STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

કાગડો અને શિયાળ

કાગડો અને શિયાળ

2 mins
7.6K


એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથુ છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંકયો.

કાગડાએ રાજી થતા તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો.

એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યું, ‘કાગડાભાઈ જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે ખાવાની નહિ. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે!’

કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફુલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફુલાવતાં કહ્યું, ‘આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને ખૂબ મન થયું છે. મારી આ ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે !’

કાગડાભાઈ તો પોતાનાં વખાણ સાંભળી વધુ ફુલાયા. ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો.

શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાંની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ચાવતાં ચાવતાં ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહિ. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું છેક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શો અર્થ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Classics