લોહીલુહાણ થાપા
લોહીલુહાણ થાપા


ભારતીય સંસ્કૃતિ ધરાવતા એક સુખી પરિવારમાં નવોઢા બની આવેલી અવની પોતાને ખુબ ભાગ્યશાળી અને ખુશનસીબ માની જીવનની પ્રત્યેક પળને માણતી. કુટુંબમાં બે જેઠ અને એક નણંદ, દરેકના ઘરે એક એક કુળદિપક બધી વાતે સુખી.અને થોડા જ સમયમાં અવની એ બધાને ખુશખબરીનાં એંધાણ આપ્યાં. ઘરે કંસાર અને ખુશાલીની મધુર ઘંટડીઓનો આનંદ.
અચાનક.... પરસેવાથી તરબતર અવની ઉંઘમાંથી જાગી ગઈ ....એક ઈનસિક્યોરિટી એને કંપકંપાવી ગઈ ....જો દિકરી આવશે તો.....અને પછી ઘણી ટીવી સિરિયલોએ એના મનમાં નેગેટીવ વિચારોનું પૂર .... વહેલી સવારે જ ફ્રેન્ડને ત્યાં જવાનું બહાનું કરી ગર્ભનું જેન્ડર ચેક કરાવી, મેડિકલમાંથી ગોળીઓ ખરીદી ખેદ સાથે ઘરે આવી. થોડા જ સમયમાં અવનીનું બબ્બે વખત મિસકેરેજ....બધાં માટે આઘાતજનક ઘટના હતી....!
ફરી એક સવારે શુભસવાર ખુશાલીના સમાચાર લાવી.... બધા આનંદ સાથે સમય પસાર થતાં... અવની પણ ડૉ. પાસે જઈ આવ્યાં પછી ટટ્ટાર મસ્તકે અવસર ઉજવી રહી હતી.......
અરે....!!. આમ કેમ થયું....? સવારના પહોરમાં ઘરમાં ગભરાટ ફેલાઈ ગયો......ફરી મિસકેરેજ.....અવનીનો આક્રંદ... ડૉ. પાસે દોડધામ અને ડીસચાર્જ પછી અવની ઘરે આવી....
હવે એને ઉંઘમાં ત્રીજા વખતનો ગર્ભ જે દિકરો હતો તે વારંવાર કહી રહ્યો હતો...મારી બબ્બે બેનોને મારી નાખનાર મૉમ....!!
અવની સફાળી આંખે અરીસામાં લોહીલુહાણ થાપા ભૂંસવા મથી રહી હતી!