Mariyam Dhupli

Inspirational

2.5  

Mariyam Dhupli

Inspirational

કિક

કિક

8 mins
14.1K


ઘરના પ્રાંગણના દાદરો ઉપર બેઠા જયાબેનની આંખો સામેની સ્કૂટી ઉપર ઊંડી જડાઈ ચુકી હતી. પાછળ આરામખુરશી ઉપર બેઠા મનહરભાઈ દર રવિવારની જેમજ ચાની કેટલી અને સમાચાર પત્રની વચ્ચે આખા અઠવાડિયાનો થાક ઉતારી રહ્યા હતા. પત્નીની એ ખોવાયેલી આંખો શું શોધી રહી હતી, એ તેઓ સારી પેઠે સમજતા હતા. થોડા મહિનાઓ પહેલાજ ઘરમાંથી લાડકી દીકરીની વિદાય થઇ હતી. જયાબેન અને ઝંખના ફક્ત માં-દીકરીજ નહીં એકબીજાની ખાસ સખીઓ સમા હતા. પુત્ર યશ અને પુત્રી ઝંખનાની આયુ વચ્ચે આમ તો ફક્ત બે વર્ષનો જ તફાવત હતો. પણ યુવાનીના ઉંબરે પહોંચી મિત્રો અને બહારની દુનિયા વચ્ચે ઝડપથી ભળી જતા પુત્ર અને પુખ્તતા પામ્યા પછી ઘરના વાતાવરણમાં અને ખાસ કરીને માની સાથે ઊંડાણપૂર્વક હળીભળી જતી દીકરી પ્રત્યેના સ્નેહના તાંતણા તો એક સમાન જ ગૂંથાતાં હોય છે. પરંતુ એના સ્વરૂપ સહજ રીતે ભિન્ન હોય છે. 

રવિવારના દિવસે કે રજાના કોઈ પણ દિવસે યશના મિત્રો જોડે સિનેમા જોવાના, હોટેલમાં જમવાના કે લોન્ગડ્રાઈવ પર નીકળી જવાના કાર્યક્રમો તૈયારજ હોય. મનહરભાઈ પણ આખું અઠવાડિયું નોકરી અને બહારના કાર્યોમાં એવા રચ્યા-પચ્યા હોય કે રવિવારનો દિવસ તો એમને ઘરમાં આરામથીજ વિતાવવો ગમતો. એમના થાક અને મહેનતને માન આપતા જયાબેન પણ એમની સમજણશક્તિ અને પરિપક્વ સ્વભાવને પરિણામે પતિની માનસિક જરૂરિયાતો ને સંપૂર્ણ ટેકો આપતા.

ઝંખનાના લગ્ન પહેલા તો દરેક રવિવારનો કોઈને કોઈ ખાસ કાર્યક્રમ ઝંખના જાતેજ ઘડી રાખતી. પોતાનું આખું અઠવાડિયું પરિવારની દરેક જરૂરિયાતો અને ઘર પ્રત્યેની પોતાની ફરઝ માટે હસતા મોઢે અને પુરા હૃદયથી ખર્ચી નાખતી બાને માટે પણ માનસિક વિશ્રામ જરૂરી હોય . ઝંખના જાણતી હતી કે પોતાની બાને અન્ય સ્ત્રીઓ જેમ ઓટલે બેસી આવતા જતા લોકોના જીવનમાં નકામા ડોકિયાં કરવાની સહેજે ટેવ નહીં. એ ભલાને એમનું કુટુંબ ભલું. સામાજિક તાકજાકો અને નકામી પંચાતો બા માટે ફક્ત સમયનોજ નહીં ચરિત્રનો પણ વ્યય હતો. એટલે રજાના દિવસેએ માં-દીકરીની જોડી સ્કૂટી લઇ શહેરની લહેર માણવા ઉપડી પડતી.

ક્યારેક પાણીપુરીના થેલા ઉપર તો ક્યારેક ચોપાટીની લારીઓ ઉપર. ક્યારેક સમુદ્ર કિનારે ડૂબતા સૂર્યને મૌનપૂર્વક નિહાળવા તો ક્યારેક બાકી રહી ગયેલી ખરીદીઓ નિપટાવવા. અઠવાડિયાની વચ્ચે પણ કોઈ જરૂરી કામ નીકળી આવતું કે ડોક્ટર પાસે પહોંચવાનું હોય, ચશ્માંના નંબર ચકાસવા જવાનું હોય કે કશે બેસણામાં... લગ્ન સમારંભ થી લઇ કોઈ પણ સામાજિક પ્રસંગે "ઝંખના, આજે જરા જલ્દી આવતી રે જે, કામ છે." ફક્ત આટલાંજ શબ્દો પર્યાપ્ત હતા ઝંખનાનો સાથ મેળવવા માટે. આંખો સામેની આ સ્કૂટી ફક્ત એક સ્કૂટી જ નહીં બન્નેમાં દીકરી વચ્ચેની પ્રેમની સાંકળ હતી. ઝંખનાના લગ્ન પછી તૂટેલી એ સાંકળ ઝંખનાના પ્રેમ અને સ્નેહની યાદોનો સમુદ્ર બની ગઈ હતી, જેમાં આમજ ભારે હ્રદયે જયાબેન દરરોજ નિષ્ક્રિય ડૂબકીઓ લગાવી રહ્યા હતા.

અન્ય શહેરમાં દીકરીના લગ્ન લેવાયા હોય ત્યારે એને મળવા માટે પણ માતૃ હ્રદયે કેટલી ધીરજ ધરવી પડે ! માતૃત્વ સહનશીલતાનું પર્યાયી. આમ છતાં ઝંખના દરરોજ અચૂક એક ફોન કોલ તો કરતીજ. આજે સવારે પણ એની જોડે વાત થઇ હતી. આંખો કેવી ભીની થઇ ગઈ હતી !

"તારા વિના કશુંજ ગમતું નથી. રવિવારે કે રજાના દિવસે બહાર ઉભેલી તારી સ્કૂટી પરથી ક્યારેક પડઘાઓ સંભળાય છે. બા , જલ્દી કર ને ક્યારેક તું 'કિક' મારતી હોય તો ક્યારેક જોરજોર હોર્ન વગાડતી હોય એવો આભાસ થાય અને હું રસોડામાંથી ભાગતી દોડી જાઉં. પણ પછી નિષ્ક્રિય અને બેજાન પડેલી સ્કૂટી નિહાળી હૃદય એક ક્ષણ માટે ડૂબીજ જાય."

ફોન પર થયેલા વાર્તાલાપના શબ્દો મગજમાંથી નીતરી આંખોને માર્ગે વહી રહ્યા. રૂઢિચુસ્ત માતાપિતાના જુનવાણી ખ્યાલોએ પોતાના જીવનને શિક્ષણનો સ્પર્શ થવા દીધો હતો નહીં. રસોડામાંથી

શરૂ થયેલી યાત્રા હજી સુધી રસોડા પુરતીજ સમેટાઈ ચૂકી હતી. ઘરની રાણી બનવા માટે આપવામાં આવેલી કડક તાલીમને લીધે બહારના વિશ્વ્નો સામનો કરવાની હિંમતજ કેળવાઈ ન હતી. ભાગ્યમાં નમ્ર અને ઉદારપતિ ની છત્રોછાયા મળી. લગ્નજીવનના ઉતાર-ચઢાવો, પતિના સંઘર્ષમાં મેળવેલાં પોતાના મહેનતુ ખભાઓ અને પછી બાળકોના ઉછેરની ફરજપૂર્તિ. ગર્વ લઇ શકાય એવી જીવન યાત્રા તો હતી પણ આ બધાની વચ્ચે કંઈક ખૂટતું હોવાની એક વિચિત્ર અનુભૂતિ સતત સાથે ઘસડાતી આવી હતી. સવારે ટેરેસની ઉપર કપડાં સુકાવતા હોય ને સામેના ઘરમાંથી મીનાક્ષીબેનને નોકરી એ જતા જુએ ત્યારે એ ભાવના વધુ પ્રબળ બનતી. પણ દરેકનું ભાગ્ય જુદું અને દરેકનો જીવન સંઘર્ષ પણ. ભાગ્યની રેખાઓ બધાની જ હોય પણ આકાર દરેકનો જુદો. ઉપરવાળા એ બધાને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપ્યું હોય ત્યારે પોતાના પ્રશ્નો જાતેજ ઉકેલવા પડે. અન્યના પ્રશ્નપત્રમાં ઝાંખવાથી શું લાભ ? 

જાતે શું નથી કરી શકતા એની જગ્યા એ જાતે શું કરી શકીએ છીએ, એના પરજ ધ્યાનકેંદ્રિત કરવું ઉત્તમ ! જાતે શિક્ષણ ન મેળવી શક્યા તો શું થયું ? એમણે ઝંખનાના સ્વનિર્ભર અને ગુણવત્તાયુક્ત જીવન નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બી.એ.બી.એડ. કરાવી. તેથીજ આજે શાળાની નોકરી અને ટ્યુશન કરાવતી પોતાની દીકરીનું જીવન ફક્ત રસોડા પૂરતુંજ સીમિત ન રહ્યું. સ્વિમિંગ, ડ્રાઈવિંગ, કમ્પ્યુટરકોર્સ જે પણ ઝંખનાને શીખવું હતું એ બધુજ શીખવ્યું. સમયની સાથે કદમ મેળવતી દીકરી કોઈ પણ ક્ષેત્રે પાછળ ન છૂટી જાય એનું સંપૂર્ણ ધ્યાન જાળવ્યું. બસ ઝંખનાના જતા રહેવાથી પોતે કશે પાછળ છૂટી ગયા. ઝંખના જ તો એમને બાહ્ય જગત સાથે જોડતી એકમાત્ર કડી હતી. એ કડી હવે તૂટી ચુકી હતી અને ફરીથી તેઓ ઘરની ચાર દીવાલો ની વચ્ચે એકલાઅટૂલા સમુદ્રદીપ સમા રહી ગયા હતા.

"આંટી"

સ્કૂટી પર જડાયેલી આંખો ચમકી. સંગીતા આવી હતી. પાડોશ માં રહેતી સંગીતા એટલે લગ્ન પહેલાનો ઝંખનાનો પડછાયો. ઝંખનાની બાળપણની સખી. સંગીતા અહીં પોતાના ઘરમાંજ તો જાણે ઉછરી હતી . શાળા, કોલેજ બધુજ ઝંખનાની જોડે. ક્યારેક એમને થતું પોતાની એક નહીં બબ્બે દીકરીઓ છે !

"તૈયાર થઇ જાઓ. હું તમને મારી સ્કૂટી પર ફરવા લઇ જાઉં છું."

જયાબેનને ક્ષણભર થયું કે ઝંખના જ સામે ઉભી હતી. ચોક્કસ સવારે ઝંખના જોડે થયેલા વાર્તાલાપનો આ પ્રત્યાઘાત હતો, એ સમજતા સમય ન લાગ્યો. પોતાની બહેનપણીને ફોન કરી, બાની એકલતાને વહેંચવાનો ઘણા માઈલ દૂર બેઠી પુત્રીનોજ આ પ્રયાસ હતો. દીકરીઓ કેટલી પણ દૂર જતી રહે એમનું હૃદય તો માની પાસેજ છોડતી જાય છે !

"પણ હું હમણાં..." 

જયાબેનનો અચકાટ નિહાળી મનહરભાઈએ સમાચાર પત્ર સમેટ્યું.

"જા, જઈ આવ. જરા બહાર નીકળીશ તો હય્યાનો ભાર પણ થોડો હળવો થશે.. જા બેટા લઈજા એને..."

મનહરભાઈના શબ્દો એ જયાબેનના શરીર અને મનને પ્રોત્સાહન આપ્યું. 

"આપણે ઝંખનાની સ્કૂટી પર જઈએ ?" 

ઝંખનાના સાથનો સંતોષ મેળવવા જયાબેનનું માતૃ હૃદય પૂછી રહ્યું. 

"ચોક્કસ આંટી , જેમ તમને ગમે..."

મનહરભાઈ એ સંગીતાને સ્કૂટીની ચાવી અને ૫૦૦ રૂપિયા થમાવ્યાં .

"પેટ્રોલ ની ટાંકી ફૂલ કરાવી દેજે.એમ પણ કાલે એની સર્વિસ કરાવવા જ લઇ જઈશ.."

તૈયાર થઇ જયાબેન સંગીતા સાથે સ્કૂટી પર નીકળી પડ્યા. શહેરની લહેર માણવા. મનહરભાઈની આંખો જાણે ઘણા સમય પછી ઝંખના અને જયાબેનને સ્કૂટી પર એકસાથે ખુશ ખુશ જોઈ રહી.

એ દિવસ પછી તો દર રવિવારે કે રજાના દિવસે .....સંગીતાને જયારે પણ મુક્ત સમય મળતો એ જયાબેનને ઝંખનાની સ્કૂટી ઉપર લઇ જવા પહોંચી જતી. ઘરના પ્રાંગણમાં નિષ્ક્રિય પડી રહેલી સ્કૂટીમાં જાણે ફરી પ્રાણવાયુ ફૂંકાયો હતો. અને જયાબેનના નિષ્ક્રિય હ્રદયમાં પણ ! હવે સ્કૂટીને દૂરથી નિહાળતી જયાબેનની આંખોમાં એકલતા, લાચારી, દુઃખની જગ્યાએ એક અનેરી ચમક, ઉત્સાહ, જોમ છલકાઈ ઉઠતા. દીકરીના દૂર ગયા પછી પહેલીવાર મનહરભાઈ પત્નીની આંખો માં ખુશીની અનન્ય લહેર અનુભવી રહ્યા હતા. સંગીતામાં કદાચ ઝંખનાનો સંતોષ મેળવી રહેલ માતૃ હ્રદયની ખુશી નિહાળી એમનું હ્ય્યુ પણ સંતુષ્ટિનો અનુભવ મેળવી રહ્યું હતું. 

ઘણા અઠવાડિયા પછી એક દિવસ અચાનક જયાબેનના ઘર માં ખુબજ ચહેલ પહેલ હતી. યશ આજે કોલેજ ગયો ન હતો. મનહરભાઈ એ પણ ઓફિસમાં રજા મૂકી દીધી હતી. જયાબેનની ખુશી તો સાતમા આકાશે પહોંચી હતી. કેમ ન પહોંચે ? આજે દીકરી અને જમાઈએ જીવનનું સૌથી મોટું 'સરપ્રાઈઝ' આપી એમને વિસ્મિત કર્યા હતા. પોતાના બાળકના જીવનમાં એનું પોતાનું બાળક આવવાનું હતું. આ શુભ સમાચારની ઉજવણી કરવા બંને અહીં એમના ઘરે આવી રહ્યા હતા. સ્ટેશન ઉપડવા તૈયાર મનહરભાઈ અને યશ કારમાં બેઠા એમની રાહ જોઈ રહ્યા હતા. ઘર ને તાળું વાંસી, સ્કૂટીની ચાવી લઈ જયાબેન ઉતાવળમાં પ્રાંગણમાં પહોંચ્યા. 

"હું તો મારી ઝંખનાની સ્કૂટી પરજ આવીશ." 

માતૃહ્રદયની ભાવનાને માન આપવા માટે મનહરભાઈ એ યશને આંખોથી ઈશારો કર્યો. સ્કૂટી ચલાવવા કારમાંથી યશનો પગ બહાર મૂકાય એ પહેલાંજ જયાબેને સ્કૂટીમાં ચાવી ફેરવી, કિક લગાવી અને જાતેજ સ્કૂટી શહેર તરફ ભગાડી મૂકી. સ્કૂટીની પાછળ લગાવેલું 'એલ'વાળું સ્ટીકર જયાબેનની ખુશી સમુજ પાછળથી ચળકતું દેખાઈ રહ્યું હતું. મનહરભાઈ અને યશ હેરત અને અચંભાથી એ દ્રશ્ય નિહાળતાં જયાબેનની સ્કૂટીની પાછળ કાર હાંકી રહ્યા .  

સંગીતા પાસે સ્કૂટી ચલાવવાની તાલીમ લઇ બાહ્ય જગત સાથે સ્વનિર્ભરતાથી ફરી જોડાવાના પ્રયાસમાં જયાબેન સફળ થયા હતા. જયાબેન ઝંખનાને હંમેશા કહેતા : "સ્ત્રી જે ધારે એ શીખી શકે છે." પણ આજે એમણે પૂરવાર કર્યુ હતું કે: "સ્ત્રી ગમે તે ઉંમરે જે ધારે એ શીખી શકે છે !"

ઝંખના એ આપેલા સરપ્રાઈઝથી વિસ્મિત થયેલ જયાબેન પોતાના આ સરપ્રાઈઝથી ઝંખનાને વિસ્મિત કરવા શહેરના રસ્તા ઉપર સંપૂર્ણ વિશ્વાસ જોડે સ્કૂટી દોડાવી રહ્યા હતાં. જીવનમાં કંઈક ખૂટતું હોવાની અનુભૂતિ આજે અદ્રશ્ય થઇ ચૂકી હતી. એમના વૃદ્ધ જીવનને આજે જાણે એક નવી યુવાન 'કિક' મળી હતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational