કોલેજનું ફેરવેલ ફંક્શન
કોલેજનું ફેરવેલ ફંક્શન
આખરે કોલેજના ત્રણ વર્ષ પુરા થયાં. કોલેજમાં ફેરવેલ ફંક્શનનું આયોજન કરેલ હતું. બધાજ મિત્રો ત્યાં હાજર હતાં. એકબાજુ ગ્રેજ્યુએશન પૂરું થવાની ખુશી તો બીજી બાજુ મિત્રોથી અલગ થવાનું દુઃખ. ત્રણ વર્ષ એકબીજા સાથે વાગોળેલી યાદો ફરી જીવંત થઈ રહી હતી. આ બધી યાદો એ દિવસે અમે કેમેરામાં કંડારી રહ્યાં હતાંં.
પરંતુ આ પળોની વચ્ચે ઉમંગ કોલેજની સીડીઓ ઉપર એકલો ધબકતી છાતીએ કોઈકની પ્રતિક્ષા કરી રહ્યો હતો. કોલેજમાં લટકેલી ઘડિયાળ ને તેના હૃદયનાં ધબકારા સાથે હરીફાઈ ચાલી રહી હતી.
વૃક્ષોના પાનના મર્મર સમો ધીમો ગુંજતો તેનો સ્વર કંઈક એવું કહી રહ્યો હતો.
શું નિલુ આવશે તો ખરીને. . . . . ?
નિલુ એટલે નિલમ. જે ઉમંગની ખાસ મિત્ર. મગફળીના બે દાણાની જેમ એક જ ફોતરાંમા સમાઈ જાય એવી એમની મિત્રતા.
બી. કોમ. ના પ્રથમ વર્ષમાં બન્નેની મુલાકાત થયેલી પછી એ ગાઢ મિત્રો બન્યા. બન્ને સાથે કોલેજ આવતા જતા. એકબીજાના કામોમા પણ સાથે. ઉમંગના હૃદયમાં નિલમ માટે કંઈક અલગ જ સ્થાન હતું. તે નિલમ માટે રોજ કંઈક ને કંઈક જુદું કરવાનો પ્રયત્ન કરતો.
એ હંમેશા નિલમને કહેતો. નિલમ તું આ ન કર. તારાથી આ નહીં થાય. હું કરી લઈશ. બધાજ કામો એ પોતાના શિરે લઈ લેતો.
પરંતુ આ મિત્રતાને એ પ્રેમ સંબંધમાં ફેરવવા માંગતો હતો. પ્રેમના એકરાર માટે હિંમત તો જોઈએ ને. ક્યાંથી લાવે. અવનવા પ્રશ્નો તેના મનમાં ઘોંઘાટ કરી રહ્યાં હતાંં.
શું નિલુ ના પાડશે તો. . . . ?
શું અમારા બે વચ્ચેની મિત્રતા તૂટી જશે તો. . . ?
આવા અવનવા પ્રશ્નની વચ્ચે પૂરાઈ ગયો હતો.
જોત જોતામાં જ ત્રણ વર્ષ નિકળી ગયા. આટલા સમયમાં તે કંઈ પણ નિલમને કહી ના શક્યો. પરંતુ ફેરવેલ ફંક્શનનાં આગલા દિવસે એ બન્નેની મુલાકાત થયેલી. એ દિવસે ઉમંગે નિલમને કહેલું,
નિલુ કાલે આપણે કોલેજના કાર્યકાળનો છેલ્લો દિવસ છે અને કોલેજમાં ફેરવેલ ફંક્શનનું પણ આયોજન કરેલ છે. માટે તારે આવવાનું છે. કારણ કે મારે તને કંઈક કહેવું છે.
એ ફેરવેલની આગલી રાત્રે ઉમંગે દ્ઢ નિણર્ય કરી લીધો હતો. કે કાલે નિલુને બધુંજ કહી દેવું છે જે આટલા ત્રણ વર્ષોમાં નથી કહ્યું. એ આવશે તો તેની સામે હું લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી જ દઈશ. શમણાંમા પ્રેમના બી એણે હ્રદયરૂપી જમીનમાં ખૂંપી દીધા હતાંં. અને એમાંથી સુંદર વૃક્ષ ઊગી નીકળશે તેવી તેને આશા હતી.
કોલેજના ફેરવેલ ફંક્શનમા આછા ઉજાસ ભર્યા કેમ્પસમાં સવારના લહેરાતાં પવનની પાંખો વચ્ચે ઉમંગ મિત્રોથી અલગ એકલો અટુલો આતુરતાથી નિલમની જ રાહ જોઈ રહ્યો હતો.
એવામાં જ ઉમંગ ઊંચું જોઈ આંખ ખોલે ત્યાંજ જાણે બીજું વિશ્વ ખૂલી ગયું. તેની છાતી હાંફી ગઈ. આંસુના પડદાની પેલે પાર તેને નિલમ દેખાતી હતી. થીજી ગયેલી પળો ક્ષણભરમાં જ પિગળી ગઈ.
પ્રેમના એકરાર કરવાના દ્ઢ નિણર્ય કરીને બેસેલો ઉમંગ કંઈક કે તે પહેલાં નિલમ હાંફેલા સ્વરે બોલી.
"સોરી. . . સોરી. . . બહું લેટ થઈ ગયું. . . સોરી. . . "
બન્ને વચ્ચે ઝાઝી વાતચીત થાય એ પહેલાં તો ઉમંગના હાથમાં નિલમે કાર્ડ આપતા કહ્યું કે.
"ઉમંગ તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છેને. . . તારે તો આવવાનું જ છે. . . તું આવવાનું ભૂલતો નહીં. . . "
ઉમંગે હળવા હાથે કાર્ડ ઊંચકીને જોયું. તો તે હતી નિલમના ભાર્ગવ સાથેના લગ્નની કંકોત્રી.
સૂરજ થંભી ગયો.
પૃથ્વી ભ્રમણ કરતી અટકી ગઈ.
થૂંક એકદમ ગળાની ગાંગડીમાં અટકાઈ ગયું.
કાળનો ધસમસતો પ્રવાહ આંખ સામે આવીને ઊભો રહી ગયો.
તેના પગ તળેથી જમીન સરકી ગઈ અને ઉમંગ એકદમ નીચે ઢળી પડ્યો.

