આત્મસમર્પણ
આત્મસમર્પણ


આ લેખ મારા જીવનની એક સત્ય ઘટના પર આધારીત છે, વાત છે ફળીયાની બંટી કુતરીની... એક એવો જીવ જે આખા ફળીયાનો જીવ હતી. મારી ઉંમર ત્યારે અંદાજે નવ-દસ વર્ષની હશે.
શિયાળાની મદમસ્ત સવાર પડી છે, ઝાકળ અને તેમાંથી પસાર થતા સૂરજના કીરણો પ્રકૃતિને વિશેષ અહલાદક બનાવે છે. નિશાળ બપોરની પાળીની એટલે સવારે નાહી ધોઇ, સીરામણ કરી અડધો દિવસ તો ખૂબ રમાવાનું. પણ આજે તો જાણે ફળીયામાં કોઇ પ્રસંગ હોય તેવી ચહલ પહલ છે.
ફળીયો હા મારો ફળીયો જેમાં બધાં થઇને કુલ્લ આઠેક ઘર હશે. બધાં ઘર-કુટુંબો જાણે એક પરિવાર હોય તેમ રહે. દરેક કુટુંબના બાળકો મોડી રાત સુધી ધમાલ કરે. એક અલગ જ દુનિયા, અલગ જ આનંદ.
સવાર પડી છે. હું નાહી ધોઇને સીરામણ માટે મમ્મી પાસે રસોડામાં છું. ત્યાં સાવિત્રીબાઇ (મારા દાદી) પાડોશના લખમીબાઇને અવાજ આપે છે... 'ઓ લખમી શીરો બનાવ શીરો... ને હું પણ દૂધપાક બનાવું.'
સામેથી લખમીબાઇ .... 'કાં બાઇ...'
અમારો આખો ઘર અને ફળીયો આખો મારા દાદીને બાઇ કહીને બોલાવે. અને કોઇ સાવિત્રીબાઇ.
બાઇના સૂર સાથે સૂર પૂરાવીને લખમીબાઇએ, 'કાં બાઇ... વળી શું થયું...સવાર સવારની પોરમાં શીરા અને દૂધપાકની વાત કરો છો. મારો ધીરીયો (ધીરજ) લખમીબાઇનો મોટો દીકરો, હજી ક્યાં પેણવાને લાયક થયો છે.' લખમી બાઇ હસતા હસતા બારે આંગણામાં આવે છે.
મારું ઘર અને લખમીબાઇનું ઘર એકદમ અડી ને... વચ્ચે ખાલી એક દિવાલ.
'જો જો લખમી આપણી ભૂરી વિયાણી. એ પણ આપણા બે ઘરની વચ્ચો વચ્ચ... પારીને અડીને.... ચાર-ચાર ગલુડીયા દીધાં છે. આમા બે ની જવાબદારી મારી અને બે ની જવાબદારી તારી.'હસતાં હસતાં બાઇ બોલે છે.
બાઇ અને લખમીબાઇનો અવાજ અને જોર જોરથી હસવાનું ફળીયામાં ગુંજી ઉઠે છે. તેઓ બન્નેનો અવાજ સાંભળી બાજુમાંથી મુકતાબેન, કચીબેન, સામેથી માસી બધા ભેગાં થઇ જાય છે.
આ બેયને સવાર સવારમાં કાંઇ કામ નથી. રયા આખો ફળીયો ગજાવે છે. મુકતાબેન હસતાં હસતાં અને બોલતા બોલતાં આવે છે. અરે શું થયું વળી !
'જો મુકતા ભુરી વિયાણી. આમાથી એક તારે રાખવો હોય તો લે એકની જવાબદારી.... બાઇ બોલે છે....'
ત્યાં સામેવાળા માસી 'અરે સાવિત્રી.... મુકતા તેના ચાર વીયામાંથી ઉંચી આવે તો ને લે જવાબદારી... બધા હસી પડે છે.'
હું રસોડામાં સીરામણ કરતો હોવ છું... મમ્મી ને પુછું છું.... 'શું થયું મમ્મી બધાં કેમ ભેગા થયા છે.'
ત્યાં મારી મોટીબેન રમુડી (નામ રશ્મી છે... પણ બધાએ નામ બગાડી નાખ્યું.. જે મને જરાય ના ગમતું અને એ માટે તો ફળીયામાં કેટલાય સાથે ઝઘડયા હશું... પણ હું તો રશ્મીબેન જ કહું) આવે છે... 'કાંઇ નઇ .. ભૂરી વિયાણી. હાલ એના ગલીયાં જોઇ આવીએ.જલ્દી કર. હા.... બેન... આયો.
જલ્દી જલ્દી સીરાવી ભાગીને બારે જાઉં છું. ચાર ચાર ગલીયા. જોઇને બેન કેવા મસ્ત છે નૈ ! હા મોટા થાશે એટલે રમાડશું.' બેન કહે છે.
પછી તો શું ફળીયા આખામાંથી કોઇ શીરો, કોઇ દૂધ, કોઇ રાબ બનાવી બનાવીને લઇ આવે છે.ભૂરીને ખવડાવે છે. જાણે એક સુવાવડી બાઇની ખયાલ રાખવાની હોય તેમ ભૂરીની માવજત થાતી જાય છે.
આમને આમ દસેક દિવસ વીતી જાય છે. સાંજના ટાણે ઓટલા પર ફળીયાની બધી સ્ત્રીઓ ભેગી થાય. મેળો જામે અને અલક મલકની વાતો કરે. વાર્તાઓ થાય. ક્યારેક ભજન કીર્તન કયારેક ઠઠા મશ્કરી.. કયારેક કોઇની ખણખોદ પણ થાતી.
અમે બધા ફળીયાના છોરા છોરીયું હું, મોટો ભાઇ ભરત, બેન રશ્મી, લખમી બાઇનો ધીરજ, દીલીપ, પ્રવિણા, મુકતાબેનનો જીતેશ (જીતલો), રીટા (રીટુડી), હેતલ, નીધી. ચમનભાઇનો હકો, મનીષ (મનીયો).. સામે માસીના ઘરે છોકરાઓ અમારી ઉંમરના ખરા. પણ માસીના દીકરા ડોકટર એટલે એમના છોકરાઓ રમવા ઓછા આવે. પણ કયારેક ક્યારેક ઉર્વી, જલ્પા બે જણા આવે રમવા.
સાંજના તો ફળીયામાં ધમાલ હોય રમત ગમતની. અમે રમતા જાઇએ અને ફળીયાની સ્ત્રીઓની વાતો સાંભળતા જાઇએ. હું નાનો એટલે વધું કાંઇ ખબર પડે નૈ. રમતના ઘેલા. પણ બધાં હસે એટલે હસવામાં સાથ આપી દેવો એ નિયમ.
અમે તો રમતા હતાં ત્યાં મારી બાઇ (સાવિત્રી બાઇ) 'લખમી આ ચાર ગલીયા પાંગરતા જ નથી જો. કેટલું આપીએ માયકાંગલા જ લાગે છે... હોળી જુએ તો સારું.'
'સાચી વાત છે બાઇ'લખમી બાઇ હામી ભરે છે.'
આ સાંભળી મને અચરજ થાય છે... 'આ વળી હોળી જુએ તો સારું એ વળી કેવું ગલીયાને રમાડવાની તો બવ મજા આવે શું થાવાનું વળી ગલીયાઓને. પ્રશ્નો થવા લાગ્યા ઉભા. ગલીયા હતા પણ સારા... રમાડતા.અમે મજા હતી એક.
રાતે મેં મારી બાઇ (દાદી)ને પુછયું 'બાઇ તમે સાંજે શું વાતો કરતા હતા ? કે ગલીયા હોળી જુએ તો સારું... એનો શું મતલબ બાઇ.... શું થાશે હોળીના ?' મારો પ્રશ્ન સાંભળી બાઇએ કીધું 'કાંઇ નહિં ગલીયા હોળી જુએ અને હોળીના ફેરા ફરે તો લાંબુ જીવે સમજયો.'
પણ થોડા દિવસમાં જ એક દિવસ સવારે બાઇ એ બાઇ આ જોતો ત્રણ ત્રણ ગલીયાં સીધાવી ગયા. બારેથી અવાજ બાઇ સાંભળે છે. આ ભગુ (ભગવાનદાસ) એટલે કે મારા પિતા પણ સવાર સવારની પોરમાં બાઇ બોલે છે.... હા ભગુ શું થયું ?'
'બાઇ આ જો ત્રણ ગલીયા મરી ગયા એક ભેગા હે રામ આમ કેમ થયું.' ત્યાં તો લખમી બાઇ પણ બારે આવી જાય છે
બધાં લખમીબાઇના કામ, મારા પિતા કહે છે, 'ભગુભાઇ આમા મારો શું વાંક આ તમને પણ કોઇના જળયું મારા સિવાય.' લખમીબાઇ બોલે છે.
'હાસ તો... રયા શીરો, લપઇ ખવરાવવા મંડયાતા... ના પણ પાડી આવડું ના ખવડાવો આ ભુરીને. પણ સમજે કોણ... ના સદે આ એમને આટલું આટલા શીરા, લપઇ તમારી પવલી (પ્રવિણા) ને ખવડાવ્યા હોત તો બીચારી એ પાંગરી ગઇ હોત. જુઓ જુઓ કેવી બટકી છે.' ભગવાનદાસ મશ્કરી કરતા કરતા હસે છે....
'ભગુ કાં લખમીબાઇને હેરાન કરે છે.... તું પણ...'
'નાના બાઇ મારો અને ભગુભાઇનો તો ભાઇ-બેનનો વેવાર. અમે તો આમ જ કરીએ.' લખમીબાઇ કહે છે...
ત્યાં તો ફરીયાના બધાં છોરાવ ભેગા થઇ જાય છે. હવે આ એક ગલીયો બચ્યો છે. તેની સંભાળ હવે અમે રાખશું... તમારો કોઇનો કામ નથી.' બધાં છોરા એક સાથે બોલે છે.
'હા.... હા... રાખજો... ને એને કાંઇ થયું તો પાપ લાગશે પાપ....' બાઇ બોલે છે.
'ના ના સાવિત્રી બાઇ તમે જુઓ આ એક ગલિયો કેવો મોટો થાય છે. એક સાથે છોરાવ બોલે છે.
પછી તો શું બધાં છોરાવને એ એક ગલીયા સિવાય બીજું કાંઇ કામ પણ નહી. એ ગલીયું હતી માદા એટલે છોરાવએ નામ પાડયું બન્ટી. બસ એને રામાડવી, ખવડાવવી, નવડાવવી, થોડા દિવસમાં તો મતારી કરી નાંખી.
બસ દિવસો વીતતા ગયા ત્યાં હોળી આવી ગઇ. બધાં તો ભુલી ગયા. પણ મને યાદ. હોળી પ્રગટી ગઇ... બધાં ફેરા ફરે છે... દર્શન કરે છે... ગુળીયાપીર(હોળીની સામે દેવ તરીકે રાખવામાં આવતી મુર્તી)ને પ્રસાદ ચડે છે. પણ કોઇને બન્ટી યાદ નથી આવતી. એટલે હું જાઇને બન્ટીને ઉપાડી લાગું છું હોળીના ફેરા ફરવા. એક ફેરો, બે ફેરા... ત્યાં તો પાછળથી અવાજ આવે છે, 'એ.... નિલીયા આ શું માંડી બેઠો છે... શું કરે છે હે;... આ ગલીયાને ફેરા ફરાવે છે.' પણ સાંભળે કોણ... પુરા સાત ફેરા ફરાવી દીધા પછી મુકી હેઠી બન્ટીને
જાઉં છું પાછળ જે અવાજ દેતા હતા તેમની પાસે એટલે કે અધા પાસે અધા એટલે ફળીયાના બાવાજી અને લખમીબાઇના વરઆખો ફળીયો ટપાલીભાઇ તરીકે ઓળખે ટપાલી હતા તેઓ.
મેં કીંધુઅધા... બાઇએ કીધું તું ગલીયા હોળી જુએ અને ફેરા ફરે તો લાંબુ જીવે. પણ કોઇને ક્યાં પડી છે મને યાદ આવ્યું તો મેં ફરાવી દીધા ફેરા. હવે આપણી બન્ટીને કાંઇ ન થાય જો જો. મારી બાઇ ક્યારે કાંઇ ખોટું ન કે આ.
આ બન્ટી તો ફળીયાની ફેવરીટ. એમાં બધા ફળીયાના છોકરાઓ સાથે રમે. છોકરાઓ પકડા પકડી થપો દાવ રમે ત્યાં એ પણ ભેગી રમવામાં આમ તેમ દોડે. જાણે એ પણ ભેગી રમતી હોય નિશાળે જાઇએ ત્યાં છેટ સુધી નિશાળે મુકવા પણ આવે અને મૂકીને પાછી પણ હાલી જાયઅને સાંજે નિશાળેથી પાછા ફરીયે ત્યાં છોરાવને જોઇને સામેથી દોડતી આવે. ચાગ કરે... પગની આમ તેમ ગોલગોલ ફરે. ક્યારેક તો ઠેક મારી છેટ ઉપર સુધી ચડી આવે. છોરાવને પણ આ બધું ગમતું.
દિવસ દરમ્યાન સુતી હોય ને રાતે કરે ચોકીનું કામ. જાણે એણે પોતાનું કામ સમજી લીધું હોય તેમ એ તો એનું કામ કરતી જ રહેતી. બન્ટી જયાં સુધી હતી ત્યાં સુધી મેં મારા નાનપણનો સમય એની સાથે વિતાવેલો. રોટલી શાક, રોટલા ખવડાવતો એ ઘરના ઓટલા પર જ બેઠી હોય. ત્યાં બેસીને જ ખાય. ને હું પણ એ ખાય ત્યાં સુધી એની બાજુમાં બેઠો રહેતો. એ કે જાનવર નહીં પણ જાણે ફળીયાની સભ્ય હતી. બધાંની ચાગલી.
એક દિવસ રમતાં રમતાં મને પગમાં કાંઇ લાગી ગયું. દવા ઘણી કરી. પણ રુઝ ના આવે. પાટો બાંધીને ફરતો. પગના તળીયે લાગ્યું હતું એટલે ચાલવામાં પણ ઢીચક ઢાંયા કરીને ચાલવું પડે. ફળીયામાં બીજા બધાં એ કીધું... 'ઘા ને ખુલ્લો મુકી દયો સાવીત્રીબાઇ તો જલદી મટી જાશે... એટલે બાઇએ તો પગનો પાટો કાઢી મુકયો.
ફળીયામાં છોરાવ રમે છે. મન તો ઘણો લલચાય કે રમીએ. પણ પગનો ઘા રમવા દેમ તે ન હતો. એટલે હું તો ઓટલે બેસીને બધાં ને જોતો હતો. ત્યાં બન્ટી આવીને મારી બાજુમાં બેસી ગઇ. જાણે મારો સાથ પુરાવા આવી હોય.
એને જાણે મારી પીડાની ખબર પડી ગઇ હોય તેમ મારા પગને સૂંઘવા લાગી. પછી તો શું થયું બેસી ગઇ મારી બાજુમાં. અને મારા ઘા ને પોતાની જીભથી ચાટવા લાગી. પણ મે હટ કરીને ભગાડવાની કરી... પણ ભાગે એ બીજા. ઘા ઉપર એની જીભ કાંટાળી લાગતી હતી.એટલે મને દુખાવો થાતો હતો. પણ એ જીદી નીકળી. ફરી ફરીને ચાટવા લાગતી. આમ થોડી વાર ગમે તેમ કરીને ઘા ને ચાટી લીધો. અને બેસી ગઇ મારી બાજુમાં....
પણ એની જીભમાં તો જાણે દવા હોય તેમ. સવાર સુધીમાં તો આખો ઘા મારો રુઝાઇ ગયો. જાણે ચમત્કાર થયો હોય તેમ સવારે મારી મમ્મી કે... આ ઘા વેલો ખુલ્લો મુકી દીધો હોત તો વેલો મટી ગયો હોત. મેં કીંધુ ના મમ્મી આ તો બન્ટી એ ઘા ચાટી લીધો એટલે મટી ગયો... પછી શું બધા મંડયા હસવા... પણ મને ખબર હતી કે બન્ટી ના કારણે જ મારા પગનો ઘા મટ્યો હતો.
દિવસો વીતતા ગયા બન્ટી મોટી થઇ ગઇ. હવે તો એ પણ વિચાણી... અને ફળીયામાં પણ પાછો એ જ માહોલ. પાંચ ગલીયા દીધા બન્ટીએ. પણ ત્રણો જાણે જન્મતા જ મરી ગયા. બે બચ્યા એ બે માં એક કુતરો અને એક કુતરી કુતરાનો નામ રાખ્યો હતો રીચાર્ડ .... અને કુતરીનું નામ રાખ્યું હતું જામકી.
પણ એક દિવસ વહેલી સવારે સાત સાડા સાત થયા હશે. સવારની પાળી થઇ ગયી હતી એટલે હું નિશાળ જવા માટે તૈયાર થઇ ગયો હતો. અને બેઠો હતો.. થોડી વાર હતી. ત્યાં તો જાણે કોઇ એ મોટો ફટાકડો ફોડ્યો હોય તેવો અવાજ આવ્યો. પણ સામે લાઇટના થાંભલાનો જીવતો વાયર તૂટ્યો એનો અવાજ હતો.
પણ અવાજ સાથે કરૂણ આક્રંદ કુતરાનો. ચીસો સંભળાવવા લાગી. આખો ફળીયો બારે નીકળ્યો..જોયું તો જામકી ને જીવતા વાયરમાંથી શોટ લાગતો હતો અને એ બીચારી ચીસા ચીસ કરતી હતી. આ બાજુ બધાં એે. કોઇ લાઇટ વાળાને ફોન કરો તાર તુટયો છે. કોઇ મોટો લાકડો લાવો. આ અબોલાને બચાવો. બધા એક બીજાને જોર જોરથી કહેતા હતા. પણ બધાં લાચાર જાય તો કોઇ જાય કેમ... જીવનો જોખમ લે કોણ.
આ બાજુ બન્ટી જામકીને શોટ લાગતા જોઇ આમ તેમ દોડ્યા કરે. લાચાર. એક માની મમતા જાણે એના વર્તનમાં ચોખ્ખી દેખાઇ આવતી હતી. દોડીને અધા પાસે જાય ઉંકાટા નાંખે વળી તાર પાસે જાય... વળી દોડીને મારી બાઇ પાસે આવે. આમ તેમ થાય. પણ બધાં લાચાર.
પછી તો એ અબોલ જીવ પોતાની સંતાનને આમ મરતાં જોઇ શકે તેવું હોય તેમ ના લાગ્યું.
બધાંના લાચારીના ભાવ જાણે બન્ટી સમજી ગઇ હોય તેમ મારા ઘરની પારી પાસેથી જે દોટ મૂકી છે જામકી બાજુ. એક જ ઝાટકે જામકીને ઠેલો માર્યોને જામકી તારથી છૂટી ગઇ. પણ અફસોસ બન્ટી ને આખો જીવતો તાર વીંટળાઇ ગયો. પછી તો બન્ટીની ચીસો. આખા ફળીયામાં ગુંજતી રહી. બધાંના મોએ એ મારા વાલા આ મા નીકળી મા. હે ભગવાન આ અબોલને બચાવ. ફળીયાની બન્ટળીને બચાવ. લખમી બાઇ અને મારી બાઇ બન્ને ભેગા બોલી ઉઠે છે.
મારી બાઇ... રાડ પાડે છે. 'એ વિનુ. એલ્યા વિનુ (વિરેન્દ્ર ભાઇ) સામે માસીના ડોકટર દીકરા. તારા ઘરે તો ટેલીફુન છે. ફોન કર ઓ લાઇટ વાળાને કે લાઇટ બંધ કરે. મારા વાલા આ બન્ટી મરી જાશે. અને આ બાજુ બન્ટીની ચીસો હ્રદયને કંપાવી જતી હતી. પણ બધાં લાચાર... બન્ટી લાચાર. બધા મુક દર્શક.
મારી આંખ સામે તો જાણે મોતનો નાગો તાંડવ ચાલતો હતો. અસહ્ય પીડા અને વેદનાથી મારું કાળજું કંપી ઉઠ્યો હતો. પણ શું કરું ધીમે ધીમે બન્ટીની ચીસો શાંત થઇ. હવે એનામાં એટલી શક્તિ પણ ના હતી કે ચીસ પાડી શકે. ખાલી શરીર એનું ધ્રુજતું હતું. ધીમે ધીમે તો એ પણ બંધ થઇ ગયું. અને બન્ટીએ તો પકડી અનંતની વાટ.
એક માની મમતા શું હોય અને એક મા પોતાના વીયા માટે શું કરી શકે એ મને બન્ટી મરતે મરતે સમજાવી ગઇ. મોત સામે મમતા તો જીતી ગઇ. પણ એક જીવ લેતી ગઇ. એક મા એ પોતાનો જીવ આપીને પોતાની વ્હાલસોયી સંતાનને મોતના મુખમાંથી બચાવી લીધી.
પણ સાથે સાથે મને અનેક વિચારો ત્યારે પણ આવ્યા કે આપણે બનાવેલી ચીજો આ જીવોને કેટલી નડે છે. આ લાઇટ જ ના હોય તો મારી બન્ટી જીવીત હોત. એવા કેટલાય પ્રશ્નો ત્યારે મારા મનમાં ઉદભવેલા.
આજે પણ એ ઘટનાને યાદ કરું તો કુદરત વીફરે ત્યારે શું કરે અને મોતનો તાંડવ શું હોય તે મને આજે પણ કંપાવી જાય છે.એટલી હદ સુધી કે. આજે પણ એક ડર ઇલેકટ્રીક વાયરથી મને લાગે છે.
આ મારા જીવનની સત્ય ઘટના. એક અબોલ જીવનું જીવન અને તેનું અંતિમ કૃત્ય તેના સંતાનો માટેનું મને ઘણી વખત અબોલ જીવો, સમાજ, અને બાળકો પ્રત્યેની કરૂણા રાખવા માટે પ્રેરણા પુરી પાડે છે.
આ લેખમાં જે હકિકત લખી છે તે સત્ય છે. મને જેટલું યાદ હતું તે યથાર્થ સ્વરૂપે લખવાની પુરી કોશિષ કરેલી છે. અને લેખને અનુરૂપ થોડા વ્યંજનો ઉમેર્યા છે. આશા છે આપ સૌ વાચકોને પસંદ આવશે.