STORYMIRROR

Mahebub Sonaliya

Drama Crime Thriller

3  

Mahebub Sonaliya

Drama Crime Thriller

લવ મેરેજ 7

લવ મેરેજ 7

8 mins
470



મધ્યાહ્નના ધોમધખતા તાપમાં પણ શાંતિકાકાના જીવનમા નિરાશાના અંધારા છવાઇ ગયા હતા. કિસ્મત રોજ નવા નવા ખેલ દેખાડી રહી હતી . ક્યારે શું થવાનું હતું તેનું જરા પણ અનુમાન લગાડવું અસંભવ હતું. આવા વિકટ સમયમા તેમને એક જ મદદગાર મળ્યો હતો અને તે પણ હવે જેલના સળિયા ગણે છે! શાંતિ કાકાના ઘરના પ્રાંગણમાં ફરી એક ટોળું આવી ચડ્યું . એક સાથે 30 - 40 લોકો અલગ અલગ પ્રકારના વાહનો લઈને દોડી આવ્યા. આ દ્રશ્ય જોતા વેત જ આડોશી-પાડોશી બધા એકઠા થઈ ગયા. લોકો સદા ફરિયાદ કરે છે કે તેમની પાસે સમય નથી. પરંતુ કોઈનો ફજેતો જોવા માટે તેઓ સમયની પણ પરવા નથી કરતા. ટોળામાંથી એક માણસ આગળ આવી રહ્યો હતો. ઉજળો વાન , માંસલ શરીર , પાંચ હાથ પૂરો , રુઆબદાર ચાલ અને ચહેરા પર ભભૂકી રહેલી ગુસ્સાની અગ્નિ . તે જોતા વેંત જ કોઈ ફિલ્મી વિલન જેવો લાગે.  


તે ધીમા પગલે પરંતુ મક્કમ ચાલ ચાલી રહ્યો હતો. તેના મનમાં હજારો વિચારો એક સાથે ચાલી રહ્યા હશે . તે વિચાર મગ્ન હતો. તેનો લાંબો ગોળ ચહેરો બપોરના તડકા અને ગુસ્સાના કારણે લાલ થઈ ગયો હતો. તેનું ભરેલું એક એક ડગલું શાંતિ કાકાના હૈયામા ફાળ પાડી રહ્યું હતું. આ વ્યક્તિ બીજુ કોઇ નહીં પણ માનસીનો ભાઈ છે જયદેવ હતો. તેનાં આગમનથી શાંતિ કાકાને ભારે ઉપાધિ થવા લાગી. તે વારે વારે લઈને આવતો અને બધાની સામે શાંતિ કાકાની આબરુ નો ફજેતો કરી ચાલ્યો જતો . બધા માટે જે એક રોચક કાર્યક્રમ હતો , તે શાંતિ કાકા માટે ભયાનક સજા હતી.

“ડોસા, મેં તને આપેલી અવધી પૂરી થઈ ગઈ” જયદેવ શાંતિ કાકાની સામે આવીને ઊભો રહી ગયો. તેને નાના મોટાની કોઈ તમીઝ નહોતી પરંતુ જેની યુવાન ભાગી હોય એની પાસેથી શિષ્ટાચારની અપેક્ષા રાખવી પણ કેટલી યોગ્ય ગણાય? 

“શેની અવધિ?” શાંતિ કાકાએ ધ્રુજતા સ્વરે કહ્યું. 

“એમ ... તારી દીકરીએ તને સંદેશો આપ્યો નથી ?” જયદેવ નીતું સામે જોતા બોલ્યો. 

“બેટા મારી દીકરીને આ બધાથી દૂર રાખ.” શાંતિ કાકા બંને હાથ જોડીને એ કઠણ કાળજાના માણસને વિનંતી કરી રહ્યા હતા. 

“હરામખોર, તારી બહેન દીકરી એ તારી આબરૂ અને બીજાની બહેન દીકરી એ કશુંજ નહીં” તેણે શાંતિલાલનો કાંઠલો પકડ્યો . તે મન પડે તેવી ગાળો ભાંડવા માંડ્યો. તે શાંતિલાલને પઝવતો અને શાંતિલાલ દુઃખી થાય તેમાંથી આનંદ લેતો. શાંતિલાલ શાહ જેવા થઇ ગયા હતા. તેને હવે ઈજ્જત અને બેઈજ્જતી વચ્ચે જીવવાની આદત પડી ગઈ હતી. ન તો તેના જીવનમા શાંતિ હતી, ન તો તેને શું કરવું તેની ખબર હતી.


પોતાના અસમર્થ પતિની મદદ કરવા વીણાકાકી દોડી પડ્યા. તેણે માંડ ચાર-પાંચ ડગલા ભર્યા હશે. ત્યાં જ જયદેવ તેને આંખો બતાવી. 

“બિચારો ડોસો હમણાં જ બોલ્યો કે પરિવારના દૂર રાખ અને આ પરિવાર જાતે જ ઝઘડામાં પડવા માંગે છે” જયદેવે વીણાકાકીની સામે ધ્રુણાથી જોયું. શાંતિ કાકાએ તેમને પરત જવા ઈશારો કર્યો. 

“મેં તમને કહ્યું હતું ૨૪ કલાકમાં મારી બહેનને શોધી લાવો. પરંતુ તમે કોઈ પ્રયત્ન જ નથી કર્યા. મેં છતાં પણ રહેમ રાખીને આટલો સમય જવા દીધો. પણ હવે શું કરું? તમને તો તમારા દીકરાની, તમારી આબરૂની અને તમારા પરિવારની કંઈ પડી જ નથી.” જયદેવ ગુસ્સામાં કહ્યું. તેનો સ્વર એટલો ઊંચો હતો કે ગલીના અંત સુધી તેના શબ્દો સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. 


“હું કેવી રીતે શોધું? હું એક સામાન્ય માણસ છું. મને ન તો કોઈ વ્યક્તિ મદદ કરે છે, ન તો પોલીસ .” શાંતિલાલ લગભગ ગળગળા થઇ ગયા હતા. જો એક મજબૂર પિતા શેરીની વચ્ચે રડી પડે તો હદ થઈ જાય. તેની જવાબદારીમા હજી નીતું છે. વીણાકાકી છે. તે લોકો ભાંગી ન જાય એટલા માટે શાંતિ કાકાએ આંખો સુધી આવી ચુકેલા આંસુઓને પાછા વળાવી દીધા. 

“એ તો આવા નીચ દીકરાને પેદા કરતા પહેલા વિચારવું હતું ને.” જયદેવે શાંતિલાલનાં કાંઠલાને છોડતા કહ્યું. તેણે એટલા જોરથી શાંતિલાલને ધક્કો માર્યો હતો કે તે બિચારા સીધા જમીન પર ગબડી ગયા. તેના વૃદ્ધ હાથ જમીન સાથે ઘર્ષણ પામીને  ઉઝરડાઈ ગયા. તેને આ રીતે ગબડતા જોઈ નીતું દોડી. તેનું યુવાન લોહી પિતાની અવદશા જોઈ ઉકળી ગયું. તે જરાય પણ આગળ વધે તે પહેલા જ વીણાકાકીએ તેનો હાથ પકડીને તેને ખેંચી લીધી. તેના શરીર પર પોતાના હાથ વીંટાળી દીધા. જાણે હોલવાતા દીવાને કોઈ આડા હાથ રાખીને સળગતો રાખે તેમ વીણાકાકીએ નીતુને પકડી રાખી હતી. 

“તારું લોહી બહુ ઉકળે છે. ઓય લાલિયા લાવ તો પેલી શીશી. એનું લોહી ઠંડુ કરી દઉં” જયદેવ અટ્ટહાસ્ય કરતો બોલ્યો. 

પોતાની સાથે બનેલી ઘટના યાદ કરતા નીતુ હલબલી ઉઠી. તે ફરી ડરી ગઈ. તેણે વીણાકાકીના હાથ કચકચાવીને પકડી રાખ્યા હતા .


“દોસ્તો, ચાલો જોઈએ આ ઘરમાં શું શું ભર્યું છે.” જયદેવે હુકુમ કર્યો અને એક ટોળું શાંતિ કાકાના ઘરમાં ઘૂસી ગયું. તે લોકોના હાથમાં જે કંઈ આવ્યું તેની તોડફોડ કરી. કિંમતી વસ્તુ તો બહુ નહોતી પરંતુ જે કંઈ સારું હતું તે તોડી પાડ્યું. તે લોકો લૂંટના ઇરાદે નહોતા આવ્યા. તેમના મનમાં માત્ર એક નફરત હતી. તે લોકો આ ઘરડા શાંતિલાલને પોતાનું જોર બતાવવા આવ્યા હતા. કોઈએ હસતા હસતા ટીવીને ઉપાડીને ફર્શ પર ઘા કર્યો. ફર્શ પર પડતા ટીવીના કાચની કરચો અહીં તહીં વિખરાઈ ગઈ. કોઈએ પોતાનું બળનું પ્રદર્શન કરવા ફ્રીઝનો દરવાજો ફ્રિજથી અલગ કરીને શેરીમાં ઘા કર્યો . આમ એક પછી એક બધી વસ્તુઓ નષ્ટ કરી તેઓ વિકૃત આનંદ લઈ રહ્યા હતા . શાંતિ કાકા વિનંતી કરી રહ્યા હતા અને તે પાગલ ટોળું વધારે ને વધારે ઉપદ્રવ મચાવી રહ્યું હતું. અચાનક કોઈકના હાથે શાંતિ કાકાએ બનાવેલો ફ્લોચાર્ટ લાગ્યો. તેણે દોડીને તે કાગળ સીધો જયદેવના હાથમાં મૂક્યો. જયદેવે તરત જ તેનું અધ્યયન કર્યું. 

જયદેવે ફરીથી શાંતિ કાકાનો કાંઠલો પકડ્યો બોલ્યો “ડોસા આ શેનો નકશો છે? તે મદદ કરી છે? તે માથે રહીને તારા

દીકરાને ભગાડ્યો છે ?”  

“આ તો તેને શોધવા માટે બનાવ્યું હતું” શાંતિ કાકા રડમસ થઇને બોલ્યા. તેના અવાજમાં કંપન હતું

આંખમાં નિરાશા અને દિલમાં ભય. આ સ્થિતિમાં તો તે પોતાના દેહને પણ ત્યાગી ન શકે.ક્યારેક મરી જવું જીવવાથી વધારે સારું હોય પરંતુ શાંતિ કાકાના મોત બાદ શું તેની અસહાય ભાર્યા અને નિર્દોષ યુવાન દીકરી ચેનથી જીવી શકશે? તે જ વિચારે તે આ કપરી જિંદગીને શિરે ચઢાવીને શ્વસે છે . કૃત્રિમ હસે છે. 


“તો મને પહેલા કેમ ન જણાવ્યું ?”જયદેવ હાથ ઉગામતા બોલ્યો. જયદેવે એટલી જોરથી હાથ ફેરવ્યો હતો કે જો તે શાંતિ કાકાના તન પર પડ્યો હોત શાંતિ કાકા ફરી જમીન પર ગબડી પડેત. પરંતુ આવું કંઈ જ બને તે પહેલાં કોઈએ જયદેવનો હાથ પકડી લીધો. જયદેવ આશ્ચર્યચકિત થઇ ગયો.આખી ગલીમાં એવી કોની હિંમત થી કે તેણે જયદેવનો હાથ પકડવાનું સાહસ કર્યું . તેણે પાછળ ફરીને જોયું અને તે જોતો જ રહી ગયો. જયદેવનો હાથ બીજા કોઈએ નહીં બલ્કે નીતુ એ પકડ્યો હતો . તેણે કચકચાવીને હાથ પકડી રાખ્યો હતો. રામ જાણે આટલી બધી હિંમત તેનામાં ક્યાંથી આવી ? આજ તો સ્ત્રીની વિશેષતા છે . તે જરૂર પડે કોમલ ફૂલમાંથી વજ્ર બની શકે છે. આપણે જેને અબળા કહીએ છીએ તે જ શક્તિપુંજ પણ છે. તે વાત યાદ રાખવી જોઈએ .


“મારો ભાઈ તારો ગુનેગાર હશે પરંતુ એની સજા મારા ઘરડા બાપને શા માટે આપે છો ? જે કર્યું છે તે મારા ભાઈએ કર્યું છે એમાં અમારો શું વાંક ? પીયુષ જયારે આવશે અમે તને જાણ કરીશું. એની કોઈ પણ માહિતી મળશે તો અમે પહેલા તને જણાવશું . પણ ત્યાં સુધી આ ત્રાસ ગુજારવાનું બંધ કર. એનાથી તને તો કશું પ્રાપ્ત નહીં થાય પરંતુ કદાચ અમારે ઘણું બધું ગુમાવવું પડશે. તું અહીંથી ચાલ્યો જા” નીતુએ જયદેવનો હાથ ઝાડકાભેર છોડતા કહ્યું .


જયદેવ નીતુની આંખોમાં ખોવાઈ ગયો. તેણે પહેલી વાર કોઈનામાં આટલી હિંમત જોઈ હતી. તે આટલા મોટા ટોળાની વચ્ચે એકલી હતી છતાં તેને કોઈ પરવા ન હતી. કદાચ તેને પણ ખબર હતી કે આ બધા ભેગા મળી તેનો શું હાલ કરી શકે છતાં પિતૃ પ્રેમ તે ખાતર ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હતી. જયદેવના ચમચા ઘરની બહાર દોડી આવ્યા. તેઓ પ્રાંગણમાં ઉભા જયદેવના ઇશારાની રાહ જોઈ રહ્યા હતા.

ટોળામાંથી કોઈ દોડીને નીતુ પર હુમલો કરવા આવી રહ્યું હતું. જયદેવ પણ તેને રોકવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તે માણસ પર ઝનુન સવાર થઇ ગયું હતું. તે કદાચ નીતુ ઉપર પ્રહાર પણ કરી દેત જો કોઈ બોલ્યું ન હોત “લાલિયા પોલીસ આવી ગઈ છે. પાછો ફર.” 


લાલિયાએ ચારે બાજુ નજર ફેરવી. તેને દૂરથી પોલીસની જીપ આવી રહેલી દેખાઈ રહી હતી . તેના હાથમાંથી કાચની બોટલ પડી ગઈ. જમીન પર પડતા વેંત જ બોટલ તૂટી ગઈ. બોટલમાંથી નિકળેલુ પ્રવાહી જમીનને ખદબદાવી રહ્યું હતું. જમીન પર સફેદ ફીણ સાથે ગરમ વરાળ નીકળી રહી હતી. 


જયદેવે હુકમ કર્યો “ચાલો બધા અહીંથી નીકળો” તે તોફાની ટોળકી પોત પોતાના વાહન પર સવાર થઈ ગઈ. તે લોકોના વાહનો માંડ શરૂ થયા હશે ત્યાં તો પોલીસની જીત તેમની પાસે આવીને ઊભી રહી ગઈ. પોલીસ કોઈ સવાલ જવાબ કરે તે પહેલા તેઓ જે રીતે ગોફણમાંથી ગોળો છૂટે તેમ અદ્રશ્ય થઈ ગયા. જીપમાંથી ઇન્સ્પેકટર વાઘેલા નીચે ઉતર્યા. તેણે ફિલ્મી અંદાજમા પોતાના કમર પટ્ટા પર હાથ રાખ્યો હતો .


વાઘેલા પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યો હતો. તે શાંતિ લાલની દશા જોઈ રહ્યો હતો. તેના ઘરમા થયેલી તોડફોડ વાઘેલાની નજરથી છુપી ન હતી. સમજદાર ને ઈશારો જ કાફી હોય તેમ વાઘેલા પરિસ્થિતિનો તાગ પામી ગયો પણ એનાથી તેને કશો ફેર પડ્યો નહીં. તેણે હાથ ઊંચો કરી તર્જની આંગળી હવામાં ગોળ ગોળ ફેરવી. આ ઈશારો મળતા બે હવાલદાર ગાડીમાંથી ઉતર્યા અને તેમણે પાછળના દરવાજેથી અહાનને ઉતાર્યો અહાનના ચહેરા પર લાગેલી દવાની પટ્ટીઓ તેના રૂપને જરાય નબળુ પાડી શકી નહોતી. તે એટલો જ સુંદર લાગી રહ્યો હતો .


“નમસ્તે ભાભીજી, તમારી અમાનત સોંપવા આવ્યો છું .” વાઘેલાએ એક તમાશો પૂરો થયો ત્યાં બીજા તમાશાને તેડું આપ્યું. તે જ પ્રાંગણમાં તેને અહાનને અનવીના હવાલે કર્યો 

અનવીએ અહાનનો હાથ પકડ્યો પરંતુ અહાન પોતે સ્વસ્થ છે તેવું સાબિત કરવા પોતાનો હાથ છોડાવી અનવી ની પાસે ઉભો રહી ગયો 


વાઘેલા ને કશું પણ બોલવું ઉચિત ન લાગ્યું તેથી તે પોતાની ટીમને લઈને રવાના થયો. 


નીતુ, શાંતિ કાકા, અનવી અને થોડાક તમાશા પસંદ બીજા લોકો અહાનને ઘેરી વળ્યા. સૌને જાણવાની ઉત્કંઠા હતી કે અહાન અને અનવી શું સંવાદ કરશે. અહાન પર શું વીતી હશે અને તે લોકો હવે શું કરશો? 


“તને કશું જાણવા મળ્યું? અનવીએ સૌની અપેક્ષા વિરુદ્ધનો સવાલ પુછ્યો 

“શું મતલબ, તેને કશું જાણવા મળ્યું એટલે...?” નીતુએ આશ્ચર્યથી પૂછ્યું 

“પોલીસને એવું લાગતું હશે કે તેમણે અહાનને ગિરફ્તાર કર્યો હતો પરંતુ ખરેખર અહાન સામે ચાલીને ગિરફતાર થયો હતો.

“શું ?” બધા એકસાથે બોલ્યા 

અહાને ઈશારા વડે અન્વીને કશું ન બોલવા કહ્યું. અનવી વધારે કઈ બોલતા અટકી ગયી . વાતાવરણની ખામોશી સૌની ઉત્કંઠા વધારી રહી હતી. શાંતિ કાકા માહોલથી ત્રાસી ગયા હતા તેથી તેમણે મૌન તોડ્યું 


“બેટા શું વાત છે?” શાંતિ કાકા અહાનના ગાલ પર લાગેલા ઝખ્મો તપાસતા બોલ્યા. 

“મને એવું લાગતું હતું કે પિયુષ ના ફરાર થવા પાછળ વાત કંઈક ઓર જ છે. વાત શું છે તે જાણવા માટે મે જ પોલીસને સંદીગ્દ્ તરીકે મારું નામ આપ્યું હતું.” અહાને બધાની મૂંઝવણ દૂર કરી 

“મેં પપ્પાને કોલ કર્યો. તેમણે વાઘેલા ને ઓર્ડર કર્યો. એટલે અહાનને પાછો છોડી દેવામા આવ્યો “ અનવી હરખાતી બોલી 


“તે મારા છોકરા માટે આટલું મોટું જોખમ શા માટે લીધું બેટા “ શાંતિ કાકાને શું બોલવું તે સમજાતુ નહોતું પરંતુ તે ચિંતા અને આભાર વશ હાથ જોડીને ઊભા હતા. 

“પણ તને કશું જાણવા મળ્યું ખરી ?” અનવીએ મુદ્દા ની વાત કરી .

અહાને કશો જવાબ દેવાને બદલે એક રહસ્યમય સ્મિત કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama