Niyati Kapadia

Others

2  

Niyati Kapadia

Others

એક મેં ઔર એક તું

એક મેં ઔર એક તું

3 mins
7.7K


ચુપચાપ શર્ટના ખિસ્સામાં સૂતેલો ફોન અચાનક જાણે જીવંત થઇ ઊઠ્યો! કોઇનો ફોન આવ્યો...

નિસર્ગે ફોન બહાર કાઢ્યો. મોબાઇલની સ્ક્રીન પર નામ જોયું ને વાત શરૂ કરી, "હા, હા,ચોક્કસ. લગભગ નવેક વાગે આવી જશું, હોને! ભલે ત્યારે, ચાલ બાય!" ફોન મૂકીને નિસર્ગ રસોડામાં ગયો.

"અ...લ્યા હજી તું તૈયાર નથી થઈ? તને કીધું તો હતું કે સાડા આઠે નીકળી જશું." નિસર્ગે જરા અકળાઈને જાન્વિને કહ્યું.

જાન્વિ રોટલી વણતાં-વણતાં જ બોલી, "બસ, દસ મિનિટ... જમવાનું તો લગભગ થઈ જ ગયું છે."

"પણ, તારે અત્યારે રસોઈ કરવાની ક્યાં જરૂર હતી? એક દિવસ જો હું થોડું મોડેથી જમું તો શું આભ તૂટી પડત? બસ એની જિદ પૂરી કરીને જ માનવાની! ખબર તો છે કે હોસ્પિટલ જવાનું છે, પેલા કેયુરિયાની મમ્મીને ત્યાં દાખલ કરી છે."

"સવાર સવારમાં શેની બૂમાબૂમ માંડી છે ભૈ?" નિસર્ગની મમ્મીએ પૂજા-પાઠ પતતાં જ ટકોર કરી.

"કંઇ નહી મમ્મી, એ તો કેયુરની મમ્મીને રાત્રે છાતીમાં દુખાવો ઉપડેલો. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું ને જાન્વિ જરા એમની તબિયત જોતાં આવીએ."

"હા, હા, જતાં આવો. હું પણ સાથે આવતે, પણ આજે મારે ડાકોર દરસન કરવા જવાનું છે."

"ડાકોર? કેમ આમ અચાનક?"

"અચાનક કંઇ નથી ભૈ, પણ શું કે તું ઘરમાં ટકતો હોય તો કંઇ ખબર હોય ને!"

"અમારા ભજન મંડળની બધી બહેનો જાય છે. બધાનો બહુ આગ્રહ હતો એટલે થયું કે હું પણ જતી આવું."

"આમ તો વિચાર્યું હતું કે જમીને દસેક વાગતાનાં નીકળી  જઈશ, પણ પછી, તમારે મોડું થઇ જાય, નઈ? વાંધો નહિ હું થોડો નાસ્તો કરીને નીકળી જઇશ." મોઢા પર થોડા અણગમાનાં ભાવ સાથે સરસ્વતી બહેને ઉમેર્યુ .

"નાસ્તો કરીને શું કામ? તમારું જમવાનુ તૈયાર છે." સ્મિતસભર ચહેરા સાથે બહાર આવીને જાન્વિએ કહ્યું, પછી નિસર્ગ સામે જોઇને ઉમેર્યુ, "ને હું પણ તૈયાર છું, જઈએ હવે." ઘાટા મરુન કલરની અનારકલીમાં જાન્વિનો ઊજળો વાન વધારે શોભી રહ્યો હતો.

નિસર્ગના મોંઢા પર એક રમતિયાળ સ્મિત ફરકી રહ્યું. ગાડીની ચાવીને આંગળીઓમાં ઘૂમાવતો ઘૂમાવતો એ આગળ ચાલ્યો ને એની પાછળ પાછળ જાન્વિ!

"આપકી આંખો મેં કુછ, મહેકે હુએ સે રાજ હૈ...!"

ગાડીમાં બેસતાં જ નિસર્ગે રોમેન્ટિક અંદાજમાં જાન્વિનો હાથ પકડતા, એની આંખોમાં આંખો પરોવવાનો પ્રયત્ન કરતા ગાવા માંડ્યું.

"બસ, બસ હવે વધારે લટુડા-પટુડા કરવાનું રહેવાદે!" જાન્વિએ એનો હાથ છોડાવતા કહ્યું.

"આ ઇ લવ યુ જાનુ! તને તો ખબર છેને હું છું જ સાવ મુડી! ઘડીકમાં મારો મુડ બદલાય જાય ને સાલુ અત્યારે  ધંધાનુ ટેન્સન એટલું રહે છે કે..."

"હું ક્યારેય તારી વાત સમજતો જ નથી અને જોને હંમેશા એટલે... કે, ઘણી બધી વખત પાછળથી જ મગજમાં બત્તી જલે કે હું જ ખોટો હતો ને તું સાચી હતી. મારી મમ્મીનું ધ્યાન મારાથી વધારે તો તું રાખે છે અને આ ઇ ફીલ પ્રાઉડ ઓફ યુ, અને..."

"બસ હવે, ગાડી ચલાવવામાં ધ્યાન રાખ... ક્યાંક ઠોકી દઈશ." જાનુએ એના ખભે હાથ મૂકીને એને અટકાવ્યો.

હોસ્પિટલમાં લગભગ અડધો કલાક વીતી ગયો.

હોસ્પિટલમાંથી ઘરે પાછા ફરતી વખતે જાન્વિએ કહ્યું, "આજે પિન્ટુના વાનવાળા અંકલ નથી આવવાના, મારે જ એને લેવા જવું પડશે. હું વિચારતી હતી કે ગાડીમાં જ જઈને લઈ આવીશ."

"બસ ગાડી ચલાવવાનું બહાનું મળવું જોઈએ. તારું ડ્રાઇવિંગ લાયસન્સ છે? ચોકડી પર તારો કાકો પકડે એટલે પછી મને જ હેરાન કરવાનો. એક હું જ જાણે આખો દા'ડો નવરો બેઠો છું!" જાન્વિની વાત વચ્ચેથી જ કાપીને નિસર્ગે ફાયરિંગ ચાલુ કરી દીધું.

જાન્વિ ચુપચાપ બધુ સાંભળી રહી. છેલ્લે ગાડીમાંથી ઉતરતા એણે કહ્યું, "મારું ડ્રાઇવિંગ લાયસન્સ ક્યારનું યે આવી ગયું છે."

નિસર્ગના ચહેરા પર પાછું સ્મિત આવી ગયું! ને હોઠો પર કોઈક રોમેન્ટિક ગીત!

"ડાર્લિંગ! હું તો એમ કહેતો હતો કે...

અને જાન્વિ ધબ્બ કરતો દરવાજો બંધ કરીને ચાલી ગઈ!

 

                                                                       


Rate this content
Log in