કયા સંબંધે?
કયા સંબંધે?
બાંધે તે બંધ ! હવે ક્યારે, કોની સાથે, કેટલા સમય માટે સંબંધ બંધાય એ તો બાંધનાર પર આધાર રાખે છે. અમુક સંબંધ જન્મ લેતાંની સાથે પ્રાપ્ત થાય છે. જેમા સર્જનહાર તમને નિર્ણય લેવાનો હક્ક નથી આપતો! તે ખૂબ ચાલાક છે. જેવાં કે માતા, પિતા, ભાઈ, બહેન, નાના, નાની, દાદા, દાદી. બસ વણ માગ્યે મળેલાં હોય છે. જે જન્મની સાથે જિંદગીના અંત સુધી સાથ નિભાવે છે.
મિત્રો મન પસંદ જરૂર પ્રાપ્ત થાય છે. તેમાં પણ અનેક પ્રકાર. તાળી મિત્રો, ખાવા માટે, ભણવા કાજે, જ્યારે કોઈક દિલોજાન મિત્ર. બગીચામાં દિલ ખોલતા મિત્રો તેમ છતાં ક્યારે કોણ બદલાય તેની કોઈ ખાત્રી નહીં ! કયાં બંધાઈ જાય, બાકી સંબંધ તો ગમે ત્યારે ગમે તેની સાથે બંધાઈ જાય છે. કેટલો નભે છે તે અગત્યનું છે.
પતિ અને પત્નીના સંબંધની વ્યાખ્યા ૨૧મી સદીમાં જડમૂળથી બદલાઈ ગઈ છે. તે વિશે લખીને તમારો કે મારો સમય બરબાદ નહી કરું. કિંતુ એ સંબંધ ખૂબ પવિત્ર અને અગત્યનો છે એમાં બે મત નથી!
"ઘણી વાર સંબંધને નામ ન આપવામાં મઝા છે!"
ગયા મહિને બગિચામાં આંટા મારતી હતી, ત્યાં સામેથી કપાળમાં આઠ આના જેવડો મોટો ચાંદલો કરીને આવતા ભારતિય બહેન દેખાયાં. અમેરિકામાં આ જોવું ખૂબ ગમે. નમસ્કાર કરી વાતે વળગી. દિલ્હીના હતાં. કેવું સુંદર નામ, ‘કુમકુમ’.
"યહાં ધનિયા નહીં મિલતા ક્યા?"
મેં કહ્યું, "બહોત મિલતા હૈ." મારી સાથે ઘરે લાવી તેમને આપ્યા. ખૂબ ખુશ થઈ ગયાં. પછી તો એવી મૈત્રી થઈ ગઈ કે તમને નવાઈ લાગશે. દીકરીને ત્યાં આવ્યાં હતાં. મારી સાથે બહાર લઈ જતી. તેમને ખબર પડી કે મેં ભજન લખ્યાં છે. એક દિવસ ઘરે આવ્યાં.
"આપકે લિખે હુએ ભજન, આપ ગાઓગી ઔર આપ બજાઓગી."
હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. હું શીખું કે ન શીખું મેં વળતો જવાબ આપ્યો, "આપ જો કહ રહી હૈ વો સુનનેકા ભી મુઝે અચ્છા લગા." એ બહેન સંગિતના વિશારદ હતાં. ખૂબ સુંદર ગાતાં અને ઘણા બધા વાજિંત્રો વગ
ાડતાં. મારી મોટી વહુ પાસે ‘કી બૉર્ડ’ હતું. મને તરત આપી ગઈ. કી બૉર્ડ પર માત્ર સા રે ગ મ વગાડતા આવડતું હતું. પ્રેમથી મને ભજન ગાતાં અને વગાડતા શીખવ્યું. કયા સંબંધે ? જિંદગીભરનો નાતો જોડાઈ ગયો.
આ લાંબી જિંદગીમાં ઘણાં સંબંધ જોડાયા, ઘણાં નાનીશી ગેરસમજમાં છૂટી ગયાં. દરેક સંબંધ મન પર છાપ મૂકતા ગયા. સુખદ યા દુખદ. જીવન તો તેની એકધારી ગતિએ ચાલવાનું. નાના જુવાનિયાઓ પણ પ્રેમથી સંબંધ બાંધે છે. ભુલકાંઓનો નિર્મળ પ્રેમ તો જીવનનો પ્રાણવાયુ બને છે. ઘણી વાર પાછાં તેમની સાથે બાળક બની બન્ને હાથે, લહાવો માણવાની મોજ લુંટું છું.
એટલે તો કહેવાય છે, સાચું ખોટું રામ જાણે ! "સગાં છે તે વહાલા નથી અને વહાલાં છે તે સગા નથી!" તેમાં સંપૂર્ણ સત્ય નથી. સગાં સ્ટીલના વાસણ જેવાં છે. ખખડે અને પાછા હળીમળી જાય. જ્યારે અમુક સંબંધ કાગળના યા પ્લાસ્ટિકના ફુલ જેવા છે. કદી કરમાય નહીં. વિલાય નહીં. તેમાંથી કદાચ અત્તરની ખુશ્બુ આવે અને ઊડી જાય. ત્યારે ઘણાં સંબંધ મહેકતા અને ચહેકતા હોય છે. "ચાર મિલે ચોંસઠ ખીલે."
મારી સહેલી સમાજને મદદ કરવાની ધુણી ધખાવીને બેઠી છે. જરૂરતમંદોને માટે ખડે પગે તૈયાર. કેટ કેટલા આશીર્વાદ મેળવે છે. તે માત્ર નિજાનંદ માટે આ કાર્ય કરે છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર. ઈશ્વર કૃપાથી શરીર તેમજ પૈસાનું સુખ છે. આ સંબંધને શું નામ આપીશું? કહે છે આખી જિંદગી સમાજ પાસેથી મેળવ્યું છે. હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. મારી ફરજ બને છે સમાજનું ઋણ ચૂકવવાનું. કેવા ઉમદા વિચાર. નથી તેને સત્તની લાલસા ! નથી તેને મુગટ પહેરવાની તમન્ના !
કુટુંબને કાજે, પાડોશી ધર્મે કે પછી જાન પહેચાનવાળા માટે તત્પરતા એ સંબંધ ગુલાબ માફક ફોરમ ફેલાવે. બાકી જીવન તો સહુ કોઈ જીવે છે. સંબંધના બંધ એવા હોય કે ‘સુનામી’ તેને ડગાવી ન શકે. વર્ષાની ઝડી ભીંજવી ન શકે ! બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે! શિયાળાની હિમ વર્ષામાં તે ઠરી ન જાય !