STORYMIRROR

Vijay Shah

Inspirational Tragedy

3  

Vijay Shah

Inspirational Tragedy

ઝાંઝર

ઝાંઝર

4 mins
7.5K


  


“ભાઈ હવે તુ મને મારી નાખ.. મારે હવે જીવવું નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષના ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દીકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો ”અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુંને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈ ને પાછું વાક્ય અનુસંધાન કર્યું… ” બાપા તમે તો અમારા જન્મ દાતા..અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય? જરા શુભ શુભ બોલો..”

ત્રિભુવનદાસને ચારેક વર્ષ પહેલા પડી જવાથી ડાબો પગ ભાંગ્યો હતોને તે વખતે સર્જરી કરી સ્ટીલના સળીયા નાખ્યા હતા. તે છ મહિનાનો ખાટલો તો રમાબાની હયાતિમાં ભોગવ્યો હતો. ગયા સોમવારે ફરી પડ્યા અને જમણા પગની બેઠક પાસે તીરાડ પડી તેથી ડોક્ટરો એ વજનીયા બાંધી તેમને પથારી વશ કર્યા હતા. જે તેમનાથી સહન થતું નહોતુ.. વળી રમાબાના ગયા પછી પડેલી એકલતાની ખાઈ તેમને વધુ ભયભીત કરતી હતી. રમેશનું વાક્ય પુરું થાય તે પહેલા તો તે તાડુક્યા..“તો હું શું કરૂં? મને જીવવામાં રસ રહ્યો નથી અને આ વજનીયા બાંધી મને રીબાવો તેના કરતા મને મારી નાખો એટલે બધાં છુટે.”

રમેશે બાપાને સમજાવતા કહ્યું, ”બાપા એ વજનીયા તમારા પગની હલન ચલન રોકવા માટે છે કારણ કે પગના…” ” હા, મને ખબર છે મને પગના હાડકામાં તીરાડ પડી છે..પણ મને આ વજનીયા અને બેડી નથી જોઈતી. મારે બંધાઈને જેલના કેદીની જેમ નથી જીવવું.. કાં બેડી કાઢો કાં મને કાઢો” રૌદ્ર સ્વરુપમાં ધ્રુજતા પણ મક્કમ અવાજમાં ત્રિભુવનદાસે જણાવ્યું.

રમેશ ધુંધવાયેલા અવાજે ફરી બોલ્યો, ”બાપુજી, તમે ડોક્ટર નથી અને આ નિર્ણય તમારો નથી..” ”પણ સહન તો હું કરું છું ને!” રમેશની વાતને અર્ધેથી કાપતા ત્રિભુવનદાસ ફરીથી બોલ્યા.

આવી નિરાશાજનક વાતો અને માંગણીઓનો દોર ચાલુ રહ્યો. રમેશે ચુપ્પી સાધી અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા ડોક્ટરને પુછશે તેવું મનોમન વિચારી લીધું. બાપુજીની દરેક ગતિવિધી જોતા જોતા તે અજાણે જ ત્રિભુવનદાસના પિતા જગજીવન સાથે સરખાવી બેઠો. બાપુજીને પણ પથારીમાં સુઈ રહેવાથી કાળા ચાઠા પડેલા હતા..૮૯ વર્ષની ઉંમર. ચોકઠું કાઢી નાખેલ મ્હોં શ્વાસોચ્છશ્વાસ દરમ્યાન ફુગ્ગાની જેમ ફુલે અને સંકોચાય..આ બધું તેણે યુવાન વયે જગજીવનદાસનાં મૃત્યુ પહેલા જોયું હતું તેથી તેનું મન ક્ષણ માટે તો ધબકારો ચુકી ગયું.

દાદાની ખબર જોવા આવેલા લાલાભાઈએ ઘડીયાળના સેકંડ કાંટા

ને ગુરુત્વાકર્ષણના નિયમને તાબે થતા જોઇ કહ્યું” ફોઈબા! આ ઘડીયાળતો ધીમી પડવા માંડી..”

રમેશના મને ફરીથી ઉથલો માર્યો.. આ બાપુજી પણ ઘડીયાળની જેમ જ દેહવિલયની ગતિમાં ધીમ પડવા નથી માંડ્યાને? પણ આ ડરને દાબીને તેણે કહ્યું ”બાપુજી દાદાની જેમજ તમે પણ ફુગ્ગ ફુલાવો છો. પણ તેઓ કદી તમારી જેમ માંગી માંગીને મૃત્યુના ઉધામા નહોતા કરતા."

”ભાઈ મારાથી આ વજનીયા સહન નથી તેથી તો કાઢી નાખોની વાતો કરું છું.”

“બાપુજી તમે જે વિચારો છો ને કે આ વજનીયા બેડી છે તે વિચાર ખોટો છે. થોડોક સમય રાખશો એટલે તમે ટેવાઈ જશો. હાડકાની તીરાડ પુરવા હલનચલન રોકવું જરુરી છે ને?”

મોટીબેને લાલાભાઈને રુપિયા આપીને કહ્યું “ચાર બેટરીના સેલ લઈ આવો બધી ઘડીયાળોના બદલી નાખીયે..”

રમેશ બાપુજીની પીડાથી દ્રવિત હતો તે બોલ્યો ”બાપુજી કાશ કે તમારી પીડા હું લઈ શક્તો હોત… તમે મૃત્યુના માંગો તે માંગે તો મળતું નથી. અને ત્યાં પણ લાઈન છે જ્યારે વારો આવશે ત્યારે કોઇ રોકી નહીં શકે!”

બાપુજી આર્દ્રતાથી બોલ્યા ”ભાઈ તમે મને પીડાતો જુઓ છો પણ ડોક્ટરની આડમાં મારું કશું સાંભળો નહીં તો હું શું કરું?”

રમેશ કહે “બાપુજી આપણુ મન કાબુમાં રાખો તો મિત્ર અને નહીંતર દુશ્મન છે.”

બાપુજી કહે ”શું આ બેડીઓને હું બેડીઓ ના સમજું એમ તું કહે છે?”

રમેશ કહે છે ”તેને કાબુમાં રાખવાનુ કહું છું. આ વજનીયા બેડી નથી તે તમારી સારવારનો એક ભાગ છે. જો તમે સહકાર નહીં આપો તો તે ત્રણ મહીનાને બદલે છ મહીના લંબાશે અને પીડા તો તમારે જ ભોગવવાની છે.”

થોડીક ચુપકીદીની ક્ષણો વીતી ના વીતીને બાપુજી ફરી બોલ્યા ”મારાથી આ દુખાવો સહન નથી થતો..ભાઈ મને ગળચું દાબીને મારી નાખો…”

મોટીબેન અને રમેશ બંને અંદરથી હચમચી ગયા. આ દુઃખ કે ધાર્યુ કરાવવાની આડ ધમકી? રમેશે બાપુજીનો હાથ પકડી માથા ઉપર મુકાવીને કહ્યું,” બાપુજી આ મરવાની વાત ના બોલો તમને મારા સોગંદ.. થોડીક સમતા રાખો…”

લાલાભાઇ સેલ લઈને આવી ગયા હતા. તેમણે ઘડીયાળો ઉતારી દરેકના સેલ બદલી નાખ્યા. ઘડીયાળનો સેકંડ કાંટો હવે ગુરુત્વાકર્ષણના નિયમને ગાંઠતો નહોતો.

બાપુજીની ટેપ હવે બદલાઈ હતી. “ભાઈ કાલે સવારે હું નહીં હોઉં.”

રમેશે વજનીયા કાઢ્યા પગે થોડોક ચામડી ઘસાયાનો દાગ હતો. પાવડર છાંટ્યો અને પગ થોડીક વાર પંપાળ્યા.

“ભાઈ બહુ દુઃખે છે.”

”હવે સારું લાગે છે? મેં વજનીયા કાઢી નાખ્યા છે.”

”કેમ મને રીબાવી રીબાવીને છ મહીના આ પથારી પર રાખવો છે?"

 ઘડીયાળ બરોબર ચાલવા માંડી હતી.. રમેશે બાપુજીને પુછયું “આ ઝાંઝર તો પાછું બાંધી દઉંને?”




Rate this content
Log in

Similar gujarati story from Inspirational