જિંદગી રી-ટેક
જિંદગી રી-ટેક


“લાઈટ કેમેરા એકશન...”નાં અવાજથી મારી વિચારોની તંદ્રા તૂટી અને હું વર્તમાનમાં પાછો આવ્યો. આજે મુંબઈનાં ફિલ્મસીટીમાં કોરોના મહામારી અને ધારાવી ઝૂંપડપટ્ટીને જોડતી એક સંદેશાત્મક જાહેરાતનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એનો છેલ્લો ભાગ ધારાવી ના બાળકોને લઈને પૂરો કરવાનો હતો. ડિરેક્ટરનો કાફલો ધારાવી પહોંચ્યો ને ત્યાં ગંદા પાણી અને ઉભરાતી ગટરોને ખૂંદતા બાળકો આશા અને કુતુહલ ભરી નજરો એ કાફલા ને જોઈ રહી.. એમાં ના એક બાળક ને જોતા જ મને મારો ભૂતકાળ કે જે અહીં જ વીતેલો હતો તે મારી આંખો સામેથી પસાર થઈ ગયો કોઈ રિટેકની જેમ જ.. મારુ બાળપણ પણ આવી જ નિઃસહાય અને લાચારીમાં વીતેલું હતું અને પેટની ભૂખ સંતોષવા અમે પણ આમ જ કોઈ આવે ત્યારે એકીટસ તાકતા રહેતા. આ તો ભલું હોજો અમિત શેઠ નું કે જેણે મારા બાપુ ને કામે રખાવી દીધા હતા અને જેને કારણે અમારા પરિવારના નસીબ આડેનું પાંદડું ખસી ગયું હતું અને આજે હું સિનેજગતના એક જાણીતા ચહેરામાંનો એક થઈ ગયો છું. મેં તરત જ સ્પોટબોય ને બધા છોકરાઓ ને મારી પાસે બોલાવી લાવાનો ઈશારો કર્યો અને બધા જ છોકરાઓ ને માસ્ક અને સેનિટાઈઝર આપીને રાજી કર્યા.. જાણે કે આખી જિંદગી મારી સમક્ષ રિટેક લઈને ઊભી રહી ગઈ...અને હું એ જ પાછો 'લાઈટ કેમેરા એકશન ' ની દુનિયામાં ધકેલાઈ ગયો.