STORYMIRROR

Mahebub Sonaliya

Drama Romance Thriller

5.0  

Mahebub Sonaliya

Drama Romance Thriller

લવ મેરેજ 3

લવ મેરેજ 3

7 mins
483


દુનિયા આખી સાથે માથાજીક કરીને હું ઘેર પરત ફર્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ મેં નીતુ શાંતિ કાકા અને માલિનીને જોયા. તેમને જોતાં વેંત જ હું સમજી ગયો હતો કે તેઓ શા માટે આવ્યા છે. છતાં પણ મેં તેમને જરાય મનમોઢું નો આપ્યું. તે લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. છતાં હું સીધો વોશરૂમમાં ચાલ્યો ગયો.

"શું ચાલે છે?" રોજીંદા સમય કરતા વધારે સમય સુધી હું વોશરૂમ માં બેસી રહ્યો હતો. તેથી અનવી મારી તપાસ કરવા માટે આવી. 

"કૈં જ નહીં." મેં મોબાઇલ સ્ક્રીન પર ટચ કરીને ચેસની પંદરમી ચાલ ચાલતા કહ્યું. 

" કેમ કૈં જ નહીં.ઘણું બધું ચાલે છે. તું શાંતિ કાકાની આટલી બધી અવગણના શા માટે કરે છો?"

"એવું કશું નથી." 

"તો પછી તેઓથી આટલો બધો દૂર શા માટે ભાગે છો? બિચારા તારી પાસે માત્ર મદદ માંગે છે."

"તું જા હું આવું" 

"ચાલ હવે"તેણે મારો મોબાઈલ ખેંચ્યો અને રાણીની ચાલ ચલાવતા કહ્યું. 


થાકેલો માણસ જાણે થાકના બોજથી ઢળી પડે તેમ શાંતિ કાકાએ મારી સામે હાથ જોડ્યા. તેમણે પોતાની આંખોમાં ઘણા આંસુઓ રોકી રાખ્યા હતા. વૃધ્ધ કર હજી સશક્ત હતા છતાં ધ્રુજી રહ્યા હતા. ઘણા દિવસો ના ઉજાગરાથી તેમની આંખોએ પણ રંગ બદલી લીધો હતો અને માલિની આંખો પણ સોજી ગયેલી હતી. 

"અરે કાકા આમ હાથ ન જોડો" મે ખરા દિલથી કહ્યું 

"અહાન બેટા, ઘણી આશા લઈને તારા આંગણે આવ્યો છું." શાંતિ કાકાએ ફરી હાથ જોડતા કહ્યું.

"અરે કાકા ,પણ તમે પોલીસ પાસે જાઓ. ત્યાં કોઈ તમને મદદ કરી શકે. હું તો માત્ર લેખક છું. મન પડે ત્યારે અને મન પડે તેવું લખું છું. એટલે કે ફ્રીલાન્સ છું. હું ભલા તમને શું મદદ કરી શકું?"મેં તેમના ખભા પર હાથ મુકતા કહ્યું.

"હું પોલીસ સ્ટેશનના ઘણાં બધા ધક્કા ખાઈ ચુક્યો છું. તે લોકો મારા સામે મારા પરિવારને જેમ તેમ ગાળો ભાંડે છે. મને ગુનેગાર ગણાવે છે.હું જાઉં તો છું દીકરાની ભાળ મેળવવા અને સ્વયંની ભાળ ખોઈ બેસુ છું." શાંતિ કાકાએ આંખો લૂછતાં કહ્યું. 

"તમે એક કામ કરો, માલિનીના પિયર જાવ અને ત્યાંના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવો. ત્યાં શું લખવાનું છે તે હું તમને સમજાવી દઈશ. તમે એ રીતે વાત રજૂ કરશો તો તમને ચોક્કસ મદદ મળી રહેશે." મેં કહ્યું 

"પણ બેટા હું તને જે વસ્તુ બતાવવા માંગુ છું. તેને તું એકવાર જોઈ તો લે." શાંતિ કાકાએ તેના થેલામાંથી એક લાંબો કાગળનો ટુકડો કાઢ્યો. જૂના જમાનાના શાહી સંદેશની માફક તેમણે તે કાગળને ગોળ વાળીને રાખ્યો હતો.

"પણ આ બધું તમે મને શું કામ બતાવો છો, પોલીસને બતાવો.' મેં જરા ઉગ્ર સ્વરે કહ્યું 

"અહાન જોઈ લે ને હવે" અનવી બોલી 

"મારો દીકરો સવારે 9:30 વાગ્યે ઘેરથી બસ સ્ટેન્ડ જવા નીકળ્યો હતો. ઘરેથી :કામે જવા નીકળ્યો છું' તેમ કહ્યું હતું" શાંતિ કાકા લગભગ જાત સાથે વાત કરી રહ્યા હતા.

"તો હવે તમે આ જુઓ" તે બોલ્યા.


મેં તેમના ચાર્ટ પેપર પર નજર નાખી. તેમણે ગોળ વાળેલું પેપર સીધું કર્યું અને મારી નજર સામે મૂકી દીધું. હું તેમનું કામ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. તેમણે અલગ અલગ ગામ લના નામ લખી એના પર ગોળાકાર કરી ત્યાંથી આગળ જવાના બીજા ગામોના નામ લખ્યા હતા. વળી તેની નીચે બીજી પ્રકટ થતી સંભાવનાઓ, પેટા સંભાવનાઓનું વૃક્ષ બનાવ્યું હતું. તેમણે 9:30 પછી શહેરથી બહાર જતી તમામ બસો અને ટ્રેનો નું અલગ-અલગ ફ્લો ચાર્ટ બનાવ્યું હતું. તેમણે આવી વિકટ પરિસ્થિતિમાં પણ આટલું મગજ દોડાવ્યુ. તે માટે મને શાંતિ કાકા પર માં ઉપજી આવ્યું.

મેં તેમના ફ્લો ચાર્ટનું બારીક અધ્યયન કર્યું. તેમણે માત્ર બે કલાકનો ફ્લો ચાર્ટ તૈયાર કર્યો હતો.તેમણે નજીકના તથા દૂર ના તમામ સ્થળોને આવરી લીધા હતા. તેમણે આ ચાર્ટ બનાવવા માટે ત્રણ રંગની શાહીનો ઉપયોગ કર્યો હતો. લાલ ભૂરી અને કાળી. જે સ્થાને કોઈ સંભાવના લાગતી નહોતી તે સ્થાનનું નામ કાળી શાહીથી લખ્યું હતું. સામાન્ય જગ્યા માટે ભૂરી શાહીનો ઉપયોગ કર્યો હતો. અને પિયુષના જવાની સૌથી વધારે સંભાવના લાગતી હોય તે સ્થાનનું નામ લાલ શાહીથી લખ્યું હતું.


"આ કામ પરફેક્ટ કર્યું છે. તમે પોલીસને બતાવો. તે આના દ્વારા પિયુષને ચોક્કસ શોધી લેશે." મેં કહ્યું.

"હું તેમને પણ બતાવી ચુક્યો છું. પરંતુ તેઓએ જોયા વગર જ મને હાંકી કાઢ્યો. તેઓ કહેવા લાગ્યા કે 'ડોસા હવે તુ અમને કામ શીખવીશ? ભાળ્યો બહુ જેમ્સ બોન્ડની ઓલાદ."

"તો પછી એમાં હું પણ શું કરી શકું? હું પણ માત્ર લેખક છું. જેમ્સ બોન્ડ તો નથી ને?"

"બેટા તું કોણ છે, તે હું જાણું છું.તારી સિદ્ધિઓને હું જાણું છું. નથી જાણતો તો માત્ર એક જ વાત..."

"શું?" હું ભવા અધ્ધર કરતાં બોલ્યો.

"તે ટુંક સમયમાં ખૂબ પ્રસિધ્ધિ મેળવ્યા બાદ તરત જ પોલીસના આઇબી સેલમાંથી રાજીનામું શા માટે આપ્યું ?"

હું સ્તબ્ધ થઇ ગયો. મેં કશો પણ ઉત્તર આપ્યો નહીં. 

"એ જવાબ હજી સુધી મને પણ મળ્યો નથી, તમને કેમ કરી મળશે?" અનવી બોલી 

"હું જોઈ લઉં છું. મારાથી શું થઇ શકે છે. બાકી તમે માલિનીના પીયરથી ફરિયાદ નોંધાવો. તે લોકોની વાતનો દોર આગળ ના ચાલે તે માટે મેં શાંતિ કાકાને આશ્વાસન આપ્યું અને જલ્દીથી વળાવ્યા. મેં તેમના ફ્લો ચાર્ટને મારા મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધો અને શાંતિ કાકાને રવાના કર્યા.


***

જુનવાણી ખખડધજ ઇમારત, ધૂળના ર

જકણથી ભરેલી લાદી, ભાંગીતૂટી ખુરશીઓ, બાંકડા પર ગુંડા જેવા ભયાનક ચહેરાવાળા લોકો, ગપાટા મારતા પોલીસ કર્મીઓ અને ગણ્યાગાંઠ્યા લોકોથી ભરેલો નાનકડો ઓરડો. માલિનીના મનમાં ઘણાં સવાલો હતા. તેણે અત્યાર સુધી પોલીસ સ્ટેશન માત્ર ને માત્ર ફિલ્મોમાં જ જોયું હતું. આજે તેને હકીકતમાં જોયેલું સ્ટેશન પોલીસ સ્ટેશનથી સાવ અલગ હતું.

"સાહેબ ક્યારે આવશે? અમારે ફરિયાદ નોંધાવી છે." કલાકથી રાહ જોઇને કંટાળેલા શાંતિ કાકાએ એક પોલીસકર્મી ને પૂછ્યું. 

"ચૂપચાપ બેઠા રહો. સાહેબના આવવાનો સમય થશે ત્યારે આવી જશે." પેલા પોલીસ કર્મચારીએ તાડુકાઈને વાત કરી. 

માલીની શાંતિ કાકાને બેસી જવા કહેવા લાગી. તે ડરના માર્યે ફફડી રહી હતી. તેના દેહમાં કમકમાટી છૂટી રહી હતી. તેનો ચહેરો પહેલા કરતા વધારે સંવેદનહીન થઈ ગયો હતો. તે વારેવારે ઘડીક સાહેબની ચેમ્બર સામે જોતી હતી અને ઘડીક દ્વાર સામે. 

કહે છે ઈંતજારમાં સમય બહુ ધીમો ચાલે છે. આટલા ધીમા સમય પ્રવાહમાં પણ તે સાસરો વહુ ચાર કલાક સાહેબના આવવાની રાહ જોઇને પોલીસ સ્ટેશનના બાંકડે બેસી રહ્યા. અંતે નિરાશા લઈને ઘરે ફર્યા. ન તો સાહેબ આવ્યા ને તો ફરિયાદ નોંધાઇ.


***

 "બેટા, તે મારું કામ કર્યું ? તને કશું સમજાયું ?" બીજા દિવસે પણ હું ઘરમાં પ્રવેશ્યો તે પહેલાથી જ મારી પ્રતિક્ષારત શાંતિ કાકા અને નીતુ બેસેલા હતા. મને જોતાવેંત જ શાંતિ કાકા બોલ્યા.

"ના કાકા. મેં તમને કહ્યું ને તમે માલિનીને પિયર જઈને ફરિયાદ નોંધાવો" 

તેમણે મને આખી ઘટના કહી. તેઓ ચાર પાંચ કલાક હવા સાથે વાતો કરીને પાછા આવેલા. હવે ફરીથી તેઓ ત્યાં જવા નોહતા માંગતા.  


"તું માહિર છો તો વળી માન શું ખા છો? શાંતિ કાકાની મદદ કર હવે."અનવી મને ખીજાતા બોલી. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું કઅ બબાલમા ફસવા નહોતો માંગતો. પરંતુ હવે તો શાંતિ કાકાની મદદ કરે જ છૂટકો.

ફોનથી પાડેલી ઈમેજને હું પ્રોજેક્ટર વડે મોટા આકારમાં જોઈ રહ્યો હતો. શાંતિ કાકાનું કામ બારીક હતું.જીવનભર માણસને ચારતો માણસ આજે ખુદના દિકરાના હાથે છેતરાયો છે. તેથી તેણે બનાવેલા ફ્લો ચાર્ટમાંથી તેને ખુદને કોઈ તારણ મળવાનું નહોતું તે વાતની જાણ શાંતિ કાકા ન હતી એ જ કારણે તે મને વિનંતી કરી રહ્યા હતા!

"અમદાવાદ, બરોડા, સુરત આમાંથી કોઈપણ જગ્યા તેના માટે સુરક્ષિત નથી. તેથી તે ત્યાં નહીં જાય." હું થોડા ઊંચા સ્વરે બોલ્યો 

"અહીંથી રાજસ્થાન જવા માટે ઘણી ટ્રેન મળે છે. જો તે મુંબઇ દિલ્હી જેવા મેટ્રો સીટીમાં હશે તો તેને શોધવો મુશ્કેલ બની જશે. રાજધાની એક્સપ્રેસ, કાકીનાડા ટ્રેન જેવી લાંબા અંતરની ટ્રેન રાત્રે આવે છે. તેથી તે આ લિસ્ટમાં નથી. હું લગભગ મારી જાત સાથે વાત કરી રહ્યો હતો

"કાકા આ બધું જટીલ લાગે છે. તમારો દીકરો ક્યાં જઈ શકે? તમને કોઈ સ્થાન યાદ આવે છે ?"

"ભાઈ મારું મગજ હિમાલયની હિમશીલા માફક થીજી ગયું છે. મને કંઈ જ ખબર નથી પડતી" શાંતિ કાકા માથે હાથ મુકતા બોલ્યા 

"પપ્પા તમે અહીં લોહી ઉકાળો કરી રહ્યા છો .અને તે બંને કોઈ જગ્યાએ મુક્તપણે ફરી રહ્યા હશે." 

"અહાન ફરવાથી યાદ આવ્યું. આપણે આ વેકેશનમાં ફરવા નથી ગયા નૈ?" અનવી મારી નજીક આવીને મારા કાનમાં ધીમેથી બોલી. શાંતિ કાકા અને નીતું અમારી તરફ જોઈ રહ્યા હતા. હું ગહન વિચારણા કરવા લાગ્યો. જાણે અંધારામાં કોઈએ ચકમકથી રોશની કરી હોય એમ મારા મગજમાં વિચાર આવ્યો. 

"અનુ ફરીથી બોલ" મેં કહ્યું.


અનવીને અજીબ લાગ્યું તેથી તે પોતાની વાતનું પુનરાવર્તન કરતા થોડા સમય માટે ખચકાઈ પરંતુ ત્યારબાદ તે બોલી "મેં શું કહ્યું?"

"હા બોલ હવે"

"આપણે વેકેશનમાં ફરવા નથી ગયા એમ"  

"આ લિસ્ટમાં વેકેશન સ્પેશિયલ ટ્રેન જ નથી. યાદ છે કઈ ટ્રેન...?"

"આપણા વાળી. વેકેશન સ્પેશિયલ ટ્રેન લાસ્ટ સ્ટોપ..." અનવી ઉત્તેજિત થતા બોલી. 

"શાંતિ કાકા તમારો છોકરો...." મારુ વાક્ય પૂરું થાય તે પહેલા દરવાજાથી અવાજ આવ્યો 

"કાશ્મીરમાં છે" ઊંબર પર ઉભેલો લગભગ 40 45 વર્ષનો પોલીસ મેન નરેન્દ્રસિંહ વાળા બોલ્યો. બારીક મૂછ, લંબગોળ ચહેરો, ઝીણા વાળ, શ્યામ વર્ણ, છ ફૂટ ઊંચો દેહ અને માંસલ કાયા. ચહેરા પર વર્દીનો રૂઆબ ઝળકી રહ્યો હતો.


ઘરમાં રહેલા તમામ લોકો અચાનક આવી ચેડેલી પોલીસને જોઈને અચંબામાં રહી ગયા. શાંતિ કાકા અને નીતું તો ગભરાઈ જ ગયા. અનવીએ તો બાળપણથી જ પોલીસને પોતાના ઘેર આવતા જોયા છે. એટલે તેને પોલીસમેનથી જરાય ગભરાહટ ના થઈ 

"બોલો ઓફિસર શું વાત છે?' મેં કહ્યું 

"વાત તો ઘણી બધી કરવી છે પરંતુ અહી નહીં. યુ આર અંડર અરેસ્ટ. આપણે પોલીસ સ્ટેશને જઈને વાતો કરીશું" ઇન્સ્પેક્ટરે મારો હાથ પકડતા કહ્યું.

અનવીના ચહેરા પર ડર રમવા લાગ્યો.

"તમે મને કયા અપરાધ માટે લઈ જઈ રહ્યા છો?" મેં જરા રુદ્ર અવાજથી કહ્યું 

'તારા કારણે આ ડોસાનો છોકરો ભાગ્યો છે. આનાથી વિશેષ અપરાધ શું જોઈએ?" ઇન્સ્પેક્ટર મને ખેંચતો પોલીસવેન સુધી લઈ ગયો 

નીતુ અને અનવી મારી પાછળ પાછળ દોડી રહ્યા હતા અને શાંતિ કાકા ચાલી રહ્યા હતા. શાંતિ કાકા તેની આંખોથી આ તમાશો જોતા રહ્યા. તેમની આંખોમાં ઉગેલો ઉમીદનો એકમાત્ર સૂરજ હવે આવી રીતે અસ્ત થઈ રહ્યો હતો. પોતાનાના મનમાં ચાલતા કેટલાય પ્રશ્નોને મૌન કરાવી તે ચૂપચાપ ઊભા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama