Valibhai Musa

Drama Inspirational

0.8  

Valibhai Musa

Drama Inspirational

જોગાનુજોગ

જોગાનુજોગ

11 mins
10.4K


આજે જ્યારે તમે, લક્ષ્મણ, પીએચ.ડી. માટેની પૂર્વતૈયારીરૂપ ગુજરાત યુનિવર્સિટી સાથેની ઔપચારિકતાઓ પતાવવા અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છો, ત્યારે તમારું મન તમારા શોધમહાનિબંધ (થિસિસ) ના વિષયના મુદ્દે રહીરહીને પાછું પડી રહ્યું છે. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યે કહેતાં તમારી બોધાવસ્થાની સપાટી ઉપર અંકિત એવી ભૂતકાલીન તમારા પ્રાથમિક શિક્ષણકાળની એ ઘટના તમારા સ્મૃતિપટ ઉપર ઉપસી આવે છે. તમારા વર્ગશિક્ષકશ્રી મફતલાલ સાહેબ કે જે તે કાળે તમારા આદર્શ હતા તેમનો શરમિંદગીભર્યો ચહેરો તમારી નજર આગળ તરવરી ઊઠે છે. તે દિવસની પ્રાર્થના પછીની તમારા વક્તવ્ય અંગેની તેમણે કરેલી જાહેરાત પછી તમે ખિન્ન અવાજે અને ભાવાવેશે જે ઘણું બધું બોલી ગયા હતા તે પૈકીના તમારા ગુરુજનોની માફી માગતાં બોલાએલા આ શબ્દો તેમના માટે વેધક હતા :

“આપણને આઝાદી મળ્યાને લગભગ ચૌદ વર્ષ થઈ ગયાં અને તોયે હજુ સુધી આપણી માનસિકતા બદલાઈ નથી, આપણે હજુ સુધી પણ જાણેઅજાણ્યે અંગ્રેજોની ચાપલુસી કર્યા સિવાય રહી શકતા નથી!”

લક્ષ્મણ, તમારો ડ્રાઈવર તમારી કારને પાણીના રેલાની જેમ અમદાવાદ તરફ આગળ ને આગળ ધપાવી રહ્યો છે, ત્યારે પાછલી સીટે બેઠાબેઠા તમારા વર્તમાનને ચારેક દાયકા પાછળ ધકેલીને તમારા ભૂતકાળનાં સંસ્મરણોને તમે વાગોળવા માંડો છો :

ઈ. સ. ૧૯૬૧નું એ વર્ષ હતું અને એ વખતે તમે, લક્ષ્મણ, સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તે દિવસે તમારી એ સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રકૃતિના ખોળે ઘટાદાર લીમડાઓની છાયામાં વિદ્યાર્થીઓની સમૂહપ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. નિત્યક્રમાનુસાર સમાચારપત્રની હેડલાઈન્સ વાંચી સંભળાવવાનો કાર્યક્રમ મોકૂફ હતો, કેમ કે શનિવારની વહેલી નિશાળ હોઈ સમાચારપત્ર મોડેથી આવતું હોઈને એ સમયે તે ઉપલબ્ધ ન હતું. પ્રાર્થના પછીના પૂરક કાર્યક્રમના ભાગરૂપે તમારા વર્ગશિક્ષકે આચાર્યશ્રી સામે સંમતિની અપેક્ષાસહ સૂચક નજરે જોતાં તમારા નામની ઓચિંતી જાહેરાત આ શબ્દોમાં કરી દીધી હતી : ‘અઠવાડિયા પહેલાં અમદાવાદ ગએલો મારા વર્ગનો મોનિટર ‘લખો’ મતલબ કે ‘લક્ષ્મણ’ ભારતની મુલાકાતે આવેલાં ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય)ને નજરોનજર નિહાળવા બદલ નસીબદાર પુરવાર થયો છે. તેણે પોતાનો આંખે દેખ્યો અહેવાલ અમારા વર્ગમાં તો કહી સંભળાવ્યો છે, પણ આજે તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણને એ અહેવાલ સાંભળવાનો લ્હાવો મળી રહે તે માટે હું તેને સૂચન કરું છું કે તે પોતાના એ જ વક્તવ્યને સાવ નવા જ અંદાજમાં અહીં આ પ્રાર્થનાસભામાં પુનરાવર્તિત કરે.’

‘અરે, અરે સાહેબ! તમે એક સામાન્ય વાતને મોટું રૂપ આપી રહ્યા છો! અમદાવાદના મુખ્ય માર્ગોએ ખુલ્લી કારમાં નગરયાત્રાએ નીકળેલાં એ રાણીસાહેબાને જોવા માટે રસ્તાની બંને બાજુએ ઊભેલાં હજારો માનવીઓની ભીડનો એક અંશ એવો હું પણ ત્યાં હતો, સીધોસાદો નાનકડા આ નગરનો એક છોકરો! મારે ન તો તેમની સાથે કોઈ વાત થઈ છે કે ન તો હસ્તધૂનન! ન તો મારી અને તેમની નજરો મળી છે કે ન તો અમારી વચ્ચે કોઈ હેલો-હાય થયું છે! અમે એક્બીજાની સામે નથી તો સ્મિત કર્યું કે પછી ન તો તેમણે પ્રેક્ષકો તરફથી તેમની તરફ ફેંકવામાં આવેલા કોઈ ફૂલહાર કે એકાદ ફૂલ સુદ્ધાંનો મારા તરફ વળતો પ્રહાર કર્યો છે! આમ છતાંય આપ સાહેબ મને શા માટે નસીબદાર ગણાવી રહ્યા છો, તે મારી સમજમાં આવતું નથી! મને લાગે છે કે આપ સાહેબ આવું બોલી બોલીને મને ગાંડો કરી દેશો! આપ સૌ ગુરુજનોની માફી ચાહતાં એટલું જ કહીશ કે આપણને આઝાદી મળ્યાને લગભગ ચૌદ વર્ષ થઈ ગયાં અને તોયે હજુ સુધી આપણી માનસિકતા બદલાઈ નથી, આપણે હજુ સુધી પણ જાણેઅજાણ્યે અંગ્રેજોની ચાપલુસી કર્યા સિવાય રહી શકતા નથી!’ તમે ખિન્ન અવાજે અને એકી શ્વાસે ઉપરોક્ત વિધાનો બોલી ગયા હતા, લક્ષ્મણ.

પરંતુ તમારા ભાવસભર અને ઉપાલંભીય શબ્દોથી ભોંઠા પડી ગએલા તમારા વર્ગશિક્ષક શ્રીમફતલાલ સાહેબ કંઈક બોલે તે પહેલાં તો તમારા આચાર્યશ્રીએ આંખોમાં વિનમ્રતા છતાં પોતાના સત્તાવાહી અવાજે તમને ફરમાવી દીધું હતું કે તમારે એ સઘળી ઘટનાનું બયાન કરવું જ રહ્યું અને આમ તમને વક્તવ્ય આપવા મજબુર કરવામાં આવ્યા હતા. તમારા માટે, લક્ષ્મણ આ એક મોટી વિડંબણા હતી, એક પ્રકારનો માનસિક પરિતાપ હતો. બીજા શબ્દોમાં કહેતાં, લક્ષ્મણ, તમારા ગુરુજનો અને સહાધ્યાયીઓ તેમના મતે કદાચ સહજભાવે એ બધું કહેતા હશે, પણ તમારા પક્ષે વિચારતાં તો તેઓ વાસ્તવમાં તમને સંવેદનાત્મક મહાવ્યથા પહોંચાડી રહ્યા હતા. તમે મનોમન પસ્તાતા હતા કે તમે ઈંગ્લેન્ડની રાણીને જોયા અંગેની વાત જાહેર કરીને કેવી બેવકુફી કરી બેઠા હતા કે જે કોઈ તમારી સામે આવે અથવા તમે જેની પણ નજરે ચઢો તેની બસ એ જ માગણી રહેતી હતી કે તમે રાણી ઈલિઝાબેથ સાથેનો તમારો અનુભવ અથવા તેમના વિષે કંઈક કહી સંભળાવો! તમને હવે તો પાક્કો વહેમ થવા માંડ્યો હતો, લખા, કે તમારા નગરના સઘળા લોકો કદાચ સંગઠિત થઈ ગયા હોય અને આમ જાણે કે તેઓ તમારી ઠેકડી ન ઊડાડી રહ્યા હોય!

વિદ્યાભ્યાસમાં તેજસ્વી એવા તમે, લક્ષ્મણ, તમારી શાળાના મોટા ભાગના તમારા ગુરુજનો કરતાં પણ વિશેષ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેથી જ તો તમારા એ દિવસની પ્રાર્થનાસભાના વક્તવ્યે તમારા આચાર્ય સાહેબને એવા તો સંમોહિત કરી દીધા હતા કે તેમણે વક્તવ્ય પૂરું થયે પોતાની ખુરશીમાંથી ઊભા થઈ જઈને તમને પોતાના બાહુપાશમાં જકડી લીધા હતા. અમદાવાદના આસ્ટોડીઆ રોડ ઉપરની એક દુકાનના ઓટલે ઊભેલા તમે કાચની પુતળી સમાં પાંત્રીસ વર્ષીય રાણીને મોજા પહેરેલા બંને હાથ હલાવતાં ખુલ્લી કારમાં ઊભેલી સ્થિતીએ લોકોનાં અભિવાદન ઝીલતાં એવી રીતે વર્ણવ્યાં હતાં કે એ શબ્દચિત્ર થકી સૌ શ્રોતાઓ તેમને જાણે કે પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય તેવો આભાસ તેમને થઈ રહ્યો હતો. રાણીની કાર પછીની દ્વિતીય ખુલ્લી કારના પાછલા બોનેટ ઉપર બેઠેલા તેમના પતિ ફિલિપ્સ યાને કે ડ્યુક ઓફ એડિનબરોને વર્ણવતાં તમે એવો ખુલાસો પણ કર્યો હતો કે ભલે તેઓ રાણીના પતિ હોય પણ પ્રમુખ રાજકીય મહેમાન તરીકે માત્ર રાણીજી જ હોઈ શિષ્ટાચાર (પ્રોટોકોલ) પ્રમાણે તેઓ રાણીજીની કારમાં તેમની સાથે ઊભા રહી શકે નહિ. પાઠ્યપુસ્તકો ઉપરાંતના બાહ્ય વાંચનના તમારા શોખના કારણે તમે સ્થાનિક લાયબ્રેરીમાંથી એ અઠવાડિયા દરમિયાન ઈંગ્લેન્ડની રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) વિષે નોંધપાત્ર ઘણી માહિતી મેળવી ચૂક્યા હતા. વળી તમે એ માહિતીને તમારા વ્યક્તિગત જીવન સાથે તમારા વક્તવ્યમાં આબેહૂબ એવી રીતે સાંકળી લીધી હતી કે વિદ્યાર્થી આલમ પહોળા મોંઢે અને શિક્ષકગણ ગાલે હથેળીઓ રાખીને તમારા વક્તવ્યને મુગ્ધભાવે સાંભળી રહ્યા હતા. રાણીની અને તમારી એક જ જન્મ તારીખ અને તમારાં ઉભયનાં નામોની એક જ રાશી એ તમારા વક્તવ્યના ધ્યાનાકર્ષક મુદાઓ હતા. તમારી વાકપટુતાના કારણે તમારો એ શાહી કબિલા સાથે જાણે કે નિકટનો ઘરોબો હોય તેવો આભાસી અહેસાસ તમે તમામ શ્રોતાઓને કરાવી શક્યા હતા. લખા, તમારી વાત રસળતા શબ્દોમાં એવી રીતે વહી રહી હતી કે સૌ એમ માનવા પ્રેરાય કે જાણે તમે બકીંગહામ પેલેસમાં અનેકવાર શાહી મહેમાન બની ચૂક્યા હશો!

કાળ કેડી પાડતો રહ્યો. તમે દિનપ્રતિદિન લોક્જીભે અવનવાં નામોએ સંબોધાતા અને ઓળખાતા રહ્યા અને તમારું મૂળ નામ લક્ષ્મણ ભુલાતું ગયું. એ બધાં સંબોધનોમાં તમને થતાં પ્રિન્સ ફિલિપ કે ડ્યુક ઓફ એડિનબરોનાં સંબોધનો તમને પારાવાર દુ:ખ આપતાં હતાં, પણ તમે લાચાર હતા; કેમ કે તમે કોઈનાં મોંઢાં બાંધી શકો તેમ ન હતા. રાણીજી અને તમારી વચ્ચે બાવીસ વર્ષનો ઉંમરનો તફાવત હતો અને માતા સમાન ગણાય તેવાં જાજરમાન અને સન્માનીય એવાં એ રાજવી મહિલાના નામ સાથે એક માત્ર મજાકમશ્કરીના ક્ષુલ્લક હેતુસર અભદ્ર રીતે તમારું નામ જોડાય તે સંસ્કારિતા અને સ્ત્રીદાક્ષિણ્ય અન્વયે સાચે જ વિઘાતક ગણાય, પણ તમે નિરુપાય હતા. આમ ધીમેધીમે તમે તમને મળતાં જતાં ઉપનામોથી ટેવાતા ગયા અને રાણી ઈલિઝાબેથના નામ સાથે સંકળાએલી એવી તમારી ગૌણ ઓળખો માધ્યમિક શિક્ષણ દરમિયાન પણ ચાલુ રહી હતી.

ઈ. સ. ૧૯૬૫માં તમે જૂની એસ.એસ.સી. પરીક્ષા આપી ચૂક્યા હતા અને પરિણામ આવવાને હજુ એકાદ મહિનો બાકી હતો. ભણવામાં તેજસ્વી કારકીર્દિ ધરાવતા તમે ઊંચી ટકાવારીએ ઉત્તીર્ણ થઈને કોલેજ શિક્ષણ માટે અમદાવાદ જવા માટેનાં સ્વપ્ન સેવી રહ્યા હતા અને ત્યાં તો તમારા જીવનને નવીન જ વળાંક આપતી એક ઘટના ઘટી ગઈ હતી, લક્ષ્મણ. ધીકતો અને બહોળો કારોબાર ધરાવતા તમારા કાકાજી પક્ષાઘાતના હુમલાનો ભોગ બન્યા હોઈ તેમણે તમને પોતાના વારસદાર નિયુક્ત કરી દઈને પોતાની બીમાર જાતને, એક માત્ર એવી સાતેક વર્ષની તમારી પિત્રાઈ બહેનને, તમારાં કાકીને અને ધંધાકીય જવાબદારીઓને સંલગ્ન એવાં તમામ કાર્યોને તમારા હવાલે કરી દીધાં હતાં. આમ બબ્બે કુટુંબોની જવાબદારી માથે આવતાં ઉચ્ચતર અભ્યાસ માટેની તમારી મહેચ્છાઓ ઉપર તમારે પૂર્ણવિરામ મૂકી દેવું પડ્યું હતું, લક્ષ્મણ.

જે બન્યું તે ખરું, પરંતુ જેમના તમે સદાય પ્રશંસક રહ્યા છો તેવાં રાણી ઈલિઝાબેથ અને તમે એમ બેઉના ભાગ્ય ઉપર અંકિત એવી પથ્થરની એકસમાન લકીરે તમારાં જીવનને એવા વળાંકો આપ્યા હતા કે રાણીની જેમ તમે પણ રાતોરાત કાકાની અઢળક સંપત્તિના વારસદાર બની ગયા હતા. રાણીજી પણ જ્યારે દસ વર્ષનાં હતાં ત્યારે તેમના દાદા જ્યોર્જ પંચમના અવસાન પછી તેમના કાકા એડવર્ડ આઠમા જ્યેષ્ઠ પુત્ર હોવાના કારણે રાજગાદીના ઉત્તરાધિકારી બન્યા હતા. છએક મહિના સુધી એ પદ શોભાવ્યા પછી તેમને ગાદીત્યાગ કરવો પડ્યો હતો, જેનું કારણ એ હતું કે તેઓ વોલિસ સિમ્પસન નામની બે વખત પરણી ચુકેલી એક અમેરિકન ત્યક્તા સ્ત્રી સાથેના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. ઈંગ્લેન્ડની રૂઢિગત પરંપરા મુજબ ત્યાંની પ્રજાએ રાજા એડવર્ડને રાજગાદી અને વોલિસ સાથેના પ્રેમલગ્ન એ બે પૈકી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો. રાજા એડવર્ડે રાજગાદી ઠુકરાવી દઈને વોલિસને જીવનસાથી તરીકે અપનાવી લેતાં ઈલિઝાબેથના પિતા પ્રિન્સ આલ્બર્ટ પોતાનું જ્યોર્જ છઠ્ઠા તરીકેનું નામ ધારણ કરીને ગાદીએ બેઠા હતા અને આમ ઈલિઝાબેથ તેમનું પાટવી સંતાન હોઈ તેમના અવસાન પછી બીજી જૂન, ૧૯૫૩ના રોજ તેણીની ઈલિઝાબેથ (દ્વિતીય) તરીકે ઈંગ્લેન્ડની રાણી તરીકેની તાજપોશી થઈ હતી.

સંજોગોએ ભલે તમને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડી હોય, ભાઈ લક્ષ્મણ; પણ, ભણતર સાથેનો તમારો લગાવ તો એવો ને એવો જ હતો. ધંધાકીય જવાબદારીઓમાં વ્યસ્ત એવા તમે બાહ્ય વિદ્યાર્થી તરીકે આર્ટ્સ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થવાનું વિચારીને સર્વ પ્રથમ તો મધ્યપ્રદેશથી સીધી ઈન્ટર (દ્વિતીય વર્ષ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધી હતી. ઇતિહાસના વિષયમાં તમે યુરોપના ઇતિહાસના વિકલ્પે ઈંગ્લેન્ડનો ઇતિહાસ અને ભારતીય ઇતિહાસમાં અર્વાચીન ઇતિહાસના બદલે પ્રાચીન ઇતિહાસને પસંદ કર્યો હતો. ઈન્ટરની જેમ જ તમે બાહ્ય વિદ્યાર્થી તરીકે જ ગુજરાત યુનિવર્સિટીથી બી.એ. પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ નિયમિત વિદ્યાર્થી તરીકે શનિ-રવિની કોલેજની સુવિધાનો લાભ લઈને તમે ગુજરાતી અને રાજનીતિશાસ્ત્ર(પોલિટિકલ સાયન્સ) વિષયો સાથે એમ.એ. પણ ઉત્તીર્ણ કરી લીધું હતું. અનુસ્નાતક કક્ષા સુધી ભણવા પાછળનો તમારો આશય માત્ર એટલો જ હતો કે તમે રાજનીતિશાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ) વિષયમાં તમારાં પ્રિયપાત્ર એવાં ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) ઉપર તમે પીએચડી (ડોક્ટરેટ) કરવા ઈચ્છતા હતા. લોકોએ રાણી ઈલિઝાબેથ (દ્વિતીય)ને જ્યારથી તમારા નામ સાથે જોડી દીધાં હતાં ત્યારથી તમને પણ ઘેલું લાગી ગયું હતું કે તમે પીએચ.ડી. માટે રાણીજીના જીવનના કોઈક પાસાને જ વિષય તરીકે પસંદ કરશો. દિવસે વેપારવણજ અને રાત્રે અધ્યયન-અધ્યાપન-સહપઠન દ્વારા તમે તમારા કુટુંબમાં લક્ષ્મી અને સરસ્વતીને સહનિવાસ કરવાની ફરજ પાડી હતી એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ ન હતી. તમારા અધ્યયનની સાથે તમે અધ્યાપનકાર્ય બજાવ્યું કે સહપઠન કર્યું એમ કહેવાનો મતલબ એ હતો કે તમારી જ જેમ મેટ્રિક પછી અભ્યાસ છોડી દીધેલાં એવાં તમારાં ધર્મપત્ની ઊર્મિલા પણ તમારી સાથેસાથે યુનિવર્સિટી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં હતાં. ઊર્મિલા ઉપરાંત તમારી રાત્રિશાળામાં તમારી પિત્રાઈ બહેન ગીતા કે જેના તમે વાલીવારસ હતા અને તમારી પુત્રી તન્વી તથા પુત્ર ઉમંગ એમ એ ત્રણેય જણ પણ તમારાં શિષ્યો કે સહપાઠીઓ હતાં. ૧૯૭૩માં તમે, લક્ષ્મણ, પ્રથમ વર્ગ સાથે એમ. એ. કરી લીધા બાદ તમારા ડોક્ટરેટ કરવા માટેના નિર્ધારિત લક્ષ તરફ આગળ વધવામાં તમારી ધંધાકીય જવાબદારીઓએ પ્રતિકૂળતાઓ ઊભી કરતાં તમારે ત્રણેક દાયકાઓનો દીર્ઘ વિરામ કરવો પડ્યો હતો.

પરંતુ આજે છેક ૨૦૦૩ના વર્ષમાં તમારી પંચાવન વર્ષની ઉંમરે તમે પીએચડી કરવા માટે ગંભીર થયા છો. તમારા માર્ગદર્શક (ગાઈડ) તરીકેની જવાબદારી શિક્ષણજગતમાં ખ્યાતનામ એવા ડો. કુલશ્રેષ્ઠે સ્વીકારી છે અને યુનિવર્સિટીમાં જરૂરી વિધિ પતાવ્યા બાદ તમે આજે જ તેમના ઘરે તેમને મળવા જવાના છો. તમારા શોધ મહાનિબંધનું શીર્ષક : “એચએમ કવિન એલિઝાબેથ ૨, અ સેલ્ફ વિલ્ડ બટ વેલ ડીસીપ્લીન્ડ કન્સ્ટિટ્યૂશનલ મોનર્ક ઓફ યુ કે" (“નામદાર રાણી ઈલિઝાબેથ (દ્વિતીય), એક ઉદ્દામ પણ શિસ્તબદ્ધ એવાં યુ.કે.નાં બંધારણીય વડાં શાસક”) પણ તમે વિચારી રાખ્યું છે. તમે સફળ બિઝનસમેન હોઈ કોઈ આર્થિક હેતુ માટે કે સરકારી પદ પ્રાપ્ત કરવા માટે એમ.એ. સુધીનો અભ્યાસ કરવાનો તમારો કોઈ આશય પણ ન હતો. તમારું અત્યાર સુધીનું લક્ષ માત્ર એ જ રહ્યું છે કે તમારે પીએચડી કરવું અને તે પણ ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) ઉપર જ.

લક્ષ્મણ, તમારો અંતરાત્મા આજે તમને વિહ્વળ બનાવી રહ્યો છે. તમારી નજર સામે તે ટાણે અપરાધભાવ અનુભવતા તમારા વર્ગશિક્ષકશ્રી મફતલાલ સાહેબનો શરમિંદગીસભર ચહેરો તરવરી ઊઠે છે. તેમને એ વખતે એમ લાગ્યું હશે કે કિશોરાવસ્થા ધરાવતો એક વિદ્યાર્થી આખી શાળાના તમામ વિદ્યાર્થીઓ, સહકાર્યકરો અને આચાર્યની હાજરીમાં પોતાના ગાલ ઉપર ચસચસતો તમાચો જાણે કે જડી ગયો છે! તે દિવસે તમે, લક્ષ્મણ, આઝાદી મળ્યાનાં ચૌદ વર્ષોનો હિસાબ બતાવીને સૌને ગુલામીની માનસિકતા ન તજી શકવાનું અને અંગ્રેજોની ખુશામત કરવાનું ચાલુ રાખવાનું મહેણું માર્યું હતું. આઝાદી મળ્યાને એ વખતનાં ચૌદના બદલે આજે જ્યારે ચારગણાં એટલે કે લગભગ છપ્પન વર્ષો વીતી ગયાં છે તો પણ તમે તમારી પોતાની જ માનસિકતા બદલી શક્યા નથી તેનું શું, લક્ષ્મણ? આજે જ્યારે તમે રાણી ઈલિઝાબેથ ઉપર પીએચ.ડી. કરવાનું વિચારી રહ્યા છો, ત્યારે તમને પૂછવાનું મન થાય છે કે બે એક વર્ષ પહેલાં અવસાન પામેલા તમારા આદર્શ એવા મફતલાલ સાહેબ હાલમાં હયાત હોય તો તમે તેમની નજર સામે તમારી નજર મેળવી શકો ખરા! જીવનભરના તમારા બહોળા વાંચન થકી તમને, લક્ષ્મણ, આપણા દેશને અહિંસાના અણમોલ શસ્ત્ર વડે આઝાદી અપાવનાર એવા મહાત્મા ગાંધીના જીવનનું એવું કોઈ એકાદ પણ નોંધપાત્ર પાસું તમારા ધ્યાનમાં નથી આવતું કે જે તમારો શોધનિબંધનો વિષય બની શકે?

પરંતુ લક્ષ્મણ, તમે તો ચિંતનશીલ અને વિદ્વાન પુરુષ હોવાની સાથેસાથે કાબેલ ધંધાદારી માણસ પણ છો. તમને ખબર છે કે રાણી ઈલિઝાબેથ ઉપરનો તમારો અંગ્રેજીમાં લખાનારો શોધનિબંધ તમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવશે. તમને એ પણ ખબર છે કે દિલ્હી ખાતેના ઈંગ્લેન્ડના જે તે રાજદૂતને તમારો રાણીજી ઉપરનો શોધનિબંધ મોકલવામાં આવે તો કદાચ તેઓ તમારા નામની ભલામણ કરીને તમને રાણીજીની કૃપાથી કોઈક ખિતાબ પણ અપાવે અથવા તમને ઈંગ્લેન્ડની કોઈક યુનિવર્સિટી તરફથી માનદ ડિગ્રી પણ એનાયત કરવામાં આવે. તમારા રાણી ઉપરના શોધનિબંધને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે તો તે પુસ્તક કદાચ બેસ્ટ સેલર પુસ્તકોની હરોળમાં પણ આવી શકે. તમે પેઢી દર પેઢી તે પુસ્તકની રોયલ્ટીની અઢળક આવક પણ રળી શકો. પરંતુ આવા નામ અને દામ માટે તમારે તમારા ઝમીરને અવગણવું પડશે, તમારે તમારી જાતને ભારતીય કે ગુર્જર તરીકે ઓળખાવવાનું ભૂલી જવું પડશે. તમારા સ્વર્ગસ્થ ગુરુ મફતલાલ શ્રીમાળી સાહેબના તમારા પેલા મહેણાના કારણે ભોંઠા પડી ગએલા તેમના એ ચહેરાને તમારા સ્મૃતિપટ ઉપરથી તમારે સદાયના માટે ભૂંસી નાખવો પડશે!

પરંતુ ના, ભાઈ લક્ષ્મણ, તમારા ચહેરા ઉપર એવાં નામદામ રળી લેવાની કોઈ નિશાની વર્તાતી નથી. તમારું અંત:કરણ તો તમને અવાજ દઈ રહ્યું છે કે તમે સર્વ પ્રથમ તો ભારતીય છો અને પછી ગુજરાતી પણ ખરા! તમે તમારા શોધનિબંધનો માત્ર વિષય જ નહિ, તેનું માધ્યમ પણ બદલી દેવાના દૃઢ નિશ્ચયે વૈચારિક રીતે સ્થિર થઈ ચૂક્યા છો. હાલમાં તમારી કાર ‘ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ’ ઉપરથી પસાર થઈ રહી છે. તમે તમારા ડ્રાઈવરને સૂચના આપી દીધી છે કે કારને ગુજરાત યુનિવર્સિટીના બદલે ગુજરાત વિદ્યાપીઠે લઈ જવામાં આવે, કારણ કે હવે તમારા શોધનિબંધનો વિષય બદલાઈ ગયો છે. તમારો વિષય હવે : “મહાત્મા ગાંધીએ ગુજરાતી ભાષા અને સાહિત્યને આપેલું યોગદાન.” બની ચૂક્યો છે. સાથેસાથે એ પણ એટલું જ સ્વાભાવિક છે કે તમારા શોધનિબંધની ભાષા પણ ગુજરાતી જ હોય ને!

વળી, જોગાનુજોગ તો જૂઓ! આજનો દિવસ પણ છે, ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૦૩ ને શુક્રવારનો! ચતુર્થ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન (ઇન્ટર નેશનલ મધર્સ લેન્ગવેજ ડે) કે જેને યુનેસ્કો દ્વારા ઈ.સ. ૨૦૦૦થી વિશ્વભરના લોકો માટે પોતપોતાની માતૃભાષાના ગૌરવને જાળવવા માટેના સંકલ્પદિન તરીકે અને ઊજવણી માટે ઘોષિત કરવામાં આવ્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama