Niranjan Mehta

Inspirational

4.6  

Niranjan Mehta

Inspirational

કોરોના મહામારી અને અનુભવો

કોરોના મહામારી અને અનુભવો

5 mins
382


આ મહામારીમાં સર્વેને મુસીબતો આવી છે અને સર્વેએ તેનો સામનો પણ કર્યો છે. તે સાથે દરેકે જાતજાતના અનુભવો પણ કર્યા છે, સારા કે ખરાબ. વળી આપણે ઘણું ગુમાવ્યું છે તેવો અહેસાસ પણ થતો હશે. કેટલાય કામ નહીં થયા હોય, કેટલીયે વાતો અધૂરી રહી હશે.

કેટલાયે લોકોએ આ વર્ષની શરૂઆતમા વર્ષ દરમિયાન શું શું કરશું તેનો વિચાર કર્યો હશે. જેમકે લગ્ન, નવું ઘર વસાવવાનું, ઉનાળું વેકેશન માટે પ્રવાસ વગેરે માટે આયોજન. તો કોઈએ નોકરી બદલવાનો કે નવી નોકરીનો વિચાર કર્યો હશે. આમ આપણે સૌએ ૨૦૨૦ માટે કોઈને કોઈ વિચાર કરી રાખ્યો હશે. પણ તમને ૨૦૨૦ની શરૂઆતમાં આ મહામારીની જાણ હતી ? કોને ખબર હતી કે આટલા લાંબા ગાળા સુધી આપણે આવો જેલવાસ અને પાબંદીઓ ભોગવશું ?

એક વાત ન ભૂલો કે આપણે ભલે યોજના કરીએ પણ તે હંમેશા પાર પાડવાનું આપણા હાથમાં નથી. આ મહામારી દરમિયાન આપણને બરાબર સમજાઈ ગયું છે કે આપણે કુદરતના પ્રકોપ આગળ કશું કરી નથી શકતા કારણ આપણે તો એક કઠપૂતળી છીએ જેનો દોરીસંચાર ઉપરવાળો કરે છે. આપણી જીવનફિલ્મના ભલે આપણે અદાકાર હોઈએ પણ તેનો દિગ્દર્શક તો તે જ છે. તે જે નક્કી કરે તે મુજબ દરેકે ભાગ ભજવવાનો છે. એટલે કોઈ કામ ન થયું તો તેની પાછળ આ દિગ્દર્શકની કોઈ યોજના હશે એમ માનીને ચાલશો તો તેનો આપણને અફસોસ નહીં થાય.

આ મહામારી દરમિયાન આપણને જે વિવિધ પ્રકારના અનુભવો થયા છે અને અન્યો પાસેથી જાણ્યા છે તે આ પહેલા કોઈએ ન તો અનુભવ્યા હશે ન સાંભળ્યા હશે. આ મહામારીની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુ છે પણ આ મહામારીનું જમા પાસું છે માનવતા. આટલા લાંબા ગાળા સુધી ચાલેલી આ મહામારીમાં અન્યોને પડેલી તકલીફમાં સહાયરૂપ થનારા વીરલા અનેક છે અને તેમને કારણે આપણે આ મહામારીનો જંગ જીતી ગયા છીએ તેમ કહું તો ખોટું નથી. વિશ્વના અન્ય દેશોના પ્રમાણમાં ભારતમાં આ મહામારીનો પ્રભાવ વસ્તીના પ્રમાણમાં ઓછો હતો તે માટે ન કેવળ આપણે પણ અન્ય દેશોએ પણ કબૂલ કર્યું છે.

મારી વાત કરૂં તો એક વયસ્કને નાતે આ વિકટ પરિસ્થિતિમાં મને નિયમાનુસાર ઘર બહાર જવાની પાબંદી છે. હવે રોજીંદા વ્યહવારમાં કોઈને કોઈ જરૂરિયાત ઊભી થાય જ. પણ આજ દિવસ સુધી મને કોઈ મુશ્કેલી નથી પડી કારણ મને મદદરૂપ થવા કેટલાય હાજર હોય છે. કેટલીક ચીજો ઘરબેઠા મળતી હોય છે તો અન્ય કાર્યમાં પણ કોઈને કોઈ મદદ કરતુ હોય કોઈ તકલીફ નથી પડી. બેંકનું કામકાજ આમ તો ડીજીટલ પદ્ધતિને કારણે કેટલેક અંશે સરળ થઈ ગયું છે પણ જ્યારે ત્યાં જવાની જરૂર ઊભી થઈ છે ત્યારે મને ત્યાં જવાની મનાઈ હોવાથી સોસાયટીના વોચમેનની મદદ લેવી પડે છે. મારા સદનસીબે તે મારૂં કામ હસ્તે મોઢે કરી આપે છે.

કામકાજની વ્યસ્તતાને લઈને અને અન્ય કારણોસર આજ સુધી અમુક ઘરકામ કર્યું ન હતું તે પણ આ સમય દરમિયાન કરવાનું આવ્યું કારણ નોકરની ગેરહાજરી. હસતે મોઢે આ નવી કામગીરી અને જવાબદારી નિભાવી અને તે પણ યોગ્ય રીતે નિભાવી તેનો આનંદ છે. તો સલૂનો બંધ હોવાને કારણે સ્વહસ્તે કેશકર્તન પણ કરવું પડ્યું. જો કે આપણે થોડા સિદ્ધહસ્ત વાળંદ છીએ કે સુંદર રીતે આ કાર્ય પાર પડે? પણ જે પણ કર્યું તે ઠીક જ લાગ્યું અને આનંદ લીધો. આ અનુભવ પણ માણવા યોગ્ય બન્યો. આમ મારા જીવનમાં એક નવું પાનું ઉઘડ્યું.

આ સમય દરમિયાન અન્યોને રૂબરૂ હળવા-મળવાની મનાઈ હતી, ત્યાં સુધી કે શરૂઆતના દિવસોમાં તો નીચે ઉતરી બિલ્ડીંગમાં હરીફરી શકાય તેમ પણ નહોતું. આ સ્થિતિમાં હતાશ થઈને બેસવાને બદલે ઘરમાં રહીને પણ કોઈને કોઈ પ્રવૃત્તિ કરી સમય વિતાવ્યો અને સમયનો સદઉપયોગ કર્યો તે માટે સંતોષ છે. પણ થોડા સમય પછી જ્યારે પડોશી પણ વિદેશ ગયા ત્યારે અમે બે સાવ એકલા બની રહ્યા. જાણે આ જગતમાં અમારા બે સિવાય અન્ય કોઈની હસ્તી જ નથી.

જો કે પરિસ્થિતિ અનુસાર ભલે રૂબરૂ ન મળાય પણ તેનો રસ્તો શોધી લેવો તે આપણા ઉપર છે અને તેમ કરવું પણ આપણા માટે જ લાભકારક બની રહે છે. નવી ટેકનોલોજીની જાણકારી હોવાને કારણે ફોન દ્વારા, વિડીઓ કોન્ફરન્સ દ્વારા અન્યો સાથે હળવામળવાનું શક્ય બન્યુ અને તે જ રીતે અન્યો પણ મારો સંપર્ક કરી સમયાંતરે મારા ખબરઅંતર પૂછવા ફોન કરવા લાગ્યા. આમ તેમનો સંપર્ક અગાઉ હતો તેના કરતા વધુ થવા લાગ્યો. ત્યાં સુધી કે કેટલાક એવા સંપર્કો હતા જે વર્ષો બાદ આ મહામારીને કારણે તાજા થયા અને તેમને રૂબરૂ મળ્યા જેવો આનંદ થયો. કેટલાક તો એવા હતા કે જે આ પહેલા આત્મિય નહોતા લાગતા તે હવે આત્મિય પણ લાગવા માંડ્યા.

અગાઉ વાંચનનો અને લેખનનો શોખ જે સમયને અભાવે પૂરો કરી નહોતો શકતો તેને માટે હવે મને અનુકુળતા થઈ અને તે શોખો માટે સમય ફાળવવા લાગ્યો.

ઘરમાં રહેવાને કારણે પત્નીનો સાથ ચોવીસ કલાકનો બની ગયો અને સમયને અનુરૂપ એકબીજાના સ્વભાવને સમજીને જ્યાં બાંધછોડ કરવી પડી ત્યાં તે કરીને એકબીજાનો શાંતિમય સાથ નિભાવ્યો તે પણ સંતોષકારક ગણું છું. તો સાથે સાથે નિયમિત આહાર, યોગ્ય સાદો ખોરાક અને અન્ય તકેદારીને કારણે સ્વાસ્થ્યમાં પણ સુધારો રહ્યો અને ભલે હું વયસ્ક છું પણ સાવચેતીને કારણે હું સ્વસ્થ અને નિરામય જિંદગી જીવી રહ્યો છું આ મહામારીમાં. શું તે માટે કોરોનાનો ઉપકાર ન ગણી શકાય ? મારા માટે તો તે એક ઉપકારક જ બની રહ્યું છે.

મહામારીની બે બાજુ છે તે મુજબ ક્યારેક અગવડ પણ પડી હોય પણ તેને માટે માથે હાથ ધરી બેસી ન રહેતા કોઈને કોઈ ઉપાય શોધી લેતો. અમુક કાર્યો માટે બહાર જવું જરૂરી હતું પણ તેમ કરી શકાય તેમ ન હતું ત્યાં અન્ય રસ્તો શોધી લેતો અને મોટેભાગે તેમાં સફળતા પણ મળતી. આને કારણે આત્મસંતોષ તો થયો પણ આત્મનિર્ભરતા પણ કેળવી તે માટે ગર્વ અનુભવું છું.

આમ જીવનના પાછલા વર્ષોમાં નવો માહોલ પેદા થયો અને તેણે સારી રીતે માણ્યો તે માટે હું કોરોના મહામારીને કારણરૂપ માનું છું. જો કે વખત જતા નિયમો હળવા થયા અને થોડીક રાહત થઈ છે પણ હજી સંપૂર્ણ રાહત બાકી છે.

આ પ્રસંગે બે બાબત મહત્વની છે. એક ધીરજ અને બીજી આભાર. ધીરજ એટલા માટે કે આવનાર સમય શુભ રહેશે અને આભાર એટલા માટે કે આપણે આ મહામારીમાથી બચી ગયા છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational