STORYMIRROR

Ramesh Sanghavi

Tragedy

4  

Ramesh Sanghavi

Tragedy

કણું

કણું

4 mins
323

મયુરીબેન વ્હીલ ચૅરને ધીમે ધીમે ધક્કો મારે છે અને મનહરભાઈ પોતે પત્નીને વ્હીલ ચૅર ચલાવવામાં કોઈ મદદ ન કરી શકવાની લઘુતાગ્રંથિથી પીડાતા હાથ ઝૂલાવતાં પત્નીની બાજુમાં ચાલી રહ્યા છે. એ ધારે તો પણ પત્નીને ખાસ મદદ કરી શકે તેમ ન હતા. જ્યારે ઢાળવાળો કે ખાડાખડીયાવાળો રસ્તો આવે ત્યારે મનહરભાઈ પત્નીને થોડી મદદ કરે. મનહરભાઈને મણકાની તકલીફ એટલે વ્હીલ ચૅરને ધક્કો મારે તો દુખાવો એકદમ વધી જતો. વ્હીલ ચૅરમાં ત્રણ વર્ષનો વ્રજ થોડી થોડીવારે મમ્મી પપ્પા સામે તો થોડી થોડીવારે રોડની બંને બાજુની દુકાનોનાં બોર્ડ અને દુકાનમાં રાખે અલગ અલગ સરસ વસ્તુઓ જોઈ હરખાય છે. માતા પિતા દીકરાને હરખાતો જોવા હૃદય પર બાર મણનો બોજો ઉઠાવી હરખાવાનો ડોળ કરે છે. 

મનહરભાઈ સાંજે ઑફિસેથી ગમે તેટલા થાકીને આવ્યા હોય તો પણ દીકરાને એકાદ કલાક દરરોજ ફરવા લઈ જતા. એ બિચારો ચોવીસ કલાક ઘરમાં રહીને કંટાળી જાય એ સ્વાભાવિક છે. આખરે એ પણ ‘જીવતો જીવ’ છે ને ! ઘરની ચાર દીવાલો વચ્ચે એનો જીવ પણ મૂંઝાતો હોય. શહેરમાં દીકરાને ફેરવવાના મુખ્ય ત્રણ રસ્તા. દરરોજ અલગ અલગ રસ્તે ફેરવે જેથી દીકરાને કંટાળો ન આવે.

મનહરભાઈએ જોયું તો વ્રજની બૂટ ચપ્પલની એક દુકાનનાં ઓટલા પર રાખેલા સરસ મજાના સ્પોર્ટ્સ શૂઝ પર સ્થિર થઈ ગઈ હતી. એ સમજી ગયા કે દીકરાને બૂટ ગમી ગયા છે. વ્રજથી સાત વર્ષ મોટી દીકરીને પણ કોઈ વસ્તુ ગમી જાય તો કદી સીધી માંગણી કરતી નહીં, મનહરભાઈ સામે જોઈ એટલું જ બોલે, “આહા પપ્પા ! કેટલું સરસ છે ?” મનહરભાઈ સમજી જાય કે એને લેવાની ઈચ્છા થઈ છે, તરત જ દીકરીને તેની મનગમતી વસ્તુ મળી જાય. વ્રજ માટે બૂટ લેવા મનહરભાઈએ ખિસ્સું તપાસ્યું. ભાવ પૂછવાનો કોઈ અર્થ જ ન હતો, ખિસ્સામાં સો રૂપિયા જ હોય એવું લાગ્યું. 

વ્રજને લગભગ બે કિલોમીટર ફેરવી ઘરે પાછા આવ્યા અને વ્હીલ ચૅર ફળિયામાં ચડાવવામાં પત્નીને મદદ કરી સડસડાટ પહેલા માળનાં પગથિયાં ચડી ગયા. બૅડરૂમનો દરવાજો બંધ કર્યો. પહેલી જ વખત માનસિક અને શારીરિક વિકલાંગ દીકરાની લાચારી પર હોંઠ પર બંને હાથ સજ્જડ દબાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. દસેક મિનિટે રુદન બંધ થયું, પાણી છાંટી મોઢું, ખાસ તો આંખો ધોઈ તરત આવ્યા પાછા નીચે.

“અરે ! તમારી આંખો આટલી બધી રાતીચોળ કેમ ?” મયુરીબેનને પતિની ચિંતા થવા લાગી.

“ખાસ કંઈ નહીં, એ વ્હીલ ચૅર ફળિયામાં ચડાવતી વખતે આંખમાં કણું પડ્યું હતું એટલે તરત ઉપર જઈ મોઢું ધોયું છે એટલે આંખો આવી થઈ ગઈ છે. થોડીવારમાં નૉર્મલ થઈ જશે !” કહી મનહરભાઈ હૉલનાં દરવાજા પાછળથી બાઇક લેવા જતા હતા ત્યાં જ, “હજુ હમણાં તો ઘરે આવ્યા છીએ. પાછા ક્યાં ઉપડ્યાં ? કોઈ ખાસ કામ છે ?”

“મયુરી ! હું ભૂલી જ ગયો હતો કે એક સ્ટાફ મેમ્બરને હૉસ્પિટલાઈઝ કર્યા છે. એમની ખબર કાઢી હમણાં અર્ધો કલાકમાં આવું છું.” 

વીસ પચીસ મિનીટ પછી મયુરીબેને જોયું તો પતિદેવ એક બૉક્સ લઈ હૉલમાં આવ્યા. “અરે, વાહ ! આટલા વર્ષે ફરી બૂટનો શોખ જાગ્યો કે શું ?” મયુરીબેને વેવિશાળ થયું ત્યારથી મનહરભાઈને કાયમ શૂટ, બૂટમાં સજ્જ જોયેલા. મનહરભાઈ કૉલેજ કાળથી બૂટના ભારે શોખીન પરંતુ લગ્નના આઠ વર્ષ પછી વ્રજનો જન્મ થયો એ સાથે જ મનહરભાઈનું મન મરી ગયું. શૂટ, બૂટના બધા શોખ અભેરાઈએ ચડી ગયા. એક તો ખાસ મોટો ન કહી શકાય તેવો પગાર, દીકરીનાં ભણતરનો અને એની જરૂરિયાતનો ખર્ચ, ગાંડા ભાઈની સોળ વર્ષથી ચાલતી સારવારનો ખર્ચ ! આટલું ઓછું હોય તેમ હવે આવી પડેલો વ્રજની બીમારીનો મોંઘીદાટ સારવારનો ખર્ચ. ખર્ચ ગમે તેટલો હોય પણ તેનાં કારણે દસ વર્ષની દીકરીનાં અરમાનોની, એની ઈચ્છાઓની બલિ પણ તો ન ચડાવી શકાય ?

મનહરભાઈએ પત્નીનાં સવાલનો જવાબ ન આપ્યો. વ્રજ પાસે બેસી બૉક્સ ખોલ્યું. બૂટ જોઈ વ્રણ તાળીઓ પાડી જાણે કે બેઠા બેઠા જ નાચવા લાગ્યો. મનહરભાઈએ વ્રજને એક પછી એક બંને પગમાં બૂટ પહેરાવ્યા. આમ તો જો વ્રજ નીચે બેઠો હોય તો એવી પૉઝિશનમાં બેસી શકતો કે બૂટ પહેરાવી જ ન શકાય પરંતુ ફરીને આવ્યા પછી વ્રજ હજુ પણ વ્હીલ ચૅરમાં જ બેઠો હતો તો બૂટ આસાનીથી પહેરાવી શકાયા. પગમાં બૂટ જોઈ વ્રજ વધુ જોરથી તાળીઓ પાડવા લાગ્યો. મનહરભાઈ અને મયુરીબેન થોડીવાર માટે પોતાનું બધું દુઃખ ભૂલી ગયા. બંનેએ દીકરાને એક એક બગલમાંથી ટેકો આપી ઊભો કર્યો. વ્રજ બે મિનિટ તો માંડ ઊભો રહી શક્યો. એની બિમારી એવી હતી કે ઊભો થાય એટલે પગની આંટી પડે. દીકરાને જાળવીને નીચે બેસાડ્યો પણ એ તો વ્રજનાં માટે વધુ પીડાદાયક હતું કારણ કે એ વજ્રાસન જેવી મુદ્રામાં જ બેસી શકતો, એટલે કે એ પલાંઠી વાળીને કે પગ લાંબા કરીને બેસી પણ શકતો ન હતો. બેસવા માટે એણે બંને પગ ઊલટા કરી પગનાં નળાનાં આધારે બેસવું પડતું. બૂટ સાથે એ રીતે બેઠો એટલે બૂટ ખૂંચવા લાગ્યા. એ જોઈ એક પગમાંથી મનહરભાઈ તો બીજામાંથી મયુરીબેન જાળવીને બૂટ કાઢવા લાગ્યા. બૂટ કાઢતાં કાઢતાં મયુરીબેને પતિ સામે જોઈ ઈશારાથી પૂછ્યું, ‘કેટલાનાં આવ્યા ?’

મનહરભાઈએ ચાર આંગળી બતાવી.

‘દીકરાની ચાર પાંચ મિનિટની ખુશી માટે, એને રાજી થતો જોવા માટે આટલા બધા રૂપિયા તરત જ ખર્ચી નાંખ્યાં ?’ વિચાર આવતાં મયુરીબેનની નજર સામે ઘરની આખી આર્થિક પરિસ્થિતિનું ચિત્ર ઊપસી આવ્યું. આખા કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા મથતાં પતિની લાગણીસભર વ્યથા મયૂરીબેનનાં કાળજે વાગી. પતિની આંખમાં કયું કણું પડ્યું હતું એ સમજાઈ ગયું અને એની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. 

પતિ પત્નીની આંખો ચાર થઈ. મનહરભાઈએ પતિ તરફ પ્રશ્નસૂચક દ્રષ્ટિ કરી, ‘તારી આંખમાં પણ ?’

હૉલમાં સૉફા પર બેસી માળા ફેરવતાં જમના બા એ કચકચાવીને હોંઠ પર સાદલાનો ડૂચો માર્યો છતાં હળવું ડૂસકું સંભળાયું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy