જાદુઈ છડી
જાદુઈ છડી
જ્યારથી પરીની મમ્મીએ એક અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવ્યા, ત્યારથી પરી ઉદાસ રહેતી હતી. અકસ્માત પહેલાં પરીએ પોતાની મમ્મી સાથે વિતાવેલો સમય અને તે સમયમાં મમ્મી સાથે કરેલી મસ્તી યાદ આવી જતાં અને તેની આંખો ભરાઈ આવતી.
હંમેશા ઉદાસ રહેતી પરી આજે અચાનક ટીવીમાં જાદુગરના શોમાં આવતી જાદુઈ છડી જોઈને ખુશ થઈ ગઈ અને દોડતી માસી જોડે જઈને પૂછ્યું, "માસી માસી, આવી જાદુઈ છડી ક્યાં મળે ?" માસીએ સહજતાથી પૂછ્યું કે, "મારી પરી આ જાદુઈ છડીનું શું કરશે ?" પરીનો જવાબ સાંભળી તેની માસી પણ પોતાના આંસુ રોકી શકી નહિ. પરીએ કહ્યું કે, "એ જાદુઈ છડી વડે હું મમ્મીના પગ પાછા લાવી દઈશ અને અમે ફરીથી પહેલાની જેમ મસ્તી કરીશું." માસીએ અશ્રુભીની આંખે પરીને ભેટી લીધી અને ખૂબ વ્હાલ વરસાવ્યું.
