Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

અપમાન

અપમાન

2 mins
1.9K


આજે હું ૭૦ વર્ષની થઈ, પાછળ જોવાનું મન થયું; મારા ૭૦ વર્ષના જીવનની ફલશ્રુતિ શું?

...પપ્પાનો સ્વભાવ ખૂબ જ ગરમ હતો અને તેનો લાભ મને અને મારી મમ્મીને જ મળતો.

તેમના હાથમાં કેટલો દમ છે તે હું જ વધારે જાણતી. કદાચ હું એમનું મોટું સંતાન હતી એટલે...

ક્યારેક ભાઈ પણ ટપલીદાવ કરી લેતો. એ બધાનો લાડકો હતો, એટલે એને કોઈ રોકતું નહીં અને એવામાં મેં એક વધારે મોકો આપ્યો મારી ઉપર હાથ સાફ કરવાનો! હું કોઈનાં પ્રેમમાં પડી અને ઘરમાં આભ તૂટી પડ્યું. પપ્પાને કદાચ હવે મને મારતા હાથ દુઃખતો હશે એટલે મારી ઉપર સાણસી, વેલણ, લાકડી અને ઝાડુનો ઉપયોગ થવા માંડ્યો.

પપ્પા અને ભાઈને મારી કોઈ વાત સમજવામાં રસ જ નહીં; ફક્ત મને મારવામાં જ રસ, એટલે મેં ભાગીને મારા પ્રિય પાત્ર સાથે લગ્ન કરી લીધાં અને આ પુરુષોના ત્રાસમાંથી છૂટવાનો આનંદ થયો. જોકે, એ આનંદ બહુ લાંબો ના ટક્યો. પ્રિય પાત્રએ પણ એનો મિજાજ બતાવ્યો અને એણે પણ એનું પુરુષાતન મારી મારીને જ બતાવ્યું! બે દીકરા હતા એના આનંદમાં આ બધું સહન થતું ગયું, પણ મારું કમનસીબ કે પિતાનો સ્વભાવ દીકરાઓમાં ઉતર્યો અને તેઓ પણ... હવે સહનશક્તિ ખૂટી ગઈ. બાપનો, ભાઈનો કે દીકરાનો સામનો ના કરી શકી અને એ અપમાનનો બદલો સ્ત્રીને માત્ર સાધન માનતા પુરુષથી લેવાનું નક્કી કર્યું.

...આજે હું પણ મારા પતિનો સામનો કરીને પુરુષને પહોંચ્યાનો આનંદ લઈ શકું છું.

શું આ મારી જીત છે?

...હા, હવે એ હાથ ઉપાડે એની સાથે જ હું એમનો હાથ મચકોડી નાંખું છું, એ મને મારે એ પહેલાં જ હું એમને મારું છું.

...એક સ્ત્રી થઈને મારાથી આવું કરાય?

 

 


Rate this content
Log in