Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ઝાકળ બન્યું મોતી પ્રકરણ-૭

ઝાકળ બન્યું મોતી પ્રકરણ-૭

9 mins
14.2K


જીવન થાળે પડી ગયું હતું. જનારની યાદ ભૂલાતી ન હતી. ખોટ પૂરાવાની કોઈ શક્યતા ન હતી. દીવાળીના કારણે બે દિવસ સ્ટોર બંધ હતો. જલ્પાના ચહેરા ઉપર હાશકારો ફેલાયેલો હતો. જય તેની બહેનપણીને મળવા જવાનો હતો. જેમિની નિરાંતે સૂવાની હતી. કોલેજમાં રજા હતી. પરિક્ષાનું વાંચીને ખૂબ થાકી ગઈ હતી. થાક ઉતારવો હતો. દાદી તેના લાલાને લાડ લડાવતી હતી. આજે જલ્પાએ નક્કી કર્યું બસ હાશ કરીને બેસીશ. દિવાળીના દિવસોમાં મિઠાઈ તેમજ ફટાકડાની મોજ માણીશું. સવારના પહોરમાં નાહી ધોઈ, દાદી પાસે બેસી લાલાનું ભજન ગાયું.

અચાનક અરીસા પર નજર પડી ! પોતાનું પ્રતિબિંબ જોઈ ચમકી ગઈ. મનમાં વિચાર્યું, "આજે મારી સાથે સમય પસાર કરીશ. ખૂબ નવરાશ છે. જોંઉ તો ખરી મારા દિલની હાલત કેવી છે ? આજે મારે જાતને ફંફોસવી છે. શું હું, જવબદારી બરાબર નિભાવી રહી છું ? જય અને જેમિનીને કોઈ પણ જાતની ફરિયાદ નથી ને ? દાદી, બરાબર સેવા પામે છે’. આવી સોનેરી તક ઘણા વખત પછી મળી છે.

“મારે મને મળવું છે. હાલચાલ જાણવા છે. જીવનનું જમા અને ઉધાર પાસુ તપાસવું છે. અત્યાર સુધીના જીવનનું સરવૈયુ કાઢવું છે. પપ્પાનો ‘જલારામ અને મમ્મીની સોનબાઈ’ જીવનના તખ્તા પર પોતાનો ભાગ કેટલી સફળતા પૂર્વક ભજવી રહી છે તે જાણવું છે.”

સાવિત્રી બહેને બનાવેલ એલચી કેસરવાળી ચાનો કપ લઈને હિંચકા પર આવી. ગમે તેટલી ચા સરસ હોય , મમ્મીની ચા જેવો જેવો ટેસડો નથી પડતો.' હજુ, ચા પીતી વખતે મમ્મી જરૂર યાદ આવે. ચાનો કપ ટેબલ પર મૂકી મમ્મી, જલ્પાને સાદ આપે.

‘સોનબાઈ, તમારી ચા બોલાવે છે’. ત્યાં તો અચાનક તેના દિલમાંથી અવાજ આવ્યો.

‘હેં જલ્પા, તારા આ જીવન માટે કોણ જવાબદાર છે ?" આવો કેવો બેહુદો પ્રશ્ન દિલમાંથી ઉઠ્યો ?

“કેમ મારું જીવન કેવું છે ?”

“તને કોઈ ફરિયાદ નથી ?"

આ શબ્દ બોલીને ખડખડાટ હસી પડી. સાચું બોલજે તને કોઈ શિકાયત નથી ?"

‘ના, ના ને ના’.

‘અરે તું જુઠ્ઠું પણ સિફતથી બોલી શકે છે’.

એમાં અસત્ય ક્યાં આવ્યું ? જય અને જેમિનીના મુખ પર ખુશી જોઈ મને સંતોષ થાય છે. દાદીનું બોખલું મુખ મને પ્રેમ નિતરતી આંખે નિરખે છે. ‘

ત્યાં અંતર જરા હાલતું જણાયું. જલ્પા બહેન આયના સામે આવીને ઉભા રહ્યા. ઘડીમાં ડોળા કાઢે, ઘડીમાં હસે, ઘડીમાં શરમાય, મનમાં મલકાય, ચિત્ર વિચિત્ર ચાળા કરી રહી. મુખ પરની કમનિયતા થોડી ઝાંખી લાગી.

‘શું કામને ખોટો દંભ કરે છે ?'

”શેનો ?“

‘અરે, મારા જીવનમાં શાની કમી છે ? હા, મમ્મી અને પપ્પા નથી, પણ એ હકિકત હવે સ્વિકાર્ય છે’.

"આટલા ઢસરડા ક્યાં સુધી કરીશ ?"

"શું, હું મારી જીંદગીમાં ઢસરડા કરું છું ?"

અરીસા સામે ઉભી હતી, એક કરચલી મુખ પર જણાઈ. જલ્પા નારાજ થઈ. હજુ તો માંડ તીસની પણ નથી થઈ. મુખ પર કરચલી એ ગમતું દૃશ્ય નથી. પોતાના ભાઈ, બહેન અને દાદીનું ધ્યાન રાખવું એ ઢસરડા કહેવાય ? તો પછી તારા જેવા મૂરખનો આ ધરતી પર જોટો ના જડે ! અરે, મૂઢ મનવા તું બંદર છે. તને શાંત રહેવું ગમતું નથી. પાણીમાંથી પોરા કાઢે છે. તું ભલે મને સત્યના માર્ગેથી ચળાવવાનો પ્રયત્ન કરે ! હું તારું સાંભળીશ નહી. તારા કારણો કદાચ સાચાં પણ હોય , મને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે.

પાછી જાતને ફોસલાવવા લાગી ! "અરે, એ લોકો તો પાંખો આવે ઉડી જશે. દાદી કેટલાં વર્ષ ? પછી તારું કોણ ?"

‘જોયું ને, જયને બહેનપણી મળી ગઈ.’

‘કેમ ભૂલી ગઈ, જય તને કહેતા, પહેલા કેટલું ગભરાતો હતો. કહ્યા પછી પણ જાણે ગુનેગાર હોય તેમ વર્ત્યો હતો. તેં એને પ્રેમથી પાંખમાં લઈ સાંત્વના આપી હતી. તને કેટલો આનંદ થયો હતો."

"બન્ને જણા તને અનહદ પ્રેમ અને ઈજ્જત આપે છે."

"અરે, ‘એ તો નવું છે, ત્યાં સુધી પછી ?"

આ જેમિની ‘લો’નું ભણવાની છે. કોઈ લોયરના પ્રેમમાં પડશે પછી તારું કોણ ?"

"દાદી પણ હવે સાજી રહેતી નથી. તને અંતરના અશિર્વાદ આપે છે. જ્યારે એની આંખ મિંચાશે પછી ?"

જલ્પા ત્રાસી ગઈ, આજે કેમ આવા વિચારો આવતા હતાં. દિવાળીના દિવસોમાં શુભ વિચારવાને બદલે તેનું અંતર મન, તેને છંછેડી રહ્યું હતું. ઉશ્કેરાટમાં તે ધ્રુજી રહી હતી. 'હે મન , મહેરબાની કરીને શાંત થા. ખોટા વિચારો કરીને તું મને ડગાવી નહી શકે. તું કેમ ભૂલે છે, મમ્મી અને પપ્પા અકસ્માતમાં ગયા ત્યારે જય અને જેમિની નાના હતાં. દાદી તો સાવ પડી ભાંગી હતી.' મને, શું માતા અને પિતાએ લાડ નહોતા કર્યા ? મારે શું સ્વાર્થી થઈને મારી જીંદગી જીવવાની હતી. શું મનુષ્ય અવતાર મળ્યો તેને ઉજાળવા મળેલો અવસર વેડફી દેવાનો હતો.’

'હે મન, શાંત થા. સ્વાર્થના સોનેરી કુંડાળાની બહાર પગ મૂક. આજે ઘરમાં નાનો ભાઇ અને બહેનના મુખ પર ફરકતું સ્મિત જોઈ સંતોષ માન. દાદી હવે બહુ લાંબુ નહી જીવે. જો એને તારા પર કેટલો મદાર છે. દાદીને જલ્પા એટલે, તેની સમક્ષ સ્વર્ગનું સુખ એને ઈંદ્રની અપ્સરા પણ ન ખપે. જો મેં માત્ર મારું સુખ જોયું હોત તો આજે આ સ્થિતિને પામત?

‘મારી પાસે શું નથી”?

‘પાછું તું જુઠ્ઠું બોલી’.

જલ્પા ચીસ પાડી ઉઠી, “શું હું જુઠ્ઠી છું”.

"તને મનનો માણિગર મળ્યો ?"

‘તને સંસારનું સુખ મળ્યું”?

‘અરે, શું કૂતરા, બિલાડાંની જેમ બળકો પેદા કરીએ એટલે સુખી કહેવાય ?

‘માનવ બની જીવન જીવવું એનાથી અધિક સુખ કયું છે ‘?

‘જમણો હાથ છાતી પર મૂકીને બોલ.

‘તને મન નથી થતું કે તને કોઈ ચાહનાર હોય. તારા પર ફિદા હોય. આયનામાં જો, તું કેટલી સુહાની અને સુંદર છે’. અજાણ્યાને પણ પ્રેમ કરવાનું દિલ થાય તેવી તું છે’. તારો પોતાનો સંસાર અને બાળકોથી ઘરનું આંગણું કલ્લોલ કરતું હોય.’

‘જો સાચું કહું, શરૂ શરૂમાં જ્યારે ખૂબ થાકી જતી હતી ત્યારે આ બધું છોડીને ભાગી જવાનું દિલ થતું હતું. ઈશ્વર સાથે ઝઘડતી પણ હતી. વળી તે, પાછું ઘરમાં બધાથી છાનું. મારા જીવનનો શું ઉદ્દેશ છે ? હું હતી કેવડી માત્ર વીસ વર્ષની કન્યા ! ક્યાં ગઈ મારી જુવાની ? હા, નાના ભાઈ અને બહેન વહાલાં ખરા પણ હવે તો મોટા થઈ ગયા. આ બધી જવાબદારીમાંથી હું ક્યારે છૂટીશ ? ‘

તેવા સમયે પપ્પા યાદ આવતાં, “મારો જલારામ” શબ્દ કાનમાં ગુંજતો અને ગુસ્સો બરફની માફક ઓગળી જતો. અજંપો ખોરવાઈ જતો. પપ્પાએ મૂકેલાં વિશ્વાસનો ઘાત કોઈ પણ ભોગે ન થાય. હું મન મક્કમ કરતી. મને જ શામાટે ઈશ્વરે આવું દુઃખ આપ્યું. મારા કયા જન્મના કર્મોની આ સજા છે ?’

આજે જલ્પા રણચંડી બની હતી. ‘જીવવું કે હોમાઈ જવું’. આને દુઃખ કહેવું એ સારી ભાવના નથી. અકસ્માત આવે અને પરિસ્થિતિ બદલાય તો માનવ તેની સામે મસ્તક ઉઠાવે ! કાયર બની હાર ન માને !

જરા શ્વાસ લે, જો આ સરસ મજાનું ઠંડુ પાણી પી. ઊંડા પ્રાણાયામ કર. મનને શાંત થવા દે. ચિત્તને કાબૂમાં રાખવાનો પ્રયત્ન આદર. હવે વિચાર.

‘શું તને તારી એકલતા સતાવે છે ? પૂનમનો ચાંદ જ્યારે બારીમાંથી ડોકિયા કરતો જણાય ત્યારે, તારું બદન શું માગે છે ? તારો પ્રેમી તને બાંહોમાં સમાવે, તારી મનની મુરાદ પૂરી કરે. તને સ્વર્ગની સેર કરાવે ! તારું તન અને મન એ આહલાદક અનુભવ કરવા તરસે છે.’ પ્યારથી વેલની માફક કોઈને લપેટાઈ જઈ તેનો ભીનોભીનો સંગ માણવા મન અધીરું નથી ?

જલ્પા, હોશ ગુમાવી રહી હતી. અચાનક ખુરશી પરથી ઉભી થઈ પોતાના કમરામાં ઝડપથી આંટા મારવા લાગી. પગમાં જેમ જોમ આવતું ગયું તેમ મન સ્થિર અને શાંત થયું. જાત પર અંકુશ લાવી એક સ્થળે ઉભી રહી.

‘જલ્પા તને આજે શું થાય છે ? તારા મનનો ઉભરો ઠાલવવો હોય તો ઠાલવી મનને શાંત કર. એમાં જરાય વાંધો નથી. શું આ પરિસ્થિતિમાંથી પસાર થવા તને કોઈએ દબાણ કર્યું હતું ‘

‘ના’.

આ માર્ગ તેં સ્વેચ્છાએ સ્વિકાર્યો હતો. ‘

‘હા’.

તને માતા અને પિતા પ્રત્યે ખૂબ આદર અને ભક્તિભાવ હતો ?’

‘હા’.

તને લાગ્યું કે આ તારી ફરજ બને છે’.

‘હા’.

તારા માતા અને પિતાને તારા પર સંપૂર્ણ વિશ્વાસ હતો ?’

‘એમાં શંકાને સ્થાન નથી’.

‘તને ખબર હતી આવી વિકટ પરિસ્થિતિનો તારે સામનો કરવો પડશે ?'

‘અરે, આવું તો મેં સ્વપનામાં પણ વિચાર્યું ન હતું. ‘

‘આવી પરિસ્થિતિમાં બીજો કોઈ માર્ગ તને જડ્યો હતો ?"

"જે માર્ગ મેં અપનાવ્યો હતો, તે ઉત્તમ હતો.’

"મારા માતા અને પિતાએ મારામાં મૂકેલો ભરોસો, મને આ માર્ગ લેવા ઈશારા કરી રહ્યો હતો. મને કોઈએ જબરદસ્તી કરી ન હતી. મેં સ્વેચ્છાએ આ માર્ગ ગ્રહણ કર્યો હતો !"

‘તને આટલા વર્ષે શુ આનો અફસોસ છે”.

‘હોય કાંઈ, મને ખૂબ ગર્વ છે. ‘

‘તો આજે તું આ શેનું પ્રકરણ લઈને બેઠી છે ?"

‘કોને ખબર કેમ આજે મારું દિલ અંદરથી બળવો પુકારે છે. જે આજ પહેલાં સળવળ્યું પણ ન હતું. હા, ક્યારેક ઉછળ કૂદ કરતું હતું પણ હું , ‘આંખ આડા કાન કરતી હતી.’

"હવે જ્યારે જય અને જેમિની તેમની રાહ પર ચડી ગયા છે. મંઝિલ પર કૂચ જારી છે. ધ્યેયને પામશે તેવી ખાત્રી છે. એ ટાણે મને હવે આવું સુઝે છે ?"

‘લે મન હું, તારું વચન સાંભળું છું. આજે ખુલ્લે દિલે મારી પાસે એકરાર કર તું શું ઈચ્છે છે’.

‘મન બબડ્યું, હવે હું શું બોલું ? જ્યારે બોલી તારા કાન પકવ્યા ત્યારે તું બધિર થઈ ગઈ હતી. મને કચડી નાખ્યું હતું. મારી સામે તડૂકી મને શાંત રાખી ધુંઆપુંઆ થઈ તું રિસાઈ જતી’.

‘એ સમય અલગ હતો. જય અને જેમિની નાના હતાં. મન, તું તો ઉસ્તાદ છે. તને જો મેં વાર્યું ન હોત તો આજે આ પરિણામ જોવા ન મળ્યું હોત. ‘ મારા નાના ભાઈ અને બહેનને તેમના જીવનમાં ઠરવાનો લહાવો ન મળ્યો હોત."

”બસ હવે ભૂતકાળની વાત ન વાગોળ’.

‘આજે મારી પાસે પૂરતો સમય છે. કોઈ નવો રાહ દેખાડ’.

‘તને ખબર છે તારી ઉમર ૩૨ વર્ષની થઈ ગઈ.’

‘તો શું હું હવે બુઢ્ઢી થઈ ગઈ’?

‘ના, બુઢ્ઢી તો ન કહેવાય પણ પરણવાની ઉમર વટાવી ચૂકી છે’.

"શું સ્ત્રીના જીવનમાં એક જ ધ્યેય હોઈ શકે. ઉમર થાય એટલે પરણવાનું. સાસરીમાં પ્રેમે સમાવાનું. જેને જાણતા પણ ન હતાં તેમને પોતાના માનવાના. ભણતર સારું હોય તો કમાવા જવાનું. પતિને પરાણે પ્રેમ કરવાનો. પોતાની ઈચ્છાઓનું દમન કરવાનું. બાળકો મશીનની માફક પેદા કરી તેમની જીંદગીમાં ઉલઝાઈ આખી જીંદગી ઢસરડા કરવાના. આ સિવાય સ્ત્રીને બીજું કાંઈ કરવાનો અધિકાર નથી.”

‘છી, છી આવા કેવા વિચાર મને આવે છે. સ્ત્રીનું જીવન તો પવિત્ર છે. સ્ત્રી છે તો આ ધરા પર માનવજાતિ ટકી રહી છે. ‘ન પરણવું એ મારો પોતાનો વિષય હતો. નાના ભાઈ અને બહેનને મારે સુંદર જીવન આપવું હતું. દાદી જે મારા પિતાશ્રીના મા છે તેમની આંતરડી ઠારવી હતી’.

હે, મન તું મને બહેકાવ નહી. ‘હે મન, તને માર્ગ બતાવવાનું કહ્યું હતું. રૂંધવાનું નહી’ !

‘મન મુસ્કુરાઈ ઉઠ્યું’.

‘લે, મન હું તને શાંતિથી સાંભળું છું. સત્ય અને જવાબદારી પૂર્વકનો માર્ગ ચિંધજે’.

‘પાછી જવાબદારી !’

‘કેમ જયને હજુ એક વર્ષ આઈ.આઈ.ટી.નું બાકી છે. જેમિની કોલેજમાં આવી હજુ તેને પણ પાંચ વર્ષ પાકા’.

ઓ, ત્યાં સુધીમાં તું ચાલીસની થવા આવશે. પછી માળા ફેરવજે. તારી સાથે વાત કરવી નકામી છે’.

‘તો શું મારી આટલા વર્ષોની તપશ્ચર્યા પાણીમાં જવા દંઉ’. જીવનની બગિયાને ખિલવી શું હવે તેને અડધે રસ્તે ત્યજી મુરઝાવા દંઉ !"

"ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ"

જલ્પાએ શાંતિઃનું ઉચ્ચારણ કર્યું. મન જાણે તેનું ગુલામ બની ગયું. આજે સવારથી મન તેં આ શું તોફાન માંડયું છે ?

"મારા છેલ્લા વર્ષોની તપશ્ચર્યાની હાંસી ઉડાવે છે ! જો તારે મારી લાકડી ન બનવું હોય તો કાંઈ નહી, મારા કાર્યમાં ‘ટાંગ અડાવીને’ તારે શું પામવું છે ?"

"મારો સ્પષ્ટ વિચાર તને સંભળાવું છું."

”હું જલ્પા શાહ, ગીતા પર હાથ મૂકી સત્ય કહીશ. સત્ય સિવાય બીજું કાંઇ નહી કહું, મેં સ્વેચ્છાએ મારા માતા અને પિતાના અકસ્માતમાં થયેલા નિધન પછી કુટુંબની ભરણ પોષણની જવાબદારી ઉઠાવી છે. મને કોઈએ દબાણ કર્યું ન હતું. માતા તેમજ પિતાના સંસ્કાર દીપાવવા જે મને યોગ્ય લાગ્યું હતુ તે નિઃસંકોચ કર્યું.”

મનની તાકાત ન હતી કે એક શબ્દ પણ ઉચ્ચારી શકે. તે નિઃશબ્દ બની ગયું.

‘મન, મનોમન શરમિંદુ બની ગયું. છેલ્લા ત્રણેક કલાકથી જે ઉધામા મચાવતું હતું, તે વિસરી શાંતિની ગહરાઈમાં ડૂબી ગયું.’

હાશ હવે તું, ‘મન’ ઠેકાણે સાચી પટરી પર આવ્યું. મને મારા કુટુંબ પ્રત્યે પ્રેમ છે. જીવનમાં સાચો રાહ દર્શાવવા બદલ મારા માતા અને પિતાના સંસ્કાર તેમ જ પ્રેમે અગત્યનો ભાગ ભજવ્યો છે. તેમણે મૂકેલો ‘વિશ્વાસ’ મારા જીવનનો શ્વાસ છે."અચનક યાદ આવ્યું આજે દિવાળીનું મગલ પર્વ છે.

‘આ હું શું સવારના પહોરમાં વિચારી રહી છું. ઉઠાડવા દે જેમિનીને, નાહી ધોઈને તૈયાર થઈ જાય. દાદી આરતિ ટાણે બધાને બોલાવશે, હજુ તો મારે જય ને ફોન કરવાનો છે. જીની ને લઈને રાતના આવે. આજે બધા સાથે બેસી જમીશું.

જલ્પાનું મન ઘનઘોર વર્ષા પછીના નિર્મળ નભ જેવું થઈ ગયું હતું. તેના અંતરમાં આનંદ છવાયો. ‘ચોપડા પૂજન ‘માટે શુકનની ડાયરી મૂકી. લક્ષમીજીનો સુંદર ફોટો. માતા અને પિતાનો ફોટો મૂક્યો. કનૈયો તો હોય જ. હાર અને આસોપાલવના તોરણથી ઘર શણગાર્યું. સાવિત્રી બહેનને પણ લાપશી રાંધવાનું કહ્યું હતું. ગરમા ગરમ ભજિયા જે પપ્પાને ખૂબ ભાવતા તે બનાવવાના હતા. જેમિની અને જલ્પાએ સાથે મળી સરસ મજાની રંગોળી કરી.

ચાલો ત્યારે દિવાળીના દીવડા પ્રગટાવીએ. ફટાકડા ફોડવાની સહુ સંગે મજા માણીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational