લાલચનું ફળ
લાલચનું ફળ


ઘણા વર્ષ પહેલાની વાત છે. એક ગામ હતું. તે ગામમાં અનેક લોકો રહેતા હતાં. તે ગામમાં બે ભાઈઓ પણ રહેતા હતાં. રામ અને શ્યામ તેમનું નામ હતું. બંને સગાભાઈ હોવા છતાં બંનેના નસીબ સાવ જ જુદા હતાં. મોટોભાઈ રામ ખુબ જ સુખી અને પૈસાદાર હતો. જયારે નાનો ભાઈ ખુબ જ દુખી અને ગરીબ હતો. તે લોકોના ઘરે મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોટાભાઈ પાસે ઘણું હોવા છતાં તે પોતાના નાના ભાઈને મદદ કરતો નહિ.
એક દિવસની વાત છે. નાનાભાઈ શ્યામનો દીકરો બિમાર પાડ્યો. તેની દવા માટે શ્યામ પાસે પૈસા ન હતા. તે મોટાભાઈ રામ પાસે મદદ માગવા માટે ગયો. પણ મોટાભાઈ રામે કોઈ જાતની મદદ કરવાની ના પાડી દીધી. શ્યામ તો નિરાશ થઈ ગયો. તે નિરાશ થઈને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં રસ્તામાં તેને માથે લાકડાનો ભારો લઈને આવતા એક ડોશીમા સામે મળ્યા. તેમને શ્યામને કહ્યું, ‘શું વાત છે દીકરા, કેમ આટલો ઉદાસ દેખાય છે “ ‘ ત્યારે શ્યામે, ‘ડોશીમા મારું નામ શ્યામ છે. હું ખુબ જ ગરીબ છું. મને પૈસાની ખુબ જ જરૂર છે. પણ કોઈ મારી મદદ કરતું નથી. મારો સગો મોટોભાઈ પણ મને મદદ કરવાની ના પાડે છે. હવે હું શું કરું ?
ત્યારે ડોશીમાએ કહ્યું, જો તું મારો આ લાકડાનો ભારો મારા ઘર સુધી પહોંચાડી આપે તો હું તને એક એવો ઉપાય બતાવીશ કે તારી બધી જ તકલીફો દુર થઈ જશે.’ આથી શ્યામ તો ખુશ ખુશ થઈ ગયો. અને ડોશીનો લાકડાનો ભારો લઈ છેક ઘર સુધી મૂકી આવ્યો. બદલામાં શ્યામને ત્રણ માલફૂઆ આપ્યા અને કહ્યું, ‘તું આ લઈને જંગલમાં જજે. ત્યાં ત્રણ મોટા વૃક્ષો હશે. તે વૃક્ષની બાજુમાં એક ગુફા છે. એ ગુફામાં એક સાધુ રહે છે. તેને તું આ માલફૂઆ આપજે. અને બદલામાં એક જાદુઈ ઘંટી માંગજે. પછી તું ઘંટી પાસે જે માંગીશ તે હાજર થઈ જશે.
પછી શ્યામ એ માલફૂઆ લઈને જંગલમાં પેલી ગુફામાં સાધુ પાસે ગયો. સાધુએ કહેવા મુજબ માલફૂઆ લઈ લીધા અને બદલામાં એક ઘંટી આપી. અને કહ્યું, ‘તું આ ઘંટીથી જે વસ્તુ માંગીશ તે હાજર થઈ જશે. પણ યાદ રાખજે એ ઘંટીને બંધ કરવા માટે તેની ઉપર લાલ કપડું ઢાંકી દેજે. એટલે તે વસ્તુ કાઢતી બંધ થઈ જશે.’ શ્યામ તો ઘંટી લઈને ઘરે આવ્યો. ઘર વચ્ચે ઘંટી મુકીને ઘુમાવી અને કહ્યું, ‘ઘંટી ઘંટી ચોખા નિકાળ.’ ફરરર કરતી ઘંટી ફરવા લાગી અને તેમાંથી ચોખા નીકળવા લાગ્યા. પછી તેને ઘંટી પર લાલ કપડું નાંખી દીધું એટલે ઘંટી ચોખા કાઢતી બંધ થઈ ગઈ. આ રીતે પછી તેને ઘંટી પાસેથી દાળ, ઘઉં, મસાલા વગેરે વસ્તુઓ માંગી.
શ્યામને ઘંટીમાંથી જે વસ્તુઓ મળતી તે બઝારમાં વેચી આવતો. અને પૈસા કમાતો. આમ કરતાં કરતા તે મોટાભાઈ રામ કરતાં પણ વધારે ધનવાન બની ગયો. આ જોઈને મોટાભાઈ રામને શ્યામની ઈર્ષા આવી. તે વિચારમાં પડી ગયો કે શ્યામ આટલો બધો ધનવાન કેવી રીતે બની ગયો. તેને ચોરીથી શ્યામની પર નજર રાખવાની શરુ કરી. એકવાર તે જાદુઈ ઘંટી પાસેથી વસ્તુ માંગતો હતો એ વખતે રામુ બધું જ જોઈ ગયો.
પછી જયારે શ્યામ સામાન વેચવા માટે બઝારમાં ગયો ત્યારે રામુએ ચોરી-છુપેથી જઈને તે ઘંટી ચોરી લીધી. અને પોતાના પરિવાર સાથે એ ઘંટી લઈને ગામ છોડીને દૂર-દૂર ચાલ્યો ગયો. આગળ જતાં સમુદ્ર આવ્યો તેને સમુદ્ર પાર કરવા માટે એક હોડી લીધી. અને આખા પરિવાર સાથે ઘંટી લઈને હોડીમાં બેઠો. હોડીમાં બેઠા પછી ઘંટીની કરામત તપાસવા માટે તેને ઘંટી ઘુમાવી અને કહ્યું, ‘ઘંટી ઘંટી મીઠું નિકાળ.’ અને ઘંટી એ તો મીઠું નીકળવાનું શરુ કરી દીધું. પણ રામને ઘંટી પર લાલ કપડું નાંખી ઘંટી બંધ કરવાની ખબર જ ન હતી. ઘંટી ફરતી ગઈ અને હોડી મીઠાના ઢગલાથી ભરાતી ગઈ.
પરિણામ આખી હોડી મીઠાના ભારથી દરિયામાં ડૂબી ગઈ. અને રામનો આખો પરિવાર દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યો. કહેવાય છે કે એ ઘંટી હજી આજે પણ દરિયામાં ફરી જ રહી છે. અને મીઠું કાઢી જ રહી છે. એટલે દરિયો આટલો ખારો છે.