STORYMIRROR

Kalpesh Chauhan

Fantasy Others

3  

Kalpesh Chauhan

Fantasy Others

કર્મનું ફળ

કર્મનું ફળ

11 mins
14.8K


પ્રિયેશ તેના કાકા કાકી સાથે રહેતો હતો. પ્રિયેશના પપ્પા મોટા હતા અને તેના કાકા નાના એટલે જે કોઈ મિલકત હતી એ પ્રિયેશના પપ્પાના નામ પર જ હતી. જે આગળ જઈ પ્રિયેશના નામ થવાની હતી. પ્રિયેશના પપ્પા કોઇ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને મમ્મીની મગજની સ્થિતી બરાબર નહોતી. આથી એક વખત રાત્રી દરમિયાન ઘરથી ક્યાક જતા રહ્યા હતા. આ પછી પ્રિયેશનો સહારો માત્ર તેના કાકા કાકી જ હતા. કાકા કાકીનો સ્વભાવ સારો નહોતો. ઉપરથી કાકાનો દિકરો યશ એ તો એના મમ્મી પપ્પાને પણ કુદકો મારે એટલો હરામી હતો. યશ અને પ્રિયેશ એક જ સ્કૂલમાં ભણતા હતા.

એક વખત પ્રિયેશ સ્કૂલે જવા નીકળ્યો. એ દિવસે યશ વહેલો સ્કૂલે જતો રહ્યો હતો. આથી યશ પોતાનું ટિફિન લઈ નહિ ગયેલો. એ ટિફિન કાકીએ પ્રિયેશને આપ્યું અને કહ્યું, “આ ટિફિન યશને આપી દેજે અને તારું ટિફિન અલગ છે જે તું લઈ લે અને બીજી વાત કે તું યશ પાસે કોઇ પણ વસ્તુ ખાવા માટે માંગીશ નહિ, કેમ કે તારુ અને એનું ટિફિન અલગ અલગ છે.” આટલું કહી કાકી એ પ્રિયેશને સ્કૂલે મોકલી આપ્યો.

સ્કૂલમાં જમવા બેસવાનો સમય થયો ત્યારે બધા જમવા બેસી ગયા અને બધા એ પોતાના પોતાના ટિફિન ખોલ્યા તો ત્યારે પ્રિયેશને ખબર પડી કે પ્રિયેશને રાત્રનું બચેલું ખાવાનું જે હતુ એ જ કાકી એ આપી દિધેલું અને યશના ટિફિનમાં ઘીવાળી રોટલી અને પાલખ પનીરનું શાક હતું તથા મિઠાઇમાં મગજ હતી. જ્યારે પ્રિયેશની તો દશા જ ખરાબ હતી. સાંજે સ્કૂલથી છુટી ઘરે ગયા ત્યારે કાકી એ આખા દિવસનાં વાસણો અને કપડાં પણ બે દિવસના હતા એ પ્રિયેશને કાઢીને આપી દિધા અને ધોવા કહી દિધું. આ જોઇ પ્રિયેશથી બોલાઈ ગયું કે કાકી મારે દોસ્તારો સાથે રમવા જવું છે. આ સાંભળી કાકીને ગુસ્સો આવ્યો અને કહે તને કામ કરવા કહ્યું એ નહી અને તને રમવા જવાની પડી છે! આમ કહિ કાકીએ પ્રિયેશને ખૂબ માર માર્યો અને કામે લગાડી દીધો.

પ્રિયેશ રડતાં રડતાં કામ કરવા લાગ્યો. બધું કામ કરતાં કરતાં બહુ જ સમય નીકળી ગયો રાત થઈ ગઈ. પ્રિયેશે તેની કાકીને કહ્યું, “કાકી મને કામ કરીને હવે બહુ જ ભુખ લાગી છે મને કંઇક ખાવા માટે આપો.” કાકી કહે, “નાલાયક એક તો માથાકુટ કરીને કામ કરવું છે અને તું આમ ખાવાનો પણ થઈ ગયો હજુ મારા દિકરા યશને નથી જમવાનું આપ્યું અને જ્યારે એ જમી લેશે અને જો એમાંથી કંઇ બચશે તો તને મળશે. આટલું સાંભળી પ્રિયેશ પોતાનું સ્કૂલનું લેશન જે હતું એ પૂરું કરવા બેસી ગયો.

યશ બહારથી તેના મિત્રો સાથે રમ્યા પછી ઘરે આવે છે અને સીધો જમવા જ બેસી જાય છે. એના જમ્યા પછી તેના કાકી જે બચે છે એ બધું પ્રિયેશને બોલાવીને આપી દે છે. પ્રિયેશ જે મળ્યું એ માની ખાય લે છે અને પછી શાંતીથી એના પલંગ પર જઈને સૂઇ જાય છે. રાતનો બહુ જ વધારે સમય વીતી ગયેલો હતો. તે દરમિયાન રાત્રે પ્રિયેશને ખુબજ તાવ આવી જાય છે તેને ઠંડી પણ લાગવા લાગે છે. કાકીએ માર માર્યો હતો એટલે એનું શરીર પણ દુ:ખવા લાગે છે પણ એ કોઇને કહિ શકે તેમ નહોતું. આથી તે પોતાની પથારી પર જેમનો એમ પડ્યો રહે છે. સવારે પ્રિયેશથી ઊઠી શકાય એટલી પણ એનામાં શક્તિ નથી હોતી આથી એ સ્કૂલે જવાની ના પાડી દે છે કે કાકી મારી આજે તબિયત સારી નથી તો હું સ્કૂલે જવાનો નથી. કાકી કહે, “તું ન જવાનો તો મારે શું છે તારી મરજી. યશ તો જવાનો છે સ્કૂલે એની સાથે હું કહેવડાવી દઈશ કે તારી તબિયત સારી નથી એટલે તું આજે સ્કૂલે નથી જવાનો. કાકી યશને ટિફિન આપવા જતા રહે છે અને યશને કહી દે છે કે આજે પ્રિયેશની તબિયત સારી નથી તો એ સ્કૂલે નથી આવવાનો તો તું તારા ટિચરને કહિ દેજે.

યશને સ્કૂલે મોકલી આપ્યો. યશે સ્કૂલમાં જઇ તેનાં ટિચરને કહ્યું કે આજે પ્રિયેશનું લેશન બાકી હતું અને કાલે મમ્મી એ એને રમવા નહી જવા દીધો એટલે એણે રમવા માટે રજા પાડી છે. ટિચર કહે, “એની તો હું કાલે ખબર લઇશ આજે રમી લેવા દે.”

બીજા દિવસે પ્રિયેશ સ્કૂલે જાય છે. પ્રિયેશને સ્કૂલમાં જોઇ તેના ટિચર તેને બોલાવે છે અને પુછે છે કે કાલે કેમ સ્કૂલે ન આવેલો..? પ્રિયેશે જે હકિકત હતી એ કહી પણ ટિચરને યશે જે કહ્યુ હતું એ જ સાચું માની પ્રિયેશ જુઠું બોલે છે એમ વિચારી ખુબ માર મર્યો.

હજુ તો પ્રિયેશની તબિયત એટલી સારી નહોતી ત્યાં જ એને માર પડ્યો. પ્રિયેશ રડતો રડતો પોતાની જગ્યા પર બેસી ગયો. આખો દિવસ રડીને પૂરો કર્યો. સાંજે સ્કૂલથી છુટી ઘરે ગયો ત્યાં જ કાકીને જઈ કહ્યુ કે કાકી હું તો કાલે બિમાર હતો અને યશે સ્કૂલમાં ટિચરને કહ્યુ કે મેં રમવા માટે રજા પાડી હતી. આથી મને ટિચરે ખૂબ જ મર્યો અને આ વાત સાંભળી કાકી ને લાગ્યું કે પ્રિયેશ એમનાં દિકરા યશ પર આરોપ લગાવે છે. આથી કાકીએ પણ કંઈ વિચાર્યા વિના પ્રિયેશને માર માર્યો અને રાત્રે જમવાનું પણ ન આપ્યું.

પ્રિયેશ રાત્રે રડી રહ્યો હતો પણ એને કોઇ પુછવા પણ ન આવ્યું અને જમવાનું પણ ન આપ્યુ આથી એને ખુબ જ આઘાત લાગ્યો અને એ રાત્રે જ્યારે બધા જ ઊંઘી ગયા ત્યારે એ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો અને ગામના પાદર પર આવેલ ઘટાદાર ઝાડની નીચે બેસી રડવા લગ્યો એને ત્યાં બેસી બહુ જ સમય વીતી ગયો. લગભગ સવાર થવામાં બે કલાકની જ વાર હતી ત્યાં જ પ્રિયેશને દૂરથી કોઇ મધુર સંગીતનો અવાજ સંભળાય છે અને તે એ અવાજની દિશા તરફ ચાલવા લાગે છે.

અવાજની દિશામાં ચાલતો ચાલતો એ ક્યારે ગામની સીમા પાર કરીને ગામની નજીકના જંગલમાં પહોંચી જાય છે તે ખબર નથી પડતી. તે જંગલમાં ખૂબ જ અંદર સુધી ચાલી જાય છે અને તેને દુર એક સુંદર દ્રશ્ય જોવા મળે છે જ્યાં સુંદર મઝાનાં ફુલો હતા છોડ હતા અને ત્યાં ફુલ પર બેઠેલા રંગબેરંગી પતંગિયાઓ હતા આ બધું જોઇ પ્રિયેશ ખુબ જ ખુશ થઇ જાય છે અને જલ્દીથી ત્યાં નજીક દોડી જાય છે. તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો કે જ્યાં આ બધું હતું ત્યાં.

પરીઓની રાણી ઇશિકાની જન્મદિવસની ઉજાણી થઇ રહી હતી. પ્રિયેશ તો વિચારમાં પડી ગયો કે આજ સુધી માત્ર જે પરીઓની વાર્તા જ સાંભળી હતી એ જ પરીઓ એની આંખોની સામે હતી. એક પરી પ્રિતિ જે પ્રિયેશને જોઇ લે છે અને ખૂબ જ ડરી જાય છે અને પરીરાણી પાસે દોડી જાય છે. પરીઓની રાણીનું તેની તરફ ધ્યાન દોરે છે. પરીરાણી પ્રિયેશને જોઇને જાણી જાય છે કે પ્રિયેશ દુ:ખી છે અને ભુખ્યો પણ છે. તે કોઇ પણ પરી ને કોઇ નુકસાન પહોચાડશે નહી.

પરીરાણીએ પ્રિયેશને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું. તને ભુખ લાગી છે? હું તને જમવાનું આપું છું કહિ કોઇ મંત્ર બોલી એમણે છડી ફેરવી તો ત્યાં જાતજાતનાં પકવાનો આવી ગયા. આ જોઇ પ્રિયેશ ખુશ થઇ ગયો અને જલ્દી ને જલ્દીથી જમવા લાગ્યો. જમ્યા પછી પ્રિયેશ પરીરાણીનો આભાર માને છે અને ત્યારે જ પ્રિયેશની આંખોમાં પાણી આવી જાય છે. આ જોઈ બધી પરીઓ વિચાર કરે છે કે આ શું છે જે આ મનુષ્યની આંખમાંથી પડે છે શું એ કોઇ મોતી છે જેનો હાર બને છે? આ વિચારી એક પરી પરીરાણીને પુછી જ લે છે કે એ શું છે? અને પરીઓની રાણી સમજાવે છે કે આ આંસુ છે જે ધરતીલોકના લોકો દુ:ખી હોય ત્યારે એમની આંખોમાંથી સરે છે. જેનો સ્વાદ ખારો હોય છે અને જ્યારે ખુશ હોય ત્યારે જે આંસુ આવે છે એ આંસુનો કોઇ સ્વાદ નથી હોતો. આપણાં પરીલોકમાં માત્ર ખુશી જ ખુશી છે એટલે તમને આ બધી વાતોનો કોઈ ખ્યાલ નથી. અને હમણાં આ મનુષ્ય દુ:ખી છે અને આથી એની આંખોમાં આંસુ છે. પરીરાણી પ્રિયેશને તેનું નામ અને દુ:ખી થવાનું કારણ પૂછે છે.

પ્રિયેશ દુ:ખી અવાજે પોતાના સાથે જે થયેલું એ કહી સંભળાવે છે. આ સાંભળી પરીરાણી વિચારમાં પડી જાય છે કે કોઈ વ્યક્તિ આટલા નાના બાળકને કઈ રીતે દુ:ખી કરી શકે છે. આ બધું થયુ ત્યાર સુધીમાં સવાર થઈ ગઈ. આ તરફ પ્રિયેશ પરિઓ સાથે હતો અને બીજી તરફ એના કાકા કાકી એને આખા ગામમાં શોધી રહ્યા હતા. કાકીને એમ હતું કે પ્રિયેશનાં પપ્પાની વસિહત પ્રમાણે જો પ્રિયેશને કંઈ થઈ જાય તો બધી જે મિલકત હતી એ એક ચેરિટી ટ્રસ્ટને મળી જશે અને એમને કંઈ જ નહિ મળે.

પ્રિયેશના કાકા તેની કાકીને કહી રહ્યા હતા કે તેના અને તેના દિકરા યશના ત્રાસથી કંટાળી પ્રિયેશ ઘર છોડી ચાલ્યો ગયો છે. અને પ્રિયેશ પરિઓ સાથે એટલો ખુશ હતો કે તેને કોઇ પણ પ્રકારની ચિંતા હવે નહોતી.

હવે પરીરાણીએ પ્રિયેશને કહ્યું, “દિકરા તારા ઘરે તારી બધાં ચિંતા કરતા હશે હવે તારે તારા ઘરે જવું જોઇએ.” પરીરાણીએ પ્રિયેશની મદદ માટે કોઇ એક પરીને જવાબદારી લેવા માટે કહ્યુ ત્યારે પરી પ્રિતી એ આ જવાબદારી સ્વીકારી અને પ્રિયેશને તેના ઘરનાં દરવાજા સુધી મૂકી આવી અને એક ઘડિયાળ આપી કહ્યું. જ્યારે પણ તને કોઇ કામ હોય તું આ ઘડિયાળનું જમણી બાજુનું બટન દબાવજે. હું તરત જ ત્યાં હાજર થઇ જઈશ. આટલું કહિ પરી પ્રિતી પરીલોક જવા રવાના થઈ ગઈ.

પરી પ્રિતીના ગયા પછી જ્યારે પ્રિયેશ ઘરમાં અંદર ગયો ત્યારે એના કાકી એટલાં પ્રેમથી એને બોલાવ્યો કે પ્રિયેશ તો વિચારમાં પડી ગયો કે જે કાકી એને આટલું મારતા હતા એમને આજે આટલો પ્રેમ કેમ વરસાવે છે?

રાત્રે બધાં જ સાથે જમવા બેઠા જમ્યા પછી બધા પોતાના પોતાના રૂમમાં જઈ સુઈ ગયા. યશ તો આખો દિવસ ખુબ રમ્યો હોવાથી થાકીને જલ્દી જ સૂઈ ગયેલો. પ્રિયેશને જે બન્યું હતું એ વિચારી વિચારી ને ઊંઘ જ નહોતી આવતી હતી. આથી પ્રિયેશે વિચાર્યુ કે કાકા કાકી લોકો શું કરે છે? સુઇ ગયા કે તે જોઇ લઉં. મારા માટે શું વિચારે છે એ જાણી લઉં. એમ વિચારી એ કાકા કાકીના રૂમના દરવાજા પાસે જઇને સાંભળે છે તો એને કાકીનો અવાજ સંભળાય છે કે આજે તો પ્રિયેશ ખોવાય ગયેલો એ વિચારી હું ચિંતામાં પડી ગયેલી પણ સારું કે પ્રિયેશ ઘરે આવી ગયો.

આ સાંભળી પ્રિયેશ ખુબ જ ખુશ થયો પણ જ્યારે તેણે વાત આગળ સાંભળી ત્યારે ખબર પડી કે તેના કાકી તેને નહી પણ તેની મિલકત ને પ્રેમ કરતા હતા. કાકીએ કહ્યું કે એની બધી મિલકત હાથ માંથી ચાલી ગઇ હોત. આ સાંભળી પ્રિયેશને મનમાં દુ:ખ થયું કે કોઇ મને નહિ પણ મારી મિલકતને જ પ્રેમ કરે છે આથી પ્રિયેશ મોડી રાત્રે પોતાનો જરુરી સામાન અને મિલકતના કાગળો લઈ જ્યારે કોઇ એને જોતું નથી. ત્યારે એ ઘરેથી પેલાં જંગલ તરફ જવા રવાના થાય છે. થોડું ચાલીએ થાકી જાય છે અને અચાનકથી એને પેલી ઘડિયાળ યાદ આવે છે અને તે ઘડિયાળનું જમણી તરફનું બટન દબાવી પરી પ્રિતીને મદદ માટે બોલાવે છે.

પરી પ્રિતી તરત જ ત્યાં હાજર થાય છે અને પ્રિયેશની બધી વાત ધ્યાનથી સાંભળે છે કે કોઇ એને નહિ પણ એની મિલકત ને પ્રેમ કરે છે.

ત્યાર બાદ પરી પ્રિતી એને સમજાવીને ઘરે મોકલવાનો પ્રયાસ કરે છે પણ પ્રિયેશ કહિ દે છે કે હું મરી જઇશ પણ એ નર્કમાં પાછો ન જઇશ. આથી પરી પ્રિતી તેને જંગલમાં લઈને જાય છે અને ત્યાં તેને સુંદર મહેલ બનાવી આપે છે જ્યાં નોકર ચાકરની પણ કોઇ કમી નથી રહેવા દેતી અને નોકરો પણ પોતાના જાદુથી લાવી આપે છે જેથી કરી પ્રિયેશને એકલું ન લાગે.

સુંદર બગીચો અને સુંદર મઝાના ફુલો ફળો તથા પતંગિયાઓ પણ ત્યાં લાવી દે છે અને પ્રિયેશને પૂછે બીજી કોઇ તારી ઇચ્છા હોય તો બોલ ત્યારે પ્રિયેશ કહે છે, મને બરફની વર્ષામાં રમવાની ખુબ જ ઇચ્છા છે તો તમે ક્યાંક બરફ વર્ષા થાય એવું કરી દો. અને પરી પ્રિતી એક તરફ બરફ વર્ષાનો માહોલ બનાવી દે છે. પરી પ્રિતી પરિલોક જવાની હોય છે આથી પ્રિયેશ ને કહે છે જ્યારે તને મારી જરૂર હોય ત્યારે મને ઘડિયાળની મદદથી બોલાવી લેજે અને મેં એક બીજું પણ જાદુ કર્યુ છે જેનાથી તારા મહેલની આસપાસ કોઇ પણ વ્યક્તિ આવશે નહિ તો તારે ડરવાની કોઈ જરૂર નથી. હું તને થોડા થોડા સમયે મળવા આવીશ તો તારે ચિંતા કરવાની જરુર નથી કહીને પરી પ્રિતી રવાના થાય છે.

પરી પ્રિતીના આ કાર્યથી પરીરાણી ખુબ જ ખુશ થાય છે અને તેને શાબાશી આપે છે. પરી પ્રિતી પણ આ કામને પોતાનું સૌભાગ્ય માને છે અને અવારનવાર પ્રિયેશને મળવા જવાનું રાખે છે. આ જ નિત્યક્રમમાં પરી પ્રિતીને ક્યારે પ્રિયેશ સાથે લાગણી બંધાય જાય છે એની ખબર નથી પડતી અને પહેલાં પરી પ્રિતી ક્યારેક ક્યારેક મળવા આવતી એ હવે આખો આખો દિવસ પ્રિયેશ સાથે વિતાવા લાગી એને પ્રિયેશને રાજકુમાર જેવો બનાવી દિધો હતો.

પ્રિયેશને પણ પરી પ્રિતી સાથે ખુબ જ ગમતું હતું. તે પરીને પરીદીદી કહીને જ બોલાવતો હતો.

એક દિવસે પરી પ્રિતી પરિલોક જાય છે અને પરીરાણીને કહે છે કે મારે હંમેશા માટે પ્રિયેશ સાથે રહેવા જવું છે. આ સાંભળી પરીરાણીએ કહ્યું, “તું ત્યાં હંમેશા માટે જઈ શકે છે પણ તારે તારી પાંખો અને જાદુઇ શક્તિઓ છોડવી પડશે જો તને મંજૂર હોય તો તું જઇ શકે છે.” પરી પ્રિતી એ કંઇ પણ વિચાર્યા વિના પાંખોની અને જાદુઇ શક્તિ છોડવા માટે હા કહિ દિધુ અને તેણે પોતાની પાંખોની કુરબાની આપી દિધી.

આ જોઇ પરીરાણીએ ખુશ થઇ કહ્યું, “તે જે તારી પાંખોની કુરબાની આપી એ જ ખૂબ છે તારે હવે તારી જાદુઇ શક્તિ છોડવાની જરુર નથી.” પછી એ પાછી ધરતીલોક પોતાની જાદુઇ શક્તિ સાથે આવી જાય છે અને હવે પરીરાણીએ એને કહ્યુ હતું કે તું જ્યારે ચાહે પ્રિયેશને પણ સાથે લઇ પરીલોક આવી શકે છે અને આજથી બે વર્ષ પછી તું પરીલોકની રાણી બનશે. કેમ કે જે સમજદારીથી તું લોકોની સેવા કરે છે એનાંથી તે મારું મન જીતી લીધું છે અને તારા કરતા સારી બીજી કોઇ રાણી પણ મને મળશે નહિ. જ્યારે પરી પ્રિતી પ્રિયેશને મળવા માટે તેના મહેલમાં ધરતીલોક આવે છે ત્યારે પ્રિયેશ ખુશ થઇ જાય છે પણ જ્યારે તે જોય છે કે પરીની પાંખો નથી એટલે એ પૂછે છે પરીદીદી તમારી પાંખોને શું થયું એ ક્યાં છે? પરી કહે, “મેં મારી પાંખોની કુરબાની આપી છે અને હંમેશા માટે અહિ રહેવા આવી ગઇ છું. જ્યારે આપણે બે વર્ષ પછી પરીલોક પાછા ફરિશું ત્યારે હું રાણી બનીશ તો મારી નવી પાંખોનું પુન: સર્જન થશે અને તને પણ પાંખો મળશે અને આપણે ત્યાંજ રહિશુ.” આ સાંભળી પ્રિયેશ ખુશ થઇ જાય છે.

બે વર્ષનો સમય ક્યાં પૂરો થઇ જાય છે એની ખબર નથી પડતી અને પ્રિયેશ તથા પરી પ્રિતી પરીલોક પાછા ફરે છે જ્યાં પ્રિયેશને અને પરી પ્રિતીને નવી પાંખોની તથા જાદુઇ શક્તિઓની ભેંટ મળે છે.

પ્રિયેશના કાકા કાકી અને તેમના દિકરા યશ પાસેથી ઘર પણ છિનવી લેવાય છે જે વસિહત પ્રમાણે ચેરિટી ટ્રસ્ટને મળી જાય છે અને પ્રિયેશના કાકાની નોકરી પણ તેમના સ્વભાવના કારણે છુટી જાય છે તો તેઓ મંદિરની બહાર બેસી ભિખ માંગીને ગુજારો કરે છે.

આમ પ્રિયેશની અને પરી પ્રિતીની જિંદગી બદલાય જાય છે તથા પ્રિયેશના કાકા કાકી અને યશની જિંદગી તો એમના સ્વભાવ પ્રમાણે બરાબર જ મળી ગઈ હતી. ભિખારીની જિંદગી પહેલા પ્રિયેશની મિલકતની ભીખ માંગતા અને હવે મંદિરની બહાર.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy