જમીન દોસ્ત
જમીન દોસ્ત
આજે પૂનમની રાત હતી....પણ મારી અંદર ભળભડતો સુરજ હતો. ગઈ કાલ સુધી બધું જ બરાબર હતું. ચૌદશની ચાંદની પણ માણી હતી. સવારે જાગીને જોયું તો મારી બાજુમાં જડ શરીર હતું.....
અડધી રાત સુધી સળવળયાં કરતાં એ હું ક્યારે ઊંઘી ગઈ ને ક્યારે નિશ્ચેતન બની ગયાં! કેવી રીતે? એકાએક કેવી રીતે? એને ક્યારેય જવાનું મન ના થાય એટલો પ્રેમ કર્યો હતો મેં.
શું કામ જાય એ? કેવી રીતે ગમ્યું હશે એને જવાનું? એ પણ મને મૂકીને? આજે જાગવાની, જાગીને છાપું લેવાની, હું ક્યારે જાગું અને કયારે ચ્હા મુકું એની રાહ જોવાની એને જરૂર ના લાગી...ક્યારેય ઉંઘ્યો જ ન હોય એવી રીતે ઊંઘે છે! બધાં બહુ લોકો આવ્યા છે પણ કોઈ એમને જગાડતું નથી. કોઈકે મને એમની પાસે બેસાડી દીધી. બેસી ગઈ, બહુ પંપાળયાં, બહુ વ્હાલ કર્યું, માથા ઉપર માથું મૂકી દીધું, હાથ હાથમાં લીધો પણ એતો જાણે લાકડું! કોઈ પ્રત્યુત્તર પણ નહીં?
આવું તો ક્યારેય નથી બન્યું! મારાં સ્પર્શનો એ ભરઊંઘમાંય જવાબ આપતાં, નજીક આવીને. પણ આજે તો સામું જ નહીં જોવાનું? મારી જરાય પરવાહ જ ન રહી? નહીં હલવાનું નહીં, આંખો ખોલવાની, નહીં જોવાનું, નહીં સાંભળવાનું, નથી થતો સ્પર્શનો ..કોઈ જાદું! આ તે કેવું? આવું કેમ? આવું તે કંઈ હોય? કોઈક ભવનું વેર વાળવાનું હોય એમ કચકચાવીને બાંધી દીધાં એમને!
બધાં રડતાં હતાં પણ કોઈએ એમને ઠપકો ના આપ્યો કે આવું ના કરાય, ના કોઈએ મનાવ્યા, ના જગાડ્યા, ના છાપું આપ્યું, ના ચ્હા આપી. ઉપાડી લીધાં ઉતાવળ કરી, અને લઈને ચાલી નીકળ્યા. સૂરજની ગરમી બધાંને દઝાડી રહી હતી, બધાં છાંયડો શોધીને ઉભા રહયા..
મને ઘરમાં લાવ્યા અને મને ભાન થયું કે બધાંની વચ્ચે હું એકલી રહી ગઈ. મારો પ્રિયજન, મારો પ્રિયતમ, મારો જીવનસાથી, દરેક પળે, સુખમાં અને દુઃખમાં સાથે જ રહેવાનું વચન આપનાર, ક્યારેય મને છોડીને જઇ ના શકે એ આજે અધૂરાં જીવતરે એકલી મૂકીને ચાલી ગયો. આજે મેં એકલાં જ સુવાની જીદ કરી.પૂનમનો ચંદ્ર અને આથમી ગયેલો સુરજ બંને મને બાળી રહ્યાં હતાં.
બાજુમાં કોઈ સળવળાટ નહોતો, કોઈ સ્પર્શ નહોતો, નસકોરાં નો અવાજ નહોતો, દરરોજ પથારીમાં પડતાં સળ નહોતાં, કોઈનાં શ્વાસની સુગંધ નહોતી. દરરોજ કોઈક છે એવો પળે પળે જે એહસાસ હતો એ વિલીન થઈ ગયો.
એક જણ વિધ્વંસ્ત થઈ ગયું..મારી અંદર ભર ઉનાળાની બપોરે બળતાં સૂરજની આગ વિસ્તરી રહી.
