Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

મારી મા

મારી મા

3 mins
7.2K


"મા", તું જ્યાં હોય ત્યાં

ધરતીના કણકણમાં

આકાશના અવકાશમાં

ઈશ્વરના સાંનિધ્યમાં

મારી મા,

સંયુક્ત કુટુંબમા રહેતા હતા આપણે અને તેથી અમે છોકરાંઓ તને ભાભી કહેતાં. ચાર ભાઈ બેન અમે અને કાકાની દીકરીઓ. બે ફોઈ અને કાકા તને ભાભી કહેતાં તેથી 'ભાભી' સંબોધન અમને જચી ગયું.

મેં ઘરમાં તારો કોઈ ફોટો નથી રાખ્યો, મારી પાસે તારો કોઈ સરસ ફોટો છે પણ નહીં, છતાં આજે પણ તું મને એવી જ યાદ છે જેવી તું આજથી સત્તર વર્ષ પહેલાં અમને મૂકીને કોઈ અગમ્ય દુનિયામાં ચાલી ગઈ. એ જ ચહેરો મારા દિલમાં કોતરાઈ ગયો છે.

મારા જ જેવો કાળો વાન, નીચું કદ, મારા જ જેવો સામાન્ય દેખાવ... પણ તારી જિંદગી મારાથી અલગ...

મારા કાકા (પપ્પા) બે પાળી નોકરી કરીને, ઘરનાં બે છેડા માંડ પૂરા કરતાં. ટૂંકા પગારમાં રહેવા માટે નાની એવી માથાની છત ખરીદી, દેવું કરીને જ તો... ચાર ભાઈબેન, દાદા અને તું અને કાકા. એક નાનો રૂમ અને નાની જ ઓશરી... પણ તેં અમને કોઈ ખોટ ના લાગવા દીધી. સુશીલ, ઘરરખ્ખુ સ્ત્રી બનીને ઓછી આવકમાં પણ અમારી બધી જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી એ આજે પણ નથી સમજાતું, કશી જ ઊણપ વગર અમે મોટા થયા અને સારું ભણ્યા પણ ખરાં.

પણ હવે આજે મને યાદ આવે છે તારી ફાટેલા સાડલા(સાડી નહીં) ને બે- ત્રણ થીગડાં મારીને પહેરવાની ટેવ, બધું જ કામ જાતે સફાઈ પૂર્વક કરવાની ટેવ, બીજાને કોઈ પણ રીતે મદદ કરવાની ટેવ, મારા કાકાના મીલેટ્રી માઈન્ડ, સહન ના થાય એવા સ્વભાવને સહન કરવાની ટેવ અને કાયમ છેલ્લા જમવાની ટેવ. તું છેલ્લે કેમ જમતી એ આજે મને સમજાય છે. બંને દીકરા કમાતા થયા પછી પણ તું કેમ સાડલા સાંધીને પહેરતી એ પણ આજે મને સમજાય છે. તું તારા એ દિવસો ભૂલવા નહોતી માંગતી અને નવી રીતે જીવવાની ટેવ તારે પાડવી નહોતી, એટલે તો જેટલું તેં ઘર સવાંર્યુ એટલી તારી જાતને તે ક્યારેય ના સંવારી કે ના શણગારી, નવા કપડાં ખરીદવાનો કે પહેરવાનો તને જરાય મોહ નહીં.

ક્યારેક શોખ તો થયો હશે, પણ તેં એવું ક્યારેય બતાવ્યું નહીં. કદાચ તારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો પોતાની ઈચ્છાઓને, પોતાના શોખને અને પોતાની જરૂરિયાતોને સાવ આટલી સહેલાઇથી ના અવગણી હોત. પણ તું એક સ્ત્રી પછી હતી પહેલાં એક 'મા' હતી અને જીવનભર અમારી જ બધાની ચિંતા કરીને માત્ર 'મા' બનીને જીવી.

આજે પણ તું મને યાદ આવે ત્યારે મને તારા સાડલામાં થીગડાં દેખાય છે, પણ ચહેરા ઉપર એક ખુમારી દેખાય છે. ઈશ્વરે આપેલી અગણિત અગવડો છતાં હસી રહેલો તારો ચહેરો મને જીવન જીવવા માટે ઉત્સાહી બનાવે છે. મારી જિંદગીની દરેક મુશ્કેલીમાં સાથ આપીને તેં મને હારતા બચાવી છે. જિંદગીની દરેક તંગ પરિસ્થિતિમાં મેં તને જ યાદ કરી છે. તારી નાદુરસ્ત તબિયતમાં પણ તેં હંમેશા તારા બાળકોનો જ વિચાર કર્યો છે. ગમે એવી મોટી બિમારીને પણ તે અવગણીને નાની જ ગણી છે. જિંદગી આખી બધાનો વિચાર કર્યો અને તારી જ જાતને ભૂલી ગઈ. આજે આટલા વર્ષો પછી પણ તું મને એવી ને એવી જ યાદ છે અને તારી કોઈ વાત જીવનની છેલ્લી પળ સુધી નહીં ભૂલું.

આવતી જિંદગીમાં તું જ મારી 'મા' બનજે, ભૂલીશ નહીં, યાદ રાખજે 'મા', મારી મા...

 

 


Rate this content
Log in