STORYMIRROR

Niyati Kapadia

Romance

2  

Niyati Kapadia

Romance

લ​વ યુ જાન!

લ​વ યુ જાન!

8 mins
15.1K


આજે કોલેજમાં નવા દાખલ થયેલાં છોકરા અને છોકરીઓનો પહેલો દિવસ હતો. નવાં-જૂનાં ચહેરાઓનો કોલાહલ ભરેલ માહોલ. કેટકેટલાં પ્રકારની તો ફક્ત આંખો હતી? કેટલાંયે સપનાં આંજેલી આંખો, કોઈની રુઆબ ઝાડતી આંખો, કોઈ કોઈ થોડી ગભરાયેલી તો કોઈ કોઈ સાવ નફ્ફટ થઈ નવી આવતી છોકરીઓને એકીટસે તાકી રહેલી આંખો! એ હતો એમ.બી.એમાં જોડાયાનો પહેલો દિવસ. 

આ બધા મેળાવડામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.

પ્રોફેસર શુક્લાએ અન્દર પગ મૂકતાં જ એકલા બેઠેલા રોહિતને જોઈ કહ્યું,

“કેમ ભાઈ આખી કોલેજમાં તું એકલો જ ભણવા આવ્યો છે કે શું?"

“ના સર! હું પણ ભણવા આવી છું."

ચારે આંખો એક સાથે દરવાજા તરફ મંડાણી. સામે ઊભેલી પાંચ ફુટ સાત ઇંચ ઉંચાઈની, ગુલાબી સ્કર્ટ ને સફેદ ટોપ પહેરેલી, ગુલાબી ગુલાબ જેવી છોકરીને છોકરી કહેવી કે પરી એ વિચારે બંને ચુપ થઈ ગયા.

 "સર હું આનલ મહેતા."

આનલ અંદર પ્રવેશી, રોહિત તરફ હળવું સ્મિત કરી એની આગળની બેંચ પર બેસી ગઈ.

તો આ હતી આપણા હીરો ને હીરોઈનની પહેલી મુલાકાત! બંને તદ્દન ભિન્ન માહોલમાંથી આવતા હતાં. બંનેની રહેણીકરણી, બેઉની ફેશન, બંનેના દોસ્ત અલગ હતાં, છતાં બંનેમાં એક વાતે અજબ સામ્યતા હતી અને એ હતી વિચારોની સામ્યતા!

ભણવામાં તો બંને હોશિયાર હતા જ. એક સાથે સમય પસાર થતો રહ્યો. બે વરસ ક્યારે વીતી ગયા એની ખબર જ ના પડી!

પણ એક વાતની ધીરે-ધીરે આનલને ખબર પડી રહી હતી કે રોહિત એને મનોમન પસંદ કરે છે! આનલની જાણ બહાર રોહિતની નજર એના ચહેરાને તાકી રહેતી હતી એ આનલે જાણી લીધેલું. આમ તો એનેય રોહિત ગમતો હતો, પણ એ સામેથી એના પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવું એનું ગર્વિષ્ઠ મન ઇચ્છતું હતું. ને એ અણમોલ ઘડીની રાહમાં ને રાહમાં એ હવે લગભગ અધીરી થઈ ગઈ હતી. આખરે એણે નિર્ણય લઈ જ લીધો.

રાતના સાડા અગિયાર વાગે રોહિતનો ફોન રણક્યો,

"હલો... હલો, આનલ!" મોબઇલ પર આનલનો નંબર જોતા રોહિતે કહ્યું.

સામા છેડે આનલની સ્થિતિ કફોડી હતી, કેમેય કરીને એના ગળામાંથી અવાજ જ નહોતો આવતો. એનું દિલ ૧૨૦ની ગતિએ ધડકી રહ્યું હતું. પરાણે હળવેથી ફક્ત “રો...હિ...ત્” એટલું જ બોલાયું ને એણે ફોન મૂકી દીધો. બાકીની આખી રાત બંનેએ જાગીને પસાર કરી. આનલ પોતાની જાતને ગાળો દેતી રહી ને રોહિત આનલની ચિંતા કરતો રહ્યો!

સવારે આનલને કોલેજના દરવાજે જ રોહિત મળી ગયો.

“શું થયુ? રાતના તે કોલ કરેલો પછી,વાત કેમ ના કરી?”

રોજ ખીલેલા ગુલાબ જેવી દેખાતી આનલ આજે રોહિતને ઉદાસ લાગી.

“વાહ! કંઈ બહુ ચિંતા થઈ રહી છે આજ!” આનલે ચિડાઈને કહ્યું.

“ના, એટલે કે... હા, ના...”

આનલ હસી પડી.

“એક જરૂરી વાત કરવી હતી પણ, હું બોલી જ ના શકી!” આનલના અવાજમાં અનાયાસે જ ભીનાશ ભળી ગઈ.

“ચાલ ક્યાંક બેસીએ.” બંન્ને જણા કેન્ટીનમાં જઈને બેઠાં.

“બોલ હવે.” રોહિતે હળવું સ્મિત કરી કહ્યું.

“રોહિત હું, હું એમ માનું છું કે... કે તું મને... હું તને”

“આઇ લવ યુ!” આંખો મીંચીને આખરે આનલે બોલી દીધું.

હવે બોલવાનો વારો રોહિતનો હતો. પણ એ તો સાવ ચુપચાપ બેસી રહ્યો. આનલ લગભગ રડી પડવાના અવાજે બોલી

“તુ મને લવ નથી કરતો?”

રોહિતે આનલની સામે જોયું. એની આંખોમાં પણ થોડી ભીનાશ આવી ગઈ હતી.

“ચાલ મારી સાથે.”

“ક્યાં?”

“ચાલ.”

રોહિત આનલને લઈને એક ઘરની બહાર ઊભો હતો.

“આ મારું ઘર છે.”

“સરસ છે.”

“તારા બંગલાની સરખામણીએ તો એ સાવ સામાન્ય છે.”

“મને ફરક નથી પડતો.”

“ફરક તો મનેય નથી પડતો!” રોહિત સહેજ હસ્યો ,દર્દીલું! “જા એ ઘરમાં.” રોહિતે આંગળી ચીંધી.

આનલ મનોમન થોડીક ખુશ થઈ. એને થયું કે અંદરનું ઘર કેટલું સામાન્ય છે એ જોવા રોહિતે એને મોકલી હશે. પછી અમીર ગરીબનું ભાષણ આપશે, પણ હું એને મનાવી લઈશ!

અંદર શું જોવા મળશે? એની નિયતિ એને ક્યાં લઈ જશે? એની જરીકે તમા રાખ્યા વગર એ બારણે પહોંચી. આનલે ધીરેથી બારણાને ધક્કો માર્યો, બારણું ખુલ્લું જ હતું, ઉઘડી ગયું.

અંદર થોડાક અંધારામાં, રૂમની વચ્ચોવચ એક સ્ત્રી, કહો કે એક ડોશી નીચે જમીન પર બેસીને કંઈક ખાઈ રહી હતી.

આનલનું બધું ધ્યાન એ સ્ત્રી પર કેન્દ્રિત થયું. એનો પાલવ સરકીને જમીન પર પડી ગયેલો, વિખરાયેલા વાળ, એનું તો બધું જ ધ્યાન એનાં ખાવામાં હતું. સિસકારા બોલાવતી, વારે વારે આંગળા ચાટતી એ કોઈ અંકરાન્તિયાની જેમ ખાઈ રહી હતી. એના નાકમાંથી વહી રહેલા પાણીને એણે એના જ હાથથી નાક ઘસીને ગાલ ઉપર લૂછ્યું ને પછી એ જ હાથથી ખાવાનું ચાલુ...

આનલને ઉબકો આવી ગયો. ત્યાં જ એ સ્ત્રીનું ધ્યાન પણ આનલ તરફ ગયું,

“કોણ સે તું?”

“માર ઘરમાં ચમ આયી સે હેં? જા, જા નેકળ, બારે નીકર, ભોડું ફોડી નોખે”

આનલ સડસડાટ બહાર નીકળી ગઈ. રોહિત ત્યાં જ ઊભો હતો. “રોહિત અંદર પેલી બાઈ...”

“એ મારી માં છે.” આનલ કોઇ પ્રતિભાવ આપે એ પહેલાં જ રોહિતે કહ્યું.

“એ ગાંડી છે, ને આ દુનિયામાં એનું મારા સિવાય કોઈ નથી.” થોડુંક અટકીને એણે આનલ સામે જોયું, એ હજી આઘાતમાં હતી.

“તું મને કોલેજના પહેલાં દિવસથી જ પસંદ હતી. મનોમન હું તને ક્યારે ચાહવા લાગી ગયો એની મને ખબર નથી, પણ હું આ જનમમાં મારી માંને નહીં છોડી શકું એની ખબર હતી એટલે જ આજ સુધી તને કંઇ જણાવ્યું નહીં.”

“પણ રોહિત એમનો ઇલાજ.”

“ઘણી જગાએ કરાવ્યો, કંઈ ફરક ના પડ્યો!” રોહિતે એના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો, “આ અમારા સુખી સસાંરની છેલ્લી નિશાની છે.”

આનલે ફોટા સામે જોયું. એક બાર-તેર વરસનો છોકરો એનાં માતાપિતા સાથે ઊભેલો હતો. બધા લોકો એકદમ ખુશહાલ જણાતા હતા.

“આ ફોટો દિવાળીના દિવસે પડાવેલો, એના થોડાક જ દિવસો બાદ પપ્પાનું ખૂન થઈ ગયેલું. એમના ભાગીદારે જ એ કરાવ્યું હશે એવો મમ્મીને વિશ્વાસ હતો. એ ઘણું લડી. ઘણું રડી. કોર્ટના પગથિયાં ઘસી-ઘસીને એ પોતેય ઘસાઈ ગઈ! કઈ સાબિત ના થયું. મારા પપ્પાની રાત દિવસની મહેનતથી ઊભો કરેલો ધંધો અમને ના મલ્યો. અમારું ઘર, જમીન, ગાડી બધું જ  વેચાઈ ગયું છતાં ઇન્સાફ ના મલ્યો ને એમાં જ મારી માં એનું માનસિક સંતુંલન ગુમાવી બેસી. મમ્મીનું ચસકી ગયું! કેટલી વહાલસોઈ, અન્નપૂર્ણાના અવતાર સમાન મારી માં આજે!”

થોડીવાર મૌન છવાયું.

“તારા મનમાં આટલુ દર્દ ભરેલું હતું ને તે મને એનો અણસારેય ના આવવા દીધો. ચાલ ભૂલી જા એ બધું, આપણે લગ્ન કરી લઈએ, હું તારી મમ્મીને મારી મમ્મી માનીને સાચવીશ, એમને કોઈ તકલીફ નહીં પડવા દવ. વિશ્વાસ રાખ.” આનલની આંખો વરસી પડી.

“મને તારા પર પૂરો ભરોસો છે, પણ શું છે ને કે હું તને પ્રેમ કરું છું ને તને દુખી થતી ક્યારેય નહીં જોઈ શકું! હું નથી ઇચ્છતો કે તારું ઊજ્જવળ ભવિષ્ય મારી માની સેવા કરવામાં વેડફાઈ જાય.”

“રોહિત હું,”

“કઈ ના બોલીશ. તું ભલે બધું જ સહેવા તૈયાર હોય પણ હું નથી. તું મને જ્યારે પણ મલે ત્યારે આમ જ ગુલાબની જેમ ખીલેલી દેખાવી જોઈએ નહીં કે થાકેલી હારી ગયેલી!”

“તું તારા જેવા જ કોઈ સંસકારી, સારા ઘરના છોકરાને પરણી જજે હું કોઈ સાવ સામાન્ય, મારી માની સેવા કરવા તૈયાર હોય એવી છોકરી સાથે પરણીશ ને જો, એ મમ્મીનું સરખું ધ્યાન નહીં રાખેને તો દઈશ એને ઊલટા હાથની એક!” આંખમાથી વહી આવવા મથતા આંસુને ખાળવા રોહિત જોરથી હસી પડ્યો, સાવ ખોટે-ખોટું!

હરે ક્રિષ્ના! જ્યાં સાચો પ્રેમ પ્રગટાવે ત્યાં જ આટલી બધી તકલીફ શીદને દેતો હશે? નિયતિનું લખેલું શું તું પણ ના મિટાવી શકે?

આખરે છૂટા પડી ગયા બંને કે એમ કહો છૂટા પડી જવું પડ્યું! એ સાંજના બનાવ બાદ બેઉ વચ્ચે એક અદૃશ્ય આવરણ છવાઈ ગયું, મૌનનું! થોડાક જ દિવસો બાદ પરીક્ષા આવી ને ગઈ ને પરિણામનો દિવસ આવી ગયો.

આનલ હજી કઈક કહે એ પહેલાં જ રોહિતે એને પોતાના લગ્ન નક્કી થઈ ગયાનું જણાવેલું. આનલ એને શુભેચ્છા આપીને જતી રહેલી, સદાને માટે!

આ વાતને મહિનો થવા આવ્યો હશે કે રોહિતનો મેસેજ આવેલો, “તું લગ્નમાં ના આવી! ઠીક છે, તું મારી દોસ્ત હંમેશા રહેવાની. લગ્નનો ફોટો મોકલું છું.” આની સાથે એનો એની પત્ની સાથેનો લગ્ન સમયનો ફોટો હતો. આનલ એ શહેર છોડીને બીજે ચાલી ગઈ.                                                   

લગભગ બે વરસ પસાર થયા હશે, ત્યારે આનલે રોહિતને એક મેસેજ કરેલો, “હેપ્પી ફેમિલી!” સાથે એક ફોટો જેમાં આનલ, એક સુંદર યુવક અને એક ટેણિયા સાથે હતી.

થોડા બીજા મહિના વિતી ગયા. આનલના પપ્પાની તબિયત ઠીક ના હોવાથી એ પાછી આ જૂના શહેરમાં આવેલી. પપ્પાનો રિપોર્ટ લેવા એ હોસ્પિટલે ગયેલી ત્યાં જ એને એની કોલેજના સમયની એક સહેલી મળી ગઈ. વાત-વાતમાં એ કંઈક આવું બોલી,

“ખરા છો યાર તમે બંને! એકબીજાને આટલો પ્રેમ કરો છો તો પરણી કેમ નથી જતાં? વાંધો શું છે? પેલાની મમ્મીનું પણ બે વરસ પહેલાં મૃત્યુ થઈ ગયું.”

“કોની વાત કરે છે?”

“તારી ને રોહિતની જ તો!”

“પણ એણે તો લગ્ન કરી લીધેલાને... જો મારી પાસે ફોટો છે.” આનલે મોબાઇલમાં રોહિતે જે મોકલેલો એ ફોટો બતાવ્યો.

“અરે યાર! કેમ આમ કરે છે? આ તો એના ફોઈની દિકરી છે!”

“શું?”

“હાં જ તો, તું એનો મેસેજ વાંચ. એમાં ક્યાં લખ્યું છે કે આ એની પત્ની છે?”

“મતલબ કે!” આનલની આંખો ભરાઈ આવી.

“મતલબ કે એ હજી તારો જ છે... વાત કર એની સાથે.”

ધડકતા દિલે આનલે ફોન જોડ્યો. એક, બે ને ત્રીજી રિંગે,

“હલો... હલો, આનલ!”

આનલને ગળે ડૂમો બાઝી ગયો. એ જ અવાજ! આનલ કઈ ના બોલી શકી. મહા મહેનતે ધીરેથી ફક્ત “રો...હિ...ત ”, એટલું જ નીકળ્યું.

આનલે ફોન કટ કરી દીધો. એનાથી રડી પડાયું.

“શું થયું?”

“કઈ નહીં! મારાથી વાત નહિ થાય”, 

“આ તારો કોલ આવે છે.”

આનલે ફોન લીધો. સામે છેડે રોહિત હતો.

“જો ફોન કટ ના કરતી યાર! શું થયું કંઈ તકલીફ હોય તો જણાવ મને, તું રડે છે કેમ?”

“તારી માં મરી ગઈ એટલે રડું છુ સાલા ગધેડા!” આનલને રોહિત પર બરાબરની ખીજ ચઢી હતી.

“માઇન્ડ યોર લેન્ગવેજ!”

“નહીં કરું જા! થાય એ કરી લે એક નંબરનાં જૂઠ્ઠાડાં, કોના લગ્નનો ફોટો મોકલેલો, હ્મ્મ?” આનલથી ધ્રૂસકું નંખાઈ ગયું. 

બે ઘડી શાન્તિ છવાઈ.

“મેં જે કર્યુ એ તારી ભલાઇ માટે જ કરેલું. બે વરસ પહેલા જ્યારે મમ્મી ઊંઘમાં જ ગુજરી ગઈ ત્યારે સૌથી પહેલાં તારો જ વિચાર આવેલો. હું તને કોલ કરવાનો જ હતો કે તારો મેસેજ મળ્યો, હેપ્પી ફેમિલી! પછી તને ડિસ્ટર્બ કરવાનું...”

“એ ફોટોમાં મારી સાથે મારા મામાનો દિકરો અને એનો દિકરો હતો.” આનલે રોહિતની વાત કાપતાં કહ્યું, “હું હજી તારી જ છું!”

બંને છેડે થોડીવાર શાંતિ છવાયેલી રહી.

“તું ક્યાં છે હાલ? હું આવું છું.”

થોડીક મિનિટો પછી રોહિત અને આનલ સાથે હતાં એની જેગુઆરમાં! અને આ વખતે સદાને માટે! 

“હસ્ત બે જોડાઈ રહેલા એમાં...

ઉપસેલો એક સુગંધી પ્રસ્વેદ છે...”

  • સાકેત દવે


Rate this content
Log in

Similar gujarati story from Romance