વાર્તા .. "પ્રસ્તવ"
વાર્તા .. "પ્રસ્તવ"
"આમ તો મારી સીટ આગળ છે પણ ઑફ સિઝન છે એટલે પેસેંજર પાંચ સાત જ છે તો થોડો ડર લાગે છે એટલે આપની સામે આ સીટમાં બેસવા આવી. કોઈ સારા માણસની બાજુમાં કે પાસે બેઠાં હોઈએ તો સલામતી વધુ રહે." ઊર્મિલાએ ચોખવટ કરી.
“આપનો ડર સ્વાભાવિક છે પણ આપને હું ‘સારો માણસ’ કઈ રીતે લાગ્યો ?” રમાકાંતે ખૂબ ટૂંકો જવાબ આપ્યો.
“એ તો માણસનાં ચહેરા પરનાં હાવભાવ અને નજર પરથી અંદાજ આવી જ જાય !”
“સાચી વાત છે. એ રીતે ભાષા પરથી, બોલવા પરથી પણ અંદાજ આવે કે સામેની વક્તિ સારી છે કે ખરાબ. જેમ કે આપની વિવેકી ભાષા જ કહે છે કે આપ ‘સારી વક્તિ’ છો !”
બંનેની ઉંમર ત્રીસ પાંત્રીસથી વધુ લાગતી ન હતી.
“તમે મને ‘આપ’ નહીં કહો તો વધુ ગમશે. શું છે કે આપ શબ્દનું વજન જરા વધુ લાગે છે.” કહીને ઊર્મિલા સહેજ હંસી.
“મારું પણ એવું જ છે પરંતુ શું છે કે પહેલી જ મુલાકાતથી કોઈને તમે કહેવા કરતાં આપ કહેવું મને વધારે યોગ્ય લાગે છે.” કહી રમાકાંતે મોબાઈલમાં અધૂરું છોડેલું આગળ વાંચવાનું શરૂ કર્યું.
“કવરૅજ છે ?” ઊર્મિલાનો વધુ એક સવાલ.
“આવ જા કરે છે પણ હું તો save કરેલી એક વાર્તા ઑફ લાઇન વાંચું છું.”
“વાર્તા વાંચવાંનો તો મને પણ ખૂબ જ શોખ છે! એક કામ કરશો ?”
“જી. ફરમાવો?”
“અત્યારે નૅટવર્ક છે તો આપ જે વાર્તા વાંચી રહ્યા છો તે મને ફૉરવર્ડ કરી શકો ?”
“સ્યોર! આપને વાર્તા વાંચવી ગમતી જ હોય અને જો આપને પ્રૉબ્લેમ ન હોય તો ફક્ત આ એક જ નહીં, બીજી બે પણ મોકલું.”
“વાહ ! તો તો વધુ ગમશે. હું એ વાંચું ત્યાં સુધી આપ પણ ડિસર્બન્સ વગર વાંચી શકશો.”
“ડિસ્ટર્બ કરવાનો સવાલ નથી પરંતુ વાર્તા વાંચવી શરૂ કરી છે તો થાય છે કે પૂરી વાંચી લઉં. બાકી આપણે હજુ તો છેક મુંબઈ સુધી, ચૌદ પંદર કલાક સાથે છીએ તો આપણી પાસે વાત કરવાનો ઘણો સમય છે. આમ પણ બસમાં આખી રાત આરામથી ઘસઘસાટ ઊંઘ થોડી આવશે ?”
“આપની વાત સાચી છે. વાર્તાઓ વાંચી લઉં પછી આરામથી વાતો કરીશું.”
રમાકાંત ઊર્મિલાને ત્રણ વાર્તા ફૉરવર્ડ કરી અધૂરી છોડલી વાર્તા વાંચવામાં લીન તલ્લીન થઈ ગયો. ચાલીસેક મિનીટમાં ઊર્મિલાએ વાર્તાઓ વાંચી લીધી.
“વાહ, સરસ વાર્તાઓ છે! સંવાદો, વિષય વસ્તુ બધું જ હૃદય સ્પર્શી છે પણ એક વાત ન સમજાઈ. એક પણ વાર્તામાં લેખકનું નામ નથી, લેખકે દરેક વાર્તામાં લેખકનું નામ ‘અજ્ઞાત’ લખ્યું છે! આટલું સરસ લખે છે તો પછી નામ છૂપાવવાની શી જરૂર ?”
“એવું પણ બને નેં કે આ લેખક કવિતાઓ તો લખતો હોય એટલે ભાષા પર કાબુ સારો હોય, શબ્દો અને લખવાની શૈલી વાંચકનાં હૃદયને સ્પર્શી જાય તેવી હોય પરંતુ એણે વાર્તા લખવાની શરૂઆત જ કરી હોય એટલે ટીકા ટિપ્પણીનો ડર લાગતો હોય ?”
“શક્ય છે, પણ મને લાગે છે કે આટલી સરસ વાર્તાઓ લખે છે તો નામ છૂપાવવાની જરૂર નથી. અરે, હા ! આપે હમણાં કહ્યું કે એ કવિતાઓ તો સારી લખતા હોય પણ વાર્તા લખવાની શરૂઆત હોય. આપના કહેવા પરથી તો એવું લાગે છે કે આપ લેખકને ઓળખો છો.”
રમાકાંત સહેજ હસ્યો.
“આપનાં હસવાનું કારણ સમજાયું નહીં!”
“એ હું પોતે છું. આપે સુંદર પ્રતિક્રિયા આપી એ બદલ ખુબ ખુબ આભાર!”
“ઓહ! એમ વાત છે, લેખક મહાશય ! કાન પકડાવ્યાં પણ ઊલટા હાથે.” ઊર્મિલા હંસી પડી.
“વાંચવામાં અને વાત વાતમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પણ ન પડી અને જમવાનો હૉલ્ટ આવી ગયો !
“ચાલો લેખક મહાશય ! થોડી પેટ પૂજા કરીશું ?” ત્રણ ચાર કલાકમાં તો એમનો ઘણા લાંબા સમયનો ગાઢ પરિચય હોય એ રીતે હસતા હસતા ઊર્મિલા બોલી.
“લાંબી મુસાફરી, ખાસ કરીને રાત્રિની મુસાફરી દરમિયાન હું ચા સાથે પાંચ સાત બિસ્કિટ જ લઉં છું તો કંપની જરૂર આપીશ.”
બંને એક ખાલી ટેબલ પર સામ સામે ગોઠવાયા. ચા નાસ્તાને ન્યાય અપાઈ ગયો.
“આપ બે મિનિટ અહીં બેસો અથવા ખુલી હવામાં ઊભા રહો ! હું બે મિનીટમાં સિગારેટનાં બે પાંચ કસ ખેંચીને હમણાં આવ્યો.”
“આપનાં જેવા વિચારવાન અને સમજદાર વ્યક્તિ માટે આ સિગારેટનું વ્યસન હોવું જરા અજુગતું કહેયાય. જો કે હું સમજી શકું છું કે લેખકો કે કવિઓનાં મનમાં સતત વિચારોનો વંટોળ ઊઠતો હોય, રાત ઉજાગર પણ કરવા પડતા હોય એટલે વધુ પડતી ચા અને સિગારેટ કે તમાકુ જેવી કોઈ પણ ચીજની આદત હોય.”
બસ ઉપડવાનો સમય થયો, બંને પોતપોતાની એ જ જગ્યાએ ગોઠવાઈ ગયા. રમાકાંત વિચારે ચડી ગયો, ‘આ છોકરી ચહેરા પરથી તો સાવ સામાન્ય દેખાય છે પણ તેની બુધ્ધિ વિચક્ષણ છે, હાજર જવાબી છે, બોલવા પરથી સંસ્કારી પણ લાગે છે, થોડીવારમાં જ હળીમળી જાય તેવી છે, સાહિત્યની શોખીન તો છે જ પણ સાહિત્યની સમજ પણ સારી ધરાવે છે. જરૂર ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું હોવું જોઈએ! એમ પણ બની શકે કે એમ એ. પણ કર્યું હોય. આવી વ્યક્તિ સાથે વધુ પરિચય કેળવવામાં કશું વાંધાજનક લાગતું નથી!’
“કયા વિચારમાં આટલાં ઊંડા ખોવાઈ ગયા ? કોઈ નવી વાર્તા તો પ્લોટ માસન પટલ પર ઊપસી તો નથી રહ્યો નેં, લેખક મહાશય !” ઊર્મિલા ક્યારની રમાકાંતનાં ચહેરા સામે જોઈ રહી હતી, તેના મનમાં ચાલી રહેલા વિચારો વાંચવાની કોશિશ કરી રહી હતી.
“ના, ના, કોઈ નવી વાર્તાનો વિચાર ચાલતો ન હતો. આપની સાથે જે રીતે આટલો સમય વિતાવ્યો, આપે મુક્ત મનથી વાત કરી તો આપના વિશે જ વિચારતો હતો કે ..!” કહીને રમાકાંતે પોતે ઊર્મિલા વિશે જે વિચારી રહ્યો હતો તે કહ્યું.
“ઓહ! એમ વાત છે ? તમે લેખકો, કવિઓ કંઇક વધારે પડતું જ વિચારો! પરંતુ કશો વાંધો નહીં એ બહાને મને ખબર તો પડી કે મેં અત્યાર સુધી યોગ્ય વક્તિ સાથે સમય વિતાવ્યો અને વાતચીત કરી.”
“ખૂબ ખૂબ આભાર ! સાચું કહું તો સાથે સાથે એ પણ વિચારતો હતો કે હવે એકબીજા વિશે થોડું પૂછવા, એકબીજા વિશે થોડું જણવામાં કોઈ હરકત નથી. અલબત્ત જો આપને અંગત જાણકારી આપવી યોગ્ય લાગે તો !”
“લેખકો, કવિઓનો આ જ મોટો વાંધો, એક એક શબ્દ જોખીને બોલે ! એમાં એટલું બધું વિચારવાનું શું ? જે પૂછવું હોય, જાણવું હોય એ બેધડક પૂછી લેવાનું ! સામેની વક્તિને યોગ્ય લાગે તો જવાબ આપે નહીં તો જવાબ આપવાનું ટાળે. મને લાગે છે કે આપ હજુ પણ ખચકાટ અનુભવો છો, આપ શરૂઆત નહીં કરી શકો તો લો, હું મારો થોડો પરિચય આપું. મારું નામ ઊર્મિલા. અમે રાજકોટ રૈયા રોડ પર રહીએ છે. ઘરમાં હું, પિતાજી અને બા, ત્રણ જણા છીએ. મારી નાની બહેન મુંબઈ સાસરે છે. એનાં પતિનો સ્વભાવ સારો છે. હું જાઉં તો એમને કોઈ હરકત જેવું કે એમનું શેડ્યુલ વીંખાતું હોય એવું પણ લાગતું નથી ઊલટાનાં રાજી થાય છે તો દર પાંચ છ મહિને દસ બાર દિવસ માટે ત્યાં જાઉં છું. બાર ધોરણ પાસ છું, કોલેજ જોઈ નથી. બાકી મને વાંચનનો શોખ છે એ તો આપે જોઈ જ લીધું ? લો, તો આ મારો પ્રાથમિક પરિચય! હવે આપનો વારો!” કહી ઊર્મિલા હંસી.
“મારું નામ રમાકાંત. હું પણ રાજકોટ જ ધર્મન્દ્ર રોડ પર રહું છું. ઘરમાં હું અને બા, બે જ છીએ. ગવરમેંટ જૉબ છે તો લખવા, વાંચવાં માટે પૂરતો સમય મળે છે. મારા મોટા બહેન પણ મુંબઈ સાસરે છે. જ્યારે કંટાળો આવે ત્યારે પાંચ છ દિવસ માટે ત્યાં જઈ ફ્રેશ થઈ આવું. બહેન ઉપરાંત કાકાનો એક દીકરો પણ ત્યાં રહે છે. તેની સાથે મારે ખૂબ સારું બને છે. મારા બહેનનાં સાસરાવાળા પણ ખૂબ સારા છે, મને પૂરા માનથી બોલાવે છે, રાખે છે પણ ગમે તેમ તોય બેનનું સાસરું નેં? એટલે મારો ઉતારો કાકાનાં એ દીકરાને ત્યાં જ હોય પણ દિવસનો વધુમાં વધુ સમય બહેન સાથે વિતાવું. ઉપરાંત ત્યાં મારા બીજા પણ ઘણાં સગા સંબંધી છે અને પિતાજીની ગેરહાજરી છે તો મારે અવારનવાર મુંબઈ જવાનું થાય.” રમાકાંતે પોતાનો પરિચય આપ્યો.
“આ વખતે કેટલા દિવસનો પ્રૉગ્રામ છે ?”
“લગભગ આઠ દસ દિવસ રહેવાનો છું. આપ ?”
“સમજો કે લગભગ એટલા જ દિવસ ! એક વાત કહું ? તમે મને ‘આપ’ ને બદલે ‘તમે’ અથવા તો નામથી બોલાવશો તો વધારે ગમશે પણ હા, જ્યારે નામથી બોલાવો ત્યારે પાછળ ‘બેન’ લગાડતા નહીં. ફક્ત ઊર્મિલા કહેશો તો પણ ચાલશે. શું છે કે એક કહેવાતાં ‘ભાઈ’ એ હદે છેતરી છે કે હવે કોઈ મને 'બહેન' કહે એ પણ ગમતું નથી કે કોઈને ‘ભાઈ’ કહેવું પણ સહેજ પણ ગમતું નથી, આવા સંબોધન પ્રત્યે ભારોભાર નફરત આવી ગઈ છે. આમ પણ સંબંધ જો સાચી લાગણીનો હોય તો એ સંબંધને કોઈ નામ આપવાની ઉતાવળ શા માટે કરવી ?”
રમાકાંતને ઊર્મિલાની નિખાલસતા ગમી.
“તમે ભલે બાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો પણ આટલો અભ્યાસ કરીને પણ ઘણી છોકરીઓ નાની મોટી જૉબ કરતી હોય છે. તમે જૉબ કરો છો?”
“ના, જૉબ કરતી નથી. આમ પણ મને જૉબ પસંદ પણ નથી. મને તો ‘ઘર’ સંભાળવું ગમે છે." ઊર્મિલાએ બગાસું ખાતાં ખાતાં જવાબ આપ્યો.
“તમને ઊંઘ આવે છે નેં? આરામથી ઊંઘ ખેંચી લો.”
“ઊંઘ તો આવે છે પણ તમને વાત કરવાની ઈચ્છા હોય તો જાગી શકું તેમ છું.”
“ખોટો ઉજાગરો શા માટે કરવો? આમ પણ ત્રણેક કલાકમાં હૉલ્ટ આવશે.”
“ભલે, તો હું લંબાવું. તમે પણ લંબાવો. હૉલ્ટ આવે ત્યારે જો મારી ઊંઘ ન ઊડે તો જરા અવાજ મારજો.” કહી ઊર્મિલાએ ફરી વખત સીટ ઝાપટી લંબાવ્યું અને ગરદન સુધી શાલ ઓઢી. રમાકાંતે પણ લંબાવ્યું.
બીજો .. છેલ્લો હૉલ્ટ આવ્યો. રમાકાંતે ઊર્મિલાને અવાજ માર્યો, “ચાલો હૉલ્ટ આવ્યો. થોડી ઉતાવળ રાખવી પડશે. હૉલ્ટ પંદર વીસ મિનીટનો હૉલ્ટ જ છે. ઊર્મિલાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. રમાકાંતનો અવાજ સાંભળી સફાળી જાગી, વાળ જરા વ્યવસ્થિત કર્યા અને બંને નીચે ઊતરી ચા પીવા બેઠાં.
“તમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલું તો પ્રૉબ્લેમ તો નથી નેં?”
“પ્રૉબ્લેમ તો શું હોય પણ હું થોડો સ્પષ્ટવક્તા છું તો ચોખવટ કરું. એવું છે નેં કે મને મૉબાઇલ માટે વધુ સમય મળતો નથી તો હું મિત્રોની પોસ્ટ ખૂબ જ ઓછી વાંચી શકું છું. તમારી રિક્વૅસ્ટ સ્વીકારું એ પછી તમને એવું ન લાગવું જોઈએ કે હું તમને ઇગ્નોર કરું છું.”
“કશો વાંધો નહીં, હું ખાસ પોસ્ટ મૂકતી પણ નથી અને મૂકું તો પણ તમે ન વાંચો તો મને જરા પણ ખરાબ નહીં લાગે. મારે તો તમારું સાહિત્ય વાંચવું છે.”
“ઑકે!”
ઊર્મિલાએ રિક્વૅસ્ટ મોકલી આપી. હૉલ્ટ પૂરો થયો, બસ ઊપડી. થોડીવાર બંનેએ થોડી વાતો કરી ફરીથી લંબાવ્યું.
“મીરા રોડ ઊતરવા વાળા તૈયાર થઈ જાવ!” ક્લીનરનો મોટો અવાજ સાંભળી લગભગ બધા પેસેંજરની ઊંઘ ઊડી ગઈ. ઊર્મિલાએ જાગીને આંખ ચોળતાં ચોળતાં શાલ સંકેલી સામાન પેક કર્યો.
“તમે ક્યાં ઊતરશો?”
“નૅશનલ પાર્ક.”
“હું પણ ત્યાં જ ઊતરવાની છું. તમારે ક્યાં જવાનું છે?”
“નૅશનલ પાર્કથી ખાસ દૂર નહીં. એસ. વી.રોડ પર મજીઠીયા હવેલી પાસે.”
“વાહ! તો તો આપણાં બંનેનો રસ્તો એક જ છે. મારી બહેનની સોસાયટી ત્યાંથી રાઇટ સાઈડ એકદમ નજીક છે!”
વાતમાં ‘ને વાતમાં નૅશનલ પાર્ક સ્ટોપ આવી ગયું. નીચે ઊતરી જોયું તો એક જ રીક્ષા હતી.
“તમે આમાં નીકળો, હું ઊભો છું. એકાદ રીક્ષા તો આવશે જ નેં?”
“તમે પણ ખરાં છો? આટલા કલાક સાથે મુસાફરી કરી, સાથે ચા નાસ્તો કર્યા, મન મૂકીને વાત કરી, ફ્રેન્ડ્સ પણ બન્યાં અલબત્ત ફેસબુક પર અને હવે એક રિક્ષામાં બેસતાં પણ સંકોચ થાય છે? ‘સારા’ થવાની પણ એક હદ હોય હોં? એક તો રિક્ષાની રાહ જોવાની અને ઉપરથી બંનેએ રિક્ષાભાડું ખરચવાનું?”
“ઑકે. .. ઑકે. ..! બહુ વધારે પડતી સારપ દેખાડવી પણ સારી નહીં,બરાબર?” રમાકાંત હસતા હસતા ઊર્મિલાની બાજુમાં ગોઠવાઈ ગયો.
“લો! તમારી હવેલી આવી ગઈ. તમારી સાથે ખૂબ મજા આવી અને આરામથી કંટાળાજનક મુસાફરી ક્યાં પૂરી થઈ તેની ખબર પણ ન પડી. સમય મળે અને યોગ્ય લાગે તો મેસેજ કરશો તો ગમશે. હું પણ મેસેજ કરું તો પ્રૉબ્લેમ તો નથી નેં? રૂબરૂ તો મળી શકાય કે કેમ એ તો રામ જાણે!” ઊર્મિલાનાં ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ.
“લો જુઓ! તમે વધુ પડતી સારપ દેખાડી કે નહીં? મેસેજ કરવા માટે પરમીશન માંગી કે નહીં? પરંતુ આ શું, હજુ થોડીવાર પહેલા સુધી તો હસી હસીને વાતો કરતા હતા અને અચાનક ઉદાસ થઈ ગયા? બસ, આટલા કલાકમાં જ માયા લાગી ગઈ? દરરોજ મેસેજ કરીશ, બસ? બસમાં હસતા હતાં એ રીતે હંસો જોઉં! તમારા ચહેરા પર ઉદાસી સારી લાગતી નથી.”
રીક્ષા ઊભી રહી, રમાકાંત ઊતર્યો અને રીક્ષા ઊપડી ત્યાં સુધી બંને ‘આવજો’ કહેતા હોય એ રીતે હાથ હલાવતાં રહ્યાં.
રમાકાંતે ભાઈનાં ફ્લૅટની ડૉરબેલ દબાવી. દરવાજો ખૂલ્યો, “આવ ભાઈ! કેમ છો, મજામાં?”
“એકદમ મજામાં!”
“થોડીવાર સૂઈ જવું છે કે ફ્રેશ થવું છે?”
‘સૂવું તો નથી. ફ્રેશ થઈ જાઉં પછી બેસીએ. તારે કામ પર જવાનો સમય થાય એટલે હું જઈશ મોટીબેનને ત્યાં.
બ્રશ, સ્નાન, ચા નાસ્તો બધું થઈ ગયું. રમાકાંતનાં ભાઈને કામ પર જવાનો સમય થયો એટલે રમાકાંત ચાલ્યો મોટીબેનને ત્યાં.
“આવી ગયો ભાઈ?” ભારતીબેન ભાઈની રાહ જ જોઈ રહ્યાં હતા. ભાઈ આવે ત્યારે બહેનનાં હરખની કોઈ સીમા હોતી નથી. પગને જાણે પાંખો ફૂટે! ભાઈ બેન બેઠાં બૅડરૂમમાં, કોઈ ડિસ્ટર્બ ન કરે નેં?
ભરતીબેને સૌથી પહેલા બા ના ખબર અંતર પૂછ્યાં. “પૂરતો સમય લઈને આવ્યો છે નેં?"
“હા, સાત આઠ દિવસ તો ખરો જ!”
“મુસાફરી કેવી રહી? પંદર સોળ કલાક જેટલી લાંબી મુસાફરી છે તો કંટાળી ગયો હોઈશ, નહીં?”
“ના! આ વખતે સહેજ પણ કંટાળો ન આવે એવો સથવારો મળી ગયો હતો.” કહેતા બે ચાર ક્ષણ માટે ભાઈનાં ચહેરા પર છલકી ગયેલી ચમક બહેનની નજરથી છૂપી ન રહી.
“શું વાત છે! એવું તે કોણ મળી ગયું કે કાયમ ગંભીર રહેતાં મારા ભૈલાનાં ચહેરા આનંદ દેખાય છે?”
“હા, થોડું એવું ખરું!”
“કહે તો ખરો, કોણ હતી?” ભાઈનાં ચહેરા પર છલકતી ચમક જોઈ ભારતીબેન સમજી ગયા કે જરૂર કોઈ છોકરી હશે!
“કોણ હતી? ક્યાંની હતી? સુંદર તો હશે જ ખરું નેં?” ભરતીબેને હસતા હસતા ભાઈને હળવો ચીમટો ભર્યો.
“બધું એક બેઠકમાં જ જાણી લેવું છે? અમારી વચ્ચે જે કંઇ વાત થઈ, એ મને કેવી લાગી એ બધું જમ્યાં પછી આરામથી બેસીએ ત્યારે કહું તો નહીં ચાલે?”
“ઓહ! હું ય પણ કેવી છું? હરખમાં 'ને હરખમાં એ પણ ભૂલી ગઈ કે તને ભાવતાં ભોજનીયા બનાવવાનાં છે!”
જમ્યાં પછી ભાઈ બહેન પાછા બેઠા વાતો કરવા. વિષય તો તૈયાર જ હતો?
“હવે બોલ! કોણ હતી?”
"ઊર્મિલા. એ પણ રાજકોટ જ રહે છે.” કહી રમાકાંતે ઊર્મિલા સાથે થયેલી ઝીણાંમાં ઝીણી વાત કહી.
“તારી વાત પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે એ સંસ્કારી, સમજદાર, મળતાવડી અને ઘર સાંચવે એવી છે! ઉપરાંત એવું પણ લાગે છે કે એ અન મૅરિડ હશે.”
“હા, એ બધી વાતે સારી લાગે છે.”
“ભાઈ! ભાભીને ગયાંને પૂરા ચાર વર્ષ થઈ ગયા! મેં આ પહેલાં પણ ત્રણ ચાર વખત કહ્યું છે. આજે ફરીથી કહું છું. આમ એકલા આખી જિંદગી તો કેમ નીકળશે? અત્યારે તો બા છે પણ કેટલા વર્ષ? એ પછી ઘર ખાવા દોડશે, એ કદી વિચાર્યું છે? ભરતીબેનનાં ચહેરા પર ઉદાસી ઊભરાઈ આવી.
“હજુ સુધી તો ખાસ કંઈ વિચાર્યું નથી પણ લાગે છે કે તારી વાત સાચી છે!” આમ તો ભારતીબેન રમાકાંત કરતાં ચાર વર્ષ મોટા છે પણ નાનપણની ‘તું’ કહીને બોલાવવાની આદત છૂટી નથી.
ભરતીબેનને થોડી રાહત થઈ અને મનોમન બોલ્યાં, ‘ચાલો, ચાર વર્ષે તો ચાર વર્ષે પણ ભાઈ બીજા લગ્ન માટે વિચારવા તૌયર તો થયો! વિચારશે તો લગ્ન પણ થશે’.
"ઊર્મિલા તને ગમી?” ભરતીબેને સીધો જ સવાલ કર્યો.
“ગમે એવી તો છે પણ મેં કહ્યું તેમ હજુ અમે એકબીજા વિશે ખાસ કંઈ જાણ્યું નથી.”
“આટલા કલાક મુક્ત મનથી ઘણી વાત કરી છે તો સમય વેડફ્ડ્યા વગર પૂછી લે નેં? એકબીજાને મેસેજ તો કરવાનાં જ છો? તમે બંને અહીં છો ત્યાં સુધીમાં વાત થઈ જાય તો હું પણ એને મળી લઉં, એને જોઈ લઉં.”
“જોઉં છું. ટ્રાય કરું છું.”
બીજા દિવસે સવારમાં જ ઊર્મિલાનો મેસેજ આવ્યો. ખાસ કંઈ નહીં, “શુભ પ્રભાત! જય શ્રી કૃષ્ણ!” તો સાથે સાથે રમાકાંતનાં મોટાબેનનાં ખબર પૂછ્યા હતાં. એ સાથે એમની વચ્ચે મેસેજની હારમાળા શરૂ થઈ. ત્રણ દિવસ મેસેજથી વાત કરતા રહ્યાં. ચોથા દિવસે રમાકાંતે વહેલી સવારે મેસેજ કર્યો, “રૂબરૂ મળી શકાય?” ઊર્મિલા ઑન લાઇન હતી.
“ચોક્કસ! તમે આવો છો કે હું આવું?”
“તમે!”
“મોટાબેનનું એડ્રેસ મોકલો અને સમય જણાવો, આવી જઈશ.”
“મારે ખાસ બે વાત પૂછવી છે તો ઘરે વાત કરવાની મજા નહીં આવે, કદાચ તમને સંકોચ થશે. માર્વે બીચ પર સાંજે પાંચ વાગ્યે આવી શકો?”
“તમને જ્યારે અનુકૂળતા હોય ત્યારે હું તો ફ્રી જ છું. ભલે, તો સાંજે મળીએ!”
રમાકાંત આજે ગોઠવાયેલી મુલાકાતની વાત બેનને કરવા ઉતાવળો હતો એટલે થોડો જલ્દી જલ્દી તૈયાર થઈ પહોંચી ગયા બેનને ઘરે.
“લે, વાંચ મેસેજ!”
“ઊર્મિલાનાં જ હશે, એટલે તો આટલો ખુશ છે! બોલ, શું વાત છે?”
“આજે સાંજે પાંચ વાગ્યે માર્વે બીચ પર મળવા આવવાની છે.”
“ઘરે બોલાવી હોત તો? હું પણ સારી રીતે મળી લેત નેં?”
“આમ તો અમે એકબીજા વિશે ઘણું જાણ્યું છે પણ મારે ખાસ બે વાત પૂછવી છે એ માટે જ બોલાવી છે. બની શકે કે અહીં તારી હાજરીમાં કદાચ પૂરેપૂરી વાત કહેતાં એને સંકોચ થાય!”
“લ્યો! તો મને જોવા કે મળવા નહીં મળે!”
“મળશે નેં? એક કામ કરીએ. તું મારી સાથે આવજે. આપણે થોડા પહોંચી જઈશું. એ આવે એટલે તું બાંકડા પાછળ બેસી બધી વાત સાંભળજે. પછી લાગે કે મળવા જેવી છે તો તું બાંકડા પાછળથી પ્રગટ થજે!” કહી રમાકાંત હસ્યો.
સાંજે પોણા પાંચ વાગ્યે રમાકાંત અને ભારતીબેન પહોંચી ગયા માર્વે બીચ. ઊર્મિલા આવતી દેખાઈ એટલે ભારતીબેન બાંકડા પાછળ બેસી ગયા.
“કેમ છો .. મજામાં? મોટીબેન કેમ છે?”
“અમે બંને મળીએ એટલે મજામાં જ હોઈએ!” કહી રમાકાંત હસ્યો.
“સાચું કહેજો, ખાસ બે વાત પૂછવા જ મને બોલાવી છે કે પછી મળવાની પણ ઈચ્છા થઈ?” ઊર્મિલા હંસી.
“એક પંથ, દો કાજ!” રમાકાંતે પણ હસીને જવાબ આપ્યો.
ભારતીબેન બંનેની વાત સાંભળી ખુશ થતા હતાં
“શું પૂછવું છે? મેં કહ્યું છે નેં કે જે કંઇ પણ પૂછવું હોય એ બેધડક પૂછી લેવાનું. વધુ વિચારવું નહીં.”
“ઑકે! તો સીધો મુદ્દા પર આવું. તમે બસમાં કહ્યું હતું કે તમને ‘કહેવાતાં ભાઈ’એ એ હદે છેતર્યાં છે કે તમને ‘બહેન’ અને ‘ભાઈ’ એવાં સંબંધનો જરા પણ ગમતાં નથી! એવું શું બની ગયું છે?”
“પરિચય આપતી વખતે જ મેં કહ્યું હતું નેં કે ઘરમાં હાલ અમે ત્રણ, હું, પિતાજી અને બા જ છીએ, નાની બેન અહીં સાસરે છે? એટલે કે અમારે ભાઈ નથી. ભાઈ ન હોવાનું દુઃખ એક ભાઈ વિહોણી બહેન જ સમજી શકે?! ‘ભાઈ’ કોઈ પણ સ્ત્રીની જિંદગીનું એક ખૂબ જ પ્રિય અને જરૂરી પાત્ર છે. નાની હતી ત્યાં સુધી તો ભાઈની ખોટ ખૂબ સાલતી! હૃદયમાં ઊમડતો સ્નેહ .. વહાલ કોનાં પર વરસાવું? એ જ રીતે મારા પર કોણ ભાઈનો સ્નેહ .. પ્રેમ વરસાવે? આવા સ્નેહથી ભીંજાવાની મજા જ અલગ હોય છે અને જરૂરિયાત પણ હોય છે. વરસવાનો પણ એક આનંદ હોય છે તો સાથે સાથે માણસે હૃદયમાં ઊઠતી ઊર્મિઓ .. પ્રેમ .. વહાલ .. આવી બધી લાગણીઓ વરસાવવી જરૂરી હોય છે પણ તેનાં માટે કોઈ તો જોઈએ નેં? જો માણસ પાસે એવી કોઈ વક્તિ જ ન હોય કે જેના પર આવી લાગણીઓ વરસાવી શકાય તો માણસ ગૂંગળાઈને મરી ગાયેલાંની જેમ જીવે છે. ભાઈ ન હોવાનું દુઃખ તો આજે પણ છે પરંતુ નાનપણ વટાવી વીસેક વર્ષની થઈ ત્યારે મનને મનાવી લીધું કે મારા નસીબમાં ભાઈ નહીં હોય. એટલે બધી જ લાગણીઓ હૃદયમાં ધરબી દીધી. રમાકાંત! આપણે મનને ગમે તેટલું મનાવીએ, કાબુમાં રાખીએ પણ આવી ધરબાવેલી લાગણીઓ કોઈ નક્કી સમયે આળસ મરડીને બેઠી થાય જ છે! આજથી પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન લેવાયાં. જવતલ હોમવાનો સમય થયો પણ જવતલીયો ક્યાં? પાંચ પાંચ વર્ષથી ધરબેલી લાગણી આળસ મરડી બેઠી થઈ અને જાણે કે લાંબો સૂયો હૃદયમાં ભોંકાયો. પીડા આંખમાંથી સરીને ગાલ પર રેલાઈ. ચાર પાંચ મિનીટ સુધી જવતલ હોમવા કોઈ ન આવ્યું. એટલું દુઃખ થયું કે એક મિનીટ માટે વિચાર આવી ગયો કે ફટ છે આ ભાઈ વગરની જિંદગીને અને આ લગ્નને! એવો પણ વિચાર પણ આવ્યો કે એ લગ્નવેદીમાં હું પોતે જ હોમાઈ જાઉં. એટલામાં મારું દુઃખ સમજી જઈ મારા થનારા પતિનાં એક ફ્રેન્ડ જવતલ હોમવા આવી ગયા. સૂર્ય ઊગતાની સાથે જે રીતે કમળનું ફૂલ સોળકળાએ ખીલી ઊઠે એ જ રીતે મારું હૃદય કમળ ખીલી ઊઠ્યું. લગ્ન પછીની જિંદગીની પહેલી રક્ષાબંધન ધામધૂમથી ઉજવી. 'ભાઈ' મારા પતિનો ખૂબ જ અંગત ફ્રેન્ડ હતો એટલે એ ગમે ત્યારે અમારા ઘરે આવી શકતો. એ આવતો ત્યારે અમે ભાઈ બેન કલાકોનાં કલાકો આનંદથી વાતો કરતાં. દોઢ વર્ષ તો બધું બરાબર ચાલ્યું. અમારો સંસાર આનંદપૂર્વક વીતી રહ્યો હતો પણ અચાનક મારા પતિનું મન બીજી રૂપસુંદરી પર મોહી ગયું. ચાર છ મહિનામાં તો પૉઝિશન એવી થઈ ગઈ કે મારાથી છુટકારો મેળવવા એણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું.. મારા પતિનું મન બીજે લાગી ગયું છે એ મારો ધરમનો ભાઈ જાણતો હતો. રમાકાંત! ગમે તેમ તોય પુરુષ આખરે તો પુરુષ જ હોય. એક તરફ મારા પતિએ મોં ફેરવી લીધું તો બીજી તરફ ‘ભાઈ’ની આંખમાં વિકારનાં સાપોલિયાં સળવળવા લાગ્યાં. અમારી સ્ત્રીઓની સિક્સ્થ સેંસ ખૂબ સતેજ હોય છે. હું બધું સમજી ગઈ એટલે ધીમે ધીમે હું એને ઇગ્નોર કરવા લાગી. એણે આવવાનું ઓછું તો કર્યું પણ બંધ ન કર્યું. એક દિવસ હું બૅડરૂમમાં ડબલબૅડ પર પડી પડી આરામથી નૉવેલ વાંચતી હતી કે એ આવી ચડ્યો સીધો મારા બેડરૂમમાં. હું સજાગ થઈ ગઈ. એણે ખંધુ હસીને સીધો મારો હાથ પકડ્યો. હું હાથ છોડાવવા લાગી. એટલામાં કોણ જાણે ક્યાંથી મારો પતિ આવી ચડ્યો. મેં દયામણી નજરે મને એ હવસખોરથી બચાવવા તેની સામે જોયું પણ એ નફ્ફટ એમ જ ઊભો રહી મરક મરક હસવા લાગ્યો એટલું જ નહીં એણે વિડીઓ શૂટિંગ શરૂ કર્યું! મેં ખૂબ ધમપછાડા કર્યા પણ આખરે એ હવસખોર મને પિંખીને જ જંપ્યો અને મારા પતિ સામે હસતા હસતા જોઈ એ રવાના થયો! હું બધું સમજી ગઈ. આ એ બંનેનો પ્રિ પ્લાન હતો! મારા પતિને છુટકારો મેળવવા કોઈ મોટું બહાનું જોઈતું હતું તો એ મેળવીને જ રહ્યો. હજુ તો હું મારી જાતને સાંભળી પણ શકી ન હતી કે એણે ડાયવૉર્સ પેપર મારી સામે મૂક્યાં. મેં ખૂબ કાકલૂદી કરી પણ એકનો બે ન થયો. અંતે એણે શૂટિંગ કરેલ વિડિયોનો એ દુરુપયોગ ન કરી શકે માટે એનો મોબાઈલ એ જ વખતે મને આપી દેવાની શરતે મેં સાઇન કરી આપી. ત્યારથી ‘પતિ’ શબ્દ પર પણ મને ભારોભાર નફરત થઈ ગઈ છે!” એક શ્વાસે આખી રામકહાણી કહી ઊર્મિલાએ ડૂસકું મૂક્યું. અશ્રુઓ એનાં ગાલ ધોવા લાગ્યા.
બાંકડા પાછળ બેઠેલાં ભરતીબેનની આંખમાં પાણી આવી ગયા. ઊર્મિલાએ પોતાની સાથે જે થયું એ શબ્દશઃ કહ્યું એટલે રમાકાંતનાં ચહેરા પર કેવા હાવભાવ આવ્યા છે, એ ઊર્મિલાને કેવા શબ્દોથી અને કઈ રીતે આશ્વાસન આપે છે એ જોવા ભારતીબેન બાંકડા પાછળ ઊભા રહી ગયા.
“ઊર્મિલા, હું તમારું દુઃખ સમજી શકું છું!” કહેતાં રમાકાંતથી જાણ્યે અજાણ્યે ઊર્મિલાનાં હાથ પર હાથ મૂકાઈ ગયો. બીજી જ મિનીટે એને ભૂલ સમજાઈ અને હાથ હટાવ્યો, “સૉરી, ઊર્મિલા! લાગણીમાં વહીને મારાથી ભૂલ થઈ ગઈ!”
“નૉ પ્રૉબ્લેમ! માણસને કોઈની વાત સાંભળી ખરેખર દુઃખ થયું હોય તો જ આ રીતે આશ્વાસન આપે, બાકી તો ઠીક છે મારા ભાઈ! ચહેરા પર દુઃખનું મહોરું ચડાવી ખોખલા શબ્દોથી તો બધા આશ્વાસન આપે! સાચી હૂંફ તો તમારા જેવા કોઇક જ માણસ તરફથી મળે!”
રમાકાંત અને ભારતીબેનને ઊર્મિલા પ્રત્યે ભારોભાર માન થયું તો સાથે સાથે થોડી નિરાશા પણ સાંપડી કે ઊર્મિલાને ‘પતિ’ શબ્દ પર આટલી નફરત છે તો હવે એની સામે રમાકાંત સાથે મેરેજનો પ્રસ્તાવ તો કેવી રીતે મૂકી શકાય? રમાકાંત અને ઊર્મિલા એ હદે ઓતપ્રોત થઈ વાત કરી રહ્યાં હતા કે એમને બીજે ક્યાંય જોવાની ફુરસદ જ ન હતી તો ભારતીબેનને બાંકડા પાછળ બેસવાની જરૂર ન લાગી. ભારતીબેન બાંકડા પાછળ જ એ સાંભળવા અને જોવા માટે ઊભા રહ્યા કે ભાઈ હવે ઊર્મિલાને પોતાની હકીકત જણાવે છે કે નહીં? જો જણાવે તો ઊર્મિલાનો પ્રતિભાવ શું છે? એમને ઊંડે ઊંડે થોડી આશા હતી કે ઊર્મિલા રમાકાંતને ખૂબ સારો માણસ ગણે છે તો કદાચ રમાકાંતની વીતી ગયેલી મૅરિડ ફાઇલ વિશે જાણી ઊર્મિલાની ‘પતિ’ શબ્દ પ્રત્યેની નફરત દૂર થાય પણ ખરી. ગમે તેમ હોય છતાં પણ દરેક સ્ત્રીને ‘સાંસારિક’ જીવન જીવવાની ઈચ્છા તો હોય જ છે. શક્ય છે કે ભલે ઊર્મિલાને ‘પતિ’ શબ્દ પર ભારોભાર નફરત હોય છતાં પણ તેનાં મનનાં ઊંડાણમાં ક્યાંક ને ક્યાંક ‘સાંસારિક’ જીવન જીવવાની ઈચ્છા પણ હશે. એવું લાગે તો પ્રસ્તાવ મૂકી શકાય.
“તમે બીજી કઈ વાત જાણવા માગતા હતા?”
“તમારા એક જવાબમાં મને બંને સવાલોનાં જવાબ મળી ગયા. જે રીતે મેં તમને અત્યાર સુધી તમારી પાસ્ટ મૅરિડ લાઈફ વિશે પૂછ્યું ન હતું તો તમે જણાવ્યું ન હતું એ જ રીતે તમે પણ પૂછ્યું નથી તો મેં જણાવ્યું નથી પણ મને લાગે છે કે મારી પણ ફરજ છે કે જણાવવું જોઈએ. મારા લગ્ન ચાર વર્ષ પહેલાં સુલક્ષણા સાથે થયા હતા. એની અને તમારી બંનેની બાહ્ય અને આંતરિક સુંદરતામાં ઘણું સામ્ય છે! અમારું વૈવાહિક જીવન ખૂબ સારી રીતે સુમેળપૂર્ણ, આનંદથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ કુદરતને અમારો સાથ વધુ સમય માટે મંજુર નહીં હોય તો લગ્નને હજુ તો માંડ છ મહિના વીત્યા હશે, અમે મૅરિડ લાઇફનાં આનંદની માંડ આછીપાતળી ઝલક જોઈ હશે કે એક દિવસ ગેસ સિલિન્ડર ફાટ્યો અને સુલક્ષણાની સાથે સાથે મારી જિંદગી બળીને ભસ્મ થઈ ગઈ. બસ, આટલી જ મારી હકીકત જણાવવાની બાકી હતી”
ભારતીબેને જોયું તો રમાકાંતની વાત સાંભળી ઊર્મિલા ફ્ક્ત “ઓહ! તો તો આપણે બંને એક જ નાવનાં મુસાફર છીએ!” કહી રમાકાંતનાં આંસુ લૂંછવા લાગી.
“ઊર્મિલા! એક વાત પૂછું?”
“વાત પૂછવા માટે હજુ પણ પૂછવાની જરૂર લાગે છે?”
“ના! જરૂર તો લાગતી નથી પણ વાત એવી છે એટલે..!”
“વળી પાછું વાક્ય અધૂરું છોડ્યું? તમારા લેખકોનો આ જ મોટો વાંધો! જો કે એક રીતે કહીએ તો વાંચકને જકડી રાખવા આ સારી ટેવ ગણાય પણ દર વખતે આ ટેવ સારી નહીં. કયારેક જે કહેવું કે પૂછવું હોય તે તરત બોલી નંખાય નહીંતર એવું બની શકે કે પછી મોકો જ મળે. જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછો.”
ભરતીબેન સમજી ગયા કે ભાઈ ઊર્મિલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છે. રમાકાંત કયા શબ્દોમાં અને કેવી રીતે પ્રસ્તાવ મૂકે છે અને સામે ઊર્મિલાનો જવાબ, એનો પ્રતિભાવ શું આવશે એ જોવા તત્પર થઈ ગયા.
“ઊર્મિલા! જ્યારે આપણે એક જ નાવનાં મુસાફર છીએ તો એવું ન થઈ શકે કે એક જ નાવમાં ભવસાગર પાર કરી લઈએ?”
“એ શક્ય નથી! જો તું ઈચ્છે તો આપણે જિંદગીભર ગાઢ મિત્રો બની શકીએ. એકબીજાનાં સુખ દુઃખ વહેંચશું, એકબીજાની મુશ્કેલીમાં શક્ય એટલા ભાગીદાર થઈશું. તું બેધડક મારે ઘરે આવી શકીશ. મારા માતા પિતાને મારા પર પૂરો ભરોસો છે કે હું કોઈ ‘ખોટું પગલું’ નહીં ભરું. તું ઈચ્છે તો કોઈ સારી સાથીદાર શોધી મૅરેજ કરી લે. ઈચ્છે તો શું કામ પરંતુ હું તો કહું છું કે તારે યોગ્ય પાત્ર શોધી મૅરેજ કરી લેવા જોઈએ. જો રમાકાંત! અત્યારે તો તમારા બા છે પરંતુ ઈશ્વર ન કરે અને એમની ગેરહાજરી થાય તો પછી શું? અમારું સ્ત્રીઓની પાછલી એકાંકી જિંદગી તો ગમે તેમ પસાર થઈ જાય પરંતુ પુરુષો માટે જ્યારે ઘરમાં કઈ સ્ત્રી ન હોય ત્યારે પાછલી જિંદગી ખૂબ જ કષ્ટદાયક બની જાય છે. એક તરફ ઉંમરને હિસાબે શરીર સાથ આપતું ન હોય તો બીજી તરફ ઘરમાં કોઈ સ્ત્રી ન હોય એટલે કોઈ કોઈ રસોઈ બનાવવા ન આવે.એટલું જ નહીં કચરા,પોતા કે બીજા ઘરકામ માટે પણ કોઈ ન આવે. માટે હું તો ફરી ફરીને કહું છું, તારે મૅરેજ કરી લેવા જોઈએ. બાકી આપણે ‘સારા મિત્રો’થી વધુ આગળ વધી શકીએ તેમ નથી. મૅરેજ પછી પણ જો તારા વાઇફને કોઈ પ્રૉબ્લેમ નહીં હોય તો આપણી મિત્રતા અકબંધ રહેશે!’ ઊર્મિલાએ ‘તમે’ શબ્દને પણ એ રીતે જાકારો આપી દીધો જાણે કે એણે અબઘડીથી જ રમાકાંતને પોતાનાં હૃદયમાં ગાઢ મિત્રનું સ્થાન આપી દીધું હોય. હવે એ બંને વચ્ચે વાત કરવાનો કોઈ એવો વિષય બાકી નથી કે જે પોતે સાંભળવાની જરૂર હોય એવું લાગતાં ભારતીબેન એ બંનેની સામે આવી ઊભા રહ્યાં.
“ઊર્મિલા! હું ભારતી, રમાકાંતની મોટીબેન.”
“ઓહ! મતલબ કે છૂપાઈને અમારી બધી વાત સાંભળતા હતા, હેં નેં મોટીબેન?” ઊર્મિલા હસતા હસતા બોલી.
“શું થાય? છૂપાવું પડ્યું! ડર હતો કે મારી હાજરીમાં તું મન ખોલીને વાત કરી નહીં શકે. ચાલો, તો હવે હું નીકળું. રસોઈનો સમય થયો છે અને આમ પણ જે જાણવાનું હતું એ જાણી લીધું.”
“એટલે મોટીબેન? તમે મારા વિશે અત્યારે અમારી વચ્ચે થયેલ વાત સિવાય બધું જ જાણો છો?”
“હા! અમે ભાઈ બેન એકબીજાથી કોઈ વાત છૂપાવતા નથી. મને રમાકાંતે બધી વાત કરી છે! બસ, આજની વાત જ જાણવાની બાકી હતી.”
“એનો મતલબ કે તમે પણ ઇચ્છતા હતા કે.. ?”
“હ! ઇચ્છા તો ઘણી હતી! ભાઈ છે તો ઇચ્છા તો હોય નેં કે કોઈ સારું પાત્ર મળી જાય તો એની જિંદગી સારી રીતે વીતે, પાછલી જિંદગીમાં એક તો સાંચો અને સારો સાથીદાર જોઈએ નેં? હકીકતમાં તો મારા કહેવાથી જ એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તારો જવાબ સાંભળી થોડો અફસોસ થયો પણ દુઃખ નથી થયું. હકીકતમાં તારી નિખાલસતા પર ખૂબ માન થયું. સાથે સાથે એ પણ સમજાયું કે હું રમાકાંતને બીજા લગ્ન માટે નાહકનો ફૉર્સ કરતી હતી. બીજા લગ્નનો હેતુ તો આખરે એક એવો સાથીદાર મેળવવો કે જે સુખ દુખમાં સાથ આપે, એકબીજાની મુશ્કેલીઓ સમજી દૂર કરવાનો પ્રયત્ન કરે, મુશ્કેલીનાં સમયમાં મુશ્કેલીનો સામનો કરવા ખભેખભો મિલાવી સાથ આપે, સથીદારને તૂટી પડવાથી બચાવે, એ જ કે બીજું કંઇ? તારી વાત પરથી લાગ્યું કે તું ખરેખર એવી સાથીદાર બની શકે તેમ છે. ભલે તમે બંને જીવનસાથી ન બનો પણ સારા મિત્ર બનીને સાથ નિભાવજો! હવે હું જાઉં. તમે આરામથી જ્યાં સુધી સાથે રહેવું હોય, ફરવું હોય ત્યાં સુધી હરો ફરો. હોટલમાં જમવાની ઈચ્છા હોય તો કહી દો તો અમે જમવામાં રમાકાંતની રાહ ન જોઈએ. રમાકાંત! જો વધારે મોડું થાય તો ઊર્મિલાને એની બેનની સોસાયટી સુધી મૂકીને જ ઘરે આવજે!”
“એક મિનીટ મોટી બેન!” કહીને ઊર્મિલાએ ભારતીબેનને જતાં રોક્યા. બાંકડા પરથી ઊભી થઈ, “મોટીબેન! કમ સે કમ એક તો સાચા સાથીદારની મારે પણ જરૂર તો હોય જ નેં? આને કાન ખેંચીને કહેજો કે જિંદગીભર ખાસ મિત્ર તરીકે સાથ નિભાવે!” કહી રમાકાંત તરફ આંગળી ચીંધી.
“સાંભળ્યું નેં, ઊર્મિલાએ શું કહ્યું? જો એની વાત નથી માની તો ખરેખર જિંદગીમાં પહેલી વખત તારો કાન ખેંચવો પડશે! સમજ્યો?” ભારતીબેન હસતા હસતા બોલ્યા.
“લે, મારા ભાઈને વોર્નિંગ આપી દીધી! હવે તો ખુશ નેં ? હવે તો જાઉં નેં ?" ભારતીબેન ઊર્મિલાનાં માથા પર વહાલથી હાથ ફેરવી ચાલ્યા ઘર તરફ.
-:સમાપ્ત:-
