લવ મેરેજ 6
લવ મેરેજ 6


જો ભૂતકાળ સારો હોય તો તેને વાગોળવાની મજા પણ ઓર જ હોય છે. અહાન તેના ખૂબસૂરત ભૂતકાળને મનોમન યાદ કરી રહ્યો હતો. તેને હજી બરાબર યાદ છે. તે દિવસ જ્યારે તે અનવીને પહેલીવાર મળ્યો હતો. તે પોતાના વિતકને આંખોના કેમેરામાં કેદ કરી લેવા માંગતો હતો.
નવી નોકરી ઘણી બધી નવી આદતો પાડી રહી હતી. તેની પોલીસ ટ્રેનીંગ ચાલી રહી હતી. પસંદ થયેલા પોલીસ કર્મીઓને 2-2 ની ટુકડીમાં વહેંચેલા હતાં. અહાન અને અમિત વાઘેલા એક ટીમમાં હતા. તેમનું ટાસ્ક હતું માહિતી મેળવવી અને તેનો ઉપયોગ કરવો. માહિતી મેળવવી અને તેનો ઉપયોગ કરવો એ તેમનું ટાસ્ક હતું પરંતુ માહિતી કેવી રીતે મેળવવી તે તેમની પ્રોબ્લેમ હતી. તે અને અમીત બંને રાતભર આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા માટે મથતા હતા, સવારે ફરજ બજાવવાની અને ઓફિસરોને સલામ કરવાની. ટ્રેનીંગ તો ઑફિસરની લીધી હતી. પરંતુ અહીં તો બધાનું કામ કરવાનું. નવી નોકરીનો જોશ થોડાક જ દિવસમાં ઠંડો પડવા લાગ્યો અને થોડાક જ દિવસમાં અમે ખોખલી નોકરીથી કંટાળી ગયા. અહીં માત્ર દંભ જ છે. અમે કશું કરી બતાવવા માટે ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા પરંતુ અહીં તો કંઈ પણ ન કરવાનું મન થાય તેવા કામ સોંપતા હતા.
એક દિવસ સવાર સવારમાં અહાન મેદાનના ચાર રાઉન્ડ મારીને ઓફિસે પહોંચ્યો હતો. કહેવાય છે કે દરેક રાતની સવાર હોય છે. તે વાતનું સમર્થન આપતા કહું કે એ દિવસ અહાનની જીંદગીની સવાર માત્ર પડી નો હતી, બલ્કે ખીલી હતી. તે હજી ચોકીના પ્રાંગણમાં થાકીને પહોંચ્યો હતો. તે માત્ર બીજા પગથિયા પર ઊભો હતો. ત્યાં જ કમિશનર સાહેબની ગાડી આવીને તેની સામે ઊભી રહી ગઈ. અહાન તરત જ સાવધાનની મુદ્રામાં ઉભો રહી ગયો. અહાન રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે સાહેબ ગાડીમાંથી બહાર નીકળે. તે સાહેબને સલામ કરે , સાહેબ ચાલતા બને અને અહાન પણ વિશ્રામની મુદ્રા ધારણ કરી શકે. સવાર સવારમાં વધારે પરિશ્રમ કરીને આવેલા હોવાથી અહાન ઉત્સાહની કમી મહેસૂસ કરી રહ્યો હતો. તે આવી સિસ્ટમથી કંટાળી ગયો હતો. દિવસ પડે દસ-બાર આવા સાહેબો આવે અને ચાલ્યા જાય. ભલા એક માણસ કેટલાને સલામ ઠોકે?!
જેવો જીપનો દરવાજો ખૂલ્યો કે તરત જ ક્યારના રાહ જોઇને કંટાળેલા અહાને કશું જોયા વગર જ સલામ બજાવી.અહાન સેલ્યુટ કરી રહ્યો હતો અને તેના સાથીઓ અહાનની આ હરકત પર હસી રહ્યા હતા. ખરેખર તે કમિશનર સાહેબને નહીં પરંતુ તેમની દીકરીને સલામ કરી રહ્યો હતો. જીપમાંથી એક સ્વર્ગની અપ્સરા ઉતરી તે અહાનની આ મુદ્રા જોઈને હસવા લાગી. તેનો ઉજળો વાન, ઉંચી કાયા, નમણો ચહેરો, પાતળું શરીર અને માદક હસી, આટલું તો કાફી છે. કોઈપણ માણસને દિવાના બનાવવા માટે. આવી રીતે અહાન અનવીને પ્રથમવાર મળ્યો.
"મને નહિ મારા પપ્પાને સેલ્યુટ કરજે" અનવીએ વાણીના મોતી વિખેરીયા.
"હવે આ હાથનું બીજા કોઈને સલામ કરવું બહુ મુશ્કેલ છે." અહાને બોલીવૂડના હીરોની માફક અનવીના જીવનમાં એન્ટ્રી મારી. અનવી હસતી રહી તેણે કશો પ્રતિ ઉત્તર ન આપ્યો
ખરેખર બન્યું પણ એવું જ, થોડીવારમા જીપનો બીજો દરવાજો ખુલ્યો. તેમાંથી આઈ. પી .એસ. એ. પી. ઓઝા ઉતર્યા. તેઓ ટટ્ટાર ઉભા હતાં. સાંભળ્યું હતું કે તેઓ ડીસીપ્લીનમાં બહું માને છે. તે આજે જોઈ પણ લીધું. તેઓ તેમની વરદીમાં સુસજ્જ હતા. માથા પર પોલીસ હેટ , છાતી પર કેટલાય સ્ટાર્સ અને ચેહરા પર રુઆબ . તે એક પછી એક એમ બધા પગથિયાં સડસડાટ ચડી ગયા. તેઓ સ્ફૂર્તિથી સીધા ચોકીમાં ચાલ્યા ગયા.
અહાન હજી અનવીને જ જોઇ રહ્યો હતો. તે જાણે જન્મો જનમથી અનવીને જાણતો હોય તેમ તેના વિશે વિચારવા લાગ્યો હતો. સામે છેડે અનવી પણ તેને જોઈને મંદ મંદ મુસકાઈ રહી હતી. પોલીસ સ્ટેશનમાં આટલું બધું રોમેન્ટિક વાતાવરણ પહેલી વખત જોવા મળી રહ્યું હતું.
અચાનક કમિશનર સાહેબને કશું યાદ આવ્યું હોય તેમ તે તરત જ ચોકીમાંથી પરત ફર્યા. સૌએ તરત જ સેલ્યુટ કરી. પરંતુ અહાનભાઈ તો હજી અનવીના વશીકરણમાં કૈદ હતા. તેને બિચારાને તો સાહેબ ગયા તેની જ ખબર નો હતી તો પરત આવ્યાની તો ક્યાંથી ખબર હોય! તેણે તો બંન્ને વખતે સાહેબને સલામ નો કરી. આપણી કહેવત છે ને કે રાજા વાજા અને વાંદરા ક્યારે ફટકે તેનું કૈં નકકી ન કહેવાય. બસ આટલી નાની વાતમાં પણ ઓઝા સાહેબનો અહમ ઘવાય ગયો. તે ગુસ્સામાં આગ ઝરવા લાગ્યા. તે સડસડાટ પગથિયાઓ ટપતા અહાન પાસે પહોંચ્યા.
"તારા હાથમાં દુખાવો છે? સેલ્યુટ કેમ નો કરી?" આઈ પી એસ ઓઝાએ અહાન સામે જોતા જ રહી ગયા. તેનો સ્વર ભારે હતો. તેણે ઊંચા અવાજે અહાનને કહ્યું હતું. પરંતુ આજુબાજુના બધાં પોલીસકર્મીઓને ફફડાટ થવા લાગ્યો.
અહાન કશું બોલ્યો નહીં તે હજી પોતાના દિવાસ્વપનમાં રાચી રહ્યો હતો.
" સાહેબ તે નવો છે. તેને વધારે કૈં ખબર નથી પડતી." વાઘેલા અહાનને બચાવવા દોડ્યો.
"નવો છે છતાં આવી અકડ? ઇન્સપેક્ટર વાળા આને ગ્રાઉન્ડના 3 રાઉન્ડ મારવાના છે એ પણ રાઇફલ માથે રાખીને."ઓઝા સાહેબનો ઈગો ઘવાતા તે આગ બબુલા થઈ ગયા.
"પપ્પા બિચારો નવો છે. એની પહેલી ભૂલ સમજી માફ કરી દો." અનવી એક અજાણ્યા માણસની મદદ માટે યાચના કરી રહી હતી.
"અચ્છા નવો છે? તો ઇન્સપેક્ટર વાળા 4 રાઉન્ડ ફેરવજો. પહેલી ભૂલ બાદ બીજી ભૂલ કરવાની હિંમત નહીં કરે."
"અત્યારથી જ સુધરી જશે." ઇન્સ્પેક્ટર વાળા મરક મરક કરતા બોલ્યા.
" શુ થયું છે આ સિલેક્ટરોને ? કેવા કેવાની ભરતી કરી લે છે" ઓઝા સાહેબ ચોકીમાં ફરીથી ચાલ્યા ગયા.
" બેટા આ બલાના સપના રહેવા દે. આ તને ભૂંડી મૌત મારશે!" વાઘેલા અહાનના કાનમાં બોલ્યો.
" અરે યાર, હવે જીવીને પણ શું કરીશું!" અહાન એની જ ધૂનમાં મસ્તીથી બોલ્યો.
અનવી પગથિયાં ચડતાં ચડતાં અહાનની પાસેથી પસાર થઈ. તેણે અહાન સામે જોયું પણ નહીં. જાણે ખેતરમાં ઉભા મોલને સ્પર્શીને પવન વહે તેમ અનવી આગળ ચાલી રહી હતી. તે એક બાદ એક એમ બધાં પગથિયાં ચડી રહી હતી. અહાન બસ તેને જ નિહાળી રહયો હતો. જાણે કોઈ ચાલતી મુવીને રિમોટ વડે રિવર્સ કરવામાં આવે અને દ્રશ્ય જેમ અર્ધ્વ ગતિ કરે તેમ અનવી ધીમે ધીમે અહાન માટે ફરી નીચે આવી રહી હતી. તે પહેલાં પગથિયાંથી માંડી સાવ છેલ્લા પગથિયાં સુધી આવી ગઈ. તેણે અહાનની આંખોમાં આંખો પરોવી.
" હાઈ હું અનવી ઓઝા" અનવીએ તેની તરફ હાથ ધર્યો.
"અહાન મજમુદાર" અહાને તેના હાથમાં પોતાનો હાથ પરોવ્યો. એવું લાગતું હતું કે આ હસ્ત મેળાપ જાણે સ્વયં કુદરતે કરાવ્યો હોય!
"તે પપ્પાને સેલ્યુટ કેમ ન કરી?"અનવી બોલી.
"હજી એક ક્ષણ પહેલા મેં તને કહ્યું હતું કે આ હાથ હવે કોઈને સલામ નહીં કરે . અને બીજા જ ક્ષણે હું કોઈને સલામ કરું તો તને કેટલું ખોટું લાગે?" અહાન સાવ અજીબ અજીબ વાતો કરી રહ્યો હતો. એવું લાગતું હતું કે તેને પહેલી નજરે જ અનવી સાથે પ્રેમ થઇ ગયો છે.
"તો હવે મારા ખાતર ચાર રાઉન્ડ પણ મારવા પડશે. સોરી તારી સજા વધારવા માટે"
"થેંક યુ. મારી તરફેણ કરવા માટે. તે તરફેણ કરી એટલે હવે સજામાં પણ મજા આવશે!" અહાન બોલ્યો.
"ના તો મે તને અહીં ઊંઘવા માટે નથી બોલાવ્યો. ના તો આ કોઈ આરામગૃહ છે." શાંત આંખો બંધ કરીને બેસેલા અહાનની છાતી પર લાત મારતા વાઘેલા બોલ્યો. આ વખતે વાઘેલા એ તેને પકડ્યો નહીં. અહાન ફર્શ પર ગબડી પડ્યો. વાઘેલાનો અવાજ વાક્યની શરૂઆતમાં ધીમો હતો અને પછી એક એક શબ્દે તેનો સ્વર તીવ્ર થતો ગયો.
"મને ખબર છે કે મારી ધડપકડ નાટકનો એક ભાગ છે. બાકી હકીકત કંઇક ઔર જ છે. બોલ તારે શું જોઈએ છે?" અહાન ઉભો થતા બોલ્યો.
"મારે પેલા ડોસાનો છોકરો જોઇએ છે. બોલ તે કયાં ભગાડ્યો છે?" અહાનને ફરીથી ટોર્ચર કરતાં વાઘેલા બોલ્યો.
"કોઈ માણસ મારી જેમ વિચારે છે. તે મારો અપરાધ કેમ કહેવાય?" અહાન બોલ્યો.
"અપરાધ વિચારવાથી જ શરૂ થાય છે. તારાથી મોટો ફિલોસોફર તો કોઈ છે જ નહીં. એટલે આડી અવળી વાત નો કરીશ. પિયુષ ક્યાં છે?" વાઘેલા બહું શોર્ટ ટેમ્પર માણસ છે. તેને ગુસ્સો જલ્દી આવી જાય છે. તે આ ગુણના કારણે જુના મિત્રને યાતના આપતા જરા પણ ખચકાતો નથી.
"પિયુષ એ જ ટ્રેનમાં એ જ સ્થાને ગયો છે જ્યાં હું ગયો હતો. એનો અર્થ એ નહીં કે આ બધાંની પાછળ મારો હાથ હોય? તારાથી આ સાબિત પણ નહીં કરી શકાય." અહાન હવે મુદ્દા પર આવતા બોલ્યો. તે આ નાના નાના ટોર્ચરથી તંગ આવી ગયો હતો.
"હવે એક જ રસ્તો છે અહાન, 'જટાયુ' બસ એ જ બધાને બચાવી શકે છે" વાઘેલા પહેલીવાર વિનંતી કરી રહયો હતો.
"ઓહ 'જટાયુ'? એક વાત મને સમજાવ. આટલા લૉ પ્રોફાઇલ કેસમાં આટલી બધી દોડાદોડ શા માટે? કાશ્મીર પોલીસને દોડાવી. તું મહેનત કરે છો અને હવે 'જટાયુ' શું ખરેખર તું ઇમાનદાર થઈ ગયો છો?"
"મને આ કેસમાં કોઈ રસ નથી પરંતુ આપણાં ઉપરી અધિકારીઓને ખબર નહીં કેમ પણ આમાં ખૂબ જ રસ પડ્યો છે. ઓહ ગોડ!, તું વધારે પડતા સવાલ નહીં કર." વાઘેલાથી જરૂર કરતાં વધારે માહીતી અપાય ગઈ હતી તેનું ભાન થતા તે હલબલી ઊઠ્યો.
"સોરી મિત્ર, મેં આ બધું મૂકી દીધું એને ખાસો સમય થઇ ગયો છે. હવે મારુ ગજું નથી કે હું કોઈ સાદો પ્રોગ્રામ પણ બનાવી શકું. અને જટાયું તો બહું જ કોમ્પ્લેક્સ છે. કદાચ જટાયુ સી આઈ એ પાસે હોત તો વધારે સારી રીતે કાર્યરત હોત. પરંતુ દેશ ભક્તિના કારણે મેં તે લોકોની ઑફર ઠુકરાવી દીધી હતી.પણ ફાયદો શું થયો?"
"એ વાતનો હવે કોઈ ફાયદો નથી. તારે એક યા બીજી રીતે જટાયુને કાર્યરત કરવું જ પડશે." વાઘેલા અટ્ટહાસ્ય કરતા બોલ્યો.
"સાહેબ તમારા માટે કોલ છે." એક હવાલદાર દોડીને આવ્યો અને શિસ્ત સાથે વાઘેલા સામે ઉભો રહ્યો. તેણે એક નજર અહાન પર કરી. અહાનને લોહીલુહાણ જોઈ તેનો જીવ કપાવા લાગ્યો. પરંતુ તે તો ચિઠ્ઠીનો ચાકર તે ભલા કરી શું શકે?
વાઘેલા ફોન પર કોઈ અજ્ઞાત માણસ સાથે વાત કરી રહ્યો. તે એક ડરપોક બિલાડી જેમ વર્તી રહ્યો હતો. 'જી સાહેબ' 'જી સાહેબ'નું તેની વાક્ય રચનામાં વારે વારે પુનરાવર્તન થઈ રહ્યું હતું. તે સાવ અસમંજસમાં હતો. તેને શું કરવું તે સમજાતું નહોતું. તે ઘડીએ ઘડીએ બદલાય રહેલા નિર્ણયોથી પરેશાન થઈ ગયો હતો. તેની વાત માં હવે 'જી સાહેબ' ને બદલે 'ના સાહેબ' આવી ગયું હતું. તે વારે વારે આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યો હતો. તેણે છેલ્લું વાક્ય કહ્યું 'થોડોક જ, વધારે નથી માર્યો' વાઘેલાને મનમાં થતુ હતું કે તે ફોનનો ઘા કરી દે અને અહાન પર તૂટી પડે. પરંતુ તેણે એક આદર્શ ચમચાની માફક હુકુમ બજાવ્યો.
વાઘેલા ગુસ્સામાં બોલ્યો. "સાલાની મરમપટ્ટી કરો અને જીપ બહાર કાઢો. લોક લાડીલા અહાનની આપણે હોમ ડિલિવરી કરવી પડશે."