STORYMIRROR

Dalpatram Ram

Classics Inspirational

0  

Dalpatram Ram

Classics Inspirational

લાલા અને કીકાનું સ્વપ્ન

લાલા અને કીકાનું સ્વપ્ન

4 mins
1.2K


લાલો અને કીકો એવા નામના બે નિશાળિયા, એક સમે પોતાના સગામાં લગ્ન હતાં તેથી આખી રાતનો ઉજાગરો કરીને બીજે દિવસે નિશાળે ગયા. ત્યાં ભણતાં ભણતાં ઉંઘનાં અતિશે ઝોકાં આવવા લાગ્યાં. ત્યારે મેહેતાજી પાસે સીક બાબતની રજા લઈને નિશાળના મેડા ઉપર જઈને પોતાનો પાઠ વિચારવા લાગ્યા. ત્યાં પણ ઉંઘ આવવાથી સુઈ ગયા. અને તેઓને ઘણી ઉંઘ આવી.

પછી લાલાને એવું સ્વપ્ન આવ્યું કે, તે દીલ્લીમાં કોઈને ઘેર જ્ન્મ્યો. અને દિવસે દિવસે મોટો થયો. પછી તેને નિશાળે ભણવા બેસાર્યો. તે પાંચ સાત વર્ષ સુધી ભણ્યો. પછી તેનાં મા-બાપે પરણાવ્યો. અને તેની વહુને સીમંત આવ્યું. પછી મા-બાપ સાથે અણબનાવ થયાથી જુદો રહ્યો. અને રળવા ખપવા શીખ્યો. પણ તેને સારો ધંધો ન આવડ્યાથી ચોરી કરવાનો ફાંશીખોરાનો, અને જુગાર રમવાનો ધંધો હાથ લાગ્યો.

પેલા કીકાને પણ એવું સ્વપ્ન લાગ્યું કે, જાણે તે પણ કોઈ શહેરમાં જન્મ્યો. અને એ જ રીતે મોટો થયો, તથા કુટંબવાળો થયો. પણ તે સ્વપ્નમાં સારો ધંધે કરતો હતો; અને પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો. પોતે નીતિથી ચાલવા ચહાતો હતો. અને બીજા લોકોને નીતિનો બોધ કરતો હતો.

પછી તે બંને જણ ઉંઘમાં બકવા લાગ્યા. એવામાં એક નિશાળિયો તે મેડા ઉપર જઈ ચડ્યો. અને પેલઓને બકતા સાંભળીને તે તમાસો જોવા સારૂ તેણે મેહેતાજીને, તથા બીજા નિશાળિયાને મેડા ઉપર બોલાવ્યા. તેથી ઘણા નિશાળિયા, અને મેહેતાજી ત્યાં જોવા આવ્યા. લાલો એવું બકતો હતો કે, જુઠું બોલ્યા વિના પૈસા મળતા નથી; અને જગતમાં સઉ લોકો જુઠું બોલે છે. જુઠું બોલ્યા વિના કોઈને ચાલતું નથી. આપણે ચાર જણ મળીને ચોરી કરી લાવ્યા છૈએ, માટે ચારે ભાગ સરખા પાડવા જોઈએ.

તમે મારી સાથે આવો તો, મેહેતાજીના ઘરમાં રૂપૈયા ઘરાણાં મૂકે છે તેની મને ખબર છે. માટે ત્યાંથી બે હજાર રૂપૈયાનો માલ આપણે ચોરી લાવીએ. ફલાણા સાહુકારનો દીકરો ઝાંઝાં ઘરાણાં પહેરીને નિશાળમાં આવે છે, તેને ભોળવીને ગામ બહાર લઈ જઈ મારી નાખીએ. તો એક હજાર રૂપૈયાનું ઘરાણું આપણને મળે.

એવા અનીતિના ઘણા બોલ બકતો હતો. તથા માબાપ ઉપર રીસ ચડાવીને ભીંત સાથે પોતાનું માથું જોરથી કુટતો હતો. તેથી તેના કપાળમાં લોહી નીકળ્યું.

કીકો નીતિના બોલ બકતો હતો તે એવા કે, મેહેતાજીની, અને માબાપની શીખામણ માનીએ તો, પરમેશ્વર આપણા ઉપર રાજી થાય. અને આગળ જતાં આપણને સુખ મળે. ગમે તે થાય પણ જુઠું તો બોલવું જ નહિ.

એવો બંને જણાનો બકવા સાંભળીને છોકરા, તથા મહેતાજી, એવું અનુમાન કરતા હતા કે, પોતાના મનમાં જેવા વિચાર હોય, તેવા જ બોલ સ્વપ્નમાં બકી જવાય છે. માટે લાલાના અસલથી ખરાબ વિચાર હશે. અને કીકાના અસલથી સારા વિચાર હશે.

વળી સ્વપ્નામાં લાલાનો દીકરો મરી ગયો. ત્યારે તે ઘણું રોવા લાગ્યો. અને કીકાનો પણ છોકરો મરી ગયો. ત્યારે તે ધીરજથી પોતાના કુટુંબને સમજાવવા લાગ્યો.

એ નિશાળના મેડાની બારી સામી કોઈ ગૃહસ્થના મેડાની બારી હતી; ત્યાં એક બાઈ બાજરી દળતી હતી, તેણે ઘંટીના આશરે સો આંટા ફેરવ્યા. એટલી વાર સુદી તે બંનેનું સ્વપ્ન ચાલ્યું. પણ તેઓને સ્વપ્નામાં આશરે સો વર્ષ જણાયાં. પછી તેઓ જાગ્યા; અને લાલાને કપાળ ફુટ્યાથી લોહી નીકળ્યું હતું. ત્યાં પાટો બાંધ્યો. અને પંદર દિવસ સુધી તેની પીડા રહી. ત્યારે મેહેતાજીએ તથા નિશાળિયાઓએ તેઓને કહ્યું કે તમે બંને બકતા હતા, તેથી તમારે સ્વપ્નામાં જે જે હકીકત બની, તે બધી અમે જાણીએ છૈએ. પછી એ બંને જણાએ પૂછ્યું કે હમે કેટલીવાર સુધી સ્વપ્નામાં રહ્યા હઈશું ?

ત્યારે બીજાએ જવાબ દીધો કે, આ ઘંટીના આશરે સો આંટા થયા હશે, એટલી વાર તમે સ્વપ્નામાં રહ્યા. તે સાંભળીને લાલો શરમાઈ જઈને પસતાવો કરવા લાગ્યો; કે મને માલુમ હોત કે, આતો સ્વપ્નું છે; અને થોડી વાર રહેવાનું છે. તથા તે જુઠું છે, તો હું માથું કુટત નહિ; અને રોવા લાગત નહિ. પછી મહેતાજીએ તેના ઉપર ઘણો કોપ કર્યો; અને નિશાળિઆઓએ આખી ઉમર સુધી લાલાનો વિશ્વાસ કર્યો નહિ. અને જ્યાં જાય ત્યાં લોકો તેનો તિરસ્કાર કરતા હતા. અને કીકા ઉપર મહેતાજીની તથા નિશાળિયાઓની ઘણી પ્રીતિ થઈ. તથા પક્કો વિશ્વાસ બેઠો.

આ વાતનો સાર એ છે કે, આ સંસાર લાલાના, અને કીકાના સ્વપ્ના જેવો છે. અને પૃથ્વી, સૂર્યને આશરે સો આંટા ફરે, એટલામાં તો આપણાં સો વર્ષ થાય છે. પણ ઈશ્વરના હિસાબમાં ઘંટીના સો આંટા કરતાં પણ અલ્પકાળ છે. માટે ઝાઝી વાર સુધી આ સંસારનું સ્વપ્ન રહેવાનું નથી.

અરે, પછીથી પરમેશ્વર, તથા મુક્ત લોકો આપણા ઉપર કોપ કેરે, કે આપણો વિશ્વાસ ન રાખે, એવું આપણાથી બકી જવાય, તેનો ખુબ તપાસ રાખવો. આ સંસારનું સુખ, કે દુઃખ જોઈને ઘણા ખૂશી, કે ઘણા દીલગીર થવું નહિ. અને પછીથી પસ્તાવું પડે કે, આવું સ્વપ્નાઅ જેવું મેં જાણ્યું હોત તો, હું આ રીતે કરત નહિ. એવું કરવું નહિ.

દોહરો

સ્વપ્ન તુલ્ય સંસાર છે, પાપ પુન્ય છે સત્ય;

ચેતિ શકો તો ચેતજો, દે દીક્ષા દલપત્ત. ૧

એ વાત સાંભળીને સૂરચંદને પેલી બાઈએ કહ્યું કે, ભાઈ, તમે કહો છો તે ખરૂં; પણ મારા ઘરનાં માણસો મારી નજર આગળ જેટલાં મરી ગયાં છે, તે મને કદી વસરતાં નથી, અને દૈવે મારા ઉપર મોટો જુલૂમ કર્યો છે.

સુરચંદ – બાઈ, એ વિશે વંશપાળ, અને યમરાજની વાત કહું તે તે સાંભળ.


Rate this content
Log in

Similar gujarati story from Classics