લે મમ્મી
લે મમ્મી
બરાબર બાર વાગ્યે બીના ઘડિયાળના ટકોરાને ગણી રહી હતી. ક્યારનીય વાટ જોવાતી હતી ' એ લોકોની '!
આખરે એ સમય પણ આવી પહોંચ્યો. બીના થોડોક ઉચાટ તો થોડીક ઉન્માદની લાગણીનો બેવડો અનુભવ કરી રહી હતી. એ લોકો આવ્યા. બધાંને પાણી અને થોડી વાર પછી શરબત અપાયું. પછી જમવા માટે બેસાડ્યા. અહીં બીનાએ પણ થોડુક જમી લીધું. ને મહેમાનો ચડ્યા વાતોએ. આ તરફ બીના અને વિશાલ પણ મોકો મળતાં અલગ ખંડમાં બેસી વાતો કરવા બેઠાં. હા, આ વિશાલ એટલે બીનાની સાથે ફરીથી સંસાર માંડવા તૈયાર થયેલો વિધુર યુવક.
આજથી લગભગ સાતેક વર્ષ પહેલાં બીનાનાં લગ્ન વિશાલ નામ ધરાવતા એક સોહામણા યુવક સાથે થયાં હતાં. શરૂઆતનાં ત્રણ વર્ષો ખૂબ આનંદ કિલ્લોલથી ચાલ્યા પછી ઘરમાં કંકાસ શરૂ થયો હતો. બંને તરફથી ખૂબ સમજણ પૂર્વક કામ લેવા છતાં કોઈ સુખદ પરિણામ ન આવ્યું. છેવટે બંનેએ અંત્યત કડવી યાદોને ત્યાંજ છોડીને છૂટા પડવાનું નક્કી કર્યું. આ એક જોગાનું જોગ જ હતો કે બીના બીજી વાર જેની સાથે સંસાર સાગરમાં પગરણ માંડવા જઈ રહી હતી તેનું નામ પણ વિશાલ જ હતું.
બીનાને પ્રથમ લગ્નથી કોઈ બાળક ન હતું અને વિશાલને એક પાંચ વર્ષનો એક દીકરો હતો. બીના મનમાં ખૂબ અસમંજસ સાથે સંસાર માંડવા તૈયાર થઈ હતી. થોડીક ઔપચારિક વાતો પછી પોતાના ગમા અણગમા વિષે પૃછા કરી પહેલી મુલાકાત પૂરી કરી. હવે બીનાને સાસરે મોકલવાનો સમય થયો. પરિવારના થોડાક સભ્યો તથા આડોશ-પાડોશના લોકો પણ આવ્યાં. અને બીનાને સાસરે વળાવી.
અહી સાસરીમાં આવ્યા પછી પહેલું કામ બીનાએ દીકરાને મળવાનું કર્યું. મળીને ખૂબ વહાલ કર્યું પણ કાવ્ય તરફથી બહુ ઉમળકો ન દેખાયો. ઘરનાં બધાં સભ્યોએ બીનાને વધાવી લીધી પણ બીનાના મનમાં કાવ્ય જ રમ્યા કરતો. કાવ્ય એ વિશાલનો પ્રથમ પત્ની સરિતાથી થયેલ દીકરો.
વિશાલની પ્રથમ પત્ની સરિતા ખૂબ દેખાવડી હતી અને એટલી જ શુશીલ પણ. લગ્ન શરૂઆતનાં વર્ષો ખૂબ આનંદ કિલ્લોલમાં વિત્યા. અને કાવ્યનો જન્મ થયો. ઘણા બધાં વર્ષે ઘરમાં નાનું બાળક આવવાથી નવાં સવાં બનેલા માતપિતા અને દાદા દાદી ખૂબ ખુશ હતાં.
એક દિવસ વિશાલની પત્ની સરિતાને સામાન્ય શરદી ખાંસી થઈ. દવા લીધી. પણ બીમારી લાંબી ચાલી શરદી મટી ગઈ પણ ખાંસી ન મટી. દિવસો વિતતા ગયા તેમ દાક્તર બદલતા ગયાં પણ કોઈ ફેર ન જણાયો આખરે હોસ્પિટલાઈજ કરવામાં આવી. થોડોક સમય રાખ્યા પછી ખૂબ નબળી શારીરિક સ્થિતિ સાથે ઘરે લાવવામાં આવી. બીમારી ખૂબ લાંબો સમય ચાલી. આ દરમ્યાન કાવ્ય પણ ચાર વર્ષનો થઈ ગયો પણ માતાના પ્રેમને ન પામી શક્યો.
હવે તો બીમારી એટલી હદે વધતી ચાલી કે શ્વાસ લેવાય જ નહીં ઘણી વાર તો ઑક્સીજન પણ આપવો પડે તેવી સ્થિતિ થઈ ગઈ હતી. ઑક્સીજનની વ્યવસ્થા પણ ઘરે કરી દીધી હતી. ડોક્ટર પણ હવે તો વિશ્વાસ પૂર્વક કઈ કહેવાનો ઇનકાર કરી દેતા હતા. વિશાલ પણ ઘડીક દવાખાને તો ઘડીક કાવ્ય પાસે વહેંચાયા કરતો. બસ સુન્ન થઈ ગયો હતો. વાત કરવાનું પણ ઓછું કરી દીધું હતું.
આજે ફરીથી સરિતાને તાત્કાલિક દવાખાને લઈ ગયાં. માત્ર દવાથી જીવતી સ્ત્રી ' એક જીવતું જાગતું હાડ પિંજર ! ડોકટરોએ સરિતાના જીવનના કેટલાક કલાક વધારી આપ્યા. ઘરનાં બધાં સભ્યો સરિતાનાં માતા પિતા ભાઈ ભાભી વિશાલ અને કોઈને દેખાય નહીં તેમ હીબકાં ભરતો કાવ્ય બધાં જ ઊંચા જીવે હાજર ! આખરે લગ્નનાં સાત વર્ષમાં ફક્ત બે વર્ષ લગ્ન જીવન માણેલ આ સરિતા એ હંમેશ ને માટે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી. વિશાલનું સમગ્ર ધ્યાન હવે કાવ્ય પર કેન્દ્રિત થયું હતું. કાવ્ય હવે મોટો થવા લાગ્યો હતો.
સમય વિતતો ગયો તેમાં બીના દૂધમાં સાકરની જેમાં ભળી ગઈ. ઘરમાં બધાની લાડલી થઈ ગઈ. બીના પણ ઘરનાં બધાં સભ્યો સાથે ભળી ગઈ હતી. વિશાલ પણ ધીમે ધીમે પોતાની પ્રથમ પત્નીની યાદોને હૃદયમાં ભંડારતો જતો હતો. અને બીના તરફ સન્માનની નજરે જોવા લાગ્યો હતો.
બીનાને અપનાવવામાં જો કોઈએ અંતર બનાવી રાખ્યું હોય તો એ કાવ્ય હતો.
લગ્નના ત્રણ વર્ષ પછી બીનાએ સરસ મજાની ફૂલ જેવી એક બાળકીને જન્મ આપ્યો. નામ પાડ્યું જીલું. આ જીલુંના આવવાથી ઘરમાં એક પ્રકારની નવી ચેતનાનો સંચાર થયો. ઘરમાં વિશાલનાં માતા-પિતા તો જાણે રાજીના રેડ થઈ ગયાં હોય તેમ બસ આ કાવ્ય અને આ જીલુંમાં જ સમય પસાર કરવા લાગ્યા.
બીના પોતાના કામમાંથી પરવારીને જીલુંને લે ત્યારે કાવ્ય કઈ પણ બોલ્યા વગર જીલુંને મૂકીને જતો રહે. બીનાને કાયમ હૃદયમાં શૂળની જેમ આ ખૂંચતું. મનમાં એક પ્રકારનો ભાર રહેતો. સતત વિચાર્યા કરતી. આ માં વગરના દીકરાનું મન કેવું હિજરાયા કરતું હશે ? એ મને કેમ નહીં સ્વીકારતો હોય ? એની કલ્પનાની માં કેવી હશે ? બસ આવા બધાં સવાલોમાં બીનાનું મન દિવાલોમાં અથડાયા કરતું.
પણ મનમાં એક સંતોષ હતો કે કાવ્યને સાથ આપવાવાળું કોઈક મળી ગયું છે. જીલું પણ બધાં સાથે રમે પણ કાવ્ય સાથે તો ખૂબ જ. જીલું વધારે રડતી હોય અને કાવ્ય વાંચવા બેઠો હોય તો પણ કાવ્ય એને રમાડે તો જ જીલું રડવાનું બંધ કરે.
બધાને નવાઈ લાગતી. કોઈની સાથે વધુ ન બોલતો કાવ્ય જીલું સાથે કેવો ખોવાઈ જાય છે જાણે એક માના બે સંતાનો ન હોય ! બીનાનાં ખૂબ પ્રયત્ન પછી પણ ન બોલતા કાવ્યથી બીના ચિંતિત તો રહેતી.
એકવાર જીલું ખૂબ રડી બીના એ શાંત કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ફોગટ ! અચાનક કાવ્યએ જીલુંને આપવા હાથ લંબાવ્યો. પણ જીલુંને શાંત કરવામાં વ્યસ્ત બીનાનું ધ્યાન નહીં. કાવ્યથી જોવાયું નહીં તેણે બૂમ પાડી" લે મમ્મી "
બીનાની આંખો ભરાઈ આવી. ગળે ડૂમો બાજી ગયો. બોલવા છતાં કશું જ બોલી શકી નહીં માત્ર કાવ્યને ઝડપથી બાથમાં ભરી લીધો અને બસ રડ્યા જ કરી. કાવ્ય પણ જાણે ઘણા સમયે પોતાની માતા બીજું શરીર ધારણ કરી આવી હોય તેમ બીનાના ખોળામાં માથું રાખી ક્યાંય સુધી માતાના સ્નેહને પામતો રહ્યો. ઘણી વાર પછી બીના બોલી. " બેટા, આ એક શબ્દ સાંભળવા માટે તો મારા કાન તરસી ગયા હતા. તને ખબર નથી તે કેટલા મોટા સન્માનની હક્કદાર બનાવી છે મને ! દરવાજામાં ઊભેલો વિશાલ કોઈને દેખાય નહીં તેમ આંખોના ખૂણા લૂછી રહ્યો હતો.
