STORYMIRROR

Ramesh Sanghavi

Inspirational

4  

Ramesh Sanghavi

Inspirational

અંદરનો માણસ

અંદરનો માણસ

15 mins
370

અંજનાબેન સારંગપુર મુક્તેશ્વર મહાદેવ મંદિરનું પ્રાંગણ વટાવી મંદિર તરફ જઈ રહ્યા હતા કે જોયું તો એક વયોવૃદ્ધ અને લગભગ પંચોતેર આસપાસનાં માજી મંદિરનાં પગથિયાં ઊતરી ધીમે ધીમે આગળ વધી રહ્યા હતાં. મંદિરથી પંદર વીસ ડગલાં દૂર હશે કે એ વયોવૃદ્ધની નજર અંજનાબેનનાં ચહેરા પર સ્થિર થઈ ગઈ. એમની અને અંજનાબેની નજર ચાર થઈ. અંજનાબેને જોયું તો એ વયોવૃધ્ધ એમની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. જો કે એમની ઉંમરને ધ્યાનમાં લેતાં અંજનાબેનને કંઈ અજુગતું ન લાગ્યું. 

“ચાલો હવે, આટલા સમયથી એમની સામે આમ શું જુઓ છો ? કોઈ જુએ તો કેવું લાગે ?” બે ત્રણ મિનીટ સુધી પતિ દલપતભાઈની નજર અંજનાબેનનાં ચહેરા પર સ્થિર થઈ ગયેલી જોઈ પત્ની તારાબેને પતિને ટોક્યાં.

“ઓહ, એ તો ધ્યાન બહાર જ રહી ગયું !” આંખોમાં એક અનેરો આનંદ ભરી પાછળ ફરી ફરીને અંજનાબેનને જોતાં જોતાં દલપતભાઈ ચાલ્યા મંદિરનાં પ્રાંગણનાં દરવાજા તરફ અને અંજનાબેન મંદિર તરફ. આવી ત્રણ મુલાકાત પછી એક દિવસ દલપતભાઈએ અંજનાબેનને ઊભા રાખ્યાં, “બેન! આપને ખરાબ ન લાગે તો બે મિનીટ વાત કરવાની ઈચ્છા છે.”

“એમાં પૂછવાનું શું હોય કાકા ?”

“બેન! આપણે અહીં ત્રણ વખત મળ્યા, હું ટગર ટગર આપની સામે જોતો રહ્યો તો આપને કદાચ થયું હશે કે હું શા માટે જોઉં છું. કોઈ સ્ત્રી સામે અમે પુરુષો આ રીતે જોઈએ એ વ્યાજબી તો ન કહેવાય પણ ખાસ કારણથી જોતો હતો.” દલપતભાઈ અંજનાબેનનાં પ્રતિસાદની રાહ જોવા લાગ્યા.

“હોતું હશે કંઈ? આપ તો મારા પિતાજીની ઉંમરનાં છો, આપનાં બાબત કંઈ આવું અવળું થોડી વિચારું ? જે કંઈ કારણ હોય એ કહો.”

“ઘણાં લોકોને આવી વાતમાં વિશ્વાસ હોતો નથી, કદાચ આપને પણ ન હોય છતાં કહ્યાં વગર રહી શકતો નથી. કોણ જાણે ભોળોનાથ ક્યારે બોલાવી લે અને હૃદયની વાત હર્દયમાં જ રહી જાય ! જ્યારથી આપને જોયા છે ત્યારથી એવું લાગે છે કે આપ ગયા જન્મનાં મારા નાના બેન છો.”

“તો તો હું આપને ‘કાકા’ નહીં, ‘ભાઈ’ કહીશ !” અંજનાબેન હસતા હસતા બોલ્યાં. 

“ખરેખર આપ મને ‘ભાઈ’ કહીને બોલાવશો ?” વૃધ્ધની પાંપણ હર્ષનાં અશ્રુથી ભીની થઈ.

“હા ભાઈ ! હવેથી એ જ રીતે બોલાવીશ પણ જો તમે મને ‘આપ’ કહેવાનું બંધ કરશો તો. મોટાભાઈ નાની બેનને ‘આપ’ કહે ?”

“તો હવેથી ‘બેના’ કહીશ, બસ ? બેના ! થોડો ટાઈમ હોય તો બાંકડે બેસી વાતચીત કરીએ.”

“હા ભાઈ! ચાલો જુઓ ત્યાં એક બાંકડો સાવ ખાલી છે. ભાઈ, ભાઈ અને બેન ગોઠવાઈ ગયા બાંકડા પર. અંજનાબેન હકથી ભાઈ ભાભીની વચ્ચે બેઠાં. સાથે બેસી વાત કરવા માટેની મુલાકાતનો પહેલો દિવસ હતો તો એકબીજાનો પ્રાથમિક પરિચય થયો. 

સારંગપુરની સાંકડી પોળમાં દલપતભાઈનું મકાન, એક જ દીકરો ખુશાલ. એ સૉફ્ટવેર એન્જિનિયર. અમેરિકા જોબ મળી, ભારતીય મૂળની કિરણ સાથે લગ્ન કરી છ વર્ષથી ત્યાં જ સૅટલ થયો છે. કિરણનો જન્મ તો અમેરિકા થયેલો પણ ઘરનું વાતાવરણ પૂરેપૂરું ભારતીય. ઘરમાં ગુજરાતીમાં જ વાતચીત કરવાની. વડીલો સાથે કઈ રીતે વર્તવું, કેવી ભાષામાં વાત કરાય એ બધા સંસ્કાર કિરણને નાનપણથી મળેલા. દીકરો વહુ દૂર બેઠાં પણ માતા પિતાનું પૂરતું ધ્યાન રાખે. વર્ષમાં એક બે વખત તો આઠ દસ દિવસ માટે માતા પિતા સાથે રહેવા, એમની સારસંભાળ રાખવા આવે જ. દલપતભાઈ અને તારાબેન બંનેનું સ્વાસ્થ્ય ઉંમરનાં પ્રમાણમાં ઘણું સારું. એક પણ કાયમી બીમારી નહીં સિવાય કે અવસ્થાની થોડી નબળાઈ. અંજનાબેન ઇસનપુર રહે. એમને પણ એક જ દીકરો, સૌલિમ. ખૂબ મિલનસાર, ટી.વાય. બી.કોમ.માં અભ્યાસ કરે છે. સૌમિલનાં પિતાજી રાકેશભાઈનો નાના પાયા પર ટ્રાન્સપોર્ટનો બિઝનૅસ. 

“ભાઈ, ભાભી! હવે હું જાઉં. સૌમિલ કૉલેજથી આવતો જ હશે. એ કૉલેજથી આવે એટલે તરત મારા હાથની ચા માંગે.”

“ભલે બેના ! પણ મળતી રહેજે હોં ? અમને લાગશે કે અહીં પણ ‘અમારું’ કોઈ છે.”

“ચોક્કસ ભાઈ! હું દરરોજ તો નથી આવતી એટલે બે ત્રણ દિવસે મળતા રહીશું.” 

ભાઈ, ભાભી અને બેનની ત્રણ મુલાકાત આ જ રીતે દસ પંદર મિનીટ માટે મંદિરે જ થઈ. ત્રણેયનાં હરખની સીમા ન હતી. અંજનાબેનનો સગો એક નાનો ભાઈ તો હતો છતાં કોઈ એમને ‘બેન’ કહી બોલાવે અને અંજનાબેનને એ સંબોધનમાં ભાઈ જેવી લાગણીનો સાચો રણકો સંભળાય, ‘બેન’ કહેનારની આંખમાં ભાઈ જેવો સ્નેહ દેખાય તો અંજનાબેન ગદગદિત થઈ જાય. આ ત્રીજી મુલાકાતમાં પણ ભાઈ ભાભી અને બેન બેઠાં એ જ બાંકડે. વાતનો દોર શરૂ થયો.

“બેના! ઘરે ક્યારે આવીશ? અહીં તો આપણે માંડ દસ પંદર મિનીટ સાથે બેસી શકીએ છીએ. ઘરે આવ તો આરામથી બેસીને વાત થાય.”

“ભાઈ! મને પણ ઈચ્છા થાય છે કે તમારી સાથે આરામથી વાતો કરું પણ સૌમિલનાં પપ્પાનો બિઝનૅસ એવો છે કે એ બપોરે જમવા માટે લગભગ બે વાગ્યે આવી શકે. ત્રણેક વાગ્યા આસપાસ પાછા ઑફિસ જાય. સૌમિલ કૉલેજથી છ વાગ્યે આવે ત્યારે મારે ઘરે હાજર રહેવું પડે. આમ મારે કોઈને ત્યાં જવું હોય તો મારી પાસે બપોરે ત્રણેક વાગ્યાથી છ વાગ્યા સુધીનો સમય હોય. કોઈનાં ઘરે ભરબપોરે ત્રણ વાગે થોડું જવાય ? તમારે ત્યાં આવવું હોય તો મારે પાંચ વાગ્યે આવવું પડે, હું આવી પણ શકું પણ એ સમયે તો તમે મંદિરે હો.” અંજનાબેને પોતાનું લગભગ આખા દિવસનું ટાઈમ ટેબલ રજૂ કર્યું.

“લે, કર વાત ! બેનડી માટે ભાઈનું ઘર ‘કોઈ’નું થોડું કહેવાય ? એ તો પિયર કહેવાય. પિયરે તો બેન અડધી રાત્રે પણ આવી શકે.”

“ભાઈ! એ તો છે જ પણ તમારી અને મારા ભાભીની ઉંમર જોતાં બપોરે તમારે આરામ તો જોઈને નેં ? બાકી ત્યાં સારંગપુર મારી એક ખાસ ફ્રેન્ડ રહે છે તો હું ક્યારેક ક્યારેક બપોરે આવું જ છું. બે પાંચ દિવસમાં જ આવવાની છું. એ વખતે તેને ત્યાં થોડો સમય બેસી તમારે ત્યાં આવીશ.”

“વાહ! તો તો તું બહુ જલ્દી ભાઈને ઘરે બેનબા પધારશે. બેના! હવે તારા જવાનો સમય થાય છે. સૌમિલને ચા જોઈશે નેં?” હસતા હસતા ભાઈ ભાભી ઊભા થયા, અંજનાબેનનું એક્ટિવા ચાલ્યું ઇસનપુર તરફ. થોડું મોડું થઈ ગયું હતું તો અંજનાબેને એક્ટિવા વધુ સ્પીડથી ચલાવ્યું છતાં ઘરે પહોંચ્યા ત્યારે સૌમિલ મમ્મીનાં હાથની ચા ની રાહ જોતો બેઠો હતો.

“મમ્મી! તને તો ખબર જ છે કે એક તો જેવો કૉલેજથી આવું કે તરત તારા હાથની ચા જોઈએ અને બીજું, મારી વહાલી મમ્મીનું મોઢું જોવા જોઈએ. પૂરા સાત કલાકે તારું મોઢું જોવા મળે છે! પ્લીઝ, મારા અવવાનાં સમયે ક્યાંય બહાર ન રહીશ!”

“જાણું છું બેટા પણ આજે મોડું થઈ ગયું. હવેથી નહીં થાય, બસ ?” અંજનાબેન દીકરાને મીઠી પપ્પી આપી ચાલ્યા ચા બનાવવા. 

“લે તારી સ્પેશિયલ ચા! થોડી થઈ ગઈ છું તો થોડીવાર આરામ કરું ?”

“હા, હવે જા, હું પણ ટી.વી.જોઈશ.” સૌમિલને મમ્મીને જોયાંનો સંતોષ થઈ ગયો.

અંજનાબેન બેડરૂમમાં આડા પડ્યાં. દીકરાનું વહાલ જોઈ અંજનાબેનની નજર સમક્ષ અત્યાર સુધીનો ઘરનો ચિતાર, દીકરા સિવાયનાં દરેક સભ્યનું એમનાં પ્રત્યેનું વર્તન તરવરવા લાગ્યું. પરણીને આવ્યા ત્યારથી એમને સાસુ, સસરા, ત્રણ નણંદ અને પતિદેવ, કોઈ તરફથી માન કે કુટુંબીજન જેવી લાગણી … પ્રેમ .. હૂંફ મળવા તો દૂર રહ્યાં પણ દરેકનાં વાણી વર્તનમાં તિરસ્કાર જ મળ્યો. આ બધું દસ વર્ષ સહન કરવું પડ્યું. એટલું સારું થયું કે લગ્ન પછી દસ વર્ષે પતિને અમદાવાદ એક ટ્રાન્સપૉર્ટ કંપનીમાં સામાન્ય નોકરી મળી એટલે સાસરેથી તો છુટકારો મળ્યો પણ પતિની ઉપેક્ષા, આંકરો સ્વભાવ તો કાયમ સહન કરવો જ પડતો. રાકેશભાઈએ સવારે નવ સાડા નવથી રાત્રિનાં દસ અગિયાર વાગ્યા સુધી ઑફિસે રહેવું પડે, વચ્ચે બપોરે બે વાગ્યા આસપાસ જમવા માટે ઘરે આવી શકે અને ત્રણેક વાગ્યે પાછા ઑફિસ જવું પડે. રાત્રે ઘરે આવ્યા પછી પણ ઘણી વખત ડ્રાઈવરનાં ફૉન ચાલુ હોય. પતિદેવ લગભગ આખો દિવસ ઑફિસે અને દીકરો સાતેક કલાક કૉલેજ હોય એટલે આમ જોવા જઈએ તો દિવસનો મોટાભાગ અંજનાબેન લગભગ એકલવાયું જીવન જ જીવતા. માણસ આખો દિવસ શું કરે? તો અંજનાબેન મોબાઈલમાં આંખો ફોડે. ક્યારેક ફેસબુક, ક્યારેક વોટ્સએપ, ક્યારેક મૅસેન્જર તો ક્યારેક કોઈ સાઇટ પર વાર્તા, નવલકથા વગેરે વાંચી સમય પસાર થાય. ક્યારેક વોટ્સએપ કે મૅસેન્જર પર કોઈ સજ્જન ભાઈ અથવા કોઈ મહિલા મિત્ર વાત કરવા માંગતી હોય તો તેની સાથે વાત કરે. 

મુક્તેશ્વર મહાદેવનાં મંદિરે દલપતભાઈ અને તારાભાભીએ ઘરે આવવા આમંત્રણ આપેલ તો અંજનાબેન હરખાતાં હરખાતાં બપોરે ચાર વાગ્યે પહોંચી ગયા ભાઈનાં ઘરે. વર્ષો પછી બેન આવી હોય એવું વહાલસોયું સ્વાગત થયું. એકાદ કલાક વાતો કરી. મુક્તેશ્વર મંદિર જવાનો સમય થવા આવ્યો. “બેના! હવે મુક્તેશ્વર જઈશું ? સમય થવા આવ્યો છે.” દલપતભાઈ અને તારાબેન હાથ મોં ધોઈ તૈયાર થયા. 

“બેના, લે આ લક્ષ્મીજી. પૂજામાં રાખજે ! તમારા ઘર પર કાયમ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે.” દલપતભાઈએ આશીર્વાદ આપતાં હોય એમ બેનનાં માથા પર હાથ મૂકી લક્ષ્મીજીની છાપ વાળો ચાંદીનો સિક્કો મૂક્યો. ત્રણેય મુક્તેશ્વર ગયા, દર્શન કરી ત્યાં પણ થોડી વાર સાથે બેઠાં. 

અંજનાબેન ક્યારેક વોટ્સએપ તો મૅસેન્જર પર કોઈ ખાસ સજ્જન મિત્ર અથવા તો કોઈ મહિલા મિત્ર હાજર હોય તો તેમની સાથે વાત કરતાં એ વાત રાકેશભાઈની જાણ બહાર ન હતી. આ એમને પસંદ પણ ન હતું તો ક્યારેક નારાજગી પણ દર્શાવતા. આમ પણ તોછડા વાણી વર્તન ઉપરાંત ઘણી વખત એવું પણ બને કે બિઝનૅસનાં ટેંશનનો ભોગ અંજનાબેન બને. અંજનાબેન દિકરાથી છુપાવીને થોડું રડી લે. રજાનાં દિવસે અથવા તો સૌમિલ ઘરે હોય ત્યારે આવું કંઈ બન્યું હોય અને સૌમિલને ખબર પડે કે એની મમ્મી બેડરૂમમાં રડે છે તો છાની રાખવા પ્રયત્ન કરે, “મમ્મી! પપ્પા છે જ એવા. તું તો જાણે જ છે કે કોઈ એમનો સ્વભાવ બદલાવી શકે તેમ નથી. ધીમે ધીમે બધું સરખું થઈ જશે.”

અંજનાબેન દલપતભાઈને ત્યાં પહેલી વખત ગયા અને જે સ્નેહથી દલપતભાઈ અને તારાભાભીએ આવકાર્યા, એમનાં શબ્દોમાં ‘ભાઈ ભાભી’નાં વહાલનો જે હૃદયપૂર્વકનો રણકો સાંભળ્યો, અંજનાબેને એમની આંખમાંથી નીતરતું સગા ‘ભાઈ ભાભી’ જેવું વહાલ અનુભવ્યું એટલે સાત આઠ દિવસે એમનાં ઘરે જવા લાગ્યા. પતિને આવું બધું ખાસ પસંદ ન હતું તો અંજનાબેન ભાઈ ભાભીને પોતાને ઘરે તો બોલાવી ન શકે એટલે જ્યારે પણ દલપતભાઈને ત્યાં જાય ત્યારે સરસ મજાની નાસ્તાની કોઈ પણ આઇટમ બનાવીને સાથે લઈ જતા. આ રીતે ચાર મહિના ચાલ્યું. ત્રણેયનાં જીવ એટલા મળી ગયા કે અંજનાબેન દલપતભાઈ ને ‘મોટા ભાઈ’ અને તારાબેનને ‘મોટા ભાભી’ કહેવા લાગ્યા તો એ બંને અંજનાબેનને ‘છોટી બેના’ કહેવા લાગ્યા. આ ચાર મહિના દરમિયાન અંજનાબેન ત્રણ વખત સૌમિલનાં સમયે ઘરે પહોંચી ન શક્યા. બે વખત તો એ અલગ અલગ બહાના બતાવી સૌમિલની નારાજગી દૂર કરી શક્યા હતા પરંતુ આજે ત્રીજી વખત મોડું થયું તો, “જો મમ્મી! છેલ્લી વાર કહી દઉં છું. જો હવેથી કદી પણ તું મોડી આવીશ તો હું તારી રાહ નહીં જોઉં. ગમે ત્યાં જતો રહીશ, રાત્રે મોડેથી આવીશ. પછી તું મારી રાહ જોતી રહેજે!” સૌમિલ વધુ પડતો નારાજ હતો, એની મમ્મી પર લગભગ ગુસ્સે થઈ ગયો.

“ના.. ના..! બેટા એવું ન કરીશ. હું તારા ગુસ્સાનું કારણ સમજી શકું છું. હું જાણું છું કે આજે તું આટલો ગુસ્સો શા માટે કરે છે, તું મને જોયા વગર રહી શકતો નથી એ હું નથી જાણતી? તારે ગમે તેટલો ગુસ્સો કરવો હોય એટલો કરીલે પણ પ્લીઝ, મારે અવવામાં મોડું થાય તો ક્યાંય જતો ન રહીશ. તને ખબર છે, હું પણ તારા આવવાની કેટલી રાહ જોતી હોઉં છું? બાકી હવેથી મોડું નહીં થાય એ વાતનું પૂરું ધ્યાન રાખીશ. ચાલ, હવે મસ્ત ચા પી એટલે ગુસ્સાનો પારો નીચે ઊતરે.” અંજનાબેને દીકરાને બાથ ભરી બંને ગાલ પર મીઠી પપ્પી આપી.

“તું મારી નબળાઈ જાણી ગઈ છે. તું મીઠી પપ્પી આપે એટલે વાત પૂરી. ચાલ, હવે ચા આપ એટલે તારો દીકરો ખુશ.”

અંજનાબેન ચા લઈ આવ્યા, દીકરા પાસે બેઠાં. સૌમિલે ચા પૂરી કરી. “બેટા! હું ત્રણ વખત મોડી આવી, પહેલી બે વખત તો મેં તને મોડા આવવાનાં ખોટા બહાના બતાવ્યાં મને લાગે છે કે હવે તને મોડા આવવાનું સાચું કારણ કહી દઉં. અંજનાબેને દલપતભાઈ અને તારાભાભી વાળી અત્યાર સુધીની વાત કહી.

“વાહ, મમ્મી! તને ખુશી મળે એવું આવું સરસ કારણ છે તો પછી પહેલી વખતે જ કહી દેવું જોઈએ નેં? તને આટલા પ્રેમાળ ભાઈ ભાભી મળ્યાં છે તો પ્રેમથી જજે. તારે આવવામાં મોડું થાય તો મારી ચિંતા ન કરીશ.”

“બેટા! આ સાંભળી ખુશ થયો તો બીજી એક વાત કહું? મોટાભાઈ અને ભાભી ઘણી વખત તને અને તારા પપ્પાને લઈને આવવાનું કહે છે. તું તો જાણે જ છે કે તારા પપ્પાને આવું બધું પસંદ નથી તો એ તો ન જ આવે પણ તું એકાદ વખત આવીશ? એમને સારું લાગશે.” 

“હા, ચોક્કસ! મામાનું ઘર કોને ન ગમે? આવતા રવિવારે જ જઈએ.” 

“હા, રવિવારે તારે રજા હોય એટલે એ બરાબર રહેશે.” અંજનાબેન ખુશ થતાં થતાં બેડરૂમમાં ગયા.

“મોટાભાઈ, જુઓ કોણ આવ્યું છે!” રવિવારે અંજનાબેને મોટાભાઈ સામે ઊભા છે.

સૌમિલ મામા મામીને પગે લાગ્યો. “સૌમિલ છે નેં? કેટલાં દિવસે આવ્યો!” મામાએ ભાણીયાને બાજુમાં બેસાર્યો. 

  “આમ ઊભી છે શું! આટલા દિવસે ભાણીયો આવ્યો છે. મીઠુ મોઢું તો કરાવ?” 

“ભાભી, કંઈ બનાવવાની જરૂરી નથી. આજે મીઠી વસ્તુ જ લાવી છું. સૌમિલને સુખડી બહુ ભાવે છે, તમને પણ ભાવે છે તો સુખડી લાવી છું.” અંજનાબેને ડબ્બો ખોલ્યો. 

“મમ્મી નિરાંતે આવજે પણ રસોઈનાં સમયે આવી જજે.” એકાદ કલાક બેસી સૌમિલ ઘરે ગયો.

“સૌમિલ! મોટા ભાઈ અને મોટા ભાભીનો સ્વભાવ કેવો લાગ્યો?” અંજનાબેન રસોઈ બનાવી દીકરા પાસે બેઠાં.

“ખરેખર તું કહેતી હતી એવા જ પ્રેમાળ છે! હવે હું પણ ક્યારેક ક્યારેક તારી સાથે આવીશ. હું મારી રીતે એક વખત પપ્પાને પણ કહી જોઈશ બાકી પપ્પાની આશા ન રાખીશ. આપણે આપણી રીતે આપણો આનંદ કરી લેવાનો. તારે બસ, પપ્પાનાં સમય સાંચવી લેવા એટલે ખોટો ગુસ્સો ન કરે.”

બે ત્રણ દિવસ પછી રાત્રે સૌમિલ મમ્મી પપ્પા સાથે જમવા બેઠો. રાકેશભાઈ થોડા રિલૅક્સ હોય એવું લાગ્યું તો સૌમિલે દલપતભાઈ, તારા અને એની મમ્મીનાં લાગણીનાં સંબંધની ડિટેલથી વાત કરી. “પપ્પા! મોટા મામા અને મોટા મામી તમને મળવા પણ ખૂબ આતુર છે. પોસીબલ હોય તો એક વખત આવશો?” સૌમિલે હળવે રહીને વાત મૂકી.

“તો એમ વાત છે! જો સૌમિલ, મને ખબર છે કે તારી મમ્મી મોબાઈલ પર મૅસેજથી એનાં ફ્રેન્ડ્સ સાથે વાતો કરે છે. એ મને પસંદ નથી છતાં ચલાવું છું. બાકી આ રીતે જે લોકો સાથે આપણો લોહીનો સંબંધ ન હોય ત્યાં જવાનું મને પસંદ નથી. તમે બંને એ ભાઈને ત્યાં જશો એ પણ હું ચલાવી લઈશ પણ લિમિટમાં રહેજો. બાકી..!” એ સાથે જ ડાયનિંગ ટેબલ પર ચુપકીદી છવાઈ ગઈ. જમ્યાં પછી રાકેશભાઈ સીધા બેડરૂમમાં જતા રહ્યા.

“સાંભવ્યું બેટા! તારા પપ્પા ‘બાકી ..’ માં કેટલું કહી ગયાં ? આ માણસને હૃદય જેવું કંઈ છે જ નહીં!” અંજનાબેન પહેલી વખત દીકરાનાં ખોળામાં માથું મૂકી રડી પડ્યા.

“મમ્મી ! હું સમજુ છું તને કેટલું દુઃખ થાય છે. પણ એટલું તો સારું થયું કે આપણને જવાની છૂટ આપી?”

એક મહિના પછી અંજનાબેન મોટા ભાઈને ત્યાં ગયા તો ખુશાલ અને કિરણને આવેલા જોયા. આ વખતે એ લોકો અચાનક આવ્યા હતા તો અંજનાબેનને એમનાં આવવાની જાણ ન હતી.

“પ્રણામ ફૈબા !” ખુશાલ અને કિરણ સજોડે અંજનાબેનને પગે લાગ્યાં

“અરે ? આ શું કરો છો !” અંજનાબેન થોડા પાછળ ખસી ગયા.

“શું કરીએ છીએ એટલે ? ફૈબાનાં આશીર્વાદ તો લેવા જોઈએ નેં? આ કંઈ અમેરિકા થોડું છે કે ‘હાય, આંટી! હાઉ આર યુ?’ કહીએ એટલે વાત પૂરી?” કિરણ હસતા હસતા બોલી.

“એ બધું તો બરાબર પણ તમે મને કેવી રીતે ઓળખી ગયા ?”

“ફૈબા! બા બાપુજીએ તમારા વિશે બધું જ કહ્યું છે. તમે જે રીતે મારા બા બાપુજીની કાળજી લો છો તેનાં માટે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.” ખુશાલ ગળગળો થઈ ગયો.

“ખુશાલભાઈ એમાં આભાર શાનો ? ભાઈ ભાભી મને કેટલો પ્રેમ આપે છે ! હું તો બસ, મારાથી બને એટલું કરું છું”

“એ તો બરાબર ફૈબા પણ આજનાં જમાનામાં આટલું કોણ કરે? બીજું કે હું તો તમારો ભત્રીજો થયો તો હવે ફક્ત ખુશાલ અને કિરણ કહેવાનું.”

દર વખતની જેમ આ વખતે પણ ખુશાલ અને કિરણ આઠ દિવસ રહ્યાં. એ દરમિયાન અંજનાબેન ભાઈને ત્યાં બે વખત એકલા આવ્યા. જે દિવસે રાત્રે ખુશાલની ફ્લાઇટ હતી એ દિવસે અંજનાબેન એમને મળવા સૌમિલને સાથે લઈ ગયાં.

એકાદ મહિનો થયો હશે અને એક દિવસ ભાઈ, ભાઈ અને બેન આનંદથી વાતો કરી રહ્યા હતા કે દલપતભાઈને બેચેની થતી હોય એવું લાગ્યું. બે મિનીટમાં તો પરસેવે રેબઝેબ થઈ ગયા. અંજનાબેને સૌથી પહેલું કામ બે ત્રણ પડોશીને બોલાવવાનું કર્યું પછી સૌમિલને ફૉન કર્યો. થોડીવારમાં ઍમ્બ્યુલન્સ આવી ગઈ, સૌથી નજીકમાં ‘સંજીવની’ હૉસ્પિટલ હતી. થોડીવારમાં જ દલપતભાઈ આઈ.સી.યુ. માં. એટલા સમયમાં સૌમિલ પણ પહોંચી ગયો.

તારાબેન, અંજનાબેન, સૌમિલ, બે પડોશી આઈ.સી.યુ. બહાર બેઠાં બેઠાં ડૉક્ટર બહાર આવી દલપતભાઈની તબીયત બાબત શું કહે છે તેની રાહ જોઈ રહ્યા છે. દોઢ કલાક વીતી ગયો, અંજનાબેનનો રસોઈનો સમય થયો, ડૉક્ટર હજુ સુધી બહાર આવ્યા નથી.

“મમ્મી! હવે તું ઘરે જા. ટાઇમસર રસોઈ નહીં બને, પપ્પા આવે ત્યારે તું ઘરે નહીં હોય તો નાહકની માથાકૂટ થશે. હું અહીં છું. પપ્પા મારું પૂછે તો કહી દે જે કે હું મારા ફ્રેન્ડને ત્યાં બર્થડે પાર્ટીમાં છું.”

“હા, બેટા હવે મારે જવું જોઈએ. લે, આ ખુશાલનો મોબાઈલ નંબર. ડૉક્ટર કોઈ સમાચાર આપે પછી ખુશાલને જાણ કરી દેજે.”

અર્ધો કલાક પછી ડોક્ટર આવ્યા, “પૅશન્ટનાં સગા ?”

“જી સર, એ મારા મામા છે, આ મારા મામી. સર શું લાગે છે ?” સૌમિલે જ કેસ સાંભળી લીધો.

“હવે ચિંતા જેવું કંઈ નથી. માઇલ્ડ હાર્ટ એટેક હતો. નાવ હી ઇસ આઉટ ઑફ ડેંજર!”

  “થેંક્સ, સર!”

ખુશાલનાં મોબાઇલની રીંગ વાગી, “હલો, કોણ ?”

“હું સૌમિલ!”

“ત્યાં કોઈ તકલીફ થઈ છે?”

“ખુશાલભાઈ! ખાસ ચિંતા જેવું નથી. બપોરથી મામાની તબીયત થોડી બગડી હતી. માઇલ્ડ હાર્ટ એટેક આવ્યો હતો પણ હવે ચિંતા જેવું કંઈ જ નથી.”

“હું જેમ બને તેમ વહેલો નીકળું છું.” ખુશાલે ફૉન કટ કર્યો. ત્રીજા દિવસે ખુશાલ પત્ની સાથે આવી ગયો અને દલપતભાઈ ઘરે. ખુશાલ અને કિરણ વધુમાં વધુ જેટલી રજા મળી એટલા દિવસ રહ્યા. જતાં પહેલાં આખા દિવસ માટેનાં કૅરટૅકર અને રસોઈયાની વ્યવસ્થા કરતા ગયા.

એ દિવસોમાં અંજનાબેન દરરોજ બપોરથી સાંજ સુધી ભાઈની સેવા ચાકરી કરવા આવવા લાગ્યાં અને સૌમિલ દરરોજ કૉલેજથી સીધો મામાને ત્યાં આવે, એકાદ કલાક મામા પાસે બેસે અને રસોઈનો સમય થાય એટલે મા દીકરો ઘરે પહોંચી જાય. બે અઢી મહિનામાં દલપતભાઈ હરતાફરતા થઈ ગયા પરંતુ ઘર બહાર જવાનું બંધ થઈ ગયું. બીજો એટેક ન આવે માટે ઘરમાં જ થોડી હરફર કરવાની છૂટ અને નિયમિત દવા લેવાની. એ પછીનાં ત્રણ મહિના તો દલપતભાઈની તબીયત બરાબર રહી પણ એક દિવસ હાર્ટ ઍટેકનો બીજો તીવ્ર હુમલો આવ્યો. ખુશાલ અને કિરણ તાબડતોબ આવી ગયા. ડૉક્ટરે પૂરતા પ્રયત્નો કર્યા પણ ચોથા દિવસે તારાબેનનો ચૂડલો નંદવાયો, ચાંદલો રેળાયો. ત્યારે રાત્રિનાં અગિયાર વાગી ગયા હતા. પત્ની કે દીકરો હજુ સુધી ઘરે ન આવ્યા તો રાકેશભાઈને ચિંતા થઈ, સૌમિલને ફૉન કર્યો. સૌમિલે દલપતભાઈનાં અવસાનનાં

“શું ? દલપતભાઈનું ડેથ થયું ? શ્મશાનયાત્રા તો સવારે જ હશે નેં ? તું અને તારી મમ્મી થોડીવાર ત્યાં બેસી ઘરે આવો. રસ્તામાંથી આપણાં બધા માટે કંઈક જમવાનું લેતા આવજો.” રાકેશભાઈએ ફૉન કટ કર્યો. પતિદેવનો ઑર્ડર છૂટ્યો એટલે મને કમને અંજનાબેને જવું પડ્યું. બીજા દિવસે સવારે શ્મશનયાત્રા સમયે રાકેશભાઈ પત્ની અને દીકરા સાથે શ્મશનયાત્રા સમયે દલપતભાઈને ઘરે પહોંચી ગયા. અંજનાબેનને નવાઈ તો લાગી પણ થયું કે માણસાઈની રૂએ આવ્યા છે. આવા સંબંધમાં પતિદેવને ખાસ કોઈ દિલચસ્પી ન હતી તો શ્મશનયાત્રા નીકળી ત્યારે અંજનાબેને પતિનાં ડરથી મનમાં ને મનમાં રડી લીધું. અગ્નિ સંસ્કાર થઈ ગયા અને બધા ઘરે આવ્યા. રાકેશભાઈ આશ્વાસન આપવા ખુશાલની પાસે બેઠાં. બપોરે જમવાનો સમય થયો એટલે પત્ની અને દીકરાને લઈ પહોંચ્યાં સારી રૅસ્ટોરન્ટે. જમવાની ઈચ્છા તો કોને હોય ? બધાએ ભારે મનથી માંડ થોડું ગળે ઊતાર્યું.

ઘરે પહોંચી હાથ, પગ, મોં ધોઈ રાકેશભાઈએ સૉફા પર લંબાવ્યું તો અંજનાબેન અને સૌમિલે બાજુની ચૅર પર. થોડીવારમાં મોબાઈલ રણક્યો.

“હા, બોલ! શું છે ?”

“શેઠજી, તમે ઑફિસ ન આવ્યા અને અત્યાર સુધી તમારો મોબાઈલ પણ બંધ હતો. આજે ક્યાંનું ભાડું છે એ પૂછવા ફૉન કર્યો.” ટ્રક ડ્રાઈવર ખચકાતાં ખચકાતાં બોલ્યો.

“હજુ સુધી તો કોઈ ભાડું નક્કી થયું નથી. અને સાંભળ, હમણાં બે દિવસ મને કોઈ ફૉન કરવાનો નથી! મારા સગામાં મરણ થયું છે. ટ્રક તારે જેમ ચલાવવો હોય તેમ ચલાવ. ભાડા ન મળે તો ઑફિસ પાસે મૂકી દે!” રાકેશભાઈએ ટૂંકી વાત કરી ફૉન કટ કર્યો.

પતિનાં શબ્દો સાંભળી અંજનાબેન આશ્ચર્યચકિત થઈ ગયા, “સાચે જ તમે બે દિવસ ઑફિસ નહીં જાવ ?”

“અંજના ! હું પણ માણસ છું. મારી છાતીમાં પણ હૃદય છે અને લોહી સાથે લાગણીઓ પણ વહે છે. તેં મોટા ભાઈ ગુમાવ્યા છે, કંઈ નાનીસૂની વાત છે? તને કેટલો આઘાત લાગ્યો હોય એ હું ન અનુભવી શકું એટલો બધો લાગણીશૂન્ય નથી. તું ભાઈ ગુમાવે અને હું પૈસા પાછળ દોડું? તો તો ફટ છે એવો પૈસો અને ફટ છે આ જિંદગીને!” રાકેશભાઈએ પત્નીને હૈયા સરસી ચાંપી લીધી.

થોડીવાર પછી અંજનાબેને પતિની છાતી પરથી માથું હટાવ્યું, બે મિનીટ તો કાયમ તિરસ્કાર ભર્યું વર્તન કરતા, તોછડાઈથી બોલાવતાં, વાત વાત પર ઊતારી પડતાં, નજીવી વાતમાં ગુસ્સો કરતા, નિષ્ઠુર કહી શકાય તેવા પતિની આંખમાં લાગણીનાં હિલ્લોળા લેતાં દરિયા જેવા હૃદય વાળા, માણસાઈથી તરબોળ ‘અંદર’નાં માણસને શોધતાં રહ્યાં. એ સાથે જ અંજનાબેનની પાંપણનાં બંધ તૂટ્યાં, પતિનાં ખોળામાં માથું મૂકી પૂરા અઢાર કલાક પછી અંજનાબેને ‘ભાઈ’ની મરણપોક મૂકી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational