STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ક્યાં, ક્યારે, કારણ ?

ક્યાં, ક્યારે, કારણ ?

4 mins
7.2K


જોડિયા બહેન, બસ જોયા જ કરીએ. કોને વખાણું ને કોના ગુણગાન કરું ?

જ્યાં બાર સાંધતા તેર ટૂટે એવા કુટુંબમાં જોડિયા બહેનો. કહેવાય છે આ

ઈશ્વર નામનું તત્વ ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યાં સુવાડતો નથી.

પાડોશમાં રહેતાં તેથી તેમને મોટાં થતા નજર સમક્ષ જોયા હતાં. મારા બન્ને

બાળકો અમેરિકામાં, ૨૪ કલાક એકલી હતી. પતિદેવ તેમના કાર્યમાં હંમેશા

રચ્યા પચ્યા રહેતા.

તેમની મમ્મી રચનાને બહાર જવું હોય ત્યારે સામે ચાલીને હું કહેતી,’ તારી

બન્ને દીકરીઓનું ધ્યાન રાખીશ, તું બહારના કામ નિરાંતે આટોપીને આવજે.'

લાડ લડાવતી, ભાવતાં ભોજન ખવડાવતી. દર વખતે બહાર જઈને આવું

ત્યારે કંઈક સાથે લાવું. તેમને આપું ત્યારે મુખ પર નિખરતું હાસ્ય જોઈ મારું

હૈયુ આનંદે ઉભરાય.

રચના ખૂબ ખુશ થતી. અમને દીકરી ખૂબ વહાલી. મારી અને મારા પતિની

દીકરીની ઈચ્છા આમ સંતોષાતી. આ બન્ને દીકરીઓને કદી અભાવો નજદીક

સરવા દીધો ન હતો.

જોડિયા બાળકો ઉત્તર અને દક્ષિણ ધ્રુવની સમાન સ્વભાવમાં હોય છે. તેમનું

બાળપણ તો નિર્મળ ગુજર્યું. જેમ જુવાની આવે તેમ તેમાં નરી અલગતા નજરે

ચડે. પાંચ આંગળી ક્યારે પણ સરખી જોઈ છે?

ચરિતા માત્ર પાંચ મિનિટ વહેલી જન્મી હતી. જે દિલની ઉદાર અને સરળ

જણાતી. મોહિતા મનને મોહીલે પણ ચાલાક અને દાદુ હતી. ચરિતા ઉદાર

દિલે તેના તોફાન ચલાવી લેતી. મમ્મી નારાજ ન થાય તેથી મારી પાસે

આવે અને દિલનો ઉભરો ઠાલવે.

સમજાવવાની મારી કોશિશ મોટે ભાગે સફળ રહેતી. આજે તે આવી અને

મારા ખોળામાં માથું મૂકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી. આવા નાજુક સમયે કશું પણ

પૂછવાનું યોગ્ય ન લાગતાં તેને સાંત્વના આપી રહી.

સરસ મજાનું ઠંડુ લીંબુનું શરબત પીવડાવ્યું. થોડીવાર પછી પોતાની જાતે

કહે, ‘આન્ટીજી હું જેમ બધું જતું કરું છું, તેમ આ મોહિતા વધારે લોભી બનતી

જાય છે. મારે હવે ક્યાંક લક્ષ્મણ રેખા દોરવાનો સમય પાકી ગયો છે.‘

જીવનમાં બધું જતું કરાય પણ પહેલો પ્યાર? જે સમગ્ર જીવનમાં ચેતનાનો સંચાર

કરે. પ્રેમી માટે જાન હાજર હોય. જે કુંવારી કન્યાના દિલના તાર છેડી પ્યારની

સુરાવલી ઉત્પન્ન કરે. આન્ટી, વિકાસે મને જે આપ્યું તે અર્પિત કરવાનું સામર્થ્ય

બીજા કોઈનામાં નથી. જેણે મારું અસ્તિત્વ શણગાર્યું. મારી લાગણીઓને વાચા આપી.

મારામાં કંઈક એવું તત્વ છે તેનો રસમય અનુભવ કરાવ્યો. વિકાસને હું તન અને મનથી

ચાહું છું. આ વખતે ‘હું’ મોહિતાની એક ચાલવા નહી દઉં !

પોતાના મનની વાત કહી તેણે હળવાશ અનુભવી. પીઠ થાબડીને કહ્યું,

‘શાબાશ બેટા, હવે તું સમજદાર થઈ ગઈ.’ આ નિર્ણય તારે તારી મેળે

લેવાનો હતો. સમયે

તને શીખવાડ્યું. ‘

જીવનમાં દરેક વસ્તુની હદ હોય છે. ચરિતા હમેશા દિલનો અવાજ સાંભળતી.

મોહિતા ટી.વી. ઉપરની જાહેરખબરો જોઈ મોહ પામતી. ચરિતા હવે નાની

પ્યારી બહેનને ‘ના’ કહેતાં શીખી રહી હતી. તેને બધો માલ તૈયાર મેળવવાની

કૂટેવ પડી હતી.

ચરિતા ઈમારત ચણતી અને હરખાતી ત્યારે મોહિતા એકીટશે નિહાળી રહેતી.

એને પળ પળ જોઈને હરખાવું ગમતું પાયામાંથી ચણવાની ઈચ્છા ન જાગતી.

ચરિતા હમેશા વિચારતી કઈ રીતે નાની બહેનને પ્રોત્સાહન આપું કે જેથી તેની

ઈચ્છાના ઘોડાની હણહણાટી સુણી બેકરાર બને.

નાની બહેન પ્યારી હતી. તેનામાં રહેલી સૂતેલી કળાને સાદ દેવાનો હતો.

મોહિતા સમજતી થઈ હતી. તેને રચિતા માટે અપાર માન થયું. તે સમજતી

હતી, જુવાની દિવાનીમાં જો સમજીશ નહિ તો બાકીની જીંદગી નિરસ થઈ

જશે.

મનોમન નિર્ધાર કર્યો. ‘દીદીની મહેનતનું જરૂર શુભ પરિણામ લાવીશ !'

તેનો નિર્ણય હમેશા ઉપરછલ્લો રહેતો. કદી નક્કી કર્યા મુજબ કાર્ય પુરું

કરવાની ચેષ્ટા ન કરતી. સિંદરી બળે તોયે વળ ન છોડે.

બી.એ.ની પરિક્ષામાં બંને બહેનો આગળ પાછળ મોહિતાએ બધું તેની

બહેન ચરિતામાંથી કૉપી કર્યું.

પાસ તો થઈ ગઈ પણ ચરિતા જેવા સારા ગુણાંક ન મેળવી શકી. આ

વખતે તો મોહિતાએ હદ કરી જેના પરિણામ રૂપે ચરિતાએ તેની સાથે

અબોલા લીધા.

ચરિતાના મિત્ર વિકાસે એક કાગળ લખ્યો હતો. કમ્પ્યુટરના યુગમાં કાગળ

નવાઈ લાગે તેવી વાત. વિકાસે દિલની વાત કાગળ પર ઉતારી હૈયુ ઠાલવ્યું.

મોહિતાના હાથમાં આવ્યો.

ચરિતાને ન આપતાં મોહિતા તેને મળવા ગઈ. તેને પણ વિકાસ ગમતો હતો.

વિકાસ ખૂબ ગરમ થયો અને મોહિતાનું અપમાન કર્યું.

જ્યારે વિકાસ ચરિતાને મળ્યો ત્યારે વિગતે બધી વિગતે વાત કરી. ચરિતા

ખૂબ ગુસ્સે થઈ.

‘બસ, આજે મોહિતાએ હદ કરી.' એવું બોલી મારી પાસે આવીને ખોળામાં

માથુ મૂકી ખૂબ રડી.

‘ચરિતા, તારે નક્કી કરવાનું મોહિતા કાંઈ હવે નાની નથી. આવી નાદાનિયત

ન સાંખી શકાય. નાની બહેન થઈને તારા મિત્ર સાથે આવું ગેરવર્તન કરે તે કોઈ

પણ સંજોગોમાં ચલાવી ન શકાય !'

ચરિતાએ બહેન સાથે અબોલા લીધા અને વિકાસની હાજરીમાં માફી માગવાનું

સૂચવ્યું. મોહિતાને પોતાની પર્વત જેવડી ભૂલ સમજાઈ. ખોટું પગલું ભર્યું હતું તેમ

દિલે કહ્યું.

દીદી તેને ખૂબ વહાલી હતી. બંનેની હાજરીમાં અંતઃકરણ પૂર્વક ક્ષમા માગી. તેના

જીવનમાં વળાંક આવ્યો. ચરિતાને લાગ્યું હાશ તેની નાની વહાલી બહેન હવે જીવનમાં

કશુંક કરશે ! સહુના આશ્ચર્ય વચ્ચે મોહિતા પ્રગતિના સોપાન સડસડાટ ચડી રહી.

ક્યાં, ક્યારે, કોણ જીવનનો રાહ બદલવામાં સહાય કરે છે તે કળવું આસાન નથી!


Rate this content
Log in