Neelamkumar (Neel) Budhbhatti

Children Classics Inspirational

4  

Neelamkumar (Neel) Budhbhatti

Children Classics Inspirational

કર્મણ્યેવાધિકારસ્તે

કર્મણ્યેવાધિકારસ્તે

12 mins
1.1K


ક્યારેય વિચાર્યું છે કે કર્મ શું છે ? કર્મ બંધન શું છે ? આ કર્મ કઇ રીતે થાય છે ? કર્મ કોણ કરે છે ? કર્મ કોના દ્વારા કરવામાં આવે છે ? કે કર્મ થકી જ કર્મ પથનો પ્રાદુર્ભાવ થાય છે ? કે અકર્મ શું છે ? કર્મની ગતિ શું છે ? ઘણાં પ્રશ્‍નો છે જે આપણા દૈનિક જીવનને અસર કરે છે.

સામાન્‍ય સ્‍વરૂપમાં આપણે સહુ કર્મ એટલે કોઇ કાર્ય કરવું એમ જ માનીએ છીએ. માત્ર શારીરિક ક્રિયા જ કર્મ નથી એ તો માનસિક અને વૈચારિક પણ હોય છે. ઘણું ગૂઢ રહસ્‍ય છે. મજાની વાત તો એ છે કે, આજ કાલ આપણે સહુ ભગવત ગીતા, તેનો સાર, ગીતા ઉપદેશની અનેક વાતો કરશું અને કર્મ મુકિત મેળવવા માટેના વ્‍યર્થ પ્રયાસો પણ કરશું. જેને હું સરળ ભાષામાં અધુરાં જ્ઞાન સાથે કરવામાં આવતું સ્‍વાંગ એવી ઉપમા આપવામાં જરા પણ ખચકાઇશ નહીં.

વાસ્‍તવમાં તો આપણે ક્યારે પણ એક ક્ષણ પણ કર્મ વિના રહેતા નથી, શ્વાસે શ્વાસે કર્મ તો છે જ અને કર્મ છે તો એનું ફળ પણ છે. જરા વિચારજો આપણો જન્‍મ કોઇ એક નિશ્ચિત કુટુંબમાં જ કેમ થયો અને આપણા સાથે જે સંબંધમાં છે તેઓ જ શા માટે સંબંધમાં આવ્‍યા, શા માટે કોઇ અપરિચિત વ્‍યકિત સાથે પણ ઘરોબો થઇ જાય છે અને શા માટે જે આપણા સાથે સંબંધમાં છે તેનાથી આપણે મતમતાંતર છે, મન દુઃખ છે. સરળ ભાષામાં આપણે એને ઋણાનુબંધ કહીશું કે લેણી દેણી જ એવી છે તેમ કહીને મન મનાવી લઈશું.

પરંતુ ખરું તો એ છે કે, આપણી સાથે જે કાંઇ પણ બને છે, ઘટે છે તે બનાવ ઘટનાના એકમાત્ર ઉતરદાયી આપણે પોતે જ છીએ. આપણો ભૂતકાળ આપણી દેન છે, આપણો વર્તમાન પણ આપણા થકી જ છે અને આપણો ભવિષ્‍ય પણ આપણા વર્તમાનના કર્મ થકી જ હશે.

ખરી વાત તો એ છે કે આ બધી રમત સંસ્‍કારોની છે. અહીં સંસ્‍કાર એટલે માતા પિતા તરફથી આપવામાં આવતાં સંસ્‍કારની નથી, પરંતુ આપણે જન્‍મ સાથે જે પૂર્વના અનેક જન્‍મમાંથી જે જ્ઞાન, અજ્ઞાન મેળવ્‍યું જે ચેતના સ્‍વરૂપે આપણે આત્‍મસાત કરી લીધું તે સંસ્‍કાર છે. બાળક જન્‍મે છે ત્‍યારે તે એકદમ નિશ્‍ચલ હોય છે, સારાં નરસાંથી દૂર, સુખ દુઃખથી દૂર, મારા તારાથી દૂર. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધશે તેમ તેમ તેના સંસ્‍કારોના લક્ષણો આપણે દેખાવા લાગશે. કોઇ ચિત્રકળામાં નિપૂણ હશે, તો કોઇ સાહિત્‍યમાં, કોઇ બુધ્ધિશાળી તો કોઇ મંદબુધ્ધિ.. આ બધું પોત પોતાના વ્‍યકિતગત કર્મના ફળ જ છે.

કોઇ માતા પિતા પોતાના સંતાનોને કુસંસ્કાર આપશે જ નહિં. માતા-પિતાની તેવી ઇચ્‍છા હોય પણ નહીં. તેમ છતાં આજે સમાજમાં અનેક ગુનેગારો છે. જેમને કોઇ પણ પાપ કૃત્‍ય કરતાં જરા પણ સંકોચ નથી થાતો. શા માટે ? એ તેના કર્મ થકી.

કોઇ કોઇના કર્મફળનો ભાગીદાર નથી. હું ઇચ્‍છીશ તો પણ જે વ્‍યકિત મને પ્રિય છે તેની પીડા હું લઇ નહીં શકું, કે કોઇ મેં કરેલા પાપનું ફળ સ્વિકારશે પણ નહીં કે લઇ પણ નહીં શકે. હું જે કરીશ તેનું ફળ મને જ મળવાનું છે.

અહીં મને રત્‍નાકરની કથા યાદ આવે છે. રત્‍નાકર એટલે કે મહર્ષી વાલ્‍મીકી, એક મહાપુરૂષ, કહેવાય છે કે તેમણે ભગવાન રામના જન્‍મ પહેલાં જ રામાયણની રચના કરી નાંખેલી. વાલ્‍મીકી ઋષી જન્‍મથી બ્રાહ્મણ પણ બુરી સંગતના કારણોસર લૂંટારા બન્‍યા. એક દિવસ દેવ‍ઋષી નારદમુનીથી ભેટો થઇ ગયો. રત્‍નાકરે નારદ મુનીને પ્રતાડીત કર્યા તેમની પાસે જે કાંઇ હોય તે લૂંટી લેવા માટેના પ્રયાસો કર્યા પણ નારદ મુની પસેથી વીણા સિવાય હોય પણ શું. નારદ મુનીએ તેમને એક અમુલ્‍ય ધન આપેલું જે હતું ભગવાન શ્રીરામનું નામ.

રત્‍નાકર જેના પૂર્વ સંસ્‍કારો તો દેવતુલ્‍ય જ હતા. પરંતુ પૂર્વ જન્‍મના દુષ્‍કર્મોના કારણે લૂટારાનું જીવન પણ ગાળવું પડયું. નારદ મુની જ્ઞાન આપતા કહે છે કે, હે રત્‍નાકર આ તારૂં કર્મ નથી. તારો જન્‍મ તો મહાન ઉદેશ સાથે થયો છે. તારા જીવનને આમ લૂંટ ફાટ, હત્‍યામાં ન ખપાવ. આ પાપ કર્મ છે. ત્‍યારે રત્‍નાકર કહે છે કે હું આ બધું મારા પરિવાર માટે તેમના પાલન પોષણ માટે કરું છું અને પરિવારના પાલન પોષણથી મોટો બીજો કોઇ ધર્મ નથી. ત્‍યારે નારદજી કહે છે કે, ના આ તારા પાપ કર્મ છે તેમાં તારો પરિવાર પણ ભાગ નહીં લે. તને સંતોષ કરવો હોય તો તારા પરિવારને પૂછી આવ, કે તું જે કર્મ કરે છે તેનાથી તેઓ સંતુષ્‍ટ છે કે કેમ ?

રત્‍નાકર તો ગયા પૂછવા પ્રથમ તેમના પિતાને પુછે છે કે, પિતાજી હું જે કર્મ કરીને આપનું પાલન કરું છું તેનાથી તમે સંતુષ્‍ટ છો. ત્‍યારે એના પિતા કહે છે કે બેટા, હું તો થયો વૃધ્‍ધ મને એક તારો આશરો છે એટલે તું જેમ રાખ એમ હું રહી લઉં. તારી પોતાની સમજ છે. પણ એટલું કહીશ કે તું જે કરે છે એ પાપ કર્મ છે એ તો તારે જ ભોગવવાના રહેશે, અને હું જે લાચારીમાં તારી સાથે છું તેનું ફળ હું ભોગવીશ. પછી તેની પત્‍નીને પુછે છે, ત્‍યારે એ પણ એવો જવાબ આપે છે કે તમે તો મારા સ્‍વામી છો, આ દેહ આ જીવન તમને અર્પીત છે તમે રાખશો તેમ રહીશ. પણ મારી આત્‍મા તો મારી પોતાની છે તમે શું કરો છો, કેવું કરો છો તેની મને ખબર નથી એટલે આ દેહ સાથેના જીવન માટેની તમારી અર્ધાંગીની પણ તમારા કર્મમાં હું ભાગ ના લઇ શકું. આમ પરિવારના દરેક સભ્‍યોના જવાબ સાંભળી રત્‍નાકરને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પાછા નારદ મુની પાસે જાય છે. ત્‍યારે નારદ મુની મહામંત્ર રામ નામનું જાપ કરવાનો ઉપદેશ આપે છે. અને એ રામ નામનો જાપ "મરા મરા" કરીને પણ તેઓ મહર્ષી બની ગયા. રામાયણ જેવા મહાનગ્રંથની રચના કરી નાંખી. આમ થઇ શક્યું એ પણ તેમના પૂર્વ જન્‍મના સંસ્‍કારો થકી જ.

એટલે આપણી સાથે જે જે વહેવારમાં આવે છે તે તે વ્‍યકિતઓનું વર્તન એ તેમના સંસ્‍કારો થકી છે. એટલે સરળ ભાષામાં કહું તો જેને આપણે સત્‍ય સમજીએ છીએ તે કદાચ સામો વ્‍યકિત ના પણ સમજે. અને સામો વ્‍યકિત જેને સત્‍ય સમજે છે તે આપણા મતે સત્‍ય ના પણ હોય. બન્‍ને તથ્‍યો સાચા છે, કેમ કે બન્‍નેના કૃત્‍યો તો અંતે પોત પોતાના વ્‍યકિતગત સંસ્‍કારો થકી જ છે.

એટલે આ જગતમાં કાંઇ ખોટું નથી, કાંઇ મીથ્‍યા નથી. જે વાસ્‍તવિક ખોટું છે તે વાસ્‍તવિક રીતે સત્‍ય છે. ઉદાહરણ તરીકે કહું તો કોઇ વ્‍યકિત જુઠું બોલે છે, આપણે જાણીએ છીએ કે તે જુઠું બોલે છે તે છતાં તે જુઠું બોલવાની ક્રિયા તો વાસ્‍તવમાં સત્‍ય સ્‍વરૂપે થતી હકિકતમાં થતી ક્રિયા છે, જે જુઠું બોલે છે તે તેના સંસ્‍કારોના કારણોસર બોલે છે. હવે આપણે તે વ્‍યકિત ખોટું બોલે છે તે સાબિત કરવામાં પોતાનો સમય અને કર્મ બગાડીએ છીએ. વાસ્‍તવમાં આપણે તેના કર્મમાં ભાગ લઇ જ શકતા નથી પણ તેમ કરીને આપણે તેના કર્મ થકી આપણે આપણું કર્મ કરીએ છીએ જે આપણાં સંસ્‍કાર છે.

ભગવત ગીતામાં કહ્યું છે કે તું કર્મ કરતો જા ફળની ઇચ્‍છા કરીશ નહીં. તેમ છતાં કર્મ બંધન કઇ રીતે થાય તેનાથી કેમ બચવું તે વિચારવું જરૂરી છે. જો તે સમજી ગયા તો કર્મ બંધનથી મુકિત મળશે અને ફળની પ્રાપ્તિ કે અપ્રાપ્તિના ચક્કરમાંથી પણ મુકિત મળશે.

ઉપર કહ્યું તેમ આપણે જે કાંઇ પણ છીએ તે આપણા કર્મ થકી છીએ. જે જે સંબધો માતા, પિતા, ભાઇ, બહેન, કાકા કાકી, માસા માસી, મામા મામી, સાળા સાળી, મિત્રો કે કોઇ અપરિચિત વ્‍યક્તિ સાથેની મુલાકાત એ બધું જ આપણા કર્મ થકી છે. આપણે આજે આ ઍપ પર પણ ભેગા થયાં છીએ એ પણ આપણા દરેકના વ્‍યકિતગત કર્મ થકી. સમજવું અઘરું છે. એકબીજા સાથે વહેવાર કેમ બંધાય છે એ સમજવું જરૂરી છે, માધ્‍યમ શું છે, કેવી રીતે બને છે તે સમજવું જરૂરી છે.

તો કર્મ બંધન અને કર્મ ફળથી મુકિત કઇ રીતે મળે. તો એક જ વાત દિમાગમાં આવે કે કોઇ સાથે ક્યારેય કલેશમાં ના પડવું અને હંમેશ જાગૃત કોન્સિયશ રહેવું. મતલબ કે આપણે જે કાંઇ પણ ક્રિયા કરીએ છીએ તે બધી સંપૂર્ણ સભાન અવસ્‍થામાં કરીએ. વિચારો અને કલ્‍પનાઓની દુનિયાથી એકદમ દૂર. વાસ્‍તવિક ચર દુનિયામાં જાગૃત રહીને કર્મ કરીએ તો જ કર્મ મુકિત સંભવ છે.

એક ઉદાહરણ આપું ધારો કે, તમે દિવસ આખાનો થાક ઉતારવા રાતે સુવા જઇ રહ્યા છો અને તમારા મિત્રનો કોલ આવે છે, હવે માનવ સહજ રીતે આપણે અચૂકપણે એમ તો કહીએ છીએ. અરે... અત્‍યારે આનો કોલ શા માટે. શું કામ હશે હવે એને. હવે આ જ વિચાર આપણને તેની સાથે કર્મ બંધનમાં બાંધે છે. અહીં આપણે શારીરિક થાકના કારણોસર વિચારી શકતા નથી. પણ કર્મ બંધનથી મુકત થવું હોય તો જાગૃત તો રહેવું જ પડશે. આવા સમયે જો તમારે તેનાથી કોઇ કર્મ બંધનમાં ના બંધાવવું હોય તો જે પરિસ્થિતિ સામે આવેલી છે તેને સ્વિકારીને નિકાલ જ કરવો પડે. કોલ રીસીવ કરવો, બોલ શું કામ છે, જે કામ હોય તે કરી આપવું. ના એના પર કોઇ ગુસ્‍સો, ના દયા બસ મારી સામે આ કર્મ પ્રકૃતિએ મુકયું છે તો તે વ્‍યકિત સાથેના અગાઉના કર્મ બંધનથી મુકત થવા માટે જ આ પરિસ્થિતિ ઉભી થઇ છે તેવું સમજવું.

જીવનની હરેક ક્ષણ, હર ઘડી એક ટાસ્‍ક જ છે, જે પુરું કરવું જ પડે. હવે તમે જયારે એને મદદ થવાને બદલે પાસું કાઢો, કોલ રીસીવ ના કરો, કે કાર્યલોપ કરો ત્‍યારે તમે તેનાથી કર્મ બંધનમાં બંધાઓ છો. પણ જો એનું કાર્ય જે હોય તે પુરું કરો એટલે એટલા પુરતું તેના સાથેનો ઋણાનુબંધ પુરું, પછી તે માટે કોઇ કર્મ બંધાય જ નહિં. એ રીતે હરઘડી જાગૃત રહીને, જે પરિસ્થિતિ સામે આવે છે તે સ્વિકારીને ‍નિશ્‍ચલ ભાવે પૂરી કરવી. માટે જે ભગવત ગીતામાં કહ્યું છે કે તું કર્મ કર ફળની ઇચ્‍છા ન રાખ તે સુક્તિ તાદૃશ રીતે જીવનની હરેક ક્ષણ સાથે સંકળાયેલ છે.

આ તો થઇ શારીરિક ક્રિયા દ્વારા કર્મની વાત. આપણે માનસિક રીતે, વૈચારિક રીતે પણ સતત કર્મ કરતા જ રહીએ છીએ. આ કર્મ બંધનનો પણ ફળ ભોગવવાનું જ રહે છે. ક્યારેક આનંદીત હોઇએ ત્‍યારે બધા માટે અથવા કોઇ નિશ્ચિત વ્‍યકિત માટે સારા વિચાર એ સારું કર્મ બંધન છે, એનું પણ ફળ ભોગવવું જ પડે અને જયારે થાક, ક્રોધ, ઇર્ષા ને વશ હોઇએ ત્‍યારે ગમે તેવું ગમે તેના માટે વિચારતા હોઇએ છીએ. એ ખરાબ કર્મ છે અને તેનું તે રીતે ફળ ભોગવવાનું જ રહે છે. માટે જ ફરી ફરીને કહું છું કે આપણે શું કરીએ છીએ તેની સતત સભાનતા રહેવી જરૂરી છે, જાગૃત રહેવું જરૂરી છે. અને એમ જાગૃત રહીશું ત્‍યારે જ મન ચંચળતાથી દૂર થઇ નિશ્‍ચલ બનશે. અને કર્મ બંધનમાંથી મુકિતનો માર્ગ સરળ બનશે.

કહેવાય છે ને કે આપણે જેની સાથે સારા તે આપણી સાથે સારો અને આપણું વર્તન જેની સાથે ખરાબ તે આપણી સાથે ખરાબ. સીધો અર્થ છે આપણે જે કરશું તે જ ફળ સ્‍વરૂપે પરત આપણને મળશે. માટે જો કર્મના બંધનમાંથી મુકિત જોઇએ તો અકર્મનો માર્ગ અપનાવવો જ પડે. જે જે પરિસ્થિતિ આપણી સામે આવે તેને નિશ્‍ચલ ભાવે સ્વિકારી તેનો નિકાલ કરવો. તે પરિસ્થિતિ મારા જ કોઇ આ જન્‍મના કે ગત પૂર્વ જન્‍મના ફળ સ્‍વરૂપે જ સામે આવેલી છે તે સ્‍પષ્‍ટપણે સમજવું અને એ સમજણથી અપેક્ષા વિના કરવામાં આવતાં કર્મને જ અકર્મ કહ્યું છે, એક વાર જાગૃત થઇ ગયા પછી આ અકર્મનો માર્ગ ઘણો જ સરળ લાગશે.

આપણે ઘણી વખત કહેતા હોઇએ છીએ કે કોઇ પાસે કોઇ અપેક્ષા રાખવા જેવી જ નથી. આ શબ્‍દો વારંવાર, અનેક વખત, એક યા બીજા માધ્‍યમથી આપણને સાંભળવા મળે છે. શા માટે ? વિચાર્યું છે ? આવા શબ્‍દો સાંભળવા પણ એ આપણા કર્મનું જ ફળ છે. કહે છે હવે તો જાગો અને અકર્મનો માર્ગ અપનાવો અને આત્‍મ ઉત્‍થાન કરો. સંસ્‍કારો અને તેમાં પણ પૂર્વ જન્‍મના સંસ્‍કારોની વાત કરીએ તો આપણા ઇતિહાસમાં એવા કીસ્‍સાઓ બનેલા છે કે લગ્‍ન ચોરીએ બેઠેલા વર-વધૂ !!સાવધાન!! શબ્‍દ સાંભળતાં જ બ્રહ્મજ્ઞાન મળી જાય અને લગ્‍નની વેદી મુકી સન્‍યાસ લઇ મહાન વ્‍યકિતઓના પદે ખુદને મુકી દે.આ વાત છે સમર્થ રામદાસ ભગતની. એટલે આપણે જે કાંઇ પણ કરીએ છીએ કે, આપણી મારફતે જાણતે અજાણતે થાય છે તે તમામ આપણા સંસ્‍કારોના કારણે જ થાય છે.

આજ ના યુગમાં તો ચારેય તરફ એટલું જ્ઞાન પ્રસરેલો છે કે કયું સાચું અને કયું ખોટું એ સમજવામાં જ જન્‍મો લાગી જાય અને તે કારણે જ આપણે સહુ અધુરા જ્ઞાનથી પીડાઇએ છીએ. સમજવાનું તો માત્ર એટલું છે કે હું કોણ છું, મારે શું કરવાનું છે, પણ આ દુન્‍યવી જગતની માયા આપણે આ કરવા દે તેમ નથી. તેનું કારણ પણ આપણા કર્મ જ છે, જયાં સુધી દરેક કર્મ ફળ ભોગવાઇ ના જાય ત્‍યાં સુધી અકર્મનો માર્ગ ખુલશે નહીં. માટે જ અત્‍યારથી જ જો અકર્મનો માર્ગ અપનાવીએ અને નવા બંધાતા કર્મબંધનથી મુકત થતા જઇએ તો અકર્મના માર્ગ સુધી પહોંચવાની યાત્રા કદાચ ટૂંકી થઇ જાય. નહીંતર કર્મનો સિધ્‍ધાંત તો અચળ છે. કર્મ અને ફળ એક સિક્કાની બે બાજુ છે, કર્મ સાથે ફળ પણ નિશ્ચિત છે.

ઘણી વખત આપણે એવું પણ વિચારી લઇએ છીએ કે, ભગવત ગીતામાં તો ખુદ ભગવાન શ્રી કૃષ્‍ણએ કીધું છે કે જગતનો નિયંતા હું છું, જે કાંઇ થાય છે તે કરનારો હું છું, જે કાંઇ ભોગવું છું એ પણ હું જ છું, તમે જે કરી રહ્યા છો તે માટે તમે માત્ર નિમિત્ત છો. સત્‍ય જ કહ્યું છે ભગવાને. ભગવાન તો એમ કહે છે કે, આ સૃષ્ટિના કણ કણમાં હું છું, દરેક જીવમાં હું છું તો આપણે જે કાંઇ કરીએ છીએ એ ઇશ્વર જ કરે છે તે ન માનવાને કોઇ કારણ નથી.

જ્યાં સુધી નિમિત્ત બનવાની વાત છે ત્‍યાં કર્મ થકી આપણે નિમિત્ત છીએ, જે પરિસ્થિતિ આપણી સમક્ષ છે તેના માટે આપણે નિમિત્ત છીએ. એનો મતબલ એવો ક્યારેય પણ ના થાય કે બધું જ જો ઇશ્વર કરે છે અને આપણે નિમિત્ત છીએ તો આપણે આ તકલીફો શા માટે, આ જન્‍મ મૃત્‍યુ શા માટે, તેવા વિચારો તો ભયંકર મુર્ખતા જ છે. આપણે જે કાંઇ સાંભળ્યું, વાંચ્યું તેના સાચા અર્થને સમજયા વગર જ કોઇ તારણ પર પહોંચી જાઇએ તે પણ વ્‍યાજબી નથી.

તમે ભગવત ગીતા વાંચો છો અને ઉપર જણાવ્‍યા મુજબ ભગવાને તો આમ કહ્યું કે બધુ હું કરું છું, અને તે જ બધું કરતો હોય તો આ પાપ પુણ્ય અને ફળ ભોગવવા માટેના સુખ દુઃખ મને શા માટે ? તેવા‍ વિચાર કરો છો તે અધુરું જ જ્ઞાન છે. કેમ કે કોઇ પણ પુસ્‍તક અને તેમાં લખવામાં આવેલી વિગતોને પીસ મીલ (એટલે કે કટકે કટકે) સમજી શકાય નહીં. દા.ત. કહું તો એમ ના કહી શકાય કે આ પુસ્‍તકમાં અહીં આમ લખેલું છે અને અહીં આમ બન્‍નેમાં વિરોધાભાસ છે તેવી તકરારો લઇ શકાય નહિં. સમગ્ર પુસ્‍તકને વાંચી તેનો સાર સમજ્યા બાદ જ તેનો સંપૂર્ણ નિચોડ મેળવવાનો રહે છે. આમ આપણે અધુરી વાતો, અધુરી કથાઓ, અધુરા વાંચન અને અધુરી સમજણના પરિણામે જ અનેક પ્રશ્નોમાં ઉલઝાયેલા છીએ.

વાસ્‍તવિક રીતે તો આપણા સહુની અલગ અલગ યાત્રા છે પણ મંઝીલ એક જ છે, કે સ્‍વ ને જાણો. સ્‍વને જાણશું તો હું ને જાણી શકશું અને જ્યાં સુધી આ હું છે ત્‍યાં સુધી સ્‍વને જાણી શકાશે નહીં. મેં આમ કર્યું, મારા થકી જ આવું થઇ શકયું, હું ના હોત તો આમ થઇ ના શકત આ હું પણાને છોડવાની વાત છે. હું છોડશું ત્‍યારે જ સ્‍વને ઓળખશું. અને સ્‍વને ઓળખશું ત્‍યારે જ ચંચળતાથી દૂર થઇ નિશ્ચલ બનશું, અને નિશ્ચલ બનશું એટલે અકર્મનો માર્ગ ખુલશે, અને અકર્મનો માર્ગ ખુલ્‍યા બાદ તે રસ્‍તે ચાલીને કર્મ બંધનથી મુકત થાશું અને અંતે જન્‍મ મૃત્‍યુના ચક્કરમાંથી મુકત થઇ શકશું જેને આપણે મોક્ષ તરીકે ઓળખીએ છીએ.

શ્રીમદ ભગવત ગીતના અધ્યાય -ર શ્લોક -૪૭માં શ્રી ભગવાન કહે છે.

કર્મણ્યેવાધિકારસ્‍તે મા ફલેષુ કદાચન.

મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોડસ્‍તવકર્મણિ.

અર્થાત આપણો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, અને કેવું ફળ મળશે તેના પર નથી. આથી ફળ મેળવવાની આશાથી આપણે કોઇ જ કર્મ ના કરવું અને જો ફળની કામનાથી કર્મ કરશું તો આપણને કર્મમાં આસક્તિ થાશે. દા.ત. કે આપણે ખુબ મહેનત કરીએ છીએ નવું ઘર ખરીદવા, ગાડી ખરીદવા કે કાંઇ પણ ભૌતિક ઇચ્‍છા પૂરી કરવાની કામનાથી ત્યારે તેવા કર્મથી આપણને તે કર્મમાં આસક્તિ થાય છે નવું ઘર મળી જવા બાદ, મોટા મહેલ પેલેસની ઇચ્‍છા થાય, નવી ગાડી મેળવ્‍યા બાદ બીજી ગાડી લેવાની ઇચ્‍છાનો જન્‍મ થાય. આમ કર્મમાં આસક્તિથી આપણે ક્યારેય કર્મના બંધનમાંથી મુકત થઇ શકતા નથી.

માટે આજથી જ અને હમણાંથી જ આપણે ને કાંઇ કાર્ય - કર્મ કરીએ છીએ તે કર્મ આપણે સંપૂર્ણ જાગૃત અવસ્‍થામાં કરીએ, અપેક્ષા ઓછી કરીએ, સ્થિતપ્રજ્ઞ બનીએ, નિશ્ચલ બનીએ અને અકર્મના માર્ગ તરફ એક ડગલું તો ભરીએ, કોશિષ તો કરીએ. કદાચ આ ભવમાં જ અકર્મનો માર્ગ મળી જાય અને કર્મના બંધનોમાંથી મુકિત મળે.

આ લેખ મારી સમજણના આધારે લખેલ છે, લેખમાં ક્યાંય પણ ત્રુટી જણાય તો તે અંગે ક્ષમાપાર્થી છું. આશા છે આપ વાચકોને લેખ પસંદ આવશે. જીવનના નિશ્ચિત ધ્યેય માટે, આત્‍મ ઉત્‍થાન માટે ઇશ્વર આપણને સહુને શકિત આપે અને આપણે સહુ આપણી વાસ્‍તવિક મંઝીલને જલ્‍દીથી પ્રાપ્ત કરીએ તેવી પ્રાર્થના સહ.. અસ્તુ.


Rate this content
Log in

Similar gujarati story from Children