STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Inspirational

4  

Kalpesh Patel

Drama Romance Inspirational

ખાલીપો

ખાલીપો

3 mins
12

ખાલીપો

સુખપર ગામની સીમમાં તળાવ કિનારે એક પીપળનું ઝાડ ઊભું હતું. તેની છાંયામાં એક જૂનો ઘાટ. તળાવ પર આવતા-જાતા લોકો અહીં ઘડીક પોરો ખાય. એકતરફ ચોખંડું તળાવ, આ પીપળો અને સામે ભવનાથ મહાદેવનું મંદિર. આ ઘાટને ગામલોકો "સાથી પટ" તરીકે ઓળખતા. માન્યતા હતી કે જે દંપતી પરણીને અહીં છેડા છોડે, તેઓના હૃદયોમાં અજોડ બંધન જન્મે.

નવા લગ્ન કરેલા કુમુદ અને હરેશ પણ ત્યાં આવ્યા. સૂર્યાસ્તની લાલિમા આખા આકાશમાં પથરાઈ હતી. હળવા પવનમાં ઝાડના પાન સરસરી કરતા હતા. ભવનાથ દાદાની હાજરીમાં તેમણે લગ્નના ખેસના છેડા છોડ્યા.

હરેશે કુમુદ તરફ જોઈને હસતાં કહ્યું:
"કુમુદ, સાથી એટલે માત્ર એકસાથે ચાલવું નહિ… એકબીજાના દુઃખ સહન કરવા અને સપના સાચા કરવા પણ સાથે જ રહેવું પડે. હવે તું મારી પાસે છે, એટલે હું સંપૂર્ણ છું."

કુમુદની આંખો પાણીથી તરબતર થઈ ગઈ. તે હરેશ જેટલી ભણેલી નહોતી, કે શબ્દોના તોરણ ગૂંથી શકે. તેણે ફક્ત હરેશનો હાથ મજબૂતીથી પકડી લીધો અને ધીમેથી બોલી:
"હરેશ, મારું જીવન કદીક અધૂરું લાગતું હતું. પરંતુ આજે સમજાઈ રહ્યું છે કે સાથી હોવાનો અર્થ છે. પત્નીએ પતિને દરેક ઋતુમાં સાથ આપવો એ એની પહેલી ફરજ છે . ખુશી હોય કે તોફાન, આપણેસાથ નિભાવે જ છૂટકો ."

તેમની વાતચીત વચ્ચે પડખે બેઠેલા ચકલીના જોડાએ ઘાસના તણખા લઈને માળો બાંધવાનું શરૂ કર્યું. જાણે કુદરત પણ સાથીના સાચા અર્થને પ્રતિબિંબિત કરી નવા પરણિત જોડાને સમજાવી રહી હોય.

વર્ષો પસાર થયા. ક્યારેક ઘરમાં ઝઘડા થયા, ક્યારેક મૌન છવાયું, પણ જયારે પણ તેઓ આ પટ પર આવી બેઠા, ત્યારે તેમના હૃદયના તાર ફરી એક થઈ જતા.

કુમુદ હંમેશાં કહેતી:
"આ સાથી પટ ચમત્કાર નથી, ચમત્કાર તો પતિ-પત્નીના પ્રેમનો છે. ખરો કમાલ એજ પ્રેમનો છે,જે બે આત્માઓને એકમાં પીગાળી દે છે."

બન્ને જીવનપથ પર સાથે ચાલ્યાં. છોકરાઓને ભણાવ્યા, ગણાવ્યા અને પગભર કર્યા.

પરંતુ સમયની વહેતી નદી કોઈને રોકી નથી રાખતી. એક નાની તાવની બીમારીમાં કુમુદ હરેશને છોડી સ્વર્ગે સીધાવી ગઈ. એ દિવસ હરેશ માટે કાળભેરો બની ગયો.

કુમુદ વગરના ઘરમા હરેશને ખાલીપો લાગતો. દીકરાઓ તો પહેલેથી જ પરદેશમાં સ્થિર થઈ ગયેલા. તેમના ફોન આવતા, પૈસા મોકલાતા, પરંતુ હરેશના હૃદયની એકલતા ક્યાંથી ભરાતી? ક્યારેક પોતાનું ઘર જ ખાવા ધાતુ હોય એમ લાગતું. રાતો ઉંઘ વિનાની વેરાન થઈ ગઈ.

કુમુદની વરસી ના દિવસે સવારે હરેશ એકલો જ એ પીપળાવાળા "સાથી પટ" પાસે પહોંચ્યો. સૂર્ય ઉગમણી દિશામાં ઝળહળતો હતો, ઝાડના પાન સરકતા હતા. હરેશે પટ પર બેસીને કુમુદને મનભરી યાદ કરી:

"કુમુદ, તું મારી બાજુમાં નથી, છતાં હું રોજ તારી સાથે વાત કરું છું. તારી હાંસી, તારો ઠપકો, તારી આંખોની નમ્રતા,બધું જ આજે પણ મારી સ્મૃતિમા અકબંધ છે. પણ તારો સાથ મારી પાસે નથી.
કાશ, હું પહેલા ગયો હોત તો સારૂ થાત,તું આયખું એકલી જીવી શકી હોત. પણ મારું મન આજે પણ માનતું નથી કે તું મરી ચૂકી છે. તું મારી અંદર, મારા દરેક શ્વાસમાં જીવે છે."

હરેશ વિલાપ કરતો રહ્યો. આંસુઓ પટ પર વરસતા રહ્યા. અચાનક પવનનો મીઠો ઝોકો આવ્યો અને પીપળાના પાન સરસરીને જાણે મંત્રોચ્ચાર કરતાં હોય એમ લાગ્યું. હરેશને લાગ્યું—કુમુદ એની બાજુમાં જ બેઠી છે, કાનમાં ધીમેથી કહેતી હોય.:

"એય, તમને આવા વેવલા કદી જોયા નહતા… હું હંમેશાં તમારા હૃદયમાં જ છું. એક દિવસ ફરી મળશું,આ પટ પર નથી તો શું થયું?પણ એ પારના લોકમાં તો મળશુંજ ને?."
હરેશના બધા આંસુ હળવા હાસ્યમાં ભળી ગયા. કુમુદની યાદમા આંખો બંધ કરી દીધી.

ભવનાથ દાદાની મૂર્તિ સામે અને પત્નીની સ્મૃતિઓની છાંયામાં, કુમુદની વરસી પતાવી.

 તે દિવસથી હરેશને પહેલી વાર પોતાના ઘરમાં ખાલીપો નહિ પરંતુ એક અનોખી શાંતિ મળી.

સુખપર ગામનો એ પટ આજે પણ હરેશ–કુમુદની યાદોથી ભીંજાયેલો છે. જે નવા પરણિત દંપતીને યાદ અપાવે છે કે જીવનસાથી એટલે માત્ર સહવાસ નહિ, પરંતુ બંનેના સંયુક્ત હૃદયની શાંતિ છે.


---
How is it sir, pl react with your comments 🙏🏻


Rate this content
Log in

Similar gujarati story from Drama