Vijay Raval

Romance Thriller

4  

Vijay Raval

Romance Thriller

ક્લિનચીટ - ૧

ક્લિનચીટ - ૧

12 mins
289


૫ જુન સેટરડે નાઈટ. સમય થયો હશે આશરે રાત્રીના ૧:૩૦ ની આસપાસનો. શહેરથી બારેક કીલોમીટર દુર બર્થ ડે બોય આલોક તેના જીગરજાન મિત્ર શેખરના ફાર્મહાઉસ પર સૌ મિત્રોની સાથે પાર્ટીમાં મશગુલ હતો. ધમાકેદાર લાઇવ ડી.જે.ના તાલ પર સૌ પોતપોતાની આગવી સ્ટાઈલથી ઝૂમીને પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા અને આવતીકાલે રવિવાર હતો એટલે અગાઉ જ સર્વસંમતિથી નક્કી કર્યા મુજબ પાર્ટી વહેલી સવાર સુધી ચાલવાની હતી. ત્યાં અચાનક જ થોડીવાર બાદ આલોક એ શેખરને એક તરફ બોલાવીને કહ્યું કે, 

‘સાંભળ, હું ઘરે જઈ રહ્યો છું.’ 

આમ અચાનક જ અધવચ્ચેથી પાર્ટી છોડીને જવાની વાત કરતાં શેખર એ આશ્ચર્ય સાથે પૂછ્યું,

‘અરે,પણ કેમ ? અરે યાર આજે તારો બર્થડે છે. તારા માટે તો આટલી મજેદાર પાર્ટીનું આયોજન કર્યું છે. જો તો ખરા સૌ કેટલા ખુશખુશાલ છે. અને તું હજુ પાર્ટીની શરૂવાત થાય ત્યાં જ અચાનક આ રીતે પાર્ટી છોડીને જતો જઈશ તો દરેકનો મૂડ ઓફ થઇ જશે યાર, શું થયું તને અચાનક ? તબિયત તો સારી છે ને ?’  

‘તબિયત તો ઠીક છે પણ ખબર નહી સડનલી આઈ ફીલ સમથીંગ અનકમ્ફર્ટેબલ.’

‘કોઈ એ કઈ કહ્યું ? કઈ અઘટિત બન્યું છે ?’ 

‘નહી શેખર બટ નાઉ આઈ વોન્ટ ટુ લીવ પાર્ટી સોરી યાર.’

અચાનક આલોકના આવા કોઈ ઠોસ કારણ વગરના બેહુદા વર્તનથી શેખરને માઠું તો લાગ્યું પણ તેને થયું આ સમય તર્ક કરવાનો નથી એ વાતને ધ્યાનમાં લઈને બોલ્યો,

‘ઇટ્સ ઓ.કે. ઠીક છે. એક કામ કર તું તારી બાઈક અહીં રહેવા દે અને મારી કાર લઈને જતો રહે એ ઠીક રહેશે.’  

‘નહી નહી આઈ એમ પરફેકટલી ફાઈન, ડોન્ટ વરી. હું બાઈક પર જ જતો રહીશ.’   

થોડીવાર શેખર સાથે વાતચીત કર્યા પછી આલોક સૌને બાય કહીને નીકળી ગયો.  સૌ મિત્રોને ખુબ જ નવાઈ લાગી એટલે શેખરે સૌ ને એમ કહીને સમજાવી દીધા કે તેની તબિયત થોડી નરમ છે એટલે જઈ રહ્યો છે. એવું કહીને થોડી જ વારમાં સૌ ને ફરી એ જ ગતિશીલ મૂડની રીધમમાં લાવી દીધાં. 

આલોક ધીમે ગતિએ તેની બુલેટ હાઇવેથી સીટી તરફ હંકારતા આવી રહ્યો હતો અને હજુ તેનો ફ્લેટ ૫થી ૭ કિલોમીટર દુર હશે ને ત્યાં જ... ધીમી ધારે વરસાદની શરૂવાત થઇ અને જોત જોતામાં તો ધીમે ધારના ઝરમરની ગતિમાં તીવ્રતા આવતાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. થોડા જ સમયમાં તો વરસાદની તીવ્રતા એટલી હદે વધી ગઈ કે.. બાઈક ચલાવવું મુશ્કેલ થઇ ગયું. અને થોડીવાર પછી બાઈક બંધ પણ પડી ગયું. એ પછી આલોકે બાઈક સ્ટાર્ટ કરવાની ઘણી મથામણ કરી પણ વ્યર્થ.

મહા મુશ્કેલીથી બુલેટને રોડથી સાઈડ પર ઢસડીને સામેના એક મોટા વૃક્ષની બાજુમાં એક નાની સરખી ઝુંપડી જેવું હતું તેની આડશમાં બુલેટ પાર્ક કરીને લોક કર્યું. ત્યાં સુધીમાં તો આલોક પૂરે પૂરો ભીંજાઈ ગયો.

૨૪ વર્ષનો નવજુવાન અને જુન મહિનાની ગરમીની સીઝન એટલે આટલાં ધોધમાર તીવ્ર વરસાદના ઝાપટાંમાં ભીંજાયા પછી પણ તે સ્વસ્થ હતો. આમ પણ તેને વરસાદમાં ભીંજાવું ગમતું, પણ અત્યારે ભીંજાવા કરતાં ઘરે પહોચવું વધારે અગત્યનું હતું. એટલે આલોકે  રોડની સાઈડ પર ઊભા રહીને કોઈ લીફ્ટ મળી જાય તેની આશામાં ઘણાં પ્રત્યન કર્યા, પણ નિષ્ફળ, રાત્રીના ૨ વાગ્યાની આસપાસનો સમય, સુમસામ હાઇવે, અને ઉપરથી ધોધમાર વરસાદ. કોઈ ચમત્કાર થવાની આશા પણ નિરર્થક હતી. અને આ સિવાય આલોક પાસે કોઈ ઉપાય પણ તો નહતો.

વરસાદ હજુ એ જ તીવ્રતાથી ધોધમાર વરસી રહ્યો હતો. આશરે અડધો કલાક પછી એક બાઈક ચાલકે આલોકથી ૧૦ મીટર આગળ જઈને અચાનક બ્રેક મારીને બાઈક થંભાવી. તેણે આલોક તરફ ઈશારો કર્યો. એટલે ઝડપથી દોડીને આલોક બેક સીટ પર ગોઠવાઈ ગયો.પેલી વ્યક્તિએ ફુલલેન્થ રેઇન કોટ અને હેલ્મેટ પહેરેલા. કદ અને કાઠી પણ સપ્રમાણ હતું એટલે આલોકને કઈ અંદાજો નહતો આવતો હતો કે સ્ત્રી છે કે પુરુષ. 

આશરે ૧૫ મિનીટ પછી એક ક્રોસ રોડ પર પેલી વ્યક્તિ એ બાઈક થંભાવ્યું. આલોક બાઈક પરથી ઉતરીને હજુ એ વ્યક્તિનો આભાર માનવા માટે કશું બોલવા જાય એ પહેલા તો તે વ્યક્તિ ઝડપથી બાઈક હંકારી ને જતી રહી. આલોક વિચારતો જ રહ્યો. હવે વરસાદ પણ થંભી ગયો હતો.  આલોક હવે એવા સ્થળે હતો કે તેને કોઈ ઓટો રીક્ષા કે ટેક્ષી મળવાની શક્યતા ખરી. અને ૧૫ મિનીટ પછી એક ઓટો રીક્ષા મળી પણ ગઈ.  ફ્લેટ પર આવી ચેન્જ કરી ફ્રેશ થઈ, શેખરને કોલ પર બધી વાત કરી, બાઈકનું લોકેશન આપ્યું. શેખર એ કહ્યું ફિકર ન કરીશ, બાઈક બપોર સુધીમાં રીપેર થઇને ઘરે પોહંચી જશે. 

પછી... બેડ પર પડ્યો ત્યારે વોલક્લોક એકઝેટ ૩:૩૫નો સમય બતાવી રહી હતી. આલોક ક્યાંય સુધી પેલી વ્યક્તિ વિષે વિચારતો રહ્યો. છેલ્લાં થોડા સમયથી આંશિક અંશે સ્થિર થયેલુ ભૂતકાળનું એ અકલ્પનીય ઘટનાનું ઘટમાળ ચક્ર આજે ફરી એકવાર ગતિમાન થયું હતું. ૨૯ એપ્રિલના એ આકસ્મિક બનાવના બીનાની એક એક છબી તેની નજર સમક્ષ ફરી ચિત્રપટની માફક ફરવા લાગી. ધીમે ધીમે વિચારોના વમળ સાથે નિંદ્રામાં સરી ગયો.

૨૭ વર્ષીય શેખર શર્મા.

ખુશ મિજાજી દિલદાર,મોજીલો અને મિત્રો માટે પરોપકારી જીવ. હંમેશા ખુશખુશાલ રહેતો અલોકનો જીગરજાન મિત્ર. તે બન્નેની ગાઢમિત્રતા જોઇને કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરે એમ જ લાગે કે જાણે બન્ને સગા ભાઈઓ છે. શેખરનું મૂળ વતન ગુજરાતનું કચ્છ. પણ, બાપ દાદા વર્ષોથી બેન્ગ્લુરુમાં સેટલ થઈ ગયેલા. શેખરનો બર્થ પણ બેન્ગ્લુરુમાં જ થયેલો. તેના પિતા એક અસાધ્ય ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામેલા. ત્યારે શેખરની ઉમર ૧૧ વર્ષની. બી.કોમ. માં ગ્રેજયુએશન કમ્પ્લીટ કર્યા પછી ફેમીલી બીઝનેશ સાથે જ સંકળાઈ ગયો. વર્ષોથી તેમના ફેમિલીનો ટ્રાન્સ્પોર્ટ અને ટ્રાવેલ્સનો ઘણો મોટો બીઝનેશ. તેમના અંકલ અને સૌ પરિવાર મળીને કુલ ૧૧ ફેમીલી મેમ્બર્સ શહેરની મધ્ય વિસ્તારમાં આવેલા એક વિશાળ વિલામાં સૌ સાથે જ રહેતાં.

આલોક જે કંપનીમાં જોબ કરતો તે જ કંપની સાથે શેખરની ટ્રાન્સ્પોર્ટ કંપનીનો વર્ષોથી બીઝનેસ કોન્ટ્રકટ. ત્યાં જ એ બન્નેની પ્રથમ મુલાકાત થઇ. પરિચય થયો. વિચારો મળ્યા. ધીમે ધીમે એવાં ગાઢ સંબંધો બંધાઈ ગયા કે એક મહિનાના ટૂંકા ગાળામાં આજે તે શેખરનો એક ફેમીલી મેમ્બર બની ગયો.

આલોક દેસાઈ

ઇન્દ્રવદન અને સરોજ દેસાઈ દંપતીનું એકમાત્ર સંતાન. ૪૯ વર્ષીય ઇન્દ્રવદન સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં છેલ્લાં ૨૭ વર્ષથી સરકારી પ્રાથમિક શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા. ઇન્દ્રવદન શાંત, સૌમ્ય અને સહજ સ્વભાવના ધણી. અને તેમના પત્ની સરોજ ઇન્દ્રવદનના સ્વભાવથી પણ બે આંગળ ચડિયાતા. બન્ને કામકાજ સિવાયનો મોટાભાગનો સમય નિસ્વાર્થ ભાવે ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થાને આપતાં. પ્રભુ ભક્તિ અને સેવાભાવ તેમનો મૂળ આશય. મૂળે બન્ને સંતોષી જીવડા. તેમના આ નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવની સાફ સુથરી છબીને કારણે ગામમાં ભાગ્યે જ તેમનાથી કોઈ અપરિચિત હશે.  

આલોક, સરોજબેનનો ખુબજ લાડકો. પ્રાથમિક શિક્ષણ પિતા જે શાળામાં ફરજ બજાવતા ત્યાં જ પૂરું કર્યું. ભણવામાં તેમજ સ્પોર્ટ્સમાં હમેશાં અવ્વલ આવતો એટલે અભ્યાસ પ્રત્યેની આલોકની રુચિને ધ્યાનમાં લઈને બન્ને એ આલોકને આગળના અભ્યાસ અર્થે બરોડાની એક પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શિક્ષણ સંસ્થામાં મુકવાનો વિચાર અમલમાં મુક્યો. આલોક ત્યારે ૧૩ વર્ષનો. જે દિવસે હોસ્ટેલમાં મુકવા આવ્યા તે દિવસે સરોજબેન ખુબ રડ્યા હતાં. પ્રથમવાર આલોકથી બન્ને વિખુટા પડી રહ્યા હતા.

થોડા દિવસો આલોકને પણ વાત્સલ્યનો ખાલીપો ખૂંચતો રહ્યો. આલોકને પણ બન્નેની મનોસ્થિતિનો તાગ હતો. આલોકે મનોમન એકલવ્યની માફક ગાંઠ બાંધી લીધી હતી કે માતા પિતા એ તેના માટે કરેલો પરિશ્રમ અને સેવેલાં સપનાં વ્યર્થ નહી જાય. એ પછી તેણે અથાગ પરિશ્રમ ને તેનો જીવનમંત્ર બનાવી લીધો.

બસ તે દિવસની ઘડીને આજનો દિવસ. એક મહિના પહેલાં જ ગુજરાતની નંબર વન યુનિવર્સીટીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ટોપ રેન્ક સાથે માસ્ટર્સની ડીગ્રી હાંસલ કરીને આજે બેન્ગ્લુરુ સ્થિત જર્મની કંપનીમાં એક પ્રતિષ્ઠિત હોદ્દા પર મહીને છ આંકડાના પગાર સાથે જોબ કરતો હતો. 

આલોક સ્પષ્ટ વક્તા, ખુલ્લા વિચારો વાળો, ભરપુર આત્મવિશ્વાસ ,કદાવર બાંધો, ૬ ફૂટ હાઈટ, ટોટલી બોલીવુડ હીરો મટીરીઅલ, એડવેન્ચરનો ગજબ શોખ. ટ્રેકિંગ, કાર રેસ, સવાર અને સાંજે બન્ને ટાઇમ નિયમિત અચૂક જીમ જવાનું જ. સ્વાસ્થ્ય માટે તે હમેશાં સતર્ક રહેતો.

યુનિવર્સીટીની ફૂટબોલ ટીમનો કેપ્ટન. અને ચેસની ગેમનો પણ માસ્ટર.. આલોકને નિખાલસ અને પારદર્શક મિત્રતા ગમતી, કોલેજમાં તેની એક અનન્ય અને સન્માન જનક ઈમેજને ધ્યાનમાં રાખીને મેલ કે ફીમેલ બન્ને ફ્રેન્ડસ સાથેના અંગત કે સાવર્જનિક સંબંધને સમતોલ રાખવામાં તે કાયમ સભાન રહેતો. સ્ત્રી પાત્ર માટે થોડો અંતર્મુખી રહેતો.  

છેલ્લાં ૫ વર્ષ જે કોલેજમાં ગળ્યા ત્યાંથી હવે હંમેશ માટે વિદાય લેવાની હતી. જિંદગીના એક અનફોરગટન ગોલ્ડન પીરીયડનું ચેપ્ટર હવે પૂર્ણતાના આરે હતું. 

૫ વર્ષ પહેલાં જયારે એક ફ્રેશર તરીકે એડમીશન લીધું ત્યારે તેને અંદાજો નહતો કે, આઈ.ટી. ફેકલ્ટીના ઈતિહાસમાં આલોક દેસાઈનું નામ આટલી ઉંચાઈ એ જોડાઈ જશે. કોલેજમાં તેની લોકપ્રિયતા પાછળ તેની અથાગ મહેનત તો ખરી જ પણ તેની સાથે સાથે આલોકનો સૌમ્ય સ્વભાવ અને સૌ પ્રત્યેનો આદર અને વિનમ્રતા મુખ્ય કારણ હતા, આ યશ અને કીર્તિનો તમામ શ્રેય તે હંમેશા તેના માતા-પિતાને આપતો.

 આજથી આશરે એક મહિના પહેલા ઘટિત ૨૯ એપ્રિલની એ અવિસ્મરણીય મુલાકાત આલોકને શબ્દશઃ બરાબર યાદ છે. ૨૯ એપ્રિલ શુક્રવાર અને બીજા દિવસે શનિવારે કોલેજનો અંતિમ દિવસ હતો. 

૨૯ એપ્રિલ 

આશરે સવારના ૧૧:૪૫ નો સમય હતો.આલોક કેમ્પસના ગાર્ડન તરફ જઈ રહ્યો હતો, ત્યાજ પાછળથી કોઈ છોકરીનો અવાજ આવ્યો.

‘હેલ્લ્લો... મિસ્ટર..’

પાછળ ફરીને આલોકે જોયું. થોડી સેકન્ડ્સ માટે આલોક જોતો રહ્યો. કેમ્પસમાં આ ચહેરો ફર્સ્ટ ટાઇમ જોઈ રહ્યો હતો. એકટીવા પર આશરે ૨૦ થી ૨૨ વર્ષની હાઈટેડ, બ્યુટીફૂલ, યંગગર્લ. શોર્ટ ઓફ વ્હાઈટ જીન્સ પર નેવી બ્લુ ટી-શર્ટ, ખભા પર લેટેસ્ટ ડીઝાઇનનું લાઈટ પિંક કલરની સાઈડ બેગ, ગોગલ્સ, કાનમાં ઇઅરફોન. 

તો સામે આ તરફ પરફેક્ટ સ્પોર્ટ્સ મેન જેવું કદાવર બોડી સ્ટ્રક્ચર, ૫.૯ ની હાઈટ, લેટેસ્ટ હેર સ્ટાઈલ,પળમાં મંત્રમુગ્ધ કરતી આંખો, સ્પોર્ટ્સ શુઝ પર સ્કાયબ્લુ જીન્સની ઉપર મરૂન ટી- શર્ટમાં આલોક પણ પરફેક્ટ જેન્ટલમેન લાગતો હતો.

તેણે ગોગલ્સ ઉતારીને આલોકને પૂછ્યું, ‘ગૂડ મોર્નિંગ, કેન યુ હેલ્પ મી ?’

આલોકે કહ્યું, ‘વેરી ગૂડ મોર્નિંગ, યસ કહો.’

તેણે આલોક તરફ શેકહેન્ડ માટે હાથ લંબાવતાં કહ્યું, 

‘આઈ એમ અદિતી,અદિતી મજુમદાર.’

અદિતી એ બાઈકને ઓફ કરતાં પૂછ્યું.‘પ્લીઝ, મે આઈ નો યોર ગૂડ નેઈમ ?’ 

‘આલોક.... આલોક દેસાઈ’

‘મિસ્ટર આલોક...’ અદિતી વાક્ય પૂરું કરે એ પહેલાં આલોક બોલ્યો, 

‘ઓન્લી આલોક ચાલશે.’

‘ઓ.કે. ધેટ્સ ગૂડ. આ મને વધુ ગમ્યું કારણ કે આમ પણ મને ફોર્માલીટીની આદત નથી. આલોક, આ યુનીવર્સીટીમાં હું ફર્સ્ટ ટાઇમ આવી છું, એન્ડ આઈ હેવ સો વેરી લીટલ ટાઇમ, સો કેન યુ હેલ્પ મી એ બીટ ?’

આલોકે કહ્યું, ‘ઇફ ઇટ્સ પોસિબલ, બોલો.’

‘હું ઇન્જીનીયરીંગ ફેકલ્ટીમાં એડમીશન ઇન્ફોર્મેશન માટે આવી છું, મને લાગે છે કે કેમ્પસ ઘણું જ વિશાળ છે, તો આપ મારી જોડે આવી શકો ?’ 

થોડી ક્ષણ વિચારી આલોક એ કહ્યું, ‘ઓ.કે આઈ જોઈન યુ.’ 

‘થેંક યુ આલોક.’

‘યુ વેલકમ.’

અદિતી એ ગોગલ્સ પહેરતા કહ્યું કે.. ‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આલોક ઇટ્સ બેટર યુ ટેક ધ ડ્રાઈવ.’

આલોકે એ બાઈક સ્ટાર્ટ કર્યું. આદિતી બેક સીટ પર ગોઠવાઈ ગઈ.

આલોકે પૂછ્યું, ‘આર યુ કમ્ફર્ટેબલ ?’

‘ઓહ યસ.’

અદિતી બોલી, ‘આમ તો શક્ય હતું ત્યાં સુધી લગભગ મોટાભાગનું યુનિવર્સીટીની સાઈટ પર જઈને મેં ખાંખાખોળા કરી લીધા છે. છતાં એમ થયું કે આત્મસંતોષ અને બેઝીક ફોર્માલીટી માટે રૂબરૂ આવવું મને મુનાસીબ લાગ્યું.’

આલોકે કહ્યું, ‘ધેટ્સ ગૂડ.’ 

૫ થી ૭ મિનીટ પછી એડમીશન ડીપાર્ટમેન્ટની સામે બાઈક સ્ટોપ કરીને આલોક બોલ્યો, ‘સામેની બિલ્ડીંગમાં સેકન્ડ ફ્લોર પર ઓફીસ છે.’  

અદિતી એ સ્મિત સાથે હાથ મિલાવીને ફરી એક વાર આલોકનો આભાર માન્યો.

આલોક એ કહ્યું, ‘ઇટ્સ માય પ્લેઝર, હેવ એ નાઈસ ડે, બાય.’ કહીને આલોક ત્યાંથી લાઈબ્રેરી તરફ રવાના થયો.

એડમીશન ડીપાર્ટમેન્ટમાંથી તમામ ઇન્ફોર્મેશન અને ફોર્માલીટી કમ્પ્લીટ કરીને અદિતી પાર્કિંગમાં જઈ બાઈક પર બેઠી. ઘડીયાલમાં જોયું તો ૧:૧૫. ટેમ્પરેચર આશરે ૪૪ ડીગ્રી હશે, સખ્ત ગરમી અને ભૂખ પણ કકડીને લાગી હતી એટલે કેન્ટીન સાઈટ સર્ચ કરીને બાઈક કેન્ટીન તરફ હંકાર્યું.

ફુલ્લી એ. સી. કેન્ટીનમાં એન્ટર થતાં થોડો હાશકારો થયો. લંચ ટાઇમ હતો એટલે લગભગ ૯૦% કેન્ટીનના ટેબલ્સ ફુલ્લ હતા. આખી કેન્ટીન પર એક નજર ફેરવતાં અદિતીને લાગ્યું કે કેશ કાઉન્ટરના સામેના છેડે કોર્નર નજીકના ટેબલ પર એક જ વ્યક્તિ છે. એટલે ત્યાં આરામથી બેસી શકાશે. સેલ્ફ સર્વિસ કાઉન્ટર પરથી એક ફૂલ સાઈઝ કેપેચીનો કોફીનો મગ અને એક પનીર મખની પિત્ઝા લઈને ટેબલ પર બેસતાં જ નજર કરી તો સામે આલોક.

અદિતી બોલી, ‘હેય. વ્હોટ એ કોઈન્સીડેન્સ આલોક.’

થોડી ક્ષણો માટે આલોક પણ અદિતીને જોતો રહ્યો.

અદિતીએ હાથ લંબાવ્યો, ચહેરા અને આંખોમાં આનંદિત આશ્ચર્યના પ્રતિબિંબ સાથે સસ્મિત આલોકે અદિતી સાથે હાથ મિલાવતા મજાકમાં પૂછ્યું, ‘સાચું કહેજો. ખરેખર આપ એડમીશન માટે જ આવ્યા છો, કે પછી મારો પીછો કરવાં ?’

બન્ને ખડખડાટ હસ્યા.અદિતી બોલી, ‘જસ્ટ એ મિનીટ, તમને સાચે સાચું કહી દઉં, પણ તમારે મારી એક શરત માનવી પડશે.’

થોડી ક્ષણો પછી આલોક બોલ્યો, ‘મને ખાતરી છે કે હું શરત નહી પાળું છતાં પણ તમે જે કહેશો એ સાચું જ કહેશો. એટલે મને તમારી શરત મંજુર છે, બોલો.’

ચહેરા પર આશ્ચર્યના ભાવ સાથે અદિતી બોલી, ‘માન ગયે ગુરુ.’

અદિતી બોલી, ‘શરત માત્ર એટલી જ છે કે તમારે મારી જોડે કોફી શેર કરવી પડશે.’

આલોક બોલ્યો, ‘તમે શરત જીતી ગયા.’

અદિતી બોલી, બોલો, ‘વીચ વન ઈઝ યોર ફેવરીટ ?’

આલોક બોલ્યો, ‘લોંગ બ્લેક.’

ઊભા થઈને કાઉન્ટર તરફ જતાં અદિતી બોલી, ‘જસ્ટ વેઇટ પ્લીઝ, હું લઈને આવું છું.’

ત્યાં ઊભા થતાં આલોક બોલ્યો, ‘અરે.. પ્લીઝ.’ વચ્ચેથી વાત કાપતા અદિતી બોલી. ‘શરત મારી એટલે કોફી પણ મારી જ, એટલે પ્લીઝ...’

આલોક વિચારોના વમળોમાં ચડે એ પહેલાં અદિતી ટેબલ પર ફૂલ સાઈઝ લોંગ બ્લેક કોફીનો મગ આલોકની સામે મુકીને ફરી આલોકની સામે ગોઠવાઈ ગઈ.

અદિતી બોલી, ‘હવે સાચું કહું, હું આવી તો હતી કોલેજ જોઈન કરવા પણ.. હવે મારો ઈરાદો તમારો પીછો કરવાનો છે, કેપ્ટન સાહેબ.’

આશ્ચર્ય સાથે આલોક બોલ્યો, ‘ઓહ્હ હાઉ’યુ નો ઈટ ?’

અદિતી બોલી, ‘ફૂટબોલ અને ચેસના ગોલ્ડ મેડલીસ્ટ, આઈ.ટી. ફેકલ્ટીના યુથ આઇકોન, ગર્લ્સના અક્ષયકુમાર એટલે આલોક દેસાઈ. એમ આઈ રાઈટ આલોક બાબુ ?’

આલોકની આંખો પોહળી અને મોઢું ખુલ્લું રહી ગયું, 

આલોક બોલ્યો, ‘હેય.. હેય.. હેય.. આપ કોણ છો ?’

આલોકના ફેસ એક્શપ્રેશન જોઈને ખડખડાટ હસતાં હસતાં બોલી, ‘અરે હજુ બે કલાક પહેલાં તો કહ્યું..કેમ ભૂલી ગયા ? અદિતી મજુમદાર.’

આલોક બોલ્યો, ‘અરે એટલે જ કહું છું કે, બે કલાકમાં મારાં વિષે આટલું બધું, હાઉ ઇટ્સ પોસીબલ ?’

અદિતી બોલી, ‘અરે મેં કહ્યું તો ખરા કે હું ખરેખર તમારો પીછો જ કરવા આવી છું.’

‘પ્લીઝ. અદિતી જે હોય એ સાચે સાચ્ચું કહોને.’ આલોક બોલ્યો 

હસતાં હસતાં અદિતી બોલી, ‘સાચું કહું, આઈ નો ફેસ રીડીંગ.’

આલોક બોલ્યો, ‘આઈ કાન્ટ બીલીવ ધીઝ.’

અદિતી એ કહ્યું, ‘અરે એમાં ન માનવા જેવું કશું નથી. એ તો કોઈ પણ સાવ આસાનીથી જાણી શકે એમ છે. તમારાં થોબડાના ચોપડા પરથી. મતલબ કે તમારાં ફેસબુક એકાઉંટ પરથી, ઇટ્સ સો સિમ્પલ. ત્યાં ઓફીસમાં થોડી વાર લાગે એમ હતી તો થયું કે ચલો તમારી થોડી ફિલ્મ જોઈ લઉં. પણ તમે તો સેલીબ્રીટી નીકળ્યા બોસ. એટલે હવે તમારો ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવા માટે પીછો તો જ કરવો રહ્યો ને. બોલો હવે શું કહો છો ?’

આલોક બોલ્યો, ‘ઓહ માય ગોડ ! યુ આર રીયલી જીનીયસ અદિતી. પણ એ તો કહો કે તમને મારી ફિલ્મ જોવાનો વિચાર કેમ આવ્યો ?’

અદિતી એ જવાબ આપતા કહ્યું કે, ‘હમ્મ્મ્મ. એ તો તમારા એટીટ્યુડ અને તમારા બોડી લેન્ગવેજ પરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે, બંદે મે કુછ તો દમ હૈ.’ 

આલોક બોલ્યો, ‘અરે એવું કઈ નથી, હું સૌ ની માફક એક સિમ્પલ અને કોમનમેન છું.’ 

અદિતી એ કહ્યું, ‘અરે આલોક હું પણ એ જ કહું છું, તમે જે પોઝીશન પર છો, ત્યાં આટલું સિમ્પલ અને સોબર રહેવું જ અઘરું છે.’ અદિતી ઘડિયાળમાં ટાઇમ જોઇને બોલી, ‘આલોક આઈ એમ સો સોરી, બીકોઝ નાઉ આઈ એમ લેઇટ. હું રજા લઉં. ?’

આલોક બોલ્યો, ‘હા, પણ એક શરત પર.’

અદિતી હસતાં હસતાં બોલી, ‘ઓહ્હ મેરી બિલ્લી મુજસે મિયાંઉ. ઓ.કે. ડન, પ્લીઝ જલ્દી બોલો.’

બન્ને ટેબલ પરથી ઊભા થઈને પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા.

આલોકે પૂછ્યું, ‘પ્લીઝ હવે તો બોલો આપ કોણ છો ?’

અદિતી બોલી, ‘અદિતી મજુમદારના પરિચય માટે આ કેન્ટીન નાની પડશે, એન્ડ આઈ ઓલ્સો લાઇક ટુ સેર સમથીંગ વિથ યુ, બટ ફોર રાઈટ નાઉ સોરી આલોક. મારી પાસે અત્યારે એટલો સમય નથી.’

આલોક બોલ્યો,‘તો તમે મારી શરતનો ભંગ કરો છો એમ જ સમજી લઉં ને ?’’

થોડી વાર વિચારીને અદિતી એ જવાબ આપતાં કહ્યું, ‘નો નેવર, હા મારી પાસે એક ઓપ્શન છે.’

આલોકે કહ્યું, ‘બોલો.’

અદિતી બોલી, ‘જો તમને અનુકુળ હોય તો..... આજે રાત્રે ૯ વાગ્યે આપણે મળી શકીએ વિચારી લો.’

આલોક બોલ્યો, ‘વિચારવાનો સમય નથી, ઇટ્સ ડન.’

બાઈક સ્ટાર્ટ કરી આલોક સાથે હાથ મિલાવતા અદિતી બોલી, ‘યુ નો બ્લ્યુ મૂન રેસ્ટોરેન્ટ ?’

આલોકે પૂછ્યું, ‘હાઇવે પર છે એ ?’

અદિતી બોલી, ‘ઓ યસ, શાર્પ ૯:00 વી મીટ ધેર. અને હા ખાસ વાત ઇફ યુ ડોન્ટ માઇન્ડ, ડીનર સાથે લઈશું.’

આલોક બોલ્યો, ‘ઓહ. ઇટ્સ માય ગ્રેટ પ્લેઝર.’

અદિતી બોલી, ‘ધેન ઓ.કે. બાય. સી યુ એટ નાઈટ. 

આલોકે કહ્યું. ‘બાય.’

અદિતીના ગયા પછી આલોકને ખુદને સવાલ પૂછવાનું મન થયું કે, અરે યાર એવું તે શું છે આ અદિતીમાં કે આટલી ટૂંકી મુલાકાતમાં તેને ફરીને મળવાનું મન થાય. ? 

તેનું સૌન્દર્ય, દેહ લાલિત્ય. બોલવાની આગવી છટા, એ બધું તો આલોકને ગૌણ લાગ્યું.

પણ આલોકને અદિતી એક ઇન્ટરેસ્ટીંગ પઝલ જેવી લાગી.

શુક્રવાર ૨૯ એપ્રિલ રાત્રીના ૯:૦૫ વાગ્યે બ્લુ મૂન ગાર્ડન રેસ્ટોરેન્ટના એક કોર્નરના ટેબલ પર અદિતી એ હાથ મિલાવીને આલોકનું વેલકમ કર્યું.

આલોકે મેરીગોલ્ડ ફ્લાવરનું બુકે અદિતીને આપ્યું.

ખુરશી પર બેસતાં બેસતાં આલોક અને અદિતી એક સાથે જ બોલ્યા... 

‘મારી એક શરત છે.’

અને પછી બન્ને ખુબ ખડખડાટ હસ્યા.

વધુ આવતા અંકમાં...


Rate this content
Log in

Similar gujarati story from Romance