હવે તો ‘હા’ પાડ !
હવે તો ‘હા’ પાડ !
ગઈ કાલે જે બન્યું, જોયું અને સાંભળ્યું તે ગમ્યું નહી એ સત્ય છે. પરંપરા અને સંસ્કૃતિને મારો ગોલી પણ અંતરાત્માને તો પૂછો ? માંહ્યલો શું કહે છે ? યાદ રાખજો માંહ્યલો કદી ‘જુઠું’ નથી બોલતો! ૨૧મી સદીના પંદર વર્ષ હવે પૂરા થશે. સદી બદલાઈ, ગતિ બદલાઈ પણ જગત નિયંતાનો ક્રમ ન બદલાયો. સવાર, સાંજ, ઉનાળો , શિયાળો, પાનખર, વર્ષા, હિમ બધું ઠેરનું ઠેર છે. અરે બાળક પણ એ જ પુરાણી ઢબે ધરતી પર અવતરણ કરે છે. શું જીવનમાં ‘લગ્નની’ પ્રથા નાબૂદ થવી જોઈએ ? મારા મતે આ એકદમ વાહિયાત વાત છે. લગ્ન સંસ્થા ખૂબ પવિત્ર છે. સમાજમાં અનાચાર થતો અટકાવે છે. ‘વિશ્વાસ’ અને ‘પ્રેમ’ તેના પાયામાં સિમેન્ટ તરિકે ધરબાયા છે.
હા, અમેરિકાએ ‘એક જ જાતિના‘ લગ્ન કાયદેસર કર્યા. હવે કદાચ તેઓને ત્યાં ‘પારણું’ બંધાય તે સમાચાર આવે તો નવાઈ ન પામશો ! એક જ રસ્તો છે ‘દત્તક લે’ અથવા સ્ત્રી ’બીજાનું બીજ‘ પોતાના ગર્ભમાં ધારણ કરે ! ખેર આ થઈ આડી અવળી વાત. ભાઈ આપણને તો રોજબરોજની સરળ જિંદગીમાં રસ છે.
લગ્નની સંસ્થાના પાયા ખૂબ મજબૂત છે. તેને માટે ખોટી ચળવળ એ સમયની બરબાદી સિવાય કાંઈ નથી. પોતાના બાળકોને જાનથી પણ વધુ ચાહનાર માતા અને પિતા જો લગ્ન વગર બાળક આવવાના સમાચાર અપે ત્યારે ઘડી ભર અંદરથી હાલી જાય છે. હા, આવનાર બાળકને અને પોતાના સંતાનને પાંખમાં જરૂર ઘાલે છે. તેમાં બે મત નથી. વિશ્વાસ અને સ્નેહના તાણાવાણા જીવનમાં સુંદર ભાત પાડે છે.
આજનો યુવક. ’આઝાદી ઝંખે છે કે સ્વચ્છંદતા’ ? તેને કોઈ ઘરેડમાં બંધાવું ગમતું નથી. સાચું માનો તો હવે એ “માતા અને પિતાનાઃ પવિત્ર રિશ્તામાં પણ ગુંગળામણ અનુભવે છેા તેમના દરેક શબ્દ યા કાર્યને શંકાની દૃષ્ટિથી મૂલવે છે! ઘણી વખત તે બીજાના ચડાવેલા ચશ્માથી નિહાળે છે! ‘જુવાની દિવાની'. એ કાંઈ નવું નથી ! જુઓ બાળપણ જાય એટલે શૈશવ આવે ! શૈશવ જાય અને જુવાની આવે. જુવાની પછી પુખ્તતા. પુખ્તતા પછી પ્રૌઢતા. અંતે આવે વાનપ્રસ્થ, એ રહે સહુના જીવનના છેલ્લા શ્વાસ સુધી.
નિકિતા ૨૧મી સદીની, અનિકેતને કોઈ પણ વાતનો ખુલાસો આપ્યા વગર જાણે પહેચાન ન હોય એમ દૂર સરી ગઈ. છોકરીઓ સ્વાર્થમાં અંધ બને છે ત્યારે તેમને પોતાની જાત અને માતા, પિતા સિવાય કશું નજર આવતું નથી. બીજાના દિલને તોડતા લેશ પણ આનાકાની કરતી નથી. જાણે કશું બન્યું નથી એમ સ્વાભાવિક પણે વર્તન કરી શકે છે.
પોતાનું મનપસંદ ન થાય એટલે દસ શેરી હલાવી નન્નો ભણે. માત્ર દરેકને જ્યારે પોતાનું મન ચાહ્યું થાય ત્યારે જ ‘હા’ પાડવી ગમે છે. હવે આ મન ચાહ્યું ભલે બીજાને પારાવાર નુકસાન પહોંચાડતું હોય ! તેની સાથે એને કોઈ લેવાદેવા નથી. ”સ્વાર્થ” નામનો અજગર એવો ભરડો લગાવીને બેઠો છે કે તેની ચૂડમાંથી નીકળવું આસાન નથી !
વર્ષોથી નિકિતાની રાહ જોઈ બેઠેલો અનિકેત થાક્યો પણ હાર્યો નહી. બાળપણથી જુવાનીના ઉંબરે આવીને ઉભા હતા. તેને ખબર હતી નિકિતા તેને ખૂબ ચાહે છે. એવું કયું કારણ છે, જે પ્રેમને લગ્નના પવિત્ર રિશ્તામાં ફેરવવા ‘હા’ પાડતી નથી.
નિકિતા, અનેકેતને દિલોજાનથી ચાહતી હતી. બાળપણથી સાથે ઉછર્યા હતા. મોઢેથી નહી પણ આંખોથી એકરાર થઈ ગયો હતો. તે જાણતી હતી અનિકેત શું ઝંખી રહ્યો છે. કેમ ‘હા’ પાડવા માટે અચકાતી હતી. ઘરમાં પણ વાતાવરણ ખૂબ તંગ હતું. તેના પિતાજીની નોકરી ગઈ હતી. તેમને માથે ખોટું ચોરીનું આળ ચડાવી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. નિકિતાના પિતાજી સજ્જનતા અને સત્યના હિમાયતી હતા. તેમને શેઠ સાથે પણ સંબંધ ખૂબ સારા હતા. જે બાકીના ગુમાસ્તા અને મહેતાજીને નડતું. મહેતાજીએ હિસાબમાં ગોટાળો કર્યો હતો. આળ નિકિતાના પપ્પાને માથે ઓઢાડ્યું. શેઠને ખૂબ અફસોસ થયો. તેમને ચીમનભાઈનું કામ ખૂબ ગમતું. ચીમનભાઈને થયું જો શેઠને મારા પર વિશ્વાસ નથી તો પછી આ સ્થિતિમાં મારે કોઈ બચાવ કરવો નથી. આ શેઠની નોકરી મારે નથી કરવી.
નિકિતાને ખૂબ શરમ આવી. કઈ રીતે અનિકેતને આ બધી વાત કરે ! તેને થતું મારા પિતાજી નિર્દોષ છે. નિકિતા બન્ને બાજુથી મુંઝાતી હતી. મમ્મીના ગયા પછી એ પિતા પર પ્રાણ પાથરતી. લગ્ન વિશે તેના મનમાં ખૂબ ઉચ્ચ ભાવના હતી. ૨૧મી સદીમા પણ તેને આ પ્રથા પર નાઝ હતો. અનિકેતને મળવાનું પણ ટાળતી. ચીમનભાઈ આ બધું સમજતા. દીકરીને કઈ રીતે સમજાવે.
અનિકેતને વિશ્વાસ હતો. નિકિતા કોઈ કારણસર ‘હા’ પાડતાં અચકાય છે . તેણે અથાગ પ્રયત્ન કર્યો. વાત જાણવામાં સફળતા મળી નહી ! આખરે તેના પિતાને વાત કરી. ચીમનભાઈને ખૂબ નવાઈ લાગી. બનવાકાળ પેલા શેઠ જ્યારે ખૂબ બારિકાઈથી એ પ્રસંગને તપાસી રહ્યા હતા. ત્યારે સત્ય બહાર આવ્યું. ખરેખર જેણે કાવતરું કર્યું હતું તેને જાતે પૉલિસમાં સોંપ્યો. હવે તેમના હ્રદય પરથી દસ મણની શીલા ઉતરી ગઈ. ચીમનભાઈ આજે ખૂબ અધિરાઈથી નિકિતાની રાહ જોતા હતા. પિતાજીને થયેલા હળાહળ અપમાન પછી નિકિતા ખૂબ ધુંધવાઈ હતી. તેમની આજ્ઞા અવગણી સારી નોકરી કરતી હતી.
અનિકેત બધો ખેલ નિહાળી રહ્યો હતો. જ્યાં સુધી નિકિતા સામે ચાલીને ખુલાસો ન કરે ત્યાં સુધી તેણે કાંઈ પણ પૂછવું મુનાસિબ ન માન્યું. પોતાની જાતને કામમાં મગ્ન રાખતો. જ્યારે માતા કે પિતા લગ્નની વાત છેડે ત્યારે શું ઉતાવળ છે કહી વાતને બીજા પાટા પર ચડાવતો. બાળકો જ્યારે પુખ્ત વયના થાય ત્યારે તેમને બહુ સવાલ ન પૂછવા તેનાથી તેઓ પરિચિત હતા. અનિકેત પોતાની મુંઝવણ કોને કહે? કોઈ ભાઈ કે બહેન પણ હતા નહી. સુંદર, કુશળ અને બાહોશ અનિકેત થોડો શરમાળ કહી શકાય. તેને પોતાને ઘણીવાર થતું કઈ રીતે હિમ્મત કરીને નિકિતાને પોતાના દિલના ભાવ જણાવ્યા હતા? એ જ નિકિતા આજે એનાથી સંતાકૂકડી રમતી હતી. ધીરજ તેની પાસે સિલકમાં ખૂબ હતી. શાંતિથી તાલ નિહાળતો રહ્યો.
આજે ચીમનભાઈ નિકિતા ઘરે આવી ત્યારે ડાઈનિંગ ટેબલ સજાવીને બેઠા હતા. રસોઈવાળી બાઈને સૂચના આપી હતી નિકિતાનું ભાવતું બધું બનાવે. સુંદર ફુલોનો ગુલદસ્તો નિકિતાને આવકારવા તત્પર હતો. રોજ કરતાં નિકિતા જરા મોડી આવી. ચીમનભાઈ ટી.વી.ના સમાચાર જોતાં ઝોકું ખાતા હતા. તેટલામાં નિકિતા ટપ ટપ ઉંચી એડીના સેંડલ બોલાવતી આવી. ઘરના દીદાર જોઈ આશ્ચર્ય થયું. ‘સોનું આજે શું છે’? તેમનો ૨૦ વર્ષ જૂનો નોકર દોડીને આવ્યો. તેને નોકર ન કહેવાય. ઘરનો સદસ્ય હતો.
‘બહેન, આ બધું શેઠના કહેવા પ્રમાણે કર્યું છે.'
અવાજ સાંભળી ચીમનભાઈ જાગ્યા. ‘આવી ગઈ બેટા’?
‘હા. પપ્પા.'
‘કેમ આજે મોડું થયું?’
‘કામ હતું.’
‘શાંતિથી બેસ મારે તારી સાથે જમતા પહેલાં વાત કરવી છે.’
‘સો્નુ બહેન માટે લીંબુ પાણી લાવ.'
બન્ને બાપ દીકરી તેની મોજ માણી રહ્યા. ‘શાંતિથી સાંભળ. જરા પણ પ્રશ્ન ન પૂછીશ.'
‘બેટા અનિકેત આવ્યો હતો. ગયા રવિવારે અમે મળ્યા. તેણે મને તારી વાત કરી. મને બહુ આગ્રહ કરી સાચી વાત કઢાવી. મારા શેઠને ત્યાં એ ઑડિટ કરે છે. શેઠને તેણે આગ્રહ કરી સાચી વાત વિષે તપાસ કરવાનો આગ્રહ રાખ્યો. આખરે સત્ય બહાર આવ્યું. આજે બપોરે શેઠ ઘરે આવ્યા હતા. મારા પર શંકા કરવા બદલ ખૂબ દિલગીરી પ્રદર્શિત કરી. ’આગળ હવે તું સમજી શકે તેટલી હોશિયાર છે.'
નિકિતા એક શબ્દ પણ સાંભળવા રોકાઈ નહી. મારતી ગાડીએ અનિકેત અને તે બન્ને જણા મળતા હતા એ સ્થળે આવીને ઉભી રહી. અનિકેત તેની રાહ જોત હતો. તેને ખબર હતી નિકિતા આવ્યા વિના નહી રહે ! ‘હવે તેના જવાબની રાહ પણ નહી જોવી પડે!'
