STORYMIRROR

Pravina Avinash

Inspirational

4  

Pravina Avinash

Inspirational

જસુનું સપનું

જસુનું સપનું

3 mins
27.4K


પ્રયાત માણસોની, મોટા ગજાના કલાકારોની, મહાન સંગિતકારોની કે દુનિયા ઝુકે તેવા 'કહેવાતા ગુરૂઓની' વાતો સકારાત્મક વલણ વાળી સાંભળીએ તો દિલ ડોલી ઉઠે. સામાન્ય માનવી તો મગતરાં જેવા હોય. તેમની જીંદગીનું શું મહત્વ ? તેમને ત્યાં બાળક જન્મે કે ઝુંપડાવાળા કોઈનો સ્વર્ગવાસ થાય તો દુનિયાને શું ફરક પડે છે. આપણે સહુ જાણીએ છીએ કેવી રીતે અમિતાભ બચ્ચન કરોડપતિ હતો તેમાંથી રોડપતિ થયો. વળી પાછો શિખરે પહોંચી ગયો.

શું પ્રખ્યાત કે તવંગર હોવું એ જ માનવીની પહેચાન છે. તો પછી તમને કદાચ મારી વાતમાં રસ નહી પડે ? છતાં પણ હું કહ્યા વગર રહેવાની નથી. સામાન્ય માનવી પણ એટલા જ અગત્યના છે, જેટલા પેલા કરોડોના મકાનમાં રહેતાં. માનવીની ઓળખાણ માત્ર તેની પાસે કેટલા પૈસા છે એ નથી ! તે શું છે, એ છે.

વર્ષો પહેલાંની વાત છે. જસુ મારે ત્યાં કામ કરતી હતી. તમારા માનવામાં પણ નહી આવે મહિને ૧૨ રૂપિયા પગાર. કપડાં, વાસણ, ઝાડુ અને પોતું. આંખો શું કામ પહોળી થઈ ગઈ ? ત્યારે ડોલરનો ભાવ ૭ રૂપિયા હતો. આપણો રૂપિયો ખણકતો અને સારું એવું ખરીદતો. ટેકસીમાં બેસો એટલે મિટર પડે ત્યારે ૭૫ પૈસા. જરા પણ અતિ -શયોક્તિ નથી. હકિકત છે.

જસુને બે દિકરી પર દીકરો આવ્યો. સારા ઘરની હતી પણ વર બહુ કમાતો નહી એટલે ઝુંપડામાં રહેતી. દીકરીઓને મ્યુનિસિપાલિટી શાળામાં દાખલ કરી હતી. તેને થતું મારા બાળકો ભણશે તો સારી નોકરી કરશે. વરને ખૂબ સમજાવતી, પોતે માર ખાતી પણ તેને દારૂ પીવાના પૈસા ન આપતી. મારે ત્યાંથી તેના પગારના બધા પૈસા ન લેતી. તે ગમે તેટલા મૂકે હું તેમાં થોડા ઉમેરી દસ રૂપિયા કરી દેતી. તેની જાણ બહાર બેંકમાં ખાતું ખોલાવી દીધું. જે થોડા વ્યાજના પૈસા તેમાં ઉમેરાય.

તેને હૈયે ઉમંગ હતો, 'મારો દીકરો ભણીને બેંકમાં નોકરી કરશે'. બીજા ત્રણ કામ પણ કરતી. નવરાશની પળોમાં મારે ત્યાં અનાજ સાફ કરવા આવતી. તેના બાળકોને શાળાના કપડાં, ચોપડી લાવવાના પસા આપતી તેથી તે ખૂબ ખુશ રહેતી.

'હેં બહેન બધા તમારી જેમ મારી સાથે કેમ પ્રેમથી નહી બોલતા હોય?'

શું જવાબ આપું?

ખેર, દીકરો મોટો થતો ગયો. મારો નાનો દીકરો તેના જેવડો જ હતો. ના, યાદ આવ્યું દસેક મહિના નાનો હતો. પણ જસુનો છોટુ જરા દુબળો હોવાથી મારા નાના બાળકના કપડા તેને બરાબર આવતા. જસુ પોતે ખૂબ સુઘડ હતી . કામની તેમજ હાથની પણ ચોખ્ખી.

દિવસે ,દિવસે છોટુ મોટો થતો ગયો. જસુ તેને લાડથી સમજાવી ભણવાનું મહત્વ સમજાવતી. ઘણીવાર મારા બાળકો સાથે પણ રમતો. હવે તો જસુનો પગાર વધીને ૧૦૦રુપિયા થયો હતો. પૈસાની બચત વધી હતી. બેંકમાં પણ પૈસા સારા એવા ભેગા થયા હતા.

મારા બન્ને બાળકો ભણવા માટે અમેરિકા જતા રહ્યા. જ્સુના છોટુને ભણતર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે ઘરે આવતી. તેનું પોતાના બાળક પ્રત્યેનું હકારાત્મક વલણ હમેશા મારી આંખે ઉડીને વળગતું. દીકરો ઝુંપડામાં રહેવા છતાં બધી બૂરી આદતોથી દૂર રહ્યો હતો. તેને પણ ભણવામાં રસ પડ્યો હતો. માની સાથે સારી નોકરીના સ્વપના તેણે બાળપણથી જોયા હતા.

પિતા કોઈવાર મારે કે ખોટું કરવાનું કહે તો ધસીને ના પાડતો. જસુએ સારા સંસ્કાર આપ્યા હતા. બન્ને બહેનો લગ્ન કરીને સાસરે ગઈ હતી. બન્ને જણાએ બારમી પાસ કરી હતી.

આજે જ્યારે બી.એ.માં સેકન્ડ ક્લાસ પાસ થઈને પેંડા આપવા આવ્યો ત્યારે મારી આંખમાંથી બે આંસુ સરી પડ્યા. જસુએ આખી જીંદગી તેની પાછળ ખરચી હતી. મારા પતિને પ્યારથી કહ્યું છોટુને સારી નોકરી મળે તેવું કરજો.

આપણને સહુને ખબર છે, ભલામણ વગર નોકરી મેળવવી કેટલી મુશ્કેલ છે. અમારે બેંક મેનેજર સાથે ઘર જેવો સંબંધ હતો. આજે છોટુ ટાઈ પહેરીને નોકરી પર જવા તૈયાર થઈ ગયો હતો. ઘરે આવ્યો, 'તારી માને પગે લાગી તેના આશિર્વાદ લઈને જજે' છોટુ. મારા મુખમાંથી બોલ સરી પડ્યા. 

જીવનમાં હકારાત્મક વલણ માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational