચડાવવા માંગતા તેનાં મિત્રો ખુબ જ ગુસ્સે હતાં. કારણ કે તેઓ નાપાસ થયા હતાં. તેમને પરીક્ષા ફરીવાર આપવાની હતી. અંકિતે તેમને હૈયાધારણા આપી અને કહ્યું કે તમે આ વખતે ખુબ જ મહેનત કરો, વાંચો અને ન સમજાય ત્યાં આપણા સાહેબને પૂછજો. પાસ થઈ જ જશો. તેનાં મિત્રોને તો આ બધી સલાહ વાગ્યા પર મીઠું છાંટવા બરાબર લાગી. તેમણે મનોમન અંકિતને જોઈ લેવાનો નિર્ણય કર્યો.

બે-ચાર દિવસ પોતાનાં ઘરે આવ્યો અને તેનાં પરિણામ વિશે તેનાં માતા-પિતા અને નગરને જાણ થઈ. આજે અનંતભાઈ અને રમીલાબહેન ખુબ જ ઉત્સાહિત હતાં. તેઓનાં આનંદનો પાર નહોતો. નગરમાં પહેલીવાર કોઈ છોકરો ભણવા ગયો હતો અને પ્રથમ ક્રમાંક લાવ્યો હતો એટલે નગરમાં ગણતરીની મીનીટોમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ. નાનાં એવા નગરમાં ઉત્સવનું વાતાવરણ થઈ ગયું. સૌ કોઈ અનંતભાઈનાં ઘરે હર્ષ વ્યક્ત કરવાં આવવાં લાગ્યાં. અનંતભાઈ અને રમીલાબહેન પણ સૌ કોઈને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં લાગી ગયા. જ્યાં સુધી અંકિત નગરમાં રહ્યો ત્યાં સુધી સૌ તેને વારંવાર મળવા આવતાં અને શહેરની વાતો સાંભળતા થાકતા નહી. થોડાં દિવસ પછી એક ટપાલી અનંતભાઈનાં ઘરે આવ્યો અને એક પરબીડિયું હાથમાં દઈ ચાલ્યો ગયો. અનંતભાઈએ અંકિતને બોલાવી તેમાં શું છે તે જોવા કહ્યું. અંકિતે પરબીડિયું ખોલી જોયું તો તેનાં માટે નોકરીનો ઓર્ડર હતો. અનંતભાઈ તો ઉપર આકાશે જોઈ બે હાથ જોડી પ્રભુનો પાડ માનવા લાગ્યાં. અંકિતે માતા-પિતાની મંજૂરી ને આશીર્વાદ લઈ શહેર જવા નીકળ્યો. ગામનાં સૌ અંકિતને ભલામણ કરવા લાગ્યાં કે, તને શહેરમાં ફાવી જાય પછી અમારાં છોકરાને પણ ત્યાં બોલાવી લેજે. સૌનું માન-સમ્માન ઝીલતો અંકિત શહેરમાં આવ્યો.

એક કંપનીએ તેને નોકરી પર રાખ્યો હતો. સારો એવો પગાર, રહેવાં માટે ઘર અને જમવાની વ્યવસ્થા કંપનીએ કરી આપી. જોતજોતામાં પોતાની આગવી સુઝબુઝથી ઉચ્ચ અધિકારી બની ગયો. તેમનાં જે મિત્રો કોલેજમાં નાપાસ થયાં હતાં તેમણે કોલેજ પાસ કરી અને નોકરી શોધવા લાગ્યાં. અચાનક એક દિવસ તેઓ અંકિત જ્યાં નોકરી કરતો હતો ત્યાં જઈ ચડ્યા. નોકરી મેળવવા માટે લાઈનમાં બેઠાં હતાં. એક પછી એક અંદર જવાનું હતું. તેનાં મિત્રો અંદર ગયા ત્યારે તેમને ખબર પડી કે આપણું ઈન્ટરવ્યું તો અંકિત લે છે. તેમનો પસ્તાવાનો પાર ના રહ્યો. તેઓ માફી માંગવા લાગ્યાં. અંકિતને આડે રસ્તે ચડાવવા કેવાં-કેવાં કાવતરા કર્યા હતાં તે બધાં જ સ્વીકારવા લાગ્યાં.

અંકિતે તેમનાં મિત્રોને માફ કર્યા અને પોતાની ભલામણથી નોકરી પર રાખી લીધાં. એક દિવસ તેમનાં મિત્રોએ અંકિતને પ્રશ્ન કર્યો કે, ‘અમે તો તને અવળે રસ્તે ચડાવવા ઘણાં પ્રયત્નો કર્યા હતાં પણ તું ડગ્યો કેમ નહી !’

અંકિતનો એક જ જવાબ હતો, ‘મારાં પિતાજીનું મને ભણાવવા માટેનું અગાઉથી આયોજન હતું એટલે. આ વાત મારાં પિતાજીએ જયારે મને કરી ત્યારથી મે પણ મારું નોકરી અને સારી જિંદગીનું આયોજન કરી લીધું હતું. મનમાં એક જ વાક્ય દોડતું હતું – વન ડે ઓર ડે વન, ડીસાઈડ યુ. આપણે નક્કી કરવાનું છે કે એક દિવસ કામ કરીશું એ આળસે બેસી રહેવું છે કે કામનો આ પહેલો દિવસ ગણી કામે લાગી જવું છે.


Rate this content
Log in