STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

કુંવારા અરમાન

કુંવારા અરમાન

7 mins
436

" નંદિતા ! તું હજુ જાગી નથી ? બપોરે કોઈ આટલું ઘટાટોપ સુતું હશે ? "

" અરે મમ્મી ! થોડીવાર તો સુવા દો. તમને મારાં સુવા સાથે કેમ આટલી બધી દુશ્મની છે ? સવારની મારી મીઠી નીંદર તમારાં નંદિતા....ઊઠ...ઊઠ...નાં કર્કશ અવાજથી તૂટી જાય છે. "

" નંદિતા ! આજે સાંજે છ વાગે હોટેલ હયાતમાં તારે એક એન. આર. આઈ. લગ્નોત્સુક યુવક સાથે મુલાકાત છે એ તને યાદ તો છે ને ? "

"પણ....હજુ તો સાડ ચાર થયાં છે. આટલી વહેલી હું આંખો બિછાવીને તેની રાહ જોઈને બેસું ? "

" બે કલાક તો તને તૈયાર થતાં થાય છે બેટા ! ચાલ...ચાલ..હવે બહેસબાજી છોડ અને ઊભી થાય. "

નંદિતા ત્રેવીસ વર્ષની ખૂબ જ સુંદર યુવતી. ઇન્દ્રલોકની અપ્સરાઓ પણ તેનાં રૂપ પાસે ઝાંખી પડે.

પાંચ પાંચ હાઈટ ધરાવતી ઉંચી કમાનાકાર કાયા અને ચહેરો તો જાણે વૃક્ષની કોઈ ડાળ પર તાજું જ ખીલેલું નમણું નાજુક પુષ્પ ! કોલેજના યુવકો તો નંદિતા પર મરતાં. સીધો સાદો છોકરો પણ એક નજર નંદિતા પર નાંખ્યા વગર ન રહી શકતો. બી.બી.એ.નો અભ્યાસ પુર્ણ થયો ન થયો ત્યાં તો જ્ઞાતિ અને પરજ્ઞાતિના સુખી સંપન્ન પરિવારોમાંથી નંદિતા માટે લગ્નનાં માંગા આવવા શરૂ થઈ ગયાં હતાં. નંદિતા અને એથી પણ વધુ તેનાં મમ્મીને તીવ્ર ઈચ્છા હતી કે નંદિતાનાં લગ્ન કોઈ એન.આર.આઈ. યુવક સાથે થાય. એટલે.... મેટ્રીમોનિયલ સાઈટ પર નંદિતા માટે વિવિધ ફોરેન કન્ટ્રીમાંથી વાતો આવવા લાગી. ચાર પાંચ એન.આર.આઈ. યુવકો સાથે નંદિતાની મુલાકાત ગોઠવાઈ. પરંતુ નંદિતાને કોઈ પઝેસીવ, કોઈ માત્ર શરીરને પ્રેમ કરવાવાળો તો કોઈ શરત જીતવા માટે આવ્યાં હોય એવું લાગ્યું. કોઈને નંદિતાની ભીતરમાં ડોકિયું કરવાનો સમય નહોતો. સજી ધજીને બેબીડોલ બનીને છીછરાં, લોલુપ અને હલકી માનસિકતા ધરાવતા યુવકોને મળીને નંદિતા થાકી ગઈ હતી. પપ્પા તેની પરિસ્થિતિથી વાકેફ હતાં. પરંતુ મમ્મીનું જ ઘરમાં ચાલતું હતું. તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે હે પ્રભુ ! હવે તમે જ કંઈક રસ્તો કાઢો.

" મમ્મી ! આજે છેલ્લીવાર હોં. હવે હું બેબીડોલ નહીં બનું. "

" સરિતામાસીની માનસીએ વીસ એન.આર.આઈ. છોકરાઓ જોયાં. ફાઈવ સ્ટાર હોટેલની ચમકદમક અને મોંઘા દાટ ડીનર, ગીફટસ.....! તું તો ભાગ્યશાળી છે. બધાંને નથી મળતું આવું સુખ. "

મમ્મી જયારે બોલતી હોયને ત્યારે બધાંની બોલતી બંધ થઈ જાય એ નંદિતા જાણતી હતી. બધાં જ શસ્ત્રો હેઠાં મૂકીને નંદિતાએ શરણાગતિ સ્વીકારી લીધી અને ચૂપચાપ ડેટ માટે તૈયાર થવા લાગી.

 શ્યામ અમેરિકન સીટીઝન ધરાવતો હાઈ કવોલિફાઈડ યુવક હતો. એમ.બી.એ. થયેલાં શ્યામને ન્યુજર્સીમાં પોતાનો બંગલો હતો. એક સોફ્ટવેર કંપનીનો એમ.ડી. હતો. નંદિતા અમદાવાદનાં જ મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી સીધી સાદી યુવતી હતી. નિર્ધારિત સમયે અને સ્થળે એટલે કે હોટેલ હયાતમાં પહોંચી. જે ટેબલ અગાઉથી બુક કરેલું હતું ત્યાં એક સુંદર યુવકને બેઠેલો જોઈ નંદિતાએ પર્સમાંથી પોતાનો મોબાઈલ કાઢીને ટેબલ નંબર ટેલી કર્યો કે પોતે ખોટી તો નથીને ? કારણકે અત્યાર સુધી જેટલાં યુવકો હતાં તે બધાંએ નંદિતાને ખુબ રાહ જોવડાવી હતી.

ત્યાં જ એક કર્ણપ્રિય પૌરૂષેય અવાજે તેની વિચાર તંદ્રા તોડી...

" હેલ્લો મીસ નંદિતા ! હું શ્યામ. "

નંદિતાએ બે હાથ જોડીને જયશ્રી કૃષ્ણ કર્યું. શ્યામ પણ પોતાની જગ્યાએ ઊભો થયો અને તેણે પણ નંદિતાને જયશ્રી કૃષ્ણ કર્યું. શ્યામ પહેલો યુવક હતો જેની સાથે વાતો કરવાનું નંદિતાને ગમ્યું કારણકે તેની વાતો ડોલરથી પર હતી. શા માટે નંદિતા એન.આર.આઈ. છોકરાં સાથે પરણવા માંગે છે ? પરણીને ભારત બહાર જવાનું અને ત્યાંની સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધીને રહેવું ગમશે ? ખરેખર નંદિતા કેવો જીવનસાથી ઈચ્છે છે ? તેનો ગમો- અણગમૈ....વગેરે જાણવાનો જો કોઈએ પ્રયત્ન કર્યો હોય તો તે શ્યામ હતો. પોતાનાં મમ્મી પપ્પા કરતાં પણ ખૂબ જ ઓછાં સમયમાં નંદિતાની ભીતરમાં ડોકિયું કરનાર કોઈ હોય તો તે શ્યામ હતો. નંદિતાએ લગભગ ત્રણ કલાક સુધી શ્યામ સાથે વાતો કરી હતી. પોતાની ખાસ ફ્રેન્ડ વિધી સીવાય કોઈ પણ સાથે તેણે ક્યારેય આટલું બધું ખુલીને કે મુકત મને વાતો કરી ન હતી. ક્યારેય કોઈ સાથે આટલો સમય પસાર ન કરવાં વાળી પોતાની દીકરી નંદિતા આજે આટલો સમય ટકી રહી એટલે એની મમ્મી મનોમન હરખાઈ રહી હતી. શું ખરેખર નંદિતા ડેટ કરી રહી હશે કે તેની ફ્રેન્ડ વિધી પાસે ગઈ હશે ? તેણે પોતાનો મોબાઈલ ઊઠાવ્યો અને નંદિતાને ફોન જોડ્યો.....

" હેલ્લો ! નંદિતા બેટા ! આર યુ ઓકે માય સ્વીટી ? "

" હા મમ્મી ! હું શ્યામ સાથે હોટલ હયાતમાં છું. હમણાં જ આવું છું. "

" ડોન્ટ વરી નંદી ! તું શાંતિથી આવજે. બાય બેટા ! "

 જીભ પર હંમેશા કારેલાંનો રસ ચોપડી રાખતી મમ્મીની જીભ પર એકાએક મીઠો મધુર રસ શાને ઝરવા લાગ્યો તે વાત નંદિતાને સમજતાં વાર ન લાગી. નંદિતાને વિચારમાં ખોવાયેલી જોઈને શ્યામે કહ્યું કે..

" હવે મારે જવું જોઈએ. મને તારી સાથે વાતો કરવાની મજા આવી શ્યામ. બહુ જ ઝડપથી આપણે બીજીવાર મળીશું. "

  " થોડીવાર બેસ નંદિતા.જતાં પહેલાં તારે મારી લાઈફનુ એક સીક્રેટ જાણવું જરૂરી છે. "

" મને પાસ્ટ જાણવામાં એટલો બધો રસ નથી. હું વર્તમાનને મન ભરીને જીવી લેવા માગું છું. "

" આ વાત મારાં પાસ્ટની નથી. તું મારા બાબતે કંઈ પણ વિચારે તે પહેલાં જ મારે તને કહી દેવું જરૂરી છે કે હું ગે છું. "

 નંદિતાનાં પગતળેથી ધરતી સરકી રહી હતી. માથું ફાટફાટ થવા લાગ્યું. ચક્કર ખાઈને ફર્શ પર પડી જાત જો શ્યામે સમયસર નંદિતાને સંભાળી લીધી ન હોત ! નંદિતાની આંખો ખોલબંધ થતી હતી. શ્યામે ગ્લાસમાંથી થોડું પાણી લીધું અને નંદિતાની આંખ પર છાલક મારી. નંદિતા હવે પૂર્ણ પણે હોશમાં આવી ગઈ હતી. તેણે ઝડપથી પોતાની જાતને સંકોરી લીધી. 

" નંદિતા ! તું ઠીક તો છેને ? બોલ મારી વાસ્તવિકતા સાંભળીને પણ શું તું મને ફરી મળવા આવીશ ? "

" હા શ્યામ ! મને વારંવાર તને મળવું ગમશે. તું ગે છે એથી મને કોઈ ફરક નથી પડતો. "

" નંદિતા ! તું લાગણીમાં ખેંચાઈ રહી છે. આ સંબંધને લગ્ન સુધી લઈ જતાં પહેલાં તું શાંતિથી વિચાર કરી લે. તારી જિંદગીનો સવાલ છે. "

" હું અત્યારે તો જઈ રહી છું. પણ....નંદિતા શ્યામની થઈને રહેશે. તું જાન જોડીને આવવાની તૈયારી કરજે. "

આંખથી ઓઝલ ન થઈ ત્યાં સુધી શ્યામ નંદિતાને જોઈ રહ્યો હતો અને નંદિતાએ જ્યાં સુધી પોતાનું એકટીવા સ્ટાર્ટ ન કર્યું ત્યાં સુધી શ્યામને નેહ નીતરતી આંખે જોઈ રહી. વિચારતી રહી કે પોતાનાં પપ્પા, મોટાભાઈ, જીજાજી..... બધાં જ લાઈફનો મોટાં ભાગનો સમય પોતાનાં મિત્રો સાથે જ વીતાવતા હોય છે. અરે ભાઈ તો ગમે તેટલો મોડો ઓફિસથી આવે તો પણ કલાકો સુધી મિત્રો સાથે ગપ્પાં મારતો હોય છે. ભાભી બિચારી કેટલી મોડે સુધી ભાઈની રાહ જોતી પડખાં ફેરવતી સૂઈ જતી હોય છે. તેને થયું કે આ બાબતે હું વિધી સાથે વાત કરું. નંદિતાએ ઘરે ફોન કરી મમ્મીને જાણ કરી દીધી કે પોતે વિધીના ઘરે જઈને રહી છે એટલે આવતાં થોડું મોડું થઈ જાય તો ચિંતા ન કરે. અને.....એકટીવાને વિધીનાં ઘર ભણી મારી મૂક્યું. એક વિધી જ હતી જેની પાસે પોતે દિલ ખોલીને પેટ છૂટી વાત કરી શકે એમ હતી..

" અરે નંદી ! આવ આવ. કેવી રહી તારી શ્યામ સાથેની ડેટ ? ગમ્યો કે પછી.... બીજાં બધાંને સાઈડ પર રાખ્યાં તેમ ? તારો ચહેરો બતાવે છે કે તું કોઈ અવઢવ અનુભવી રહી છું. એમ આઈ રાઈટ ? "

  પોતાની મન: સ્થિતિને જાણી ગયેલી જીગરી ફ્રેન્ડ વિધીને એકદમ જ ભેટી પડી અને.... નાનાં બાળકની જેમ હીબકે ચઢી. વિધીએ નંદિતાને આટલી કમજોર અને ઢીલી પડેલી સૌ પ્રથમ વખત જોઈ હતી. એટલે એ પણ આ પરિસ્થિતિમાં શું કરી શકાય તે બાબતથી સાવ અજાણ હતી. વિધી પોતે પણ નંદિતાને રડતી જોઈને રડવા લાગી. થોડી વારે નંદિતાને કળ વળી. બંને પોતાની મનગમતી જગ્યાએ એટલે કે વસ્ત્રાપુર તળાવ ગયાં. જ્યાં નંદિતાએ શ્યામ સાથેની મુલાકાતની રજેરજ વાત કરી. શ્યામ ગે છે તેવું જાણીને વિધીએ નંદિતાને આ મુલાકાત ભૂલી જવા સમજાવી.....

" અરે નંદી ! તારાં કુંવારા અરમાનોનું શું ? વાતો કરવી સહેલી છે પણ....માથે પડે ત્યારે ખબર પડે. તું મગજ ઠંડુ રાખીને વિચાર કર.તું અત્યારે ખૂબ સંવેદનશીલ જણાઈ રહી છે. તારો એક ઉતાવળિયો નિર્ણય તારી જિંદગીભરની સજા બની શકે છે. "

" એટલે જ હું તારી સાથે મુકતમને આ બાબતે ચર્ચા કરવા આવી છું. મેં મૂન લાઈટ નામની એક ઈંગ્લીશ મૂવી જોઈ હતી. બીજી પણ એક મૂવી ગે ની લાઇફ પર હતી જેનું મને નામ યાદ નથી. પરંતુ તેમાં ગે એક સ્ત્રી સાથે લગ્ન કરે છે અને તેને બાળકો પણ થાય છે. "

" તારી વાત સાચી છે. પણ...મૂવી અને વાસ્તવિકતા અલગ વાત છે. ગમે ત્યારે આવાં પુરુષો પોતાનાં સ્ત્રી પાર્ટનર સાથેની સેક્સ્યુઅલ લાઇફથી ઉબકાઈ જાય છે. તેઓ સ્ત્રી કરતાં પુરુષોનાં સહવાસમાં રહેવું વધારે પસંદ કરતાં હોય છે. તું પતિનાં સહવાસ માટે તડપતી રહીશ.... ચીખતી રહીશ....ત્યારે તારું આ દર્દ, પતિ સુખની તારી આ તડપનું શું ? છે આનો જવાબ ? "

" તો કઈ સ્ત્રી પૂર્ણપણે સુખી છે ? મેં મેરીડ કપલ પરનું એક મનોવૈજ્ઞાિક વિશ્લેષણ વાંચ્યું હતું. જેમાં એવું તારણ લખ્યું હતું કે માત્ર ૫% યુગલ જ પૂર્ણ જાતીય સુખ માણે છે. રાત્રે આવીને પોતાની મરજી હોય ત્યારે શરીર સંબંધ બાંધતાં પુરુષો પોતાની પત્ની પર રોજ રાત્રે રેપ કરે છે. એમ તો કયો પતિ પોતાની પત્નીથી ઉબકાઈ નથી જતો ? પોતાની સ્ત્રીને મૂકીને પર સ્ત્રી સાથે સુખ માણતા પુરુષોનો આ સમાજમાં ક્યાં તૂટો છે ? "

 " તારી વાત સાથે હું સો ટકા સહમત છું. ખરેખર શ્યામે મારી સખી નંદિતા પર કામણ પાથર્યા છે. મારી મુલાકાત નહીં કરાવે શ્યામ સાથે ? "

" જરૂર ! આપણે બંને સાથે એને મળવાં જઈશું. હવે મારે ઘરે જવું જોઈએ. મમ્મી પણ ચિંતા કરતાં હશે . "

" તું તારાં મમ્મી સાથે પણ આ બાબતે ચર્ચા કરજે. "

" અરે ! એમને તો મારાં માટે ગ્રીન કાર્ડ હોલ્ડર મુરતિયો જોઈએ. તે સાધારણ હોય કે ગે.... ! "

  નંદિતાએ પોતાનો શ્યામ સાથે લગ્નનો નિર્ણય ઘરમાં જણાવી દીધો. શ્યામે હજુ ઉતાવળ ન કરવાં નંદિતાને સમજાવીને શ્યામ અમેરિકા જતો રહ્યો. રોજ રાત્રે બંને કલાકો સુધી ચેટ કરતાં હતાં. પહેલાં બેસ્ટ ફ્રેન્ડ બન્યાં અને પછી....બંને એકબીજાને ચાહવા લાગ્યાં. આ ચાહત તેમને લગ્નમંડપ સુધી લઈ ગઈ. પતિ પત્ની બન્યાં અને બંનેએ સાથે મળીને ગે ફાઉન્ડેશનની સ્થાપના કરી જેનું નામ આપ્યું ..

કુંવારા અરમાન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational