Mahebub Sonaliya

Drama Thriller


2.5  

Mahebub Sonaliya

Drama Thriller


લવ મેરેજ 17

લવ મેરેજ 17

8 mins 719 8 mins 719

ઓઝા સાહેબની ચેમ્બર બહાર અમીત વાઘેલા ક્યારનો અધીરો થઇને ઊભો હતો. તેની આંખોમાં ચમક હતી. તેની હરકતોમાં ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે પાકી તપાસ કરીને આવ્યો હતો. તેણે અહાન પાસેથી જપ્ત કરેલા કોમ્પ્યુટરની હિસ્ટ્રી તપાસી તો તેને ઘણા બધા સુરાગ મળી આવ્યા હતા. તે આ માહિતી ઓઝા સાહેબને દેવા માટે ઉતાવળો હતો. પરંતુ આજે ઓઝા સાહેબની મીટીંગ બહુ લાંબી ચાલી હતી. તે પૂર્ણ થાય તો અમિત વાઘેલાનો વારો આવેને. ખાસી એવી રાહ જોયા બાદ અમિતની પ્રતીક્ષાનો અંત આવ્યો. તે લેપટોપ ઉપાડી સીધો સાહેબની ચેમ્બરમાં પ્રવેશ્યો.

"સાહેબ મને ઠોસ પુરાવો મળ્યા છે કે અહાન..." અમિત વાઘેલા ધીમા સ્વરે બોલ્યો.

"શું? અહાન... શું?" ઓઝા સાહેબે ભવા ચડાવતા કહ્યું. 

"મને ખાતરી છે કે આ બ્લેકમેલિંગ કાંડ પાછળ અહાનનો હાથ છે" અમિત વાઘેલા ઓઝાસાહેબ તરફ લેપટોપ ધરતા બોલ્યો.

તેણે તરત જ થોડી કી પ્રેસ કરી અને કોમ્પ્યુટરની હિસ્ટ્રી ઓપન કરી. 

"ઓહ! અમિત , મેં તને હજારવાર કહ્યું કે મારા જમાઈથી દૂર રહેજે. જો અહાનને દુઃખ થશે તો મારી દીકરી દુઃખી થશે અને હું અનવીને દુઃખી નથી કરવા માંગતો. તને આ વાત સમજાતી કેમ નથી?" ઓઝા સાહેબ કંટાળીને બોલ્યા 

"પરંતુ સાહેબ..." અમિત વાઘેલા થોથવાતો બોલ્યો. 

"મારી જાણ બહાર તે અહાન પર હાથ પણ ઉપાડી લીધો છે. પરંતુ હવે હું જરાય પણ ચલાવી નહીં લઉં. હવે જા ઘણા બધા કેસ સોલ્વ થયા વગરના તારી રાહ જુએ છે. પેલા દિવાકર સોનીના ખૂનનું શું થયું?" ઓઝા સાહેબે લેપટોપની ધકેલી પોતાનો અણગમો વ્યક્ત કર્યો.

"સાહેબ તેની તપાસ ચાલુ છે" અમીત નીચું મોં રાખીને બોલ્યો.

"અને પેલી પંજાબ બેંકની લૂંટનું શું થયું?" 

"તેના પર પણ કામ ચાલુ છે" 

"તો પછી આટલા બધા કામકાજ મૂકી અને તું મારા જમાઈ પાછળ શું કામ પડ્યો છે. જા અને પહેલા તારુ કામ કર ઓઝા સાહેબે તીખા મિજાજથી કહ્યું.

વાઘેલા ગુસ્સામાં ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો. તે બહાર નીકળી તો ગયો પરંતુ તે ચૂપ બેસવા વાળો નહોતો. 


"ધડામ..." દરવાજાને બંધ કરવાથી ખૂબ જ તીવ્ર અવાજ થતા દરવાજાની સામે બેસેલા શાંતી કાકા ઝબકી ગયા. બસનો દરવાજો બરાબર બંધ કરી કંડકટર પોતાની સીટ પર બેસી ગયો.

"શાંતી કાકા આમાં કોર્ટ કચેરી ક્યાં આવી?" અહાન બોલ્યો. તે શાંતી કાકાની બાજુમાં બેસેલો હતો. તે ધીરે ધીરે ચાલતી બસથી કંટાળી ગયો હતો. તે ઈચ્છતો હતો કે બસ હવે કોઈ પણ વિઘ્ન વગર આ બસ તેમને ઘરે પહોંચાડી દે તો ઘણું ઘણું. 

શાંતી કાકાએ આજુબાજુમાં જોયું. કોઈ તેની વાત સાંભળી ન જાય તેવી તકેદારી રાખતા શાંતી કાકાએ ક્યાં સુધી અહાનના કાનમાં કશુ કહ્યું. અહાન તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. વચ્ચે વચ્ચે કોઈ જગ્યાએ સમર્થનમાં માથું ધુણાવતો હતો, ક્યારેક ભવા ઊંચા કરતો. પરંતુ એક પણ શબ્દ બોલતો નહીં શાંતી કાકાની વાત પુરી થઇ પછી તે બોલ્યો 

"તો તમે તરત જ કેસ કેમ ન કર્યો?"

"હું પણ એક માણસ છું. હું એક સાવ સામાન્ય માણસ છું. જેમને સ્વયમ પોલીસનું આરક્ષણ હોય એમનું હું શું બગાડી શકું? થોડા દિવસ દિલમાં તેનું દુઃખ રહ્યું. પરંતુ પછી બધું જ સામાન્ય થઇ ગયું. હું રોજની જેમ નિશાળે જતો. બાળકોની હાજરી તપાસતો અને ગેરહાજર બાળકોની ફિકર કરતો. પરંતુ મારે, મારી નીતુ અને પીયૂશની પણ ફિકર કરવાની હતી. હું જાણતો હતો કે હું જરા પણ હીરોગીરી બતાવીશ એટલે મારા પરિવારનું જીવન નર્ક બની જવાનું છે." 

"તો" અહાને આશ્ચર્યથી પૂછ્યું. 

"તો શું? હું પણ સામાન્ય માણસની જેમ આ બધું ભૂલી ગયો. તે વાત પર મહિનાઓ વીતી ગયા. લોકોના બાળકો ગાયબ થતા ગયા. અને હું સ્વયં મારા બાળકોની સલામતી માટે મૌન રહેતો ગયો. જાણે હું કશું જાણતો જ નથી તેમ બધા સાથે વર્તવા લાગ્યો. બને ત્યાં સુધી હું કોઈપણ વાદ વિવાદને ટાળવા લાગ્યો. સાચું કહું તો હું એક કાયરની જિંદગી જીવવા લાગ્યો. 

"પછી" અહાન જાણવા માટે આતુર હતો.


એક દિવસ નીતુ અને તેની મમ્મી મંદિર ગયા હતા. હું હજી શાળાએથી પરત આવ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ મને રાહત થતી. આજ પણ બધું ક્ષેમ કુશળ છે. તે વાતનો ઈશ્વરનો મનોમન આભાર માની લેતો. નીતુના રૂમમાં ઉડતા કાગળ જોઈને મને તરત જ ચીડ ઉપજી આવી. હું ઊભો થઈને સીધો તેના રૂમમાં ગયો. ત્યાં જોયું તો બધું જ અસ્તવ્યસ્ત હતું. ચોપડીઓ આડેધડ પલંગ પર પડી હતી. અખબાર અહીં તહીં વિખરાયેલા હતા. ચારે બાજુ બસ કાગળ કાગળ કાગળ જ હતા. જાણે કોઈ કબાડી નો રૂમ ન હોય. મને તો જોતા વેંત જ સમજાઈ ગયું કે આ કામ પીયૂશનું છે. તે ઘણીવાર પોતાની એક વસ્તુ શોધવા માટે આખા રૂમને ખેદાનમેદાન કરી અને ચાલ્યો જતો. કદાચ એ પણ પીયૂશે જ કર્યું હશે. બાકી નીતું તો સ્વયંશિસ્ત વાળી છોકરી હતી. તે પોતાના રૂમની આમ અવદશા ન કરે.


" મેં બધા પુસ્તકો યોગ્ય સ્થાને ગોઠવ્યા. બધા અખબારો સમેટીને સુવ્યવસ્થિત કર્યા. આખરે હું હવે શાંતીથી બેસી શકતો હતો. મેં અખબારના ઢગલામાંથી એક અખબાર ઉપાડ્યું અને તેના વડે ખુદને પવન નાખવા લાગ્યો. તેની શીત લહેર માણીને મેં આંખો બંધ કરી લીધી અને ક્યાંય સુધી તેમ જ બેસી રહ્યો. જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારી નજર હવામાં લહેરાઈ રહેલા તે અખબારના એક અહેવાલ પર ગઇ. મેં મારી આંખો હજી ખોલી જ હતી અને તે ખબર વાંચીને મારી આંખો સાવ ખૂલી ગઈ. અખબારનો તે ટુકડો મારા ઝમીરને ઢંઢોળવા લાગ્યો. મેં તેને શાંત કરવા જરા પણ કોશિશ ન કરી. હું રડવા ચાહતો હતો પરંતુ રડી શક્યો નહીં. મારી કાયરતાનો અહેસાસ મારા કંઠમાં ડૂમો બનીને રહી ગયો. અખબારના એક ખૂણાની નાનકડી એવી ખબર મારા જીવનના મોટી અસર છોડી ગઈ. તે ખબર આ પ્રકારે હતી:

''મુંબઈમાં ફરી એકવાર સામે આવ્યો છે હિટ એન્ડ રનનો એક કેસ. હવે અમીરજાદાઓ બેફામ બન્યા છે. નીચે નાના અક્ષરોમાં લખ્યું હતું: મુંબઈમાં ગઈકાલ રાત્રે એક બી. એમ. ડબલ્યુ. કારે ફૂટપાથ પર સૂતેલા ચાર બાળકોને કચડી નાખ્યા છે. તે બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવાનું કામ કરતા હતા. માનવ અધિકાર સમિતિએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો છે. આનાથી આગળ મારાથી વાંચી શકાયું નહીં.


ઘટનાસ્થળનું ચિત્ર જોઈને હું સમસમી ઉઠ્યો. ચાર માસૂમ બાળકોના કચડાયેલા શરીરમાંથી વહેતા લોહીનું ખાબોચિયું ભરેલું હતું. ગાડીને પાછળ ચલાવતી વખતે ગાડીના લોહીથી રંગાયેલા ટાયરોએ પોતાના દોષી હોવાના લિસોટા સ્વરૂપે પ્રમાણ છોડ્યા હતાં. મારા હાથમાંથી અખબાર નીચે પડી ગયું. હવાના કારણે અખબારના પ્રત્યેક પાના એકબીજાથી અલગ થઈ ગયા અને અહીં તહીં વિખરાવા લાગ્યા. હું હેબતાઈ ગયો હતો. આ કોઈ પહેલી ઘટના નહોતી અને તેમજ આ ઘટના અંતિમ પણ નહીં હોય. પરંતુ આ ઘટના એ મારા દિલને સાવ તોડી નાખ્યું. હું એક સાથે નિરાશા, ઉદાસી, અસહાયતા, કાયરતા એવી કેટલીયે લાગણીઓ અનુભવી રહ્યો હતો. મારી શિખામણ સાંભળી કે મારી કરાયેલી શિક્ષાથી ઘણા બધા બાળકો રડી પડતા હતા. પરંતુ આજે પહેલીવાર હું નાના બાળકની માફક રડવા લાગ્યો હતો.

રૂમમાં મને છાનું  રાખવા વાળું કોઈ નહોતું. મે જ મને છાનો રાખ્યો. હું ઊભો થયો. મારામાં રહેલું થોડું ઘણું ઝમીર હવે જાગી ઊઠ્યું હતું. મેં હવામાં આમ તેમ ભાગી રહેલા અખબારના તે ટુકડાને ઉપાડ્યું અને મુંબઈમાં ગાડી નીચે કચડાયેલા ચાર બાળકોના સમ ખાઈને દ્રઢ નીશ્ચય કર્યો કે હું આનો બદલો જરૂર લઈશ. જે વાત હું મહિનાઓથી જાણતો હતો. તે વાતને નજર અંદાજ કરી, દુનિયાથી ડરીને ડરપોક માફક મારા ઘરમાં પુરાઈ રહ્યો. તે વાતનો અફસોસ કરવા કરતા મૃતકને ન્યાય અપાવવાનું મેં નક્કી કર્યું.


બીજા દિવસે હું વકીલ પાસે ગયો. મેં કોર્ટમાં પી. આઈ. એલ. દાખલ કરી. જન જાહેર હિતની આ ફરિયાદ કરતાં જ મારા દિવસો સાવ બદલાઈ જવાના હતા. તે વાતની મને ખબર હતી. છતાં જે થશે તે જોયું જશે તેમ મનને મનાવી મારે આ માર્ગ પર એકલા ચાલવાનું છે તેનું મને જ્ઞાન હતું. પરંતુ અહાન તારી જેવો હમસફર મળ્યો તે આનંદની વાત છે. 

તે દિવસે મારા એક હાથમાં પી.આઈ.એલની એક કોપી હતી અને બીજા હાથમાં એ બેરહેમ અખબારનો ટુકડો હતો. હજી તેમાં ગાડીના લોહી ભર્યા લિસોટા દેખાઈ રહ્યા હતા. હજી તેમાં અમીરીનો અતિરેક દેખાતો હતો. હજી તે ચાર માસૂમ બાળકોના અર્ધનગ્ન દેહ લોહીમાં સબડી રહ્યા હતાં. અને તેમાંથી એક મારો વહાલસોયો વિદ્યાર્થી પીન્ટુ મને ફરિયાદ કરી રહ્યો હતો.

"સાહેબ મને શોધવામાં તમે બહુ મોડું કેમ કર્યું?" શાંતી કાકા રડી રહ્યા હતા. તેને જોઈને અહાનના મનમાં તેમના પ્રત્યે આદર વધી ગયો . અહાન સાવ શાંત બેસેલો હતો. તે જ્યારે કોઈ હલ ચલ નથી કરતો અને આમ શાંત બેસે છે. ત્યારે તેના મનમાં ઘણા બધા વિચારો નું મૂલ્યાંકન ચાલુ હોય છે.

"આપણે હવે શું કરીશું?" શાંતી કાકા બોલ્યા

"શોધ, પીયૂશ અને માનસીની શોધ" તે જરા ધીમા સ્વરે બોલ્યો 

"પણ કેવી રીતે?" શાંતી કાકાને જ્યારે કશું ન સમજાય ત્યારે તે અહાન પર સવાલોનો મારો શરૂ કરી દે છે જેમાંથી થોડાકનો જ ઉત્તર તેને સમજાય છે. બાકી ફરી ફરી કંઈ પૂછવાનો કોઈ અર્થ નથી રહેતો. તેથી તે અહાન પર ભરોસો કરી, તેની 'હા' મા 'હા' મેળવે છે 

"તે લોકોને સંતાવા માટે કોઈ આશ્રયસ્થાન જોઈએ અને કોઈ આશ્રયદાતા પણ."

"હા પણ આપણે તેને વિશે કંઈ જ જાણતા નથી. મારા દિકરાના એવા કોઈ મિત્રો પણ નથી કે તેને આટલા દિવસો સુધી સાંચવે. માનસીની ખબર નહીં." 

"પરંતુ હું જાણું છું. તેનો આશ્રયદાતા કોણ હોઈ શકે"

"કોણ? " શાંતી કાકા ખૂબ જ ઊંચા સ્વરે બોલ્યા. તેના આવી રીતે બોલવાથી આજુબાજુના લોકો તેની તરફ જોવા લાગ્યા. બસની ગતી ભલે ધીમી હોય પરંતુ લોકોની બુદ્ધિ બહુ જ તેજ ચાલે છે. બસમાં બેસેલા લોકો અહાન અને શાંતી કાકા તરફ ધ્યાન આપી રહ્યા હતા. અહાને શાંતી કાકાને હાથના ઇશારા વડે ધીમા સ્વરે બોલવાનું કહ્યું. 

"હા, પણ કોણ? અશ્વ નાસી છૂટે પછી તબેલાને તાળા મારવા જેવું કાર્ય શાંતી કાકાએ કર્યુ. તે હવે ધીમા સ્વરે બોલ્યા  

"અમિત વાઘેલા" અહાન સુવાનું નાટક કરતો પોતાની સીટની પાછળ તરફ નમ્યો. 


"કેમ? તેને શું લેવાદેવા? શાંતી કાકા ધીમા સ્વરે બોલ્યા.

"એ તો નથી ખબર. પરંતુ તે દર વખતે માનસી અને પીયૂશના જીવન સાથે સંકળાઈ જાય છે. માનસીના એકસીડન્ટ વખતે તે શા માટે હોસ્પિટલ ગયો હતો. તેને તમારા જીવનમાં કંઈક તો રસ છે."

"પરંતુ શું? તે શું કામ આપણી પાછળ હાથ ધોઇને પડ્યો છે?"

"તે સવાલ મહત્વનો નથી. મહત્વનો સવાલ એ છે કે તે માનસી અને પીયૂશને ક્યાં છુપાવી શકે. જો હું અમિત હોઉં તો હું તે બંનેને ક્યાં ગાયબ કરી શકું?" અહાન ક્યાંય સુધી મૌન રહ્યો. તે દરમિયાન શાંતી કાકા એ તેને ઘણા બધા વિકલ્પો આપ્યા. પરંતુ અહાને તેમના એક પણ વિકલ્પ પર પ્રતિક્રિયા આપી નહીં. અહાન બસ તેનું મગજ કસી રહ્યો હતો. 

"આપણે અહીં દિમાગનું દહીં કરીએ છીએ અને અમીત વાઘેલા આરામથી પોતાની ચોકીમાં બેસીને આપણને ખતમ કરી નાખવાની નવી યોજના બનાવી રહ્યો હશે" શાંતી કાકા નાસીપાસ થતા બોલ્યા .

"વાહ શાંતી કાકા મને જવાબ મળી ગયો" અહાન પહેલીવાર રાજી થતાં બોલ્યો. આટલા બધા દિવસોથી ધીર ગંભીર અહાન આજે હસ્યો છે. તે વાતનો શાંતી કાકાને આનંદ થયો. 

"ક્યાં? ચોકીમાં?" શાંતી કાકા માથું ખંજવાળતા બોલ્યા. "પણ ત્યાં તો સેંકડો માણસોની અવરજવર થતી હોય" તેણે પોતાનું અધૂરું વાક્ય સંદેહ સાથે પૂર્ણ કર્યું 

"ચોકી નહીં, જો હું તેના સ્થાને હોઉં તો તેને ચોકીમાં જ રાખું, સેંકડો માણસોની વચ્ચે, પરંતુ આ તો અમીત છે " અહાન મલકાયો. 

"તો તેણે ક્યાં રાખ્યા હશે?" શાંતી કાકા આતુરતાનો અતીરેક અનુભવી રહ્યા હતા. 

"તેણે બંનેને સૌથી સુરક્ષિત સ્થાને રાખ્યા હશે. પોતાની નજર સામે અને લોકોની નજરોથી ખૂબ દૂર."

"પણ ક્યાં?" 

"ચોકીની પાછળ" અહાન થોડી વાર થંભ્યો અને ફરી બોલ્યો

 "જેલમાં!Rate this content
Log in