કુણી લાગણી
કુણી લાગણી
ફુલ ગમે છે. સૂર્યાસ્ત જોવામાં મગ્ન થઈ જાંઉ છું. સૂર્યોદય નવી આશા અને ઉમંગ
લાવી દિલને બહેલાવે છે. પૂનમના ચાંદની વાત શી કરવી? માનવ સહજ સ્વભાવ છે,
બધું સારું સારું ગમે છે. સ્નેહ બાળપણથી દરેકની વહાલી હતી. જ્યાં જરાપણ અજુગતું
લાગે ત્યાં મદદ કરવા દોડી જતી.
'મમ્મી આજે મને ‘લંચ’માં બે સેન્ડવિચ આપીશ?'
"બેટા, એકમાં પેટ ભરાતું નથી? બહુ ખવાઈ જાય તો વર્ગમાં ઉંઘ આવે.’
‘ના, મા એવું નથી મારા વર્ગની જૂલી, પૈસા હોય નહી અને ઘરેથી લંચ બૉક્સમાં કાંઈ
લાવતી નથી. તેને આપીશ. ‘
મમ્મી, સ્નેહ સામે હસી રહી અને બે સેન્ડવિચ બનાવીને પેક કરી. સ્નેહ બાળપણથી
તેના સ્વભાવની સુગંધ ફેલાવી રહી હતી. બીજી સહેલીઓ ફૂલો ભેગા કરી ગુલદસ્તો
બનાવે. સ્નેહ જમીન પર પડેલી પાંખડીઓ વીણી ભેગી કરે. નાના કચોળામાં મૂકી
ભગવાન પાસે ધરે. ઘર સુગંધથી ભરાઈ જાય.
વર્ગમાં કોઈ શાંત હોય અથવા વિચારોમાં મગ્ન બની ખૂણામાં બેઠું હોય તેની પાસે
જઈ પ્રેમ પૂર્વક વાત શરૂ કરે. તેને જરાય સંકોચ કે ક્ષોભ ન લાગવા દે.
એ સ્નેહ હવે તો ફૂલ બની ખીલી ઉઠી હતી. તેના સ્વભાવની સુગંધ સાસરી પિયરમાં
મહેકતી. નણદીને પરણાવી અને દિયરના લગ્ન થયા. દેરાણી ભણેલી હતી. માત્ર
ભણેલી સમજી ગયાને ગણેલી — ? પોતાના પિયરના ઘરના તૌર તરીકા આણામાં
લઈને આવેલી.
સ્નેહના સાસુમા બોલ્યા બેટા આપણા ઘરમાં ‘ફેન્સી’ આવ્યા. તેમની દેરાણી શહેરની
પણ ખૂબ આધુનિક વિચાર ધરાવતાં કુટુંબની હતી.
સાસરીમાં ખૂબ ઝઘડા કરાવી પતિથી છૂટી થઈ હતી. દસ વર્ષ પછી ભાઈને કોઈ લે
નહી અને બહેનને કોઈ દે નહી, એવા હાલ થયા. બંને જણા સમજૂતી કરી ભેગા થયા.
નરમ પણ થઈ અને હવે સુખી સંસાર ચાલે છે. ‘મારું પિયર’ એવો શબ્દ બોલતી બંધ
થઈ ગઈ. આજે ઘરની અંદર દુધમાં સાકર ભળે તેમ ભળી ગઈ.
સ્નેહને થયું દસ વર્ષનો સુહાનો કાળ બરબાદ થવા દેવો નથી ! સમીરના મમ્મી અને
પપ્પાને પ્યારથી સમજાવી દિયર અને દેરાણીને સરસ મજાનો સુંદર ફ્લેટ ખરીદી
જુદા કર્યા. શિતલને તો આ જ જોઈતું હતું.
બે બાળકોના કિલકિલાટથી કલ્લોલ કરતું સ્નેહ અને મિલનનું ઘર હમેશા આનંદથી
ભર્યું ભર્યું લાગે. મિલન માલેતૂજાર ન બની શક્યો પણ શું સુખી પૈસાથી થવાય છે?
શિતલ અને સુનીલને ત્યાં સુંડલે અને ટોપલે ભરાય તેટલી લક્ષ્મી રૂમઝુમ કરતી આવી.
ભગવાને શેર માટીની ખોટ પૂરી ના કરી. શિતલનું શરીર ડૉક્ટરોએ ચુંથી નાખ્યું. સુનીલ
પણ હવે ડૉક્ટરોના ચક્કર મારી થાક્યો હતો.
‘હવે, આપણે પ્રયત્ન છોડી દઈએ!’ સુનીલ થાકી ગયો હતો!
‘પણ મારી મમતા મને શાંતિ નથી આપતી.' શિતલ બાળક માટે પાગલ થઈ હતી!
છેલ્લા ગાયનેકૉલોજીસ્ટે એક વળી નવો ઉપાય બતાવ્યો. શિતલે લગ્ન પછી માતા ગુમાવી
ત્યારે સ્નેહે અને ‘સાસુમાએ‘ તેને ખૂબ કાળજીથી સાચવી હતી. તેથી બહેનબા થોડા નરમ
થયા હતાં.
ડૉક્ટરે કહ્યું,’ તમારા બંનેમાં કશો વાંધો નથી. શિતલનું ગર્ભાશય પાંચ મહિના પછી બાળકની
હલચલ અને વજન સહન કરી શકતું નથી. જરા કમજોર છે!'
ડૉક્ટરે સરોગેટ મધરનો પ્રસ્તાવ રજૂ કર્યો.
શિતલને બહેન તો હતી નહીં. ભાઈ નાનો હતો. તેની નજર સ્નેહ પર ઠરી. તેને થતું મારું બેહુદું
વર્તન સ્નેહ ભાભીએ શરૂમાં જોયું છે. કયા મોઢે હું તેમને કહેવાની હિંમત કરું?
સ્નેહ તો બસ સ્નેહ હતી. વાત ઉડતી ઉડતી તેના કાને આવી. મિલનને સમજાવ્યો. મિલન તો
એકીટશે સ્નેહને નિરખી રહ્યો. મમ્મી મનોમન પ્રભુનો આભાર માની રહ્યાં,
શિતલ પાસે તો શબ્દ જ ક્યાં હતાં? સુનીલ અને શિતલ ભાભીનો આભાર પણ માની ન શક્યા.
તેમને પાયે લાગી આશિર્વાદ યાચ્યા.
આજે શિતલના ખોળામાં દીકરો અને દીકરી ખેલી રહ્યા છે. સ્નેહે ત્યાં પણ ભરપૂર સ્નેહ આપ્યો.
તેણે જોડિયા બાળકને જન્મ આપી દિયર દેરાણીનું આંગણું કલ્લોલતું કર્યું.
સ્નેહ અને શિતલ આજે તે લાગણીના બંધનની અટૂટ ગાંઠે બંધાઈ જીવનમાં કુમાશ.
