જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
ચંદુના મમ્મી-પપ્પાને સોસાયટીના બીજા સભ્યો સાથે સોસાયટીના કામ અર્થે ક્યાંક બહારગામ જવાનું થયું. ઘરે પાછા આવતા સાંજ પડી જાય તેમ હતું. તેથી ચંદુ અને તેના મિત્રોએ ભેગા મળી, ચંદુના ઘરે જ રમવાનું અને તેમના માતા-પિતા ન આવે ત્યાં સુધી ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. ચંદુના માતા-પિતા સ્વચ્છતાનાં હિમાયતી હતાં, એટલે તેમને ઘર ગંદુ થાય તે પસંદ નહોતું. પરંતુ છોકરાઓ ભેગા થાય એટલે ઘર બગાડ્યા વગર રહે ખરા ? ચંદુના ઘરે સોસાયટીના બધા છોકરાઓ ભેગા થયા હતાં. બધાએ આખો દિવસ ખૂબ મસ્તી કરી. નાસ્તો બનાવ્યો હતો તે ખાધો, સોંગ ચાલુ કરી બધાએ ડાન્સ કર્યો અને આખા ઘરમાં સંતાકૂકડી પણ રમ્યા.
ચંદુ અને તેના મિત્રોને રમવાની ખૂબ મજા પડી ગઈ. આખો દિવસ ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી.જોત જોતામાં તો સાંજ પડી ગઈ. સાંજે જ્યારે છોકરાઓએ ચંદુના ઘર સામે નજર કરી તો ખબર પડી કે બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સાંજ સુધીમાં તો છોકરાઓએ આખું ઘર તહેસ-નહેસ કરી નાખ્યું હતું. કોઈ વસ્તુ તેની જગ્યા પર રહી નહોતી. હવે ચંદુને લાગી બીક. કેમ કે મમ્મી પપ્પાનો આવવાનો સમય પણ થઈ ગયો હતો, અને એટલા સમયમાં બધું સરખું થઈ જાય તેમ હતું નહીં.
ચંદુના મિત્રોમાં એક ઝેનું નામની છોકરી પણ હતી. તેણે એક યુક્તિ કરી. તેણે કહ્યું કે, "મારી પાસે એક જાદૂઈ ચિરાગ છે. જેની મદદથી ચપટી વગાડતાં જ બધું આપમેળે જ સરખું થઈ જશે." સૌ મિત્રો ખુશ થઈ ગયાં અને ઝેનુંને મદદ કરવા કહ્યું. ઝેનુંએ પોતાની બેગમાંથી ચિરાગ કાઢ્યો અને તેને પોતાના ડાબા હાથ વડે પકડી, જમણો હાથ ચિરાગ પર ઘસવા લાગી. જોતજોતામાં ચિરાગની અંદરથી ધુમાડો નીકળ્યો અને તેમાંથી એક જીન બહાર આવ્યો. બહાર આવીને જીને કહ્યું, " આદેશ કરો માલિક". ઝેનુંએ કહ્યું કે, " અમે બધા મિત્રોએ ભેગા મળીને રમતાં રમતાં ચંદુનું ઘર ખૂબ જ ખરાબ કરી દીધું છે. તેના મમ્મી પપ્પાનો આવવાનો સમય પણ થઈ ગયો છે. જો સમયસર બધું સરખું નહીં થાય, તો ચંદુનાં માતા-પિતા ચંદુને વઢશે અને સાથે સાથે અમને પણ. અમારી પાસે એટલો સમય નથી કે અમે આ બધું જાતે સરખું કરી શકીએ. એટલે મારા મિત્ર જીન, તમે અમને આ બધું સરખું કરવામાં અમારી મદદ કરો." જીને કહ્યું, " જેવી આપની આજ્ઞા માલિક. તમે બધા થોડી વાર માટે એક ટેબલ પર બેસી જાઓ, અને પછી જુઓ આ જીનનો કમાલ." બધા મિત્રો એક ટેબલ પર ગોઠવાઈ ગયાં, અને જીને ફટાફટ બધી વસ્તુઓ સરખી કરી દીધી. આંખના પલકારામાં તો ચંદુનું ઘર પહેલાં જેવું જ ચકચકીત થઈ ગયું. બધા મિત્રો ખુશ થઈ ગયાં, અને તેમણે જિનનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો. સાંજે બધાનાં માતાપિતા આવી ગયા એટલે સૌ પોત પોતાના ઘરે જતાં રહ્યાં.
