ત્યાગ
ત્યાગ
આજે રવિવાર હોવાથી હું આરામથી વૃદ્ધાસ્રમની બહારના બાકડા પર બેઠો હતો. જ્યાં વૃદ્ધાસ્રમની સાથે જ મારી હોસ્ટેલ હતી. આ હોસ્ટેલ અમારા મોચી સમાજના ચેરિટી ટ્રસ્ટ (શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ)ની હતી. જ્યાં મને અને મારા જેવા બીજા ઘણા અમારા સમાજના છોકરાઓને દત્તક લેવામાં આવેલા હતા અને વૃદ્ધોને પણ દત્તક લેવામાં આવેલા જે વૃદ્ધો નિરાધાર હતા.
ત્યારે હું ડિપ્લોમામાં સિવિલ એજીંનિયરિંગનો અભ્યાસ કરતો હતો. રોજ નવસારી હોસ્ટેલથી વલસાડ અભ્યાસ માટે જવાનું અને આજે રવિવાર હોવાથી રજા હતી તો આરામ હતો તો હું એક વૃદ્ધ દાદા સાથે બેસી ને વાતો કરતો હતો. તેમને અહીં આવ્યાને માંડ એકાદ આઠવાડિયું થયું હતું, તો મને એમ કે એમની સાથે વાત કરીશ. તો એમને પણ સારું લાગશે.
મેં એમના હાલચાલ પૂછી વાત કરવાનું ચાલું કર્યું. તેમને પોતાના જીવનની દરેક વાતો વિસ્તારથી તો ન જણાવી પણ એમણે જે પણ વાતો કરી એમાં ખરેખર એમનું દુ:ખ જણાતું હતું.
તેમનો અવાજ જાણે બોલતા બોલતા અટકી જતો હતો. તેમની આંખોમાં આંસુઓના ઝળઝળિયા હતાં. પણ તેઓ જાણે એ આંસુઓને મારી સામે આંખમાંથી બહાર આવતા રોકી રહ્યા હોય એવું લાગતું હતું. તેમની આંખોમાં હવે એટલું તેજ કદાચ નહોતું. તેઓ એ મારી સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ એક સારા એવા સિલાઇના કારિગર છે પણ હવે આંખે બરાબર દેખાતું ન હોવાથી લાચાર હતા.
તેમણે તેમની વિતેલી જિંદગીની વાત કરતા કહ્યું કે તેમણે કેવી રિતે સિલાઇ કામ તથા અન્ય નાના મોટા કામો કરીને પોતાના દીકરાને ઈન્જિનિયર બનાવ્યો. પણ હવે એ જ દીકરો એમને પોતાની સાથે રાખવા તૈયાર નથી. આ સાંભળી મને ઘણુ દુ:ખ થયુ કે જે પિતાએ પોતાનું બધું જ દીકરા પાછળ હોમી દિધું. છતાં આજે દીકરો એમને ઘરમાં પોતાની સાથે રાખવા તૈયાર નથી. પણ હું કઈ કરી શકું એમ નહોતું તો હું માત્ર એમને આશ્વાસન જ આપતો રહી ગયો અને એમણે પોતાની આટલી મોટી વાત આટલી સરળતાથી કઈ રીતે કહિ દિધી અને નિયતીનો સ્વીકાર કરી દીકરા અને વહુને ખાતર તેઓએ એમનું ઘર પણ છોડી દિધુ.
જ્યારે દાદા વૃદ્ધાસ્રમમાં આવ્યા એ પહેલા એક વખત એમના દીકરા એ એમને કહ્યું હતું કે તમે અહિંથી ચાલ્યા જાઓ. ત્યારે દાદાએ પુછ્યુ કે હુ ક્યાં જઈશ? ત્યારે દીકરા એ જે જવાબ આપ્યો એ સાંભળી હું પણ દંગ રહિ ગયો કે કોઇ દીકરો આટલો સ્વાર્થી કેમ હોઇ શકે? તેણે કહ્યું " તમે જ્યાં જાવ ત્યાં.. એવું લાગે તો ભિખ માંગીને ખાજો અને રસ્તા પર સૂઈ જજો પણ મારા ઘરે ના આવશો.."
આ વાત સાંભળી મને ખરેખર એ સમયે એવું લાગ્યું કે કોઇ વ્યક્તિને દીકરો હોય એનાં કરતાં દીકરી હોવી એ સારી બાબત છે. જો દીકરી હશે તો એ એનાં સાસરે પણ પોતાના માતાપિતાને સ્થાન આપશે અને ના જ કઇ થાય તો બીજો રસ્તો શોધશે અને તેમનો ખ્યાલ તો હંમેશા રાખશે.
દીકરી સાસરે હોવા છતાં અવારનવાર માતાપિતાના ખબરઅંતર પૂછતી રહે છે જ્યારે દીકરો ઘરમાં રહે તો પણ માતાપિતાને એમ નહીં પૂછે કે “તમે કેમ છો?” કે “તમારી તબિયત કેવી છે?” પણ આ વાતનો ખ્યાલ દીકરી રાખે છે. હું એમ નથી કહેતો કે બધાં જ દીકરાઓ એવા હોય પરંતુ ૧૦૦% માંથી ૮૦% દીકરાઓ એવા જ હોય છે જે વિચારે છે કે મારા લગ્ન થઈ જશે પછી હું માતાપિતાને છોડી મારી પોતાની દુનિયા વસાવીશ.
આ દાદા જે રીતે દુ:ખી હતા એ રીતે તો બીજા પણ ઘણા દાદા અને દાદીઓ હતા જે દુ:ખી હતા. પરંતુ અહીં ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવતું એમાં વૃદ્ધોનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું. અને જે કાર્યો થતાં એમાં સાવધાની રાખવામાં આવતી કે કોઇ પણ વૃદ્ધને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દુ:ખ ન પહોંચે. ઘર જેવું વાતાવરણ ઊભુ કરવામાં આવતું તથા દરેક તહેવારોની ઉજાણી પણ કરવામાં આવતી અને હજુ પણ થાય છે મારી આશા છે કે આ ટ્રસ્ટ અવિરત પણ આવું પરોપકારનું કાર્ય કરતું રહે. મને પણ એક ગામડામાંથી બહાર લઈ જઈ એમણે મને ભણતરની સાથે જે સંસ્કાર આપ્યા છે એનું ઋણ હું ક્યારેય નહિ ચૂકવી શકું.
જે દાદા એ જીવનમાં પોતાના દીકરા માટે આટલો મોટો ત્યાગ કરેલો એમને શું મળ્યું? દીકરાની નફરત જ ને? અને આજે પણ કેટલીક જગ્યા એ જોશો તો સમજાશે કે દીકરી ને બોજ સમજવામાં આવે છે પણ સાચી વાત તો એ જ છે કે દીકરી જ સાચો દીકરો અને ખરી સંપતિ છે.
