STORYMIRROR

Ramesh Sanghavi

Inspirational

4  

Ramesh Sanghavi

Inspirational

પૈડું

પૈડું

19 mins
387

ગૌરાંગને ઑફિસ જવાનો સમય થયો, કાયમનાં સમયે ગોઠવાઈ ગયો ડાઈનીંગ ટેબલ પર. લઘરવઘર, ચોયાળેલ નાઈટ ડ્રેસને બદલે સરસ રીતે તૈયાર થયેલી પત્ની અને નાસ્તામાં કાયમનાં બટાકા પૌંવાને બદલે ગરમા ગરમ ગોટા જોઈ ગૌરાંગને નવાઈ લાગી. એણે ચિત્રા સામે આશ્ચર્ય સાથે જોયું.“આમ શું જુઓ છો મારી સામે ?” લો, આજે તો તમને ભાવતા ગોટા બનાવ્યા છે ! દાબીને ઝાપટો !”

ગૌરાંગે ઊભા થઈ બારીમાંથી બહાર આકાશમાં જોયું.

“ત્યાં શું જુઓ છો ? ગોટા ઠંડા થઈ જશે ! આજે તો મારે પણ તમારી સાથે ખાવા છે. મને ઠંડા નહીં ભાવે.”

“હું તો એ જોઈ રહ્યો છું કે સૂરજ ભૂલથી પશ્ચિમમાં તો ઊગ્યો નથી નેં ?”

“લો, કરો વાત ! આજે તો મને હોંશ હોય જ નેં ?”

“કેમ, આજે કંઈ ખાસ છે ?”

“બસ ? હજુ તો લગ્નને પાંચ જ વર્ષ થાય છે ત્યાં ઍનિવર્સરી પણ ભૂલી ગયાં ? હું તો ભૂલી જ ગઈ કે તમારે તો બસ, ઑફિસ અને કામ ! તારીખ કે વાર સાથે ક્યાં કંઈ લેવાદેવા જ છે.”

“ઓહ ! સૉરી ચિત્રા ! ચાલ, ઝાપટીએ ગોટા.” કહી ગૌરાંગે ઊંધું ઘાલીને થોડા ગોટા ખાધા. ઑફિસ જવા જેવી કારની ચાવી લીધી, “આજે અર્ધા દિવસની રજા લઈ લેજો, સમજ્યાં ? સાંજે ખરીદી કરવા જવાનું છે અને રાત્રે મારી પાંચ છ ફ્રેન્ડને હોટલમાં ભવ્ય પાર્ટી આપવાની છે ! પાંચમી ઍનિવર્સરી છે તો કંઈક નવું તો થવું જોઈએ ને ! અને હા, ધોયેલાં મૂળાની જેમ ખાલી ખિસ્સે આવતાં નહીં, એકાદ લાખ લેતા આવજો ! ડાયમંડની વીંટી, ડ્રેસ, ચપ્પલ અને હોટલમાં શાનદાર પાર્ટી આપવાની છે એટલાં તો જોઈ જ જશે, સમજ્યાં ?” કાયમની માફક તોછડાઈ સાથે ઑર્ડર આપતા ગૌરાંગનાં હાથમાં ટિફિન પકડાવ્યું. ગૌરાંગ પત્નીની નજરમાં ન આવે એ રીતે બબડતો બબડતો ગૅટનાં પગથિયાં ઊતરી ગયો. 

“બિચારા મોટા ભાઈ ! શું હતાં ‘ને આ બાઈએ શું હાલત કરી નાંખી !” કૌશિકાબહેને પતિ શુભાષ સામે દયામણી નજરે જોયું.

“ખરેખર દયા આવે છે. ગુસ્સો કરવાની વાત તો દૂરની વાત છે, કોઈને ઊંચા અવાજે બોલાવે પણ નહીં ! કેટલા લાગણીશીલ, પ્રેમાળ છે મોટાભાઈ ? બીજાની વાત તો શું કરીએ, આપણી જ વાત કર ને ! પૂરા ત્રણ વર્ષમાં આપણે ભૂલ કરી હોય, એમનાં ઘરમાં કોઈ બગાડ કર્યો હોય કે નુકસાન કર્યુ હોય તો પણ કદી આપણાં પર ગુસ્સો કર્યો છે ?” શુભાષની આંખો ભરાઈ આવી. 

શુભાષનું મકાન બરાબર ગૌરાંગનાં મકાનની સાથે જ હતું. ગૌરાંગનાં પિતાજી તો પંદર વર્ષ પહેલાં જ સ્વર્ગવાસી થયેલ. એટલું સારું હતું કે આ મકાન અને થોડી મરણ મૂડી મૂકી ગયેલા તો તેનાં વ્યાજની આવક હતી. પરંતુ એસ.એસ.સી. પછી આગળ અભ્યાસનાં ખર્ચને પહોંચી વળવા ગૌરાંગે સાઈડ જૉબ કરી ગમે તેમ કરીને એમ.બી.એ. પૂરું કર્યું અને સારા એવા પૅકેજ સાથે એક પ્રાઈવેટ કંપનીમાં જૉબ પર લાગી ગયો. ઓગણત્રીસે પહોંચવા આવ્યો પણ લગ્ન યોગ ન આવ્યો. આગળ ચાલીને લગ્નની વાત ચલાવવા વાળું તો કોઈ જોઈએ નેં ? એનાં નજીકનાં સગા તો કોઈ હતા નહીં ઉપરાંત તેનાં પિતાજી સામાન્ય ગોર હતા તો નાતનાં કોઈ મોભી પણ આગળ ન ચાલે. છેવટે ઓગણત્રીસ વર્ષની ઉંમરે બરોડાની સામાન્ય પણ સંસ્કારી ઘરની ચિત્રા સાથે લગ્ન થયાં. પરંતુ ગૌરાંગનાં માતુશ્રીએ ગૌરાંગનાં લગ્નનાં ત્રણ વર્ષ પહેલાં જ વહુનું મોઢું જોવાનો દિવસ આવે એ પહેલાં જ દીકરાનાં દીકરાને રમાડવાની અધૂરી ઈચ્છા સાથે જ અંતિમ વિદાય લીધેલ. ત્યારથી શુભાષ અને કૌશિકા તેને ત્યાં ફૂલ ટાઈમ કામ પર લાગ્યા હતાં. સુભાષ ગૌરાંગ કરતાં આઠ દસ વર્ષ નાનો. ગૌરાંગને ત્યાં કામ પર લાગ્યાં પહેલાં એ રીક્ષા ચલાવતો. બ્રાહ્મણનો દીકરો પરંતુ ફક્ત આઠ પાસ એટલે ન તો નોકરી મળી કે ન તો બાપ દાદાનો મૂળ ધંધો ‘ગોરપદું’ ફાવ્યું. છેવટે ભાડાની રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. એ ભલે રીક્ષા ચાલક બન્યો પરંતુ રીક્ષા ચાલકનાં કોઈ અવગુણ નહીં. એકદમ વિવેકી અને હસમુખો. ક્યારેક ક્યારેક ગૌરાંગને કાર લઈ ઑફિસ જવાનો કંટાળો આવે તો શુભાષની રીક્ષામાં બેસી જાય. શરૂઆતમાં તો એક બે વખત બીજા પેસેન્જરની માફક ગૌરાંગ અને શુભાષ વચ્ચે ખાસ કોઈ વાતચીત ન થાય પરંતુ શુભાષનાં સ્વભાવને કારણે બોલોચાલો શરૂ થયેલો. માતુશ્રીનાં સ્વર્ગવાસ પછી ઑફિસ અને ઘર બંને સંભાળવા ગૌરાંગ માટે મુશ્કેલ થઈ ગયેલ. એને લાગ્યું કે શુભાષ અને તેની પત્ની જો તેને ત્યાં ફૂલ ટાઈમ ઘરનું બધું કામ સાંભળી લે તો પોતાની મુશ્કેલી પણ દૂર થાય અને સાથે સાથે શુભાષ જેવા સારા માણસને રીક્ષા ચાલક જેવા હલકા કામમાંથી છુટકારો મળે. ગૌરાંગે શુભાષને કહી જોયું અને શુભષે પત્ની સાથે ગૌરાંગનું ઘર સાંભળી લીધેલ. ચાર છ માસમાં તો બધાનાં જીવ એવા મળી ગયા કે શુભાષ અને કૌશિકા ગૌરાંગને મોટાભાઈ જેવું માન આપતાં અને ‘મોટાભાઈ’ કહીને બોલાવવા લાગેલ તો ગૌરાંગે એ બંનેનાં આગ્રહને વશ થઈ બંનેને ‘તું’ કહેવાનું શરૂ કરેલ. 

ગૌરાંગનાં લગ્નને બાર પંદર દિવસ થયાં એટલે એક દિવસ રાત્રે, “કૌશિકા, મને લાગે છે કે ભાભી સંસ્કારી કુટુંબમાંથી આવે છે, મોટી ઉંમર છે તો ઠરેલ બુદ્ધિનાં તો હોય જ ! મોટાભાઈનું ઘર સંભાળી લેશે. પ્રેમાળ પણ છે. આપણને પણ કેટલાં આદરથી બોલાવે છે ? હવે આપણે મોટાભાઈ પર આપણાં પગાર અને જે લાગણીથી મોટાભાઈ આપણી બીજી જરૂરિયાત પૂરી પાડે છે તેનો નાહકનો ખર્ચ ચડાવવાની જરૂર નથી. એ તો મોટા મનનાં છે તો એમને આપણી જરૂર ન હોય છતાં પણ આપણને નોકરી પર ચાલુ જ રાખે પણ આપણે જ સમજીને રજા લઈ લેવી જોઈએ !” શુભાષે ચાર પાંચ દિવસથી તેનાં મનમાં ચાલી રહેલ વિચાર પત્ની સામે રજૂ કર્યો. કૌશિકાને પતિની વાત સાચી લાગી, નિર્ણય લેવાઈ ગયો.

બે ત્રણ દિવસ પછી એક દિવસ રાત્રે બધાનું જમવાનું પતી ગયું. ગૌરાંગ અને ચિત્રા હૉલમાં બેઠાં. થોડીવાર પછી ચિત્રા લટાર મારવા ગઈ એટલે મોકો જોઈ શુભાષ અને કૌશિકા રસોડું આટોપી ગૌરાંગની સામે ઊભા રહ્યાં. 

“મોટાભાઈ.. !” શુભાષ કહેતા ખચકાવા લાગ્યો.

“કેમ અટકી ગયો ? કોઈ તકલીફ હોય તો વિના સંકોચે બોલ !”  

“તમારી આવી મીઠી છત્રછાયા છે તો તકલીફ તો શું હોય પણ અમે વિચારતાં હતા કે હવે તો ભાભી આવી ગયા છે. એ ઘર સાંભળી લેશે તો હવે અમે રજા લઈએ. હું મારા મૂળ ધંધે લાગી જાઉં. નાહકનો અમારો બોજો તમારા પર શું કામ રાખવો ?”

“ઓહ, એમ વાત છે ? જો શુભાષ ! હજુ તો ચિત્રાએ ઘરમાં પગ જ મૂક્યો છે. એ ઘર સાંભળી શકે તેમ છે કે કેમ અને સંભાળી શકે તેમ હોય તો પણ સંભાળશે કે કેમ એ કંઈ જ કહી શકાય નહીં. આમ પણ મને તમારો સહેજ પણ બોજો લાગતો નથી લાગતો. વળી સાચું કહું તો હવે મને તમારી ‘આદત’ પડી ગઈ છે. તમે લોકો મારી સાથે હોવ છો તો લાગે છે કે મારું પોતાનું પણ કોઈ છે. તેલ જુઓ, તેલની ધાર જુઓ, એ પછી વિચારીશું. બાકી તમારે જવું જ હોય તો હું રોકી તો ન શકું.”

“ના, ના, મોટાભાઈ ! આ તો અમને જે લાગ્યું એ કહ્યું બાકી અમને પણ જવું તો ગમતું નથી.”

ગૌરાંગનાં ડિપાર્ટમૅન્ટમાં પંદર સત્તર નો સ્ટાફ હતો એટલે કોઈ ને કોઈને ત્યાં બર્થડે કે ઍનિવર્સરી નિમિત્તે મહિનામાં એકાદ પાર્ટી તો હોય જ. લગ્ન પછીની પહેલી બે ત્રણ પાર્ટી વખતે ચિત્રાને લગ્નમાં તો ઘણી મોંઘી સાડી, ડ્રેસ,ઘરેણાં બધું ચડાવેલ છતાં ગૌરાંગ દરેક પાર્ટીએ નવી સાડી કે ડ્રેસ અને નાની તો નાની પણ સોનાની એકાદ આઈટમ તો અપાવે જ. ચિત્રા હજુ તો ત્રણેક પાર્ટીમાં ગઈ હશે એટલામાં રૂપિયાની ચમક દમક આંખ અને મનમાં ઘર કરી ગઈ તો સાથે સાથે નવી ફ્રેન્ડ્સ પણ મળી. પછી બાકી શું રહે ? ત્રણેક મહિનામાં તો આમૂલ પરિવર્તન આવી ગયું. નવ દસ વાગ્યા સુધી નસકોરાં બોલાવે. જેવી જાગે કે શુભાષ અને કૌશિકા પર ઑર્ડર પર ઓર્ડર છૂટે. શુભાષ અને કૌશિકા મોટાભાઈનાં હિસાબે તોછડાઈ ભર્યા ઑર્ડરને અનુસરે. 

ગૌરાંગની પહેલી ઍનિવર્સરી આવી. ઘરે સરસ પાર્ટીનું આયોજન કર્યું. ફ્રેન્ડ સર્કલમાં ચિત્રાની ઊઠબેસ વધી ગઈ, કીટી પાર્ટીઓ થવા લાગી અને અધૂરામાં પૂરું એ કીટી પાર્ટીઓમાં બાવન પત્તાનાં ગીતાજી ભળ્યાં. બે વર્ષમાં તો ગૌરાંગ મોટા દેવામાં ડૂબી ગયો. દિવસે ને દિવસે શુભાષ અને કૌશિકા સાથે વધી રહેલું ચિત્રાનું તોછડાઈ ભર્યું વર્તન ગૌરાંગની નજર બહાર ન હતું. એક દિવસ તો એ બધી જ હદ પાર ગઈ. એ દિવસે ગૌરાંગ ઑફિસ જવા નીકળતો હતો કે, “રાત્રે હોટલમાં ડીનર માટે જવાનું છે, હું આ લોકોનાં હાથનું ખાઈ ખાઈને કંટાળી ગઈ છું !”

“કોઈ વાંધો આપણે જઈશું. શુભાષ અને કૌશિકા અહીં એમનાં પૂરતી રસોઈ બનાવી લેશે.”

“અહીં શા માટે ? એમનું ઘર નથી ? દરરોજ તો આપણું જમવાનું બનાવવાવું, કિચનની સાફ સફાઈ અને બીજા ઘણાં કામ કરવાના હોય એટલે એમને ત્યાં રસોઈ બનાવી ન શકે એ તો સમજ્યાં પણ જ્યારે આપણે બહાર જમવાના હોઈએ ત્યારે એમનું ઘર ક્યાં નથી ! નોકરને નોકરની જેમ રખાય સમજ્યાં ?”

ગૌરાંગ, શુભાષ અને કૌશિકા સમસમી ગયા પણ ચિત્રાનું હવે કશું થઈ શકે તેમ ન હતું, ચિત્રા ગૌરાંગનાં ‘હાથમાંથી’ નીકળી ગઈ હતી.

શુભાષ અને કૌશિકાને આ અપમાન હાડોહાડ લાગી ગયું. બીજા દિવસે સવારે બંને દરરોજનાં આવ્યાં તો ખરા પણ કામે વળગવાને બદલે ગૌરાંગ સામે ભીની આંખે હાથ જોડી ઊભા રહ્યા, “મોટાભાઈ, માફ કરજો પણ હવે અમને રજા આપો !”

ગૌરાંગને પણ લાગ્યું કે હવે એમને જવા દેવા જોઈએ. ગૌરાંગે લાચારી સાથે હા પાડતો હોય એ રીતે એમની સામે જોયું. શુભાષ અને કૌશિકા ‘મોટાભાઈ’ને પગે લાગી ચાલતા થયા. બપોરે જ ચિત્રા બીજા કપલને નોકરી પર લઈ આવી. 

લગ્ન પછીનાં આ બે વર્ષ દરમિયાન ચિત્રા પાંચ છ વખત પિયર ગઈ હતી. પહેલી બે વખત ગઈ ત્યારે તો એનાં માતા પિતા અને નાના ભાઈને તેના વર્તનમાં કોઈ ખાસ કોઈ ફેરફાર ન લાગ્યો પરંતુ ભાભી સાથેનાં વર્તનમાં થોડી તોછડાઈ વધી ગઈ રહી હતી તો સાથે સાથે જ્યારે જ્યારે એ આવતી ત્યારે દર વખતે તેનો ઠાઠમાઠ વધી રહ્યો હતો એ પણ બધાની નજરમાં આવી રહ્યું હતું. એક વખત એની મા થી રહેવાયું નહીં તો કહેલું પણ ખરું કે બેટા જમાઈની આવકનો વિચાર કરી ખર્ચ કરજે. અમે તો તારું આવું વર્તન સહન કરી લઈશું પણ જમાઈ સાથે તો એવું નથી કરતી ને ?”

“એ બધું તમારે લોકોએ વિચારવાની જરૂર નથી ! હું મારા ઘર પ્રમાણે રહું છું. બાકી અહીં આવું છું એ તમને પોસાતું ન હોય તો હવેથી નહીં આવું !” ચિત્રાનો જવાબ સાંભળી એની મા સમસમીને રહી ગયેલ.  

એ પછીનાં ત્રણ વર્ષમાં તો ગૌરાંગ પર દિવસે ને દિવસે દેવાનો ડુંગર એવડો મોટો થઈ ગયો કે કેવી રીતે ચૂકવાશે એ મોટો સવાલ રોજ એનાં મસ્તિષ્ક પર હથોડા મારવા લાગ્યો તેમ છતાં ચિત્રાની કોઈ પણ માગણી ઠુકરાવવાની એનામાં હિંમત રહી ન હતી તો આજે પાંચમી ઍનિવર્સરીની ઉજવણીની એની ડિમાન્ડ પણ નકારવાની હિંમત કરી ન શક્યો. ઑફિસ જવાનું મન ન થયું. ઊપડ્યો એક ખાસ મિત્રની દુકાને. 

“શું વાત છે ગૌરાંગ ઑફિસમાં રજા છે ?”

“ના, રજા તો નથી પણ ઑફિસ જવાનો કંટાળો આવે છે તો થયું કે ચાલ થોડી વાર તારી પાસે આવું.”

“સારું કર્યું. કેટલાં દિવસથી નિરાંતે મળ્યાં નથી, મજા આવશે, બે ત્રણ કલાક પેટ ભરીને વાતો કરીશું !”

ગૌરાંગ માંડ માંડ એકાદ કલાક બેઠો. મન ક્યાંય લાગતું ન હતું. એક જ સવાલ પજવતો હતો, ‘આટલા બધા પૈસા કાઢીશ ક્યાંથી ?’ આમ તો મિત્ર પાસે ઉછીનાં લેવાની ગણતરીએ જ આવ્યો હતો પણ જીભ ન ઊપડી. પરંતુ મિત્રની મૂંઝવણ ન સમજે એ મિત્ર શાનો ?

“ગૌરાંગ ! મને લાગે છે કે તું કંઈક મૂંઝવણમાં છે. જે હોય તે બોલ. સાચા મિત્રથી શું છૂપાવવાનું ?”

“પૈસાની જરૂર છે પણ રકમ મોટી છે તો જીભ ઊપડતી નથી.”

“બસ ? આટલી અમથી વાત ‘ને આટલું બધું મૂંઝાવાનું ? બોલ ! કેટલાની જરૂર છે ?”

“તું તો આપીશ પણ હું ક્યારે પાછા આપી શકીશ એ મને પણ ખબર નથી. તારી ભાભી નવાબની દીકરી હોય એ રીતે રોજ ઊઠીને નવી નવી માગણી કરી છે. પાંચ વર્ષમાં એવી હાલત કરી નાંખી છે કે લોન લેવા માટે એક પણ ખાનું ખાલી રહેવા દીધું નથી !”

“જો ગૌરાંગ ! પડ્યું પાનું નિભાવવું તો પડશે ? આગળનું જોયું જશે, અત્યારે કેટલા રૂપિયાની જરૂર છે એ બોલ !”

“દોઢ લાખ.”

“લે આ દોઢ, બસ ? ઘટે તો પણ મૂંઝાતો નહીં ! હવે જલ્દી જા અને જે ખરીદી કરવાની હોય એ ટાઈમસર કરી લે એટલે વાત પતે, ઘરમાં ખોટો હોબાળો ન થાય !”

રાત્રે આઠેક વાગ્યે ચિત્રાની ફ્રેન્ડ્સ હરખાતી હરખાતી આવી ગઈ. દરેકને એ વાતનો આનંદ હતો કે દર વખતની જેમ આજની પાર્ટીમાં ગૌરાંગનાં કોઈ પણ મિત્ર કે સ્ટાફ મૅમ્બર નથી ઉપરાંત પાર્ટી પણ ઘરને બદલે હોટલમાં છે તો ખૂબ મજા આવશે !

થોડીવારમાં બધા ઉપડ્યાં હોટલમાં. સ્પેશિયલ હૉલમાં કૅક કપાઈ. ચિત્રાની બધી ફ્રેન્ડને લાગ્યું કે ગૌરાંગનાં ચહેરા પર ખાસ ઉત્સાહ કે આનંદ નથી. એક ફ્રેન્ડે પૂછ્યું પણ ખરું, “ચિત્રા ! ગૌરાંગનાં ચહેરા પરથી લાગે છે કે પાર્ટીથી એ ખુશ નથી કે પછી તમારા બંને વચ્ચે કોઈ વાત પર નાનો મોટો ઝગડો થયો છે ?”

“હોતું હશે કંઈ ? એણે જ તો આ વખતે આ રીતે ઍનિવર્સરી ઉજવવાનું નક્કી કર્યું છે. પણ શું છે કે બપોરથી એને થોડો તાવ હોય એવું લાગે છે એટલે દેખીતું છે કે અનઈઝીનેસ હોય ?”

ગૌરાંગને ભાવતું હતું ને વૈદ્યે કહ્યું એવું કારણ મળી ગયું, “ચિત્રા સાચું કહે છે. મને લાગે છે કે આનંદ સાથે કૅક કપાઈ ગઈ છે તો હું ઘરે જઈ આરામ કરું, તમારી સાથે ડીનર ન લઉં તો ચાલશે. જો તમને લોકોને ખરાબ ન લાગે તો હું નીકળું.” કહી ગૌરાંગ બીજી હોટલમાં શાંતિથી ભોજન લઈ ઘરે ગયો.

ચિત્રા અને ગૌરાંગે ભલે ગમે તે કહ્યું પરંતુ ચિત્રાની ફ્રેંડ્સને લાગ્યું કે કંઈક તો પ્રૉબ્લેમ છે ! બધાએ આંખો આંખોમાં વાત કરી લીધી, ‘ચિત્રાને વધારે સમય એંગેજ રાખવી યોગ્ય નથી’.

“સૉરી ચિત્રા ! તમે પાર્ટી તો ખૂબ સરસ અને મસ્ત હોટલમાં રાખી છે પણ અમારે થોડું જલ્દી જવું પડે તેમ છે. ડીનર શક્ય એટલું વહેલું પતાવીએ.” 

“ઑકે, નો પ્રૉબ્લેમ !” ચિત્રા પણ ઈચ્છતી હતી કે જેમ બને તેમ જલ્દી ઘરે જઈ ગૌરાંગે કરેલા ‘ગેરવર્તન’ પર એને ઘઘલાવી નાંખવો. 

ચિત્રાએ ઘરે પહોંચી લાત મારી બૅડરૂમનો દરવાજો ખોલ્યો અને ગૌરાંગને હાથ પકડી ખેંચીને લઈ આવી હૉલમાં, “તેં ધાર્યું છે શું હેં ? આ રીતે મારું ઈન્સલ્ટ કરાવી તને શું મળ્યું ? ઈચ્છા ન હતી તો પહેલેથી જ પાર્ટીની ના પાડી દેવી હતી નેં ?” ચિત્રા આજે તોછડાઈની બધી જ હદ પાર કરી ગઈ, પતિને તુંકારો કરવા માંડી. 

ચિત્રાએ એટલા જોરથી બૅડરૂમનાં દરવાજાને લાત મારી હતી કે એનો અવાજ છેક શુભાષનાં ઘરમાં પડઘાયો. શુભાષ અને કૌશિકા પોતાનાં દરવાજે આવી ઊભા રહ્યા. “જોયું ? આ બાઈ તમને સંસ્કારી લાગતી હતી નેં ? જોયાં એનાં સંસ્કાર ! એણે મોટાભાઈનાં ઘરમાં પગ મૂકેલો ત્યારે જ હું આને પગથી માથા સુધી ઓળખી ગઈ હતી. તમને પુરુષોને સ્ત્રી ચરિત્ર સમજતાં લાંબો સમય લાગે, અમને સ્ત્રીઓને નહીં !”

“મારા ફ્રેન્ડ અને સ્ટાફ મૅમ્બર્સમાં ઈન્સલ્ટ તો મારું થાય એવું તેં કર્યું છે, સમજી ! પાંચ પાંચ વર્ષથી બધા આપણને દરેક પાર્ટીમાં ઈનવાઈટ કરે છે અને આજે તેં લિમિટેડ પાર્ટી ગોઠવી. આજે નહીં તો ક્યારેક તો કોઈને યાદ આવશે જ નેં કે આપણી ઍનિવર્સરી હતી ? હું શું મોઢું બતાવીશ ?” પાંચ વર્ષે પહેલી વખત ગૌરાંગનો અવાજ ઊંચો થયો, તેનાં પડઘા શેરીમાં પડ્યાં. 

“એમને આવતીકાલે પાર્ટી આપજે. એમાં શું મોટી વાત છે ? પણ આજે તેં જે કર્યું છે તે બરાબર કર્યું નથી. યાદ રાખજે, બીજી વખત આવું ન થવું જોઈએ સમજ્યો ?” આમ તો ગૌરાંગનો ઊંચો થયેલો અવાજ સાંભળી ચિત્રા થોડીવાર માટે ડઘાઈ ગઈ હતી પરંતુ એ પણ કંઈ ગાંજી જાય એમ ક્યાં હતી.

“તારે તો ઠીક છે, કહી દીધું લ્યો, એમને કાલે પાર્ટી આપી દેજે ! રૂપિયા ક્યાંથી કાઢું ? ખાલી ખિસ્સે પાર્ટી કેવી રીતે આપું ? પાંચ વર્ષમાં તો તેં ભિખારી બનાવી દીધો છે, ભિખારી, સમજી ? લોન લેવા માટે એક પણ ખાનું ખાલી રહેવા દીધું નથી. આજની પાર્ટી માટે જિંદગીમાં પહેલી વાર હાથ લાંબો કરવો પડ્યો ! પૈસાની તો છોડો, બીજી કોઈ વાતે પણ તને ધણીની ક્યાં કંઈ પડી છે ! સવારે નાસ્તામાં રોજ સ્વાદ વગરનાં બટાકા પૌંવા અને વેઠ ઉતારીને રાંધેલું ટિફિન એ રીતે પકડવી દે છે જેમ જાણે કૂતરાને રોટલો નાંખતી હોય. મા હતી ત્યારે ભલે પૈસા ન હતાં, ક્યારેક મા ના હાથે રોટલો દાઝી પણ જતો તોય એ દાઝેલ રોટલો, ચટણી અને છાસ મીઠા લાગતા. સુખેથી જીવતા. મા ગઈ પછી શુભાષ અને કૌશિકાએ એટલા જ પ્રેમથી રાંધી ખવરાવ્યું. સવારે તો તું સામે હોય છે નેં એટલે તેં બનાવેલો નાસ્તો જેમ તેમ કરીને ગળે એટલા માટે ઉતારું છું જેથી ઝગડો ન થાય બાકી તેં રાંધેલું તો હું રોજ કોઈ ભિખારીને આપી દઉં છું. મારું ટિફિન તો કૌશિકાનાં હાથે સ્નેહથી બનાવેલું આવે છે.”

“એટલે ? આજે પણ તું એ લોકોને ધરવે છે અમ નેં ? એમને તો એટલું જ જોઈતું હોય નેં કે કો’ક બુદ્ધિનો બારદાન મળી જાય એટલે રૂપિયા ઉસેડ્યાં જ કરે ! તારી મા નાં હાથનો રોટલો એટલો જ મીઠો લાગતો હતો અને એ પછી કૌશિકાનું રાંધેલું સારું લાગતું હતું, ભાવતું હતું તો મને લાવ્યો જ શું કામ ! આખી જિંદગી કાઢવી હતી નેં એ બેય હારે !”

“ખબરદાર જો એ લોકો માટે એક પણ શબ્દ બોલી છે તો !”

“તો શું કરી લઈશ, હેં ? મારી નાંખીશ ? લે તારી સામે જ ઊભી છું. હાથ તો લગાડી જો ! બે કટકા કરી આપી દઈશ તારા જ હાથમાં સમજ્યો ?”

કૌશિકાબહેને ચિંતા થઈ, પતિ સામે જોયું. ઝગડો લાંબો ચાલ્યો એટલે, “મને લાગે છે કે હવે આપણે મોટાભાઈને શાંત પાડવા જવું પડશે. નહીંતર કોને ખબર આ જગડાનું પરિણામ શું આવશે ? આ બાઈ તો સાવ નીંભર છે ! એને તો કંઈ નહીં થાય પણ જો ઝગડો હવે આગળ ચાલશે તો મોટાભાઈની તબીયત બગડશે.” બંને પહોંચી ગયા ‘મોટાભાઈ’ પાસે.

એમને જોતાં જ ચિત્રા તાડુકી, “તમને કોણે દોઢ ડાહ્યાં કર્યાં કે દોડ્યા આવ્યાં ? નીકળો મારા ઘરની બહાર !” ચિત્રાએ દરવાજા તરફ આંગળી ચીંધી

“એ ય, અવાજ અને આંગળી નીચા, સમજી ? આંગળી તોડી નાંખીશ ! ખબરદાર જો મોટાભાઈ સામે એક પણ શબ્દ કાઢ્યો છે તો ! એક અડબોથ ભેગી બત્રીશી બહાર નીકળી જશે સમજી ? મોટાભાઈને એકલા ભળી ગઈ છે ? હજી એનો ભાઈ અને બેન જીવે છે, કોની મા એ સવા શેર સૂંઠ ખાધી છે કે મોટાભાઈનો વાળ પણ વાંકો કરે ?” કૌશિકાનું રણચંડી જેવું રૂપ જોઈ ચિત્રા પરસેવે રેબઝેબ થઈ ગઈ. ગળે સોસ પડવા માંડ્યો. ભાગી કિચનમાં, બે ગ્લાસ પાણી પીધું ત્યારે માંડ શ્વાસ નીચે બેઠો. ત્યાંથી સીધી ભાગી બૅડરૂમમાં, ધડામ કરતી પડી ડબલબૅડ પર ! ઘરમાં સન્નાટો વ્યાપી ગયો.

ગૌરાંગ બીજા દિવસે નાસ્તો કર્યા વગર જ નીકળી ગયો. ટિફિન પણ ન લીધું, ઊપડ્યો સીધો એક ઍડવોકેટની ઑફિસે. ત્યાંથી સીધી વાટ પકડી વડોદરાની.

“આવો, આવો, ગૌરાંગકુમાર ! સાળા વિશાલે બનેવીને પ્રેમથી આવકાર આપ્યો.” ગૌરાંગનું નામ સાંભળતા જ સાસુમા વિજયાબેન રસોડામાંથી હાથ લૂછતાં હસતાં હસતાં હૉલમાં આવી ગયા. સસરા હસમુખરાય તો ત્યાં હાજર જ હતા.

“ચા નાસ્તો બનાવી હમણાં આવી કહી વિજયાબેન રસોડા તરફ જવા લાગ્યા.”

“નાસ્તો ન બનાવશો બા, ખાલી ચા પીવી છે.”

થોડીવારમાં ચા આવી ગઈ. ચા પીવાઈ ગઈ એટલે સાસુમા બેઠાં જમાયરાજની બાજુનાં સૉફા પર.

“વિશાલભાઈ ભાભી કેમ દેખાતા નથી ?”

“એ થોડા દિવસ પિયર ગઈ છે. આખો દિવસ કામ કરીને થાકી જાય નેં ? મને એક પણ કામ કરવા દેતી નથી ! આમ પણ દીકરીને થોડા થોડા સમયે પિયર સાંભરે. મા બાપ, ભાઈ બહેન બધા સાથે રહેવાની ઈચ્છા થાય.” વિજયાબેન દીપિકા વહુથી એટલાં સંતુષ્ટ હતા કે દીકરો જવાબ આપે એ પહેલાં એમણે જવાબ આપ્યો.

“કુમાર ! અહીં ઓચિંતું ઑફિસનું કોઈ કામ નીકળ્યું છે ? બાકી તમે આમ જાણ કર્યાં વગર ન આવો !”

“ના, ઑફિસનું કોઈ કામ નથી. તમારા બધા સાથે બે ત્રણ દિવસ શાંતિથી રહેવા આવ્યો. મારું એવું કોણ છે જ્યાં શાંતિથી રહી શકું ?” ગૌરાંગને ખોટું બોલ્યાંનો અફસોસ હતો. પછી મોબાઈલમાં ટાઈમ જોયો.

“વિશાલભાઈ ! તમારે ઑફિસ જવાનો સમય થયો હશે નેં ? તમે તમારા ટાઈમે નીકળી જજો. હું બે ત્રણ દિવસ છું તો તમે ઑફિસેથી આવો પછી પણ આરામથી સાથે બેસી શકીશું, વાતો કરી શકીશું, ફરવા જઈ શકીશું.

“ના, ના, કુમાર ! કેટલા સમયે આવ્યા છો ! મારી પાસે તો ઘણી રજા પડી છે. આરામથી સાથે રહીએ.”

“તારી વાત બરાબર છે, વિશાલ ! તું રજા મૂકી ગૌરાંગ સાથે રહે. એમને સારું લાગશે, થોડો આનંદ અને શાંતિ મળશે. બાકી આપણે જાણીએ જ છીએ કે ચિત્રાએ તો ગૌરાંગ પર ત્રાસ ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નથી. આવા સીધા, ભગવાનનાં માણસની જિંદગીમાં ઝેર ઘોળ્યું છે ઝેર ! એને તો માથાભારે સાસરું મળ્યું હોત તો ખબર પડત કે સાસરું કોને કહેવાય અને પતિ કેવા હોય !” જમાઈની દશા જોઈ વિજયાબેનનો જીવ કળીએ કળીએ કપાતો હતો.

જમ્યા પછી બધા આરામથી બેઠાં. 

“કુમાર ! આવતીકાલે સવારથી સાંજ સુધી આપણે ચારેય નજીકમાં કોઈ સારા સ્થળે ફરવા જઈશું ?”

“ના, વિશાલભાઈ ! મારે તો અહીં ઘરે જ શાંતિથી રહેવું છે !”

થોડી આડી અવળી વાત કરી ગૌરાંગે ખચકાટ સાથે બોલ્યો, “બા, બાપુજી, વિશાલભાઈ ! મારે એક ખાસ વાત કરવી છે.”

“એમાં આટલું ખચકાવાનું શું, ગૌરાંગ ? જે હોય તે વિના સંકોચે કહો.” અત્યાર સુધી ચૂપચાપ બધાની વાત સાંભળી રહેલા સસરા હસમુખરાયે પહેલી વખત મોઢું ખોલ્યું.

“તમે બધા જાણો છો કે ચિત્રાએ મારી શું હાલત કરી છે. એક તો એનાં મોજશોખ પૂરા કરવામાં મારા પર વાળ જેટલું દેવું ખડકી દીધું છે એ ક્યારે ચૂકવી શકીશ એ કહી શકાય તેમ નથી. એ તો ઠીક છે પણ ગઈકાલે તો એ બધી હદ વટાવી ગઈ ! મને તુંકારો કરી એટલો મોટો ઝગડો કર્યો કે જો કૌશિકાએ એને ધમકાવીને બેસારી ન દીધી હોત તો ચોક્કસ મને ગાંડો કરી મૂક્યો હોત ! મને માફ કરો પણ હવે એની સાથે હું એક દિવસ પણ રહી શકું તેમ નથી !” કહી ગૌરાંગે ગઈકાલે જે થયું એ વિસ્તારથી કહ્યું.

“અમે આમ તો ત્રણ વર્ષ પહેલા જ ચિત્રાનું બદલાયેલું વર્તન જાણી ગયાં છીએ પણ એ આટલી હદે જશે તેની તો કલ્પના પણ ન હતી.” સાસુમા દુઃખી થઈ બોલ્યાં.

“જમાઈરાજ ! જો તમને યોગ્ય લાગે તો જેટલું પણ દેવું હોય એ કહો તો ગમે તેમ કરીને અમે ચૂકવી દઈએ. અમે તમને દીકરા જ ગણીએ છીએ.” સસરાએ પૂરી તૈયારી બતાવી.

  “બાપુજી ! માની લો કે હું હાલ પૂરતા તમારી પાસેથી લઉં પણ ખરો તો તેનું પરિણામ વધુ ખરાબ આવશે. તમે દેવું ચૂકવ્યું છે એ જાણીને ચિત્રા મારા પર પૂરેપૂરી સવાર થઈ જશે, મને ગુલામ બનાવી દેશે. એનાં મોજશોખનું પ્રમાણ અત્યાર કરતાં પણ વધી જશે. બાકી હવે જો બે ચાર મહિના પણ અમે સાથે રહીશું તો દેવાનો ડુંગર એટલો મોટો થઈ જશે કે એક દિવસ મારે ઝેર ખાવાનો વારો આવશે !”  

“ગૌરાંગકુમાર ! તો પછી હવે શું વિચાર્યું છે ?”

“એક જ રસ્તો છે વિશાલભાઈ ! હું મુક્ત થવા ઈચ્છું છું.”

“તમારી વાત એકદમ સાચી છે. અમને પણ લાગે છે હવે તમારે ચિત્રા સાથે રહેવાનો કોઈ અર્થ નથી.” કહી વિશાલે માતા પિતા સામે જોયું. “બા, બાપુજી ! તમને શું લાગે છે ?”

“તારી વાત બરાબર છે.”

ગૌરાંગનાં જીવને નિરાંત થઈ, “મને ભરોસો હતો કે તમે બધા મારી પરિસ્થિતિ સમજી શકશો, મેં લીધેલાં નિર્ણય સાથે સહમત થશો.” ગૌરાંગે બ્રિફકૅસમાંથી ડાયવૉર્સ પેપર કાઢ્યાં.

“આ ડાયવૉર્સ પેપર. તમારામાંથી કોઈ પણ બે સાક્ષીમાં સહી કરી આપો તો મોટી મહેરબાની !” ગૌરાંગે હાથ જોડ્યા

“અરે, આ શું કરો છો કુમાર ? હાથ તો અમારે જોડવા જોઈએ કે મારી બેને અમારું કૂળ લજવ્યું. બા બાપુજી હમણાં જ સહી કરી આપે છે.”

વિજયાબેન અને હસમુખરાયે અશ્રુભીની આંખે જમાઈ સામે જોઈ સાક્ષીમાં સહી કરી.

“ચાલો ત્યારે, હું નીકળું એટલે જેમ બને તેમ જલ્દી મારો છુટકારો થાય !” ગૌરાંગ સાસુ સસરાને પગે લાગી નીકળી ગયો. ત્યારે લગભગ અઢી વાગ્યા હતા. લગભગ સાડા ચાર વાગ્યે ગૌરાંગે પોતાના હૉલમાં પગ મૂક્યો.

“કેમ આટલા બધા વહેલાં ?”

“ઘર મારું છે સમજી ! ગમે ત્યારે આવું, પૂછવાવાળી તું કોણ છે !” ગૌરાંગે આંખ કાઢી મોટેથી ચોપડાવી દીધું.

ગૌરાંગનો ઘાંટો શુભાષનાં ઘર સુધી પહોંચ્યો. શુભાષ અને કૌશિકા બંનેને ફાળ પડી ક્યાંક આજે પણ ગઈકાલ જેવું ન થાય ! ગઈકાલે જે બન્યું હતું તેનાથી એ બંનેને ‘મોટાભાઈ’ની એટલી બધી ચિંતા હતી કે આજે શુભાષને કામે ચડવાની ઈચ્છા જ ન થઈ એટલે એ ઘરે જ હતો. બંને તરત જ ‘મોટાભાઈ’નાં હૉલમાં આવી ઊભા રહી ગયા.

“હું તો એમ કહેતી હતી કે તમારી તબીયત તો બરાબર છે નેં ? તબીયત બરાબર ન હોય તેવું લાગતું હોય તો ડૉક્ટરને ફૉન કરું.” ચિત્રા કૌશિકાને સામે ઊભેલી જોઈ એટલે થથરી ગઈ અને વાત તથા બોલવાનો ટૉન બંને બદલાવી નાંખ્યાં.

“તારે મારી ચિંતા કરવાની જરૂર નથી, સમજી ?” કહી એ સૉફા પર બેઠો. કૌશિકાએ પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો. ગૌરાંગ પાણી પી બૅડરૂમમાં ગયો. પાંચેક મિનીટ પછી પાછો આવ્યો.

“લે આ તારી પાસ બુક, ચૅક બુક અને લૉકરની ચાવી. બાકી તારા કપડાં અને દાગીના બધું ફટાફટ ભર બેગમાં ! તારું અહીં કોઈ કામ નથી.” કહી ગૌરાંગે ડાયવૉર્સ પેપર તેની સામે મૂક્યા. “કર સાઈન અને ચાલતી પકડ !”

ચિત્રાનું મગજ બે ત્રણ મિનીટ તો જાણે કામ કરતું બંધ થઈ ગયું. 

“વાંચીલે બરાબર ! તારા મમ્મી પપ્પાએ વિટનૅસમાં સાઈન કરી છે.”

ચિત્રાએ તરત જ વિશાલને ફૉન કર્યો. એ બધા જાણતાં જ હતા કે ત્રણ ચાર કલાકમાં જ ચિત્રાનો ફૉન આવશે. વિશાલે સ્પીકર ઑન કર્યું. “બોલ ! શું છે ?”

“ભાઈ ! આ બધું શું છે ?”

“શુ છે એટલે ? બધાની જવાબદાર તું જ છે, સમજી ! તો હવે તારા કર્યાં ભોગવ ! વધારે કંઈ પૂછવાની જરૂર નથી. સાક્ષીમાં મેં અને તારા બાપુજીએ રાજીખુશીથી સહી કરી આપી છે. સહી કર અને ગૌરાંગનો પીછો છોડ ! કાન ખોલીને સાંભળી લે, તારા જેવી કૂળનાં નામ પર કાળો ડાઘ લગાડનારી માટે આ ઘરનાં દરવાજા પણ કાયમ માટે બંધ છે, સમજી ?”

“પણ મમ્મી હું ક્યાં જઈશ ?”

“એ બધું તારે બહુ સમય પહેલાં વિચારવાની જરૂર હતી. છૂટાછેડાનાં કાગળ પર સહી કર એટલે વાત પતે !” કહી વિજયાબેને ફૉન કટ કર્યો.  

ચિત્રા પાસે કોઈ વિકલ્પ જ ન રહ્યો. રડતાં રડતાં ખાલી હાથે માંડ માંડ પગ ઉપાડી નીકળી ગૅટ બહાર.

ગૌરાંગે ડાયવૉર્સ પેપર હાથમાં તો લીધા પણ અશ્રુધારાથી ભીંજાવા લાગ્યા. શુભાષે એના હાથમાંથી પેપર લઈ લાઈટર જગાવી લગાડી આગ. ગૌરાંગે એના ખભે માથું ઢાળી દીધું.

“મોટાભાઈ ! હજુ પણ મોડું નથી થઈ ગયું. ભાભી ખાસ દૂર ગયા નહીં હોય. એ બિચારા ક્યાં જશે ?” કહી ‘મોટાભાઈ’નો હાથ પકડી લાવ્યો શેરીમાં. કૌશિકા પણ સાથે ચાલી. શેરીમાં પડોશીઓ તમાશો જોવા પોત પોતાનાં દરવાજે ઊભા રહી ગયા હતા. ચિત્રા શેરીનાં છેડે માથું પકડી રડતી હતી. 

ત્રણેય ચિત્રા પાસે આવ્યા. ગૌરાંગે ચિત્રાનાં માથા પર હાથ મૂક્યો, “ગૃહસ્થીના રથનાં બે પૈડાંમાંથી એકાદ કો’ક દી ધીમા તો કો’ક મોટા અવાજે કિચૂંડ કિચૂંડ કરે ! એમાં કાંઈ એ પૈડું કાઢીને ફેંકી થોડું દેવાય ? થોડું તેલ ઊંજવું પડે.” ગૌરાંગે ચિત્રાને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. 

ચિત્રા એના પગમાં ઘૂંટણીએ પડી, “એક વખત માફ કરી દો ! તમને બા ના હાથના રોટલા હજુ પણ યાદ આવે છે નેં ? હું એ બનાવતાં શીખી જઈશ. છાસ રોટલાં ખાઈશું પણ બે ત્રણ વર્ષમાં એક એક પાઈ ચૂકવી દઈશું, જરાય મૂંઝાતા નહીં, પણ મને એક મોકો આપો !”

“અરે ગાંડી, એ માટે તો અમે ત્રણેય આવ્યા છીએ ! ચાલ, સંભાળી લે તારું ઘર.” ગૌરાંગે એને ઊભી કરી.

“તેં મારી આંખ પર ચડી ગયેલી રૂપિયાની પટ્ટી ઊતારી મારી આંખ ખોલી ! મને મોટીબેન સમજી માફ નહીં કરે ?” ચિત્રા કૌશિકાનાં પગે પડી. કૌશિકા એને ઊભી કરવા લાગી. 

“એક જ શરતે ઊભી થઈશ. તમારે બંનેએ કાયમ માટે અમારે ઘરે અમારી સાથે રહેવું પડશે ! મારું મગજ ફરી આડું ચાલે તો સીધી લાઈને કોણ લાવશે ?” હસતી હસતી ચિત્રા ઊભી થઈ. 

તમાશો જોવા ઊભેલા પડોશીઓની તાળીઓનાં અવાજથી શેરી ગુંજી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational